રે, મૅન (Ray, Man) (જ. 27 ઑગસ્ટ 1890, ફિલાડેલ્ફિયા, અમેરિકા; અ. 18 નવેમ્બર 1976, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક અમેરિકન ચિત્રકાર, ફોટોગ્રાફર અને દાદાવાદી તેમજ પરાવાસ્તવવાદી ફિલ્મ-દિગ્દર્શક. ફોટોગ્રાફી અને ફિલ્મના ક્ષેત્રે તેમણે કરેલી ટૅકનિકલ શોધો (innovation) માટે પણ તે ખ્યાતનામ છે.

પિતા પણ ચિત્રકાર અને ફોટોગ્રાફર. ન્યૂયૉર્ક નગરમાં મૅનનો ઉછેર થયો હતો, ત્યાં તેમણે ઇજનેરી વિદ્યા, સ્થાપત્ય અને ચિત્રકલાનો અભ્યાસ કર્યો હતો. 1915માં મૅનનો ફ્રેન્ચ ચિત્રકાર માર્સેલ દ્યુશોં (Marcel Duchamp) સાથે ભેટો થયો, અને બંનેએ ભેગા મળી ‘ન્યૂયૉર્ક ગ્રૂપ ઑવ્ દાદા’ નામે ન્યૂયૉર્કના દાદાવાદી કલાકારોનું સંગઠન સ્થાપ્યું. દ્યુશોં સાથે મૅને ઘણા અવનવા પ્રયોગો પણ કર્યા, જેમાં ‘રેડીમેઇડ્સ’ના પ્રયોગો ખ્યાતિ પામ્યા. તેમાં ધંધાદારી રીતે ઉત્પાદિત માલને કલાકારે જાતે સર્જેલી કલાકૃતિ તરીકે રજૂ કરવામાં આવી છે. (હકીકતમાં કલાકારે પોતે તે બનાવેલ નથી.) આ પ્રકારના મૅનના પ્રયોગોમાં ‘ધ ગિફ્ટ’ (1921) ઘણો જાણીતો બન્યો. મૅને કાચ પર એરબ્રશ (સ્પ્રે) વડે પણ ચિત્રણા શરૂ કરી.

1921માં મૅન પૅરિસ આવ્યા અને અહીં કવિ આન્દ્રે બ્રેતોંના નેતૃત્વ હેઠળ કામ કરતા લેખકો અને કલાકારોના જૂથમાં જોડાયા. ચિત્રકલાનો ખર્ચ નિભાવવા માટે મૅને ધંધાદારી ફોટોગ્રાફી શરૂ કરી. તેમાં પણ મૅને અવનવા પ્રયોગો કર્યા. કેમેરાના ઉપયોગ વિના જ ફોટા પાડવાની ‘ફોટોગ્રામ’ નામે ઓળખાતી તરકીબ શોધી કાઢી. મૅને પોતે આ ‘ફોટોગ્રામ’ની પ્રયુક્તિને ‘રેયોગ્રામ’ તરીકે ઓળખાવી. આ માટે તે જુદી જુદી અપારદર્શકતા (opacities) ધરાવતા જુદા જુદા સપાટ તેમજ ત્રિપરિમાણી પદાર્થોને પ્રકાશ-સંવેદનશીલ કાગળ પર મૂક્યા પછી ઉપર પ્રકાશ ફેંકતો અને પછી કાગળને ડેવલપ કરતો. મૅનના સમગ્ર ફોટોગ્રામ સમાવતું પુસ્તક ‘ધ ડિલાઇટફુલ ફિલ્ડ્સ’ 1922માં પ્રકાશિત થયું. 1929માં તેણે ‘સોલરાઇઝેશન’ નામે ઓળખાતી પદ્ધતિ શોધી. તેમાં ડેવલપમેન્ટ દરમિયાન પ્રકાશનો એક ઝબકારો કરવાથી પૉઝિટિવ પર નેગેટિવનું (ઊલટું નહિ પણ) હોય તેવું પ્રિન્ટિંગ થાય છે. માત્ર શોધખોળથી અટકી ન જતાં મૅને તેની આ શોધનો સૌંદર્યશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ રસપ્રદ રીતે પોતાની ફોટોગ્રાફીમાં ઉપયોગ કર્યો છે.

આ પછી મૅન ફૅશન અને વ્યક્તિચિત્ર (portrait) ફોટોગ્રાફી તરફ વળ્યા. 1920થી 1930 સુધીની જાણીતી ફ્રેન્ચ હસ્તીઓની તેમણે ફોટોગ્રાફી કરી. ફોટોગ્રાફી ક્ષેત્રે તેમની એટલી તો નામના થઈ કે તેમની ચિત્રકલાની અવગણના થઈ. ફોટોગ્રાફીમાં મૅને પ્રયોગો કરવા ચાલુ રાખ્યા. તેની વ્યક્તિચિત્ર ફોટોગ્રાફીમાં દાખલા તરીકે એક પાત્રમાં તેણે આંખોની ત્રણ જોડનું નિરૂપણ કર્યું. બીજા એક ફોટોગ્રાફમાં નગ્ન સ્ત્રીની પીઠ પર અંગ્રેજી મૂળાક્ષર f (એફ) કાળા રંગે નિરૂપ્યો જેથી તે સ્ત્રી વાયોલિન જેવી દેખાય. આ પ્રયોગો દરમિયાન તેમણે ‘રેડીમેઇડ’ પ્રકારની કલાનું સર્જન પણ ચાલુ જ રાખ્યું.

દ્યુશોંના સહયોગમાં 1924માં ‘એનિમિક સિનેમા’ નામની અને 1928–29માં ‘લેટોઇલે દ મેર’ (Star of the sea – ‘L’  ToILE DE MER) નામની ફિલ્મોનું સર્જન કર્યું. 1923માં તેણે સર્જેલી ફિલ્મ ‘લ રિતુ અ લા રેઇસોં(The Return to reason – LE RETOUR  LA RAISON)માં તેણે ફોટોગ્રામ ટૅકનિકનો મોશનપિક્ચર સિનેમેટોગ્રાફીમાં વિનિયોગ કર્યો.

1940માં જર્મનીએ પૅરિસ કબ્જે કરતાં મૅન લૉસ ઍન્જલિઝ આવી સ્થિર થયો. મૃત્યુ પર્યંત તેણે ચિત્ર અને ફોટોગ્રાફીમાં પ્રયોગો કર્યા.

અમિતાભ મડિયા