રૂપકગ્રંથિ : રૂપક અલંકારનાં ઘટકતત્વો પર નિર્ભર એક સાહિત્યનિરૂપણરીતિ અને સાહિત્યસ્વરૂપ. ગુજરાતીમાં ‘રૂપકગ્રંથિ’ શબ્દ અંગ્રેજી શબ્દ allegory – ના પર્યાય તરીકે પહેલવહેલો પ્રયોજનાર નવલરામ હતા. એ પછી નરસિંહરાવ આદિ અન્ય વિદ્વાનોએ તેનું સમર્થન કર્યું. ‘રૂપકગ્રંથિ’માં પ્રયુક્ત ‘રૂપક’ની એક અલંકાર તરીકે સઘન વિચારણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં થઈ છે; પરંતુ ‘રૂપકગ્રંથિ’ની વિચારણામાં પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રની ચર્ચા પણ ઉપયોગમાં લેવાઈ છે.

‘ઍલેગરી’નો વ્યુત્પત્તિગત અર્થ ‘બીજી રીતે કહેવું તે’ – એવો થાય છે. રૂપકગ્રંથિમાં કવિ પોતાનો અભિપ્રેત અર્થ રૂપકની જાળગૂંથણીથી – રૂપક-રચનાનો આવશ્યક વ્યાપવિસ્તાર કરીને રજૂ કરે છે. કવિ પોતાના ચિત્તમાં જે ભાવસંવેદન હોય, વસ્તુવિચાર ને મૂલ્યભાવના અમૂર્ત રૂપે હોય તેમને પોતાની સર્જકપ્રતિભાથી, રૂપવિધાયક કલ્પનાલીલાથી, સજીવારોપણ જેવી પ્રક્રિયાથી મૂર્ત રૂપ આપી તેની એક જીવંત-આસ્વાદ્ય કલાસૃષ્ટિ ખડી કરે છે. એ રીતે કવિ પોતાના મનોગત ખ્યાલને નામ-રૂપ, ઠામ-ઠેકાણું, સગપણ-સંબંધનો સંદર્ભ આપી પ્રત્યક્ષતા આપે છે. એ રીતે રૂપકગ્રંથિ અનિવાર્યતયા કલાગ્રંથિ હોય છે; જેનું નિર્માણ તત્વત: તો અસંલક્ષ્યક્રમે જ થતું હોય છે. આ રૂપકગ્રંથિને કારણે કવિને જે કહેવું હોય છે તે રસાત્મક રીતે, સબળ ને સચોટ રીતે ભાવકને સુગ્રાહ્ય થઈ શકે છે. અન્યથા જે તત્વવિચાર શુષ્ક, કંટાળાજનક કે ભારેખમ લાગત, તે કવિપ્રતિભા ને કવિકૌશલ્યના બળે આકર્ષક ને રસપ્રદ બની રહે છે.

ઉપમા-રૂપક જેવી અભિવ્યક્તિની આલંકારિક તરેહોનો આશ્રય કાવ્યસર્જનમાં પરાપૂર્વથી કવિ લેતો રહ્યો છે. રૂપક અલંકારની પ્રયુક્તિને જ્યારે કવિ વિશાળ ફલક પર વક્તવ્ય-વસ્તુ કે કથાવસ્તુનું નિરૂપણ કરવા માટે વિસ્તારીને સવિશેષ સંકુલતાથી કામમાં લે, ત્યારે રૂપકગ્રંથિનું સ્વરૂપ સિદ્ધ થાય છે. રૂપકગ્રંથિના નિર્માણમાં કવિસંવેદન ને કલ્પનાનો, તર્ક અને દર્શનનો સુયોગ અનિવાર્ય છે. કવિ મૂળભૂત વિચાર-વસ્તુને રૂપકોના માધ્યમથી એવું આસ્વાદ્ય કલારૂપ આપે છે કે એમાંથી જીવનબોધ, અધ્યાત્મબોધ, નીતિબોધ વગેરે સહજતયા જ નિષ્પન્ન થઈને રહે છે.

કવિ રૂપકગ્રંથિમાં મનોરંજન સાથે મનોઘડતરને પણ લક્ષમાં રાખતો હોય છે. પોતાના ભાવકવર્ગને જે તે વસ્તુમાં રસ પડે ને એનું સમ્યક્તયા ગ્રહણ થાય એ માટે એ રૂપકગ્રંથિરૂપ રચનાપ્રપંચ કરતો હોય છે. એમાં શબ્દની ત્રિવિધ શક્તિઓનો, પ્રતીક-કલ્પન-પુરાકલ્પનનો; ઊર્મિ-વિચાર ને કલ્પનાના સમન્વયનો સ્વાભાવિક રીતે જ –  અપૃથગયત્ને જ લાભ લેવાતો હોય છે. આ રીતે રૂપકગ્રંથિનો કવિ પોતાની સૂઝબૂઝપૂર્વક અનેક રીતે વિનિયોગ કરતો હોય છે. પરાપૂર્વથી લોકકવિઓ ને પ્રશિષ્ટ કવિઓ પણ રૂપકગ્રંથિની કલારીતિનો યથેચ્છ વિનિયોગ કરતા આવ્યા છે.

