રૂપકષટ્ક : સંસ્કૃત કવિ વત્સરાજ-રચિત છ રૂપકોનો સમૂહ. આ છ રૂપકોમાં ‘કિરાતાર્જુનીય વ્યાયોગ’, ‘કર્પૂરચરિત ભાણ’, ‘રુક્મિણીપરિણય ઈહામૃગ’, ‘ત્રિપુરદાહ ડિમ’, ‘હાસ્યચૂડામણિ પ્રહસન’ તથા ‘સમુદ્ર-મંથન સમવકાર’નો સમાવેશ થાય છે.

‘કિરાતાર્જુનીય વ્યાયોગ’ નામે એકાંકી રૂપકમાં અર્જુનની તપશ્ચર્યા તથા કિરાતવેશધારી શિવ સાથેનો મુકાબલો અને છેવટે શિવકૃપાથી મહાસ્ત્રની સિદ્ધિ – એ કથાવસ્તુ નિરૂપાયું છે.

‘કર્પૂરચરિત ભાણ’ પણ એકાંકી છે. ડૉ. કીથ તેને જૂની ઢબના ભાણ પ્રકારનું ઉદાહરણ માને છે. તેમાં કર્પૂરક નામનો દ્યૂતકાર એકોક્તિ દ્વારા પોતાનાં વિલાસ, જુગટું અને પ્રેમની વાતો કરે છે. આ રીતે તેમાં તેનાં રતિપરાક્રમોનું વર્ણન છે.

‘રુક્મિણીપરિણય ઇહામૃગ’ ચાર અંકમાં નિબદ્ધ છે. તેમાં કૃષ્ણ દ્વારા કરવામાં આવતું રુક્મિણીનું હરણ તથા રુક્મી અને શિશુપાલનો શ્રીકૃષ્ણને હાથે થતો પરાભવ  એ વિષયવસ્તુ નિરૂપાયું છે.

‘ત્રિપુરદાહ’ પણ ચાર અંકમાં રચાયેલું છે અને તે ડિમનું સૌથી પ્રાચીન ઉદાહરણ પૂરું પાડે છે. તેમાં ત્રિપુરાસુરની રાજધાનીના નાશ અંગેની પૌરાણિક કથાને નાટ્યદેહ અપાયો છે. ત્રિપુરાસુરનાં લોહ, રજત ને સુવર્ણનાં બનેલાં ત્રણ નગરને એકસાથે ભસ્મીભૂત કરવામાં શિવ વગેરે દેવોને પોતાની સઘળી શક્તિ ઉપરાંત માયાનો પણ આશ્રય લેવો પડે છે; તેથી અહીં વીર અને અદભુત એ બંને રસનું સુંદર નિરૂપણ પ્રાપ્ત થાય છે.

‘હાસ્યચૂડામણિ પ્રહસન’ એકાંકી છે. તેમાં કેવલીવિદ્યાના મૂર્ખતાપૂર્ણ પ્રયોગો રજૂ થયા છે. તેનો નાયક જ્ઞાનરાશિ નામે ભાગવત સંપ્રદાયનો આચાર્ય છે. તેનો દાવો છે કે કેવલીવિદ્યા દ્વારા ચોરાયેલી કે ખોવાયેલી વસ્તુઓ પાછી મળી શકે છે. આ જ્ઞાનરાશિને કપટકેલિ નામે ગણિકા મળે છે, જેની પુત્રી ધનની ચોરી કરી તેના કામુક સાથે ચાલી ગઈ હોય છે અને તે પછી સર્જાય છે હળવી રમૂજ અને છબરડાથી ભરપૂર પરિસ્થિતિઓની હારમાળા. છેવટે અનેક પ્રકારની યુક્તિઓ ને મૂર્ખતાપૂર્ણ પ્રયોગો દ્વારા નાયક પોતાનો દાવો સાચો પાડે છે.

‘સમુદ્રમંથન સમવકાર’ ત્રણ અંકમાં વિભાજિત છે. તેમાં દેવો તથા દાનવો દ્વારા કરાયેલ સમુદ્રમંથન અંગેની કથા છે. અહીં સમુદ્રમંથનને અંતે વિષ્ણુને લક્ષ્મી તથા તે કાર્યમાં ભાગ લેનાર અન્ય દેવોને પણ ઇષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. નાટ્યકારે અહીં પૌરાણિક કથાને ચમત્કૃતિપૂર્ણ રીતે ચરિતાર્થ કરી છે.

આમ વત્સરાજ-રચિત આ રૂપકષટ્ક સ્વરૂપની ર્દષ્ટિએ વૈવિધ્યપૂર્ણ છે.

જાગૃતિ પંડ્યા