રોઝડી : હરપ્પીય સંસ્કૃતિની ગુજરાતના રાજકોટ જિલ્લાની વસાહત. દેશના ભાગલા પડ્યા તે પહેલાં સૌરાષ્ટ્રમાં હરપ્પીય સંસ્કૃતિની એક જ વસાહત પ્રકાશમાં આવી હતી, જે સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર પાસે આવેલી હતી. હરપ્પા અને મોહેં-જો-દડો પાકિસ્તાનમાં હોઈ, ભારતના પ્રદેશોમાં હરપ્પીય સંસ્કૃતિની વસાહતો શોધવાનું યોજાયું.

રોઝડી ખાતેના ઉત્ખનનમાં મળી આવેલાં હરપ્પીય સંસ્કૃતિ-કાળનાં અકીકના પથ્થર, ચેરી-કાષ્ઠ અને ધાતુનાં મોતી, મણિ અને મણકા

1954માં અમદાવાદ જિલ્લામાં લોથલની વસાહત શોધાઈ ને આગળ જતાં આમરા, લાખા બાવળ, રોઝડી વગેરે અન્ય અનેક સ્થળોએ નાની-મોટી એવી વસાહતો મળી. રોઝડી(જિ. રાજકોટ)માં 1958–59માં થયેલા ઉત્ખનનના પરિણામે ત્યાં હરપ્પીય સંસ્કૃતિની વસાહતના બે તબક્કા પ્રકાશમાં આવ્યા. તબક્કા 1માં ત્યાંના રહેવાસીઓ માટીની પીઠિકા ઉપર બંધાયેલાં માટીનાં મકાનોમાં રહેતા હતા. તેઓ મુખ્યત્વે લાલ મૃત્પાત્ર અને ભૂરાં મૃત્પાત્ર વાપરતા. તબક્કા 1 માં તેઓ ચળકતાં લાલ મૃત્પાત્રો ઉપરાંત પ્રભાસ-મૃત્પાત્ર પણ વાપરતા. એ લોકોએ હજી સિંધુ તોલ-પ્રમાણનો ત્યાગ કર્યો નહોતો. શરીરના અલંકારો માટે એ લોકો સેલખડીના ઝીણા મણકા અને પાકી માટીના નળી-ઘાટના મણકાઓનો ઉપયોગ કરતા હતા. તેમનાં ઓજારોમાં તાંબા કે કાંસાની ચપટ વીંધણો, બાણ-ફળાં અને માછલાં પકડવાની ગલ તેમજ નાની પતરીઓનો સમાવેશ થાય છે. સંસ્કૃતિનો આ તબક્કો સમૃદ્ધિનો હતો. રોઝડીમાં ઉત્તરકાલીન હરપ્પીય લોકોનું પહેલું આગમન ઈ. પૂ. 1900ના અરસામાં થયું લાગે છે. ત્યાં આ સંસ્કૃતિનો લગભગ ઈ. પૂ. 1600માં અંત આવ્યો.

લોથલ ખાતેના ચોથા પૂર (ઈ. પૂ. 1900) પછી ત્યાંના લોકોએ ભાદર નદીની ખીણમાં રોઝડી અને અન્ય સ્થળોએ વસવાટ કર્યો લાગે છે. એ ઉત્તરકાલીન હરપ્પીય લોકો હતા. તેઓ અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનાર લોકોને અહીં મળ્યા હતા. એ લોકોએ અહીં સેલખડીના ઝીણા મણકા, આકૃતિ ઉપસાવેલા કાર્નેલિયનના મણકા, ચર્ટનાં ઘનાકાર તોલાં અને કેટલાક પ્રાક્કાલીન કુંભારી ઘાટ (ખાસ કરીને ‘ડ’ ઘાટની બરણી) વાપરવાનું ચાલુ રાખ્યું હતું. આમ છતાં આ વસાહતને આરૂઢ હરપ્પીય વસાહત ગણી શકાય એમ નથી; કેમ કે ત્યાં સિંધુ-સંસ્કૃતિનાં નગરોના વિકાસનો અભાવ હતો, નગર-આયોજન વિકસ્યું નહોતું ને સફાઈને લગતી સગવડો નહોતી. લગભગ બધાં મકાન માટીનાં હતાં.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી