લકવો (paralysis) : સ્નાયુઓનું નિયંત્રણ કરતા ચેતાતંત્રના કાર્યમાં વિકાર કે વિક્ષેપ ઉત્પન્ન થાય ત્યારે ઉદભવતી સ્નાયુઓની નબળાઈ.  તેમાં સ્નાયૂર્જા(muscle power)માં ઘટાડો થાય છે. તેને ઘાત પણ કહે છે. શરીરનાં અંગો-ઉપાંગોનું હલનચલન તેમાં રહેલા સ્નાયુઓના સંકોચન અને શિથિલન વડે થતું હોય છે. આ ક્રિયાઓ પર ચેતાતંત્રનું નિયંત્રણ હોય છે. ચેતાતંત્રનો જે ભાગ આ નિયંત્રણ કરે છે, તેને ચાલક અથવા પ્રેરક ચેતાતંત્ર (motor nervous system) કહે છે. તેના મુખ્યત્વે 2 ભાગ છે : ઉપરના પ્રેરક ચેતાકોષો(motor neurons)નો સમૂહ અને નીચેના પ્રેરક ચેતાકોષોનો સમૂહ. તેમને અનુક્રમે ઊર્ધ્વ પ્રેરક ચેતાકોષો (upper motor neurons) અને અધ:પ્રેરક ચેતાકોષો (lower motor neurons) કહે છે. મોટા મગજ(ગુરુ-મસ્તિષ્ક, cerebrum)ના બાહ્યક (cortex) નામના ભૂખરા દ્રવ્યના બનેલા, બહારના ગડીઓ બનાવતા ભાગમાં ઊર્ધ્વ પ્રેરક ચેતાકોષો આવેલા છે. તેમનામાંથી ચેતાતંતુઓ નીકળે છે, જે નીચે લંબાઈને મધ્યમસ્તિષ્ક (midbrain), મજ્જાસેતુ (pons) અને લંબમજ્જા (medulla oblongata) નામના ખોપરીમાંના વિવિધ મગજના ભાગોમાં થઈને કરોડરજ્જુમાં પ્રવેશે છે. લંબમજ્જામાં આગળના ભાગે અને મધ્યરેખાની જોડે ઊંધા પિરામિડ આકારના બે ભાગ આવેલા છે; જેમાંથી ઊર્ધ્વ પ્રેરક ચેતાકોષો પસાર થાય છે અને કરોડરજ્જુમાં પહોંચે તે પહેલાં મોટાભાગના મધ્યરેખાને ઓળંગીને બાજુ બદલે છે. આ ચેતાતંતુઓ પિરામિડ નામના વિસ્તારમાંથી પસાર થતા હોવાથી તેમને પિરામિડીય ચેતાતંતુઓ કહે છે તથા તેમનાથી બનતા ચેતાપથને પિરામિડીય ચેતાપથ (pyramidal tract) કહે છે. તેમને ચતુષ્પાર્શ્વીય-શંકુ(pyramid)લક્ષી ચેતાપથ પણ કહેવાય છે. કરોડરજ્જુમાં તે અગ્ર (anterior) અને પાર્શ્વ (lateral) સ્તંભ દ્વારા નીચે ઊતરે છે. જે ચેતાતંતુઓએ બાજુ બદલી ન હોય તેઓ કરોડરજ્જુમાં મધ્યરેખા ઓળંગીને બાજુ બદલે છે. મોટા મગજના બાહ્યકમાંથી કરોડરજ્જુ (મેરુરજ્જુ) સુધી આ ચેતાપથ લંબાતો હોવાથી તેને બાહ્યક-મેરુરજ્જુ ચેતાપથ (corticospinal tract) પણ કહે છે. તેમાંના ચેતાતંતુઓ કરોડરજ્જુની અંદર આવેલા અગ્રશૃંગ (anterior horn) નામના ભૂખરા દ્રવ્યના બનેલા વિસ્તારમાં પ્રવેશે છે અને ત્યાં તે સમાપ્ત થાય છે. અહીં અધષ્પ્રેરક ચેતાકોષો આવેલા હોય છે. તેમની સાથે ઊર્ધ્વ પ્રેરક ચેતાતંતુઓ ચેતાગ્રથન (synapse) કરે છે; જેથી કરીને મગજમાંથી આવતા આવેગ(impulse)ના રૂપના સંદેશાઓ અધષ્પ્રેરક ચેતાકોષને પહોંચે છે. ચેતાતંતુ-ચેતાકોષના આ મિલનને ચેતાગ્રથન કહે છે અને તેમાં સંદેશાવહન માટે રાસાયણિક દ્રવ્યો કાર્ય કરે છે તેને ચેતાસંદેશવાહક (neurotransmitter) કહે છે. નીચલા પ્રેરક ચેતાકોષો અથવા અધષ્પ્રેરક ચેતાકોષોમાંથી નીકળતા ચેતાતંતુઓ કરોડરજ્જુની આગળની બાજુએ આવેલા ચેતામૂળ(nerve root)માં થઈને બહિર્વિસ્તારી ચેતાઓ (peripheral nerves) તરફ જાય છે અને જુદા જુદા સ્નાયુઓનાં સ્નાયુતંતુજૂથોને સંદેશ પહોંચાડે છે. તે પ્રમાણે જે તે સ્નાયુ કે સ્નાયુતંતુજૂથ સંકોચન અથવા શિથિલનની ક્રિયા કરે છે.  ચેતાઓ અને સ્નાયુતંતુ વચ્ચે પણ એક જોડાણ છે, જેને ચેતા-સ્નાયુજોડાણ કહે છે. ત્યાં પણ રાસાયણિક સંદેશવાહકો કાર્ય કરે છે. ચેતાતંતુઓમાં આવેગવહન વખતે તથા સ્નાયુઓમાં સંકોચન વખતે સોડિયમ, પોટૅશિયમ અને કૅલ્શિયમના આયનો સક્રિય હોય છે. ચેતાકોષો અને ચેતાતંતુઓને પોષણ તથા ઑક્સિજન માટે નસો દ્વારા લોહી પહોંચાડવામાં આવે છે. આમ, સ્નાયુઓ વડે કરાતા હલનચલનમાં વિવિધ સંરચનાઓ અને ભૌતિક અને રાસાયણિક ક્રિયાઓ ભાગ લે છે. તેમાંથી કોઈ એક કે વધુ ક્રિયા કે સંરચનામાં વિકાર કે વિકૃતિ ઉદભવે તો સ્નાયુઓની ક્રિયાક્ષમતા (સ્નાયૂર્જા, muscle power) ઘટે છે અથવા જતી રહે છે. તેને લકવો કહે છે.