આ રૂપકગ્રંથિ પર નિર્ભર કાવ્યો, કથાઓ, નાટકો, નિબંધો આદિ વિવિધ પ્રકારનાં સ્વરૂપો ધરાવતી સાહિત્યકૃતિઓ મળતી રહી છે. આ રૂપકગ્રંથિનો વિનિયોગ કરતાં રૂપકકાવ્યો, રૂપકકથાઓ, રૂપકાત્મક નાટકો વિશ્વભરનાં વિવિધ ભાષાસાહિત્યોમાંથી મળી રહે છે. દુહા કે મુક્તકથી માંડીને પ્રબંધ કે મહાકાવ્ય સુધીનાં કાવ્યસ્વરૂપોમાં તેનું પ્રચલન જોવા મળે છે. નવલરામે રૂપકગ્રંથિમાં કવિનું વિશેષ પ્રકારનું કૌશલ પ્રવર્તતું જોઈને તેને ‘મહારૂપક’ સંજ્ઞાથી ઓળખાવવાનું પસંદ કર્યું છે. રૂપકગ્રંથિમાં ઊંડા ઊતરતાં ટી. એસ. એલિયટની ‘ઑબ્જેક્ટિવ કો-રિલેટિવ’ની પ્રક્રિયાનું સંચલન જોઈ શકાય એમ છે. ઉત્તમ રૂપકગ્રંથિનું નિબંધન કવિની ઉચ્ચ કક્ષાની સર્જનક્ષમતા વિના શક્ય જ નથી. ઉપમેયને ધ્વનિત કરતા ઉપમાનોના રસાત્મક ગોંફરૂપ આ રૂપકગ્રંથિમાં જમાને જમાને ને કવિએ કવિએ અપાર વૈવિધ્ય ને વિશેષતાઓ દૃષ્ટિગોચર થાય છે. આ રૂપકગ્રંથિની અવગમનક્ષમતા ને અસરકારકતા ધ્યાનમાં લઈને જ ધર્મ–તત્વજ્ઞાન–કેળવણી વગેરે ક્ષેત્રોમાં તેનો છૂટથી ઉપયોગ થતો રહ્યો છે. રાજકીય કટાક્ષના એક અસરકારક સાધન તરીકે પણ તેની શક્તિ પુરવાર થઈ છે. અનેક નીતિકથાઓ, દૃષ્ટાંતકથાઓ, પશુકથાઓ, કટાક્ષકથાઓ વગેરેમાંયે આ રૂપકગ્રંથિની અવનવી રમણલીલા જોઈ શકાય છે. તેનું ચલણ-વલણ વેદોપનિષદોથી માંડીને પુરાણાદિની કથાઓ તેમજ રામાયણ, મહાભારત વગેરેમાંયે જોઈ શકાય છે. પાશ્ચાત્ય સાહિત્યમાંયે હોમરનાં મહાકાવ્યો, બાઇબલ આદિ સાહિત્યમાં તેનો પ્રભાવ સ્પષ્ટ છે.

