લલવાર, લૂઇ ફેડરિકો (જ. 6 સપ્ટેમ્બર 19૦6, પૅરિસ; અ. 2 ડિસેમ્બર 1987, બૂએનૉસ આઇરિસ) : 197૦ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર. આર્જેન્ટીનાના જૈવરસાયણવિદ. યુનિવર્સિટી ઑવ્ બૂએનૉસ આઇરિસ(આર્જેન્ટીના)માંથી 1932માં તેઓ ઔષધશાસ્ત્રમાં ગ્રૅજ્યુએટ થયા.

લૂઇ ફેડરિકો લલવાર

1934–35માં તે જ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિયૉલૉજીમાં ઉત્સેચકવિજ્ઞાનમાં કામ કરતા હતા ત્યારે સંશોધન માટે મેરિટ સ્કૉલરશિપ મળતાં, એક વર્ષ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં જૈવરસાયણની પ્રયોગશાળામાં કામ કર્યું. પછી તેમણે અમેરિકામાં સેંટ લૂઇઠના વૉશિંગ્ટન વિશ્વવિદ્યાલયમાં તેમજ કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં સંશોધનો કર્યાં. 1937માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિયૉલૉજીમાં પાછા ફરીને ચરબીજ ઍસિડોના ઉપચયન અંગે સંશોધન કર્યું. 1944માં તેમને આર્જેન્ટાઇન નૅશનલ સાયન્સ પ્રાઇઝ મળ્યું અને 1947માં કૅમ્પોમાર ફાઉન્ડેશનના જૈવરસાયણ સંશોધન માટેની સંસ્થાના વડા નિમાયા. અહીં સહકાર્યકરો સાથે તેમણે શરીરમાં લૅક્ટોઝ (દુગ્ધશર્કરા) કેવી રીતે બને છે તથા તેનું કેવી રીતે વિઘટન થાય છે તે અંગે સંશોધન કર્યું. કાર્બોહાઇડ્રેટના ચયાપચય અંગેના પ્રચલિત ખ્યાલો તેમના સંશોધન દ્વારા બદલાયા. આ સંશોધનો દ્વારા તેમણે કાર્બોહાઇડ્રેટના ચયાપચયમાં ચાવીરૂપ પદાર્થો શર્કરા ન્યૂક્લિયૉટાઇડ્ઝ શોધી કાઢ્યા. આ ઉપરાંત ગ્લાયકોજનનું બનવું તથા વપરાવું તેમજ યકૃતના કેટલાક ઉત્સેચકો જે રીતે ગ્લુકોઝમાંથી તેના સંશ્લેષણમાં ભાગ લે છે તે અંગે પણ ફળદાયી સંશોધન કર્યું. ખોરાકનું ગ્લુકોઝમાં તથા ત્યારબાદ તેનું ગ્લુકોરીનમાં પરિવર્તન જે પ્રવિધિ દ્વારા થાય છે તે ‘લલવાર માર્ગ’ તરીકે પ્રસિદ્ધ માર્ગ (road) સઘળાં જીવંત પ્રાણીઓમાં યકૃત(liver)માં હોય છે અને ગ્લાયકોજન બનાવવા તરફ તે દોરી જાય છે. આ પ્રવિધિ ગ્લાયકોજન કાર્બોહાઇડ્રેટના ચયાપચયન માટે અતિ મહત્વની છે.

197૦નું રસાયણવિજ્ઞાનનું નોબેલ ઇનામ તેમને શર્કરા ન્યૂક્લિયૉટાઇડ્ઝની શોધ તથા કાર્બોહાઇડ્રેટના જૈવ સંશ્લેષણ માટે આપવામાં આવ્યું હતું.

જ. પો. ત્રિવેદી