આકૃતિ 1 : પ્રેરક ચેતાતંતુઓના ચેતાપથો

સ્નાયુઓના લકવાને મુખ્ય 2 વિભાગમાં વહેંચી શકાય – ચેતાતંત્રીય વિકારો અને સ્નાયવી વિકારો. ચેતાતંત્રીય વિકારોના મુખ્ય 2 ઉપપ્રકારો છે. ઊર્ધ્વપ્રેરક ચેતાકોષીય લકવો અને અધષ્પ્રેરક ચેતાકોષીય લકવો. મોટા મગજના બાહ્યકથી માંડીને કરોડરજ્જુના અગ્રશૃંગથી ઉપર આવેલા પ્રેરક ચેતાકોષો અને ચેતાતંતુઓમાં વિકાર ઉદભવે ત્યારે ઊર્ધ્વપ્રેરક ચેતાકોષીય લકવો થાય છે. મગજમાં લોહી પહોંચાડતી નસોમાં રુધિરાભિસરણમાં અવરોધ આવે ત્યારે તે નસ (ધમની) જે વિસ્તારને લોહી પહોંચાડતી હોય તે ભાગમાં વિકાર ઉદભવે છે. ત્યાં પ્રેરક ચેતાકોષો કે પ્રેરક ચેતાતંતુઓ હોય તો ઊર્ધ્વપ્રેરક ચેતાકોષીય લકવો થાય છે. આવું સૌથી વધુ અંત:સંપુટ (internal capsule) નામના વિસ્તારમાં બને છે અને તેને માટે મોટેભાગે મધ્યમસ્તિષ્કી ધમની (middle cerebral artery) કારણરૂપ હોય છે. મધ્યમસ્તિષ્ક, મજ્જાસેતુ તથા લંબમજ્જા ખોપરીના પાછલા અને નીચલા ભાગમાં આવેલાં છે. તેમને સંયુક્તપણે મસ્તિષ્કપ્રકાંડ (brain stem) કહે છે. તેમાંથી આંખ, જીભ તથા ચહેરાનાં પ્રેરક ચેતાકેન્દ્રો તથા શ્રવણ, સ્વાદ અને સંતુલનની સંવેદના સાથે સંબંધ ધરાવતી ચેતાઓ(nerves)નાં ઉદગમસ્થાનો આવેલાં છે. આ પ્રેરક અને સંવેદનાલક્ષી સંદેશાઓનું વહન કરતી અને ખોપરીમાં જ શરૂ થતી ચેતાઓને કર્પરીચેતાઓ (cranial nerves) કહે છે. તેમાં અધષ્પ્રેરક ચેતાકોષો હોય છે. તેને કારણે મસ્તિષ્ક-પ્રકાંડમાં લોહીનું પરિભ્રમણ ઘટે અથવા ત્યાં ચેપ કે ગાંઠને કારણે વિકાર ઉદભવે તો હાથપગમાં ઊર્ધ્વપ્રેરક ચેતાકોષીય અને આંખ, જીભ કે ચહેરાનો અધષ્પ્રેરક ચેતાકોષીય લકવો થાય છે. કરોડરજ્જુમાં પણ જે સ્થળે વિકૃતિ ઉદભવી હોય તેને સંબંધિત ચેતાપટ્ટમાં અધષ્પ્રેરક ચેતાકોષીય અને તેની નીચેના ભાગમાં ઊર્ધ્વપ્રેરક ચેતાકોષીય લકવો થાય છે. તેવું ઈજા, ચેપ, ગાંઠ કે અરુધિરવાહિતા (ischaemia) જેવા કરોડરજ્જુના વિવિધ રોગોને કારણે થઈ શકે છે. જુદા જુદા પ્રકારની લકવાગ્રસ્તતા તથા તેની સાથે થતા સંવેદનાલક્ષી વિકાર વડે લકવાનું કારણ ચેતાતંત્રના કયા ભાગને અસર કરી રહ્યું છે તે નિશ્ચિત કરવામાં ઉપયોગી છે. કરોડરજ્જુમાંથી નીકળતા ચેતાતંતુઓ ચેતામૂળ, ચેતા (nerve), ચેતાશાખાઓ, ચેતાજાળ (nerve plexus) તથા પરિઘવર્તી ચેતા (peripheral nerve) – એમ વિવિધ દેહરચનાઓમાં થઈને તેમના ગંતવ્યસ્થાન પર પહોંચે છે. આ દેહરચનાઓમાં પણ ચેપ, ઈજા, ગાંઠ કે લોહી વહેતું અટકે તેવા નસના રોગોથી થતી અરુધિરવાહિતાનો વિકાર થાય તો જે તે ચેતાતંતુઓથી સંબંધિત સ્નાયુઓનો લકવો થાય છે. આ પ્રકારનો લકવો અધષ્પ્રેરક ચેતાકોષીય તથા સંવેદનાલક્ષી વિકાર મિશ્રિત હોય છે.