અગિયારમી સદીમાં ભાગવત પુરાણના ‘પુરંજનચરિત’નો આધાર લઈને કૃષ્ણમિશ્ર નામના નાટ્યકારે રચેલ ‘પ્રબોધચંદ્રોદય’ નામના રૂપકાત્મક નાટકમાં મન, પ્રવૃત્તિ, નિવૃત્તિ, વિવેક, ધર્મ, કરુણા, મૈત્રી, શાંતિ, ક્ષમા, સંતોષ, ભક્તિ જેવાં સારાં, તો કામ, રતિ, મોહ, હિંસા, દંભ, અહંકાર, લોભ, તૃષ્ણા, મિથ્યાષ્ટિ જેવાં નરસાં પાત્રો આવે છે. અંતે આ નાટકમાં પુરુષોત્તમની કૃપાથી અને ઉપનિષદની સહાયથી પ્રબોધ અર્થાત્ જ્ઞાનનો ઉદય થતો જોવા મળે છે. આ નાટ્યાત્મક રૂપકગ્રંથિ દ્વારા એના રચયિતાએ અદ્વૈત સિદ્ધાન્તની સરસ રીતે પ્રતિષ્ઠા કરી છે. આ નાટકનો પ્રભાવ પછીનાં કેટલાંક નાટકોમાં પણ પડ્યો. એ રીતે 1૩મી સદીમાં ગુજરાતના કવિ યશ:પાલનું ‘મોહરાજપરાજય’, 16મી સદીમાં કવિ કર્ણપૂરનું ‘ચૈતન્યચંદ્રોદય’; 17મી સદીમાં ગોકુલનાથનું ‘અમૃતોદય’, ભૂદેવ શુક્લનું ‘ધર્મવિજય’, નલ્લા દીક્ષિતનું ‘ચિત્તવૃત્તિકલ્યાણ’ અને ‘જીવન્મુક્તિકલ્યાણ’ જેવાં રૂપકાત્મક નાટકો મળે છે. 19મી સદીમાં વેદાંતદેશિકે ‘સંકલ્પસૂર્યોદય’ નાટકથી ‘પ્રબોધચંદ્રોદય’ના કેવલાદ્વૈત સામેનો પોતાનો મત પ્રકટ કરેલો. ગુજરાતના જગન્નાથ કવિએ ભાવનગરનરેશ વખતસિંહના દરબારને અનુલક્ષીને ‘સૌભાગ્યમહોદય’ નામે રૂપકાત્મક નાટક લખેલું. આ ઉપરાંત પણ 18મી સદીમાં તંજાવુરના વેદ કવિનાં ‘વિદ્યાપરિણય’ તેમજ ‘જીવાનંદન’, મલબારના જાતવેદસ્ કવિનું ‘પૂર્ણપુરુષાર્થચંદ્રોદય’, નરસિંહનું ‘અનુમિતિપરિણય’ અને ‘શિવનારાયણમહોદય’, મલ્લારિનું ‘શિવલિંગસૂર્યોદય’ જેવાં રૂપકાત્મક નાટકો મળે છે. વેંકટાચાર્યનું ‘શુદ્ધિસત્વનાટક’ 19મી સદીનું છે. આ યાદીમાં મૂકી શકાય તેવાં અન્ય રૂપકાત્મક નાટકોમાં વિદ્યાનાથનું ‘સત્સંગવિજય’, જયંત ભટ્ટનું ‘ષણ્મતનાટક’, સુંદરદેવનું ‘મુક્તિપરિણય’, જીવદેવનું ‘ભક્તિવૈભવ’, શિવનું ‘વિવેકચંદ્રોદય’, રામાનુજનું ‘વિવેકવિજય’, વૈકુંઠપુરીનું ‘શાંતિરસનાટક’, વરદાચાર્યનું ‘વેંકટવિલાસ’, રવિદાસનું ‘મિથ્યાજ્ઞાનખંડન’, બાલકવિનું ‘ગીર્વાણવિજય’ અને શુક્લેશ્વરના ‘પ્રમાણાદર્શ’નાં નામ દઈ શકાય. આ નાટકોનાં શીર્ષક જ તેમનાં રૂપકાત્મક કલેવરનાં દ્યોતક છે.

જેમ રૂપકાત્મક નાટકોએ તેમ અન્યોક્તિકાવ્યોની પરંપરાએ પણ રૂપકરીતિની રચનાપ્રણાલીને પુષ્ટ કરી છે. 9મી સદીના ભલ્લટના ‘ભલ્લટશતક’ કાવ્યથી માંડીને છેક નીલકંઠ દીક્ષિતના ‘અન્યાપદેશશતક’ અને જગન્નાથ પંડિતરાજના ‘પ્રાસ્તાવિક વિલાસ’ સુધીની અનેક અન્યોક્તિ-રચનાઓનું રૂપકગ્રંથિના વણાટમાં કોઈ ને કોઈ રીતનું પ્રદાન રહ્યું છે.

