રેમોન્ટ, વ્લાડિસ્લો સ્ટૅનિસ્લો

January, 2004

રેમોન્ટ, વ્લાડિસ્લો સ્ટૅનિસ્લો (જ. 7 મે 1867, કૉબીલો વીલ્કી, પોલૅન્ડ, અ. 7 ડિસેમ્બર 1925, વૉર્સો) : 1924ના વર્ષના સાહિત્યના નોબેલ પુરસ્કારના પોલૅન્ડના વિજેતા. તેમનો જન્મ પવનચક્કીના માલિકના એક મોટા કુટુંબમાં થયો હતો. બાળક તરીકે શાળામાં તેમણે રશિયન ભાષાનો અભ્યાસ ફરજિયાત કરવો પડતો હતો; પરંતુ તેઓ પોલિશ ભાષા પ્રત્યેનો પ્રેમ વિકસાવતા રહ્યા. અલબત્ત, એમાં સત્તાવાળાઓનું સહેજ પણ પ્રોત્સાહન ન હતું. તેમના યૌવનના દિવસો ગરીબી અને મુશ્કેલીઓમાં વીત્યા હતા. આજીવિકા માટે તેમને ક્લાર્ક, રંગભૂમિના અભિનેતા તથા ટેલિગ્રાફ-કર્મચારી એમ નાની-મોટી અનેક કામગીરીઓ કરવી પડી હતી.

વ્લાડિસ્લો સ્ટૅનિસ્લો રેમોન્ટ

મહાકાવ્ય સમી તેમની નવલકથા ‘ધ પીઝન્ટ્સ’ (1904–09; અંગ્રેજી ભાષાંતર, 1924–25)ના 4 ગ્રંથો છે. અને તેમાં ખેડૂતોના એક નાના ગામનું જીવન તથા ત્યાંનો નિત્યનો ઘટનાક્રમ આલેખાયાં છે. આ નવલકથામાં પ્રકૃતિનો જાણે ઉત્સવ છે ! આ ખેડૂતો ભૂમિમાતા તથા તેમના પાળેલા પશુધનની સવિશેષ નજીક છે. આ કૃષિજગતમાં ખ્રિસ્તી તથા બિનખ્રિસ્તી તત્વોનો સંઘર્ષ છે. અહીં કવિતા અને પાશવતાનું સહઅસ્તિત્વ છે. તેઓ અવારનવાર નાટ્યસહજ વિરોધાભાસની પ્રયુક્તિ પણ અપનાવે છે. જેમ કે, લગ્ન-પ્રસંગે અવસાનનું આલેખન. તેમના ગદ્યમાં લોકલઢણ તથા પરીકથાની શૈલીનો સુમેળ છે.

પારિતોષિક-વિજેતા મહાનવલ ‘ધ પીઝન્ટ્સ’ ઉપરાંત ‘ધ પ્રૉમિસ્ડ લૅન્ડ’ (1899; અંગ્રેજી ભાષાંતર, 1927)માં લેખક માનવયાતના તથા સામાજિક અન્યાયનું આલેખન કરે છે અને પરોક્ષ રીતે રાજકીય ફેરફાર કરવાનું સૂચન કરે છે.

મહેશ ચોકસી