ઊર્ધ્વપ્રેરક ચેતાકોષી તંત્ર હલનચલનની ક્રિયા સાથે સંબંધિત છે. માટે સ્નાયુજૂથોનું નિયમન કરે છે; જ્યારે અધષ્પ્રેરક ચેતાકોષીય તંત્ર સ્નાયુસંકોચન-શિથિલનની ક્રિયા સાથે સંબંધિત છે અને તે ચોક્કસ સ્નાયુતંતુજૂથનું નિયંત્રણ કરે છે. ઊર્ધ્વપ્રેરક ચેતાકોષો કે ચેતાતંતુઓ પર રોગ કે વિકંપની અસર થાય ત્યારે ઊર્ધ્વપ્રેરક ચેતાકોષી ઘાત (લકવો) થાય છે. તેમાં સ્નાયુઓની સજ્જતા (muscle tone) વધે છે અને તેથી તે કડક બને છે. તે સમયે ખુલ્લા ચપ્પાને બંધ કરતી વખતે જેમ શરૂઆતમાં થોડો અવરોધ અનુભવાય અને પાછળથી સરળતાથી ચપ્પાનું પાનું તેના હાથમાંની ખાંચમાં ભેરવી શકાય છે તેમ સાંધાને વાળતાં શરૂઆતમાં સ્નાયુની કડકતા અનુભવાય છે અને પાછળથી તે સાંધાને સહેલાઈથી વાળી શકાય છે. સ્નાયુઓની આ પ્રકારની કડકતાને અધિકુંચ સજ્જતા (spasticity) કહે છે. તે સમયે અસરગ્રસ્ત સ્નાયુઓને સંબંધિત પ્રતિક્ષિપ્ત ક્રિયા (reflex) વધુ ઉત્તેજિત થયેલી હોય છે. આવો લકવો લાંબો સમય રહે અને તેની યોગ્ય સારવાર ન થઈ હોય તો શરીરનું લકવાગ્રસ્ત અંગ સ્નાયુઓની અધિકુંચ સજ્જતાને કારણે વાંકું થઈ જાય છે. તેનાથી વિપરીત રીતે જો અધષ્પ્રેરક ચેતાકોષો કે ચેતાતંતુઓના રોગો કે વિકારમાં જે અધષ્પ્રેરક ચેતાકોષી ઘાત (લકવો) થાય છે તેમાં સ્નાયુઓ ઢીલા અથવા વિશ્લથ (flaccid) બને છે. પ્રતિક્ષિપ્તક્રિયા ઘટી જાય છે અથવા બંધ પડે છે તથા લાંબા સમય સુધી સારવાર વગરની સ્થિતિ રહે તો અંગ લાંબું તથા એક બાજુ પર વળેલું, જાણે લબડી પડ્યું હોય તેવું થઈ જાય છે. સ્નાયુઓમાં આવતી વિશ્લથતા(flaccidity)ને કારણે સ્નાયુઓ પોચા અને ઢીલા લાગે છે. જ્યારે પગના સ્નાયુઓ અસરગ્રસ્ત હોય અને તેમાં ઊર્ધ્વપ્રેરક ચેતાકોષીય ઘાત હોય ત્યારે પાદતલલક્ષી ચેતાપરાવર્તી ક્રિયા લંબનવર્તી બને છે. તેને લંબનવર્તી પાદતલ ચેતાપરાવર્તી ક્રિયા (extensor plantor) કહે છે. જેમાં પગનો અંગૂઠો ઉપરની તરફ વળે છે અને આંગળીઓ પહોળી થઈને ફેલાય છે. અધષ્પ્રેરક ચેતાકોષી ઘાતમાં પાદતલ ચેતાપરાવર્તી ક્રિયા બંધ થઈ જાય છે.

