રહોન (નદી) : ફ્રાન્સમાં આવેલી, મહત્વનો જળમાર્ગ રચતી નદી. તે તેના ખીણપ્રદેશના કુદરતી સૌંદર્ય માટે ખૂબ જ જાણીતી છે. આ નદી સ્વિટ્ઝર્લૅન્ડની રહોન હિમનદીમાંથી 1,500 મીટરની ઊંચાઈએથી નીકળે છે. ત્યાંથી આગળ વધી જિનીવા સરોવરને વીંધીને ફ્રાન્સના લાયન (Lyon) સુધી પહોંચતાં અગાઉ ઘણા વળાંકો લઈને પશ્ચિમ તરફ વહે છે. લાયન ખાતે ઉત્તર તરફથી આવતી સેઑન (Seone) સાથે તેનો સંગમ થાય છે. લાયન પછી તે દક્ષિણ તરફનો વળાંક લે છે, ત્યાંથી આગળ વધીને તે વિયેન (Vienne) અને ઍવીન્યોન (Avignon) નજીકથી પસાર થાય છે. દક્ષિણ તરફ વળાંક લીધા પછી માર્ગમાં તેને ઈઝેર (Isere) અને ડુરાન્સ જેવી અન્ય નદીઓ પણ મળે છે. આર્લ (Arles) પાસે તે ગ્રાન્ડ અને પીટીટ રહોનમાં વિભાજિત થાય છે. ગ્રાન્ડ નદી અગ્નિ તરફ અને પીટીટ નદી નૈર્ઋત્ય તરફ ફંટાય છે. છેવટે માર્સેલ્સની પશ્ચિમે તે ભૂમધ્ય સમુદ્રમાં ઠલવાય છે. અહીં તે બે શાખાઓવાળો ત્રિકોણપ્રદેશ પણ રચે છે. આ બે ફાંટાઓ વચ્ચે પંકવિસ્તાર રચાયો છે, જે અહીં કૅમાર્ગ (camargue) તરીકે ઓળખાય છે. આ નદીની લંબાઈ 810 કિમી. જેટલી છે અને તેનો આખોય પ્રવાહપથ 97,800 ચોકિમી. જેટલા જળપરિવાહ-થાળાને આવરી લે છે. તે આશરે 1,700 ઘનમીટર/સેકંડ જેટલું જળ ભૂમધ્ય સમુદ્રમાં ઠાલવે છે.

સ્વિસ આલ્પ્સમાંથી નીકળતી વખતે હિમનદીના તળ પરથી ઘસારો પામેલું હિમજન્ય મૃદદ્રવ્ય તેનાં પાણીમાં ભળવાથી તે ઉપરવાસના વિભાગમાં દૂધિયું બની રહે છે, પરંતુ આ મૃદદ્રવ્યનો લગભગ બધો જ જથ્થો જિનીવા સરોવરમાં જમા થઈ જાય છે. જિનીવા સરોવર છોડ્યા પછી તેનાં પાણી ભૂરા રંગવાળાં નિર્મળ બને છે. નદીજળના આ રંગસૌંદર્યથી મુગ્ધ થઈને અંગ્રેજ કવિ લૉર્ડ બાયરને તેને ‘The blue rushing of the arrowy Rhone’ તરીકે નવાજીને વર્ણવેલી છે.

રહોન નદીનું ભૌગોલિક સ્થાન

ભૂમધ્ય સમુદ્રથી ઉપરવાસ તરફ સેઑન સુધી તે જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેનો આ જળમાર્ગ યુરોપનો દક્ષિણ દરવાજો ગણાય છે. રહોન નદી પર સ્થપાયેલા જળવિદ્યુતમથકમાંથી વીજળી મેળવાય છે. નહેરો મારફતે નદીના હેઠવાસના વિસ્તારોમાં સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત તેના મુખ પાસેની નહેર ભૂમધ્ય સમુદ્ર પરના ફ્રાન્સના મોટા બંદર માર્સેલ્સને સાંકળે છે. અગાઉના સમયમાં રહોન અને તેની શાખાનદીઓની ખીણોમાં ગ્રીક અને લૅટિન સંસ્કૃતિઓનો વિકાસ થયેલો.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા