રૂપકસંઘ (સ્થાપના : 1944) : અમદાવાદની 1940ના દાયકાની એક મહત્વની નાટ્યમંડળી. અમદાવાદના કેટલાક અગ્રણી સંસ્કારસેવકોએ નાટ્યકલાના ઉત્કર્ષ માટે આ સંસ્થા સ્થાપી હતી. ધનંજય ઠાકર, ધીરુભાઈ ઠાકર, વિષ્ણુપ્રસાદ જોશી, સૂર્યકાન્ત શાહ, જીવણલાલ શાહ, પ્રદ્યુમ્ન ભટ્ટ વગેરે તેના સ્થાપક સભ્યો હતા. આ સંસ્થાની વિશેષતા એ હતી કે તેના સભ્યોના ત્રણ વર્ગ પાડેલા હતા : (1) માનાર્હ વર્ગ, (2) વ્યંજક વર્ગ, (3) ભાવક વર્ગ. પહેલા વર્ગમાં રવિશંકર રાવળ, કનુ દેસાઈ, અનંતરાય રાવળ, ચન્દ્રકાન્ત ગાંધી, બચુભાઈ રાવત વગેરે લબ્ધપ્રતિષ્ઠ મહાનુભાવો હતા, જે નાટ્યકલા અને નાટ્યનિર્માણ અંગે સલાહસૂચન અને માર્ગદર્શન આપતા હતા. બીજો વર્ગ કલાકારોનો હતો. તેમાં નાટક ભજવનાર કલાકારો અને રંગભૂમિના કસબીઓ ઉપરાંત આ પ્રવૃત્તિમાં કોઈ ને કોઈ રીતે સક્રિય રહીને મદદ કરનારા સભ્યોનો હતો. તેમાં ઉમાશંકર જોશી પણ હતા. તેમણે અભિનયકલા વિશે વ્યાખ્યાન આપેલું. ત્રીજો વર્ગ ભાવકો એટલે કે પ્રેક્ષકોનો હતો, જેઓ વર્ષનું નિશ્ચિત લવાજમ ભરીને સંસ્થા તરફથી વર્ષ દરમિયાન યોજાતા તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી શકતા હતા. નાટકની ટિકિટ રાખવામાં આવતી નહોતી.

શરૂઆતમાં કનૈયાલાલ મુનશીનાં પૌરાણિક નાટકોમાંથી ‘લોપામુદ્રા’ અને ‘શંબરકન્યા’ની ભજવણી કરેલી. પછી ‘જયા અને જયંત’ નાટકની રજૂઆત કરેલી. નાટકની હસ્તપ્રત તખ્તા માટે પ્રો. અનંતરાય રાવળે કાપકૂપ કરીને તૈયાર કરેલી. શિવકુમાર જોશી, કલ્લોલિની દિવેટિયા (હઝરત), વિષ્ણુકુમાર જોશી, પિનાકિન ઠાકોર, ગિરીશ ભચેચ, અવિનાશ મુનશી, જયન્તિકા દેસાઈ, પદ્માબહેન, વિનોદિની નીલકંઠ, કુંજવિહારી ધ્રુ, પ્રબોધ જોશી વગેરેએ નાટકમાં ભાગ લીધો હતો. ધીરુભાઈ ઠાકરે દિગ્દર્શન કરેલું. નાટકમાંનાં ગીતો નટ-નટીઓએ જ ગાયેલાં અને સંગીત-નિર્દેશન અવિનાશ વ્યાસે કર્યું હતું. પ્રત્યેક નાટકના પ્રયોગ પછી તેની સમૂહચર્ચા ચાલતી. આ સંસ્થાએ કનૈયાલાલ મુનશીનું ‘છીએ તે જ ઠીક’ તથા ‘ડૉ. મધુરિકા’ પણ ભજવ્યાં હતાં. 1947ના ઑગસ્ટની 15મી તારીખે ઇપ્ટા(ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન)ના સહયોગમાં રૂપકસંઘે દ્વિજેન્દ્રલાલ રૉયના ઝવેરચંદ મેઘાણીએ કરેલ ગુજરાતી અનુવાદ ‘શાહજહાં’ની રજૂઆત પ્રેમાભાઈ હૉલમાં કરી હતી. જશવંત ઠાકરે ‘શાહજહાં’ની ભૂમિકા ઉપરાંત આ નાટકનું દિગ્દર્શન પણ કરેલું. તેમાં સંસ્થાના અગ્રણી સભ્યો ધનંજય ઠાકર, સૂર્યકાન્ત શાહ, જીવણલાલ શાહ, વિષ્ણુકુમાર જોશી વગેરેએ ભાગ લીધો હતો. નાટક સફળ થયેલું, પરંતુ તેના નિર્માણમાં મોટો ખર્ચ થઈ જતાં સંસ્થાની આર્થિક સ્થિતિ કથળી ગઈ. ગાંધીજીની હત્યાના બારમા દિવસે તેમને શ્રદ્ધાંજલિરૂપે ‘પરમેશ્વરને પૂરનારો’ નાટક ભજવ્યા પછી આ સંસ્થા બંધ પડી. અમદાવાદની થિયેટરપ્રવૃત્તિને વેગ આપવામાં આ સંસ્થાનો ગણનાપાત્ર ફાળો હતો.

હસમુખ બારાડી