શરીરના જુદા જુદા સ્નાયુઓમાં થતા ઘાતનો પ્રકાર તથા ત્યાંની ચામડી અને સાંધાઓમાંની સંવેદનામાં થયેલી વધઘટને આધારે ઘાતકારક રોગ કયે સ્થળે છે તે જાણી શકાય છે. ઘાત (લકવો) થવાની ઝડપ તથા અન્ય સહસંગી તકલીફો વડે ઘાતકારક રોગ કે વિકારનું નિદાન કરી શકાય છે. સસાધની નિદાનપ્રક્રિયામાં વિવિધ પ્રકારનાં ચિત્રણનો (imaging) તથા ચેતા-આવેગવહન વેગ (nerve conduction velocity) જેવી વિવિધ નિદાન-પદ્ધતિઓ વપરાય છે. સાદું ઍક્સ-રે ચિત્રણ, સી.એ.ટી. સ્કૅન, એમ.આર.આઇ., વાહિની-ચિત્રણો (angiography), ધનકણ-ઉત્સર્જન, આડછેદી ચિત્રણ (positron emission tomography, PET) વગેરે વિવિધ પ્રકારનાં ચિત્રણો વડે મગજ, કરોડરજ્જુ તથા અન્ય ભાગના રોગ કે વિકાર વિશે માહિતી મળે છે. ચેતા-આવેગવહન વિશે માહિતી આપતાં પરીક્ષણો બહિર્વિસ્તારી ચેતાઓ, ચેતાગ્રથનો, ચેતાસ્નાયુસંગમ અને સ્નાયુઓમાં થયેલા રોગો અને વિકારો વિશે માહિતી આપે છે.

આકૃતિ 2 : મોટા મગજમાં પ્રેરક ચેતાતંત્રીય બાહ્યકમાં શરીરનાં જુદાં જુદાં અંગોનું નિયંત્રણ વિસ્તારે

ઈજા, ગાંઠ, ચેપ, રુધિરભ્રમણમાં અટકાવ, બહારથી દબાણ વગેરે વિવિધ પ્રકારના વિકારો ચેતાતંત્રના કાર્યમાં વિક્ષેપ પાડે છે. લોહીની નસોના વિકારો મોટી ઉંમરે થતા લકવામાં સૌથી મહત્વના હોય છે. ધમનીઓની દીવાલમાં મેદચકતી (atheroma) જામે અને તેનાથી મેદકાઠિન્ય (atherosclerosis) નામનો વિકાર થાય છે, જેમાં ધમની અક્કડ અને સાંકડી બને છે તથા તેમાં લોહીનો ગઠ્ઠો જામે છે. તેને કારણે મગજના જે ભાગમાં લોહી વહેતું બંધ થાય તેનાથી નિયમન પામતા સ્નાયુઓનો લકવો થાય છે. રુધિરાભિસરણમાં અટકાવથી થતા લકવામાં આ મુખ્ય રુગ્ણકારકતા જોવા મળે છે. અન્ય સ્થાનેથી છૂટો પડીને ભ્રમણ કરીને આવેલો લોહીનો ગઠ્ઠો પણ ધમનીમાં રોધ સર્જે તોપણ આવી જ સ્થિતિ થાય છે. ખોપરીને ઈજા કે કરોડના મણકાઓના વિકારમાં અનુક્રમે મગજ કે કરોડરજ્જુ પર દબાણ આવે છે અને તે પણ લકવાની અસર કરે છે. કરોડરજ્જુને થતા રોગોમાં હાડકાં સાથે જોડાયેલા સ્નાયુઓ(કંકાલ-સ્નાયુઓ – skeletal muscles)ના લકવા ઉપરાંત સ્વાયત્ત ચેતાતંત્રના સ્નાયુઓનો લકવો પણ થાય છે. તેને કારણે જે તે અંગમાં લોહીનું દબાણ ઘટે તથા મૂત્રાશયદ્વારનો દ્વારરક્ષક (sphincter) પણ વિકારગ્રસ્ત થાય છે. તેને કારણે પેશાબનો અટકાવ અથવા અનિયંત્રિત વહન થાય છે.

કોઈ એક અંગ(દા.ત., હાથ કે પગ)માં લકવો થાય ત્યારે તેને એક- અંગીઘાત (monoplegia) કહે છે અને જો 2 અંગોમાં લકવો થાય તો તેને દ્વિઅંગીઘાત (diplegia) કહે છે. બંને પગમાં લકવો થાય તો તેને દ્વિપાર્શ્વીઘાત અથવા દ્વિચરણઘાત (paraplegia) કહે છે. જ્યારે એક હાથ અને એક પગનો લકવો થાય ત્યારે અર્ધદેહાગી ઘાત (hemiplegia) કહે છે. મગજની કોઈ મહત્ત્વની ધમનીમાં લોહી વહેતું અટકે અને તેને કારણે દેહાંગીધાત (hemiplegia) થાય છે. ક્યારેક તે સમયે દર્દી ટૂંકા કે લાંબા ગાળા માટે ભાન ગુમાવે છે અને વાણીકેન્દ્રવાળો વિસ્તાર (speech area) અસરગ્રસ્ત થતો હોવાથી અવાજ પણ જતો રહે છે. આ સ્થિતિને મસ્તિષ્કઘાત કહે છે. જો તે એક બાજુના હાથ-પગ હોય તો તેને પક્ષઘાત કહે છે; પરંતુ જો તેમાં એક બાજુનો હાથ અને બીજી બાજુનો પગ હોય તો તેને પારાંતરી અર્ધદેહાંગી ઘાત (crossed hemiplegia) કહે છે. જો ચારેય અંગો(હાથ-પગ)નો લકવો થાય તો તેને ચતુરાંગી ઘાત (quadriplegia) કહે છે. આંખના સ્નાયુઓના લકવાને નેત્રસ્નાયુઘાત (ophthalmoplegia) કહે છે. સ્નાયુઓના લકવા(ઘાત)માં સ્નાયૂર્જા જતી રહે છે. જો તે ઘટી હોય અને પૂરેપૂરી ગઈ ન હોય તો તેને ઘાતતા (paresis) કહે છે. ચહેરાના સ્નાયુઓના અધષ્પ્રેરક ચેતાકોષી લકવાને બેલ નામના વૈજ્ઞાનિકના નામ સાથે જોડીને બેલનો ચેતાઘાત (Bell’s palsy) અથવા વદન-ચેતાઘાત (facial palsy) કહે છે. જન્મ સમયે થતી ઈજાને કારણે બાળકના ચેતાતંત્રના વિકાસમાં અટકાવ આવે ત્યારે ઉદભવતી સ્થિતિને મસ્તિષ્કી ચેતાઘાત (cerebral palsy) કહે છે. આયનો કે ઔષધોના વિકારથી મોટા આંતરડામાં લકવો થાય તો તેને ઘાતજન્ય આંત્રતા (paralytic ileus) કહે છે.

લકવાની સારવારના મુખ્ય સિદ્ધાંતો છે – કારણરૂપ રોગ કે વિકારની સારવાર કરવી તથા લકવાગ્રસ્ત સ્નાયુઓની સજ્જતા (tone) જળવાઈ રહે તે માટે તેને કસરત કરાવવી. લકવો કરતા કારણરૂપ રોગ કે વિકારને કેટલો નિયંત્રણમાં લાવી શકાય તેમ છે અને લકવો થયાને કેટલો સમય થયેલો છે તેને આધારે તેમાં કેટલો સુધારો થશે તેનું પૂર્વાનુમાન કરી શકાય છે.

શિલીન નં. શુક્લ

બશીર  એહમદી