પાશ્ચાત્ય સાહિત્યમાં અનેક પ્રમુખ કવિઓએ કોઈ ને કોઈ રીતે બાઇબલ આદિનો આશ્રય લઈ ગ્રીક-રોમન પુરાણકલ્પનોનો પોતાની રીતે વિનિયોગ કરતાં રૂપકગ્રંથિઓનાં રચનારૂપોનો પોતાની કૃતિઓમાં લાભ લીધાનાં અનેક ઉદાહરણો છે. યુરોપમાં મધ્યયુગમાં 5મીથી 15મી સદી દરમિયાન રૂપકસાહિત્ય નોંધપાત્ર રીતે ફાલ્યુંફૂલ્યું છે. જૉન કૅશિયન અને સેલાસ્ટિયસે પાંચમી સદીમાં રૂપકકાવ્યો આપેલાં. વર્જિલના ‘ઈનીડ’માં અને ઇટાલિયન કવિ ડાન્ટેની ‘ડિવાઇન કૉમેડી’ (1310–14)માં, વિલિયમ લૅંગલૅંડના ‘પિયર્સ પ્લાઉમૅન’(1394)માં રૂપકગ્રંથિની કળા જોઈ શકાય એમ છે. કવિ એડમંડ સ્પેન્સરનું ‘ફેરી ક્વીન’ સુદીર્ઘ રૂપકકાવ્ય છે. તેમાં અંકશાસ્ત્રીય રૂપકગ્રંથિ પણ છે. એમાં સોળમી સદીના ઇંગ્લૅન્ડની સામાજિક પરિસ્થિતિની રૂપકાત્મક રજૂઆત ધ્યાનાર્હ છે. જૉન ડ્રાયડનનું ‘એબ્સેલમ ઍન્ડ એચિટોફેલ’ (1681), સ્વિફ્ટનું ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ (1726), વિલિયમ બ્લેકનાં ‘ધ વિઝન્સ ઑવ્ ધ ડૉટર્સ ઑવ્ આલ્બિયોન’ (1793) અને ‘ધ ફોર ઝૉસ’ (1791) વગેરે કાવ્યો, ટેનિસનનું ‘ઇડિલ્સ ઑવ્ ધ કિંગ’ અને સી. એસ. લૂઈસનું ‘ધ પિલ્ગ્રિમ્સ રીગ્રેસ’ (1933) વગેરે કૃતિઓ રૂપકગ્રંથિની દૃષ્ટિએ રસપ્રદ છે. રૂપકકાવ્યોની પરંપરા જેમ શેલી, કીટ્સ જેવા રોમૅન્ટિક કવિઓ દ્વારા તેમ ટી. એસ. એલિયટ તેમજ ડબ્લ્યૂ. એચ. ઑડન જેવા આધુનિક કવિઓ દ્વારા પુષ્ટ થતી – ચાલતી રહેલી જોવા મળે છે. જૉન બનિયનની ‘ધ પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ’ (1678; 1684) નવલકથા અંગ્રેજી સાહિત્યની જ નહિ, જગતસાહિત્યની રૂપકગ્રંથિવાળી એક ઉત્તમ કથા છે. એમાં અધ્યાત્મજીવનની વિકાસયાત્રાનું મર્મગ્રાહી દર્શન રજૂ થયું છે. જ્યૉર્જ ઑરવેલના ‘એનિમલ ફાર્મ’માં સ્તાલિનકાલીન રશિયાની રાજકીય પરિસ્થિતિ સામે વ્યંગ રજૂ કરતી પશુ-પાત્રો દ્વારા ગૂંથાયેલી એક અનોખી રૂપકગ્રંથિ છે. આ પછી પણ રૂપકગ્રંથિનાં તત્વોના આગવા વિનિયોગે વિલક્ષણ કહી શકાય એવી કૃતિઓ પિરાન્દેલો, હરમન મેલવિલે, હરમાન હેસ, કાફકા, આલ્બેર કામૂ, જેમ્સ જૉઈસ વગેરે દ્વારા અપાતી રહી છે. જેમ કાવ્યમાં તેમ નવલકથા, નાટક જેવા સાહિત્યપ્રકારોમાં રૂપકગ્રંથિ એના રૂઢ માળખામાં બદ્ધ ન રહેતાં પ્રતીકવાદી, પુરાકલ્પનવાદી અભિગમોમાં પોતાની નવી મુદ્રા ઊભી કરે છે અને એ રીતે પૌરાણિક તેમજ આધુનિક રૂપકો-પ્રતીકોની અભિનવ અર્થવાળી ભાવસૃષ્ટિનું નિર્માણ કરીને રહે છે. આમ, રૂપકગ્રંથિની ગઈકાલની રૂઢરીતિ આજે ભલે અમલમાં ઓછી હોય; પરંતુ એનું જીવાતુભૂત તત્વ અભિનવરૂપે, નૂતન રૂપક-સંદર્ભોમાં સંચારિત થતું  વિકસતું દૃષ્ટિગોચર થાય છે.

ગુજરાતીમાં મધ્યકાલીન સાહિત્યમાં કવિ જયશેખરસૂરિકૃત ષાડ્ગુણ્યમૂલક ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ જેવું મહત્વનું રૂપકકાવ્ય મળે છે. તેના પર સંસ્કૃત કાવ્ય ‘પ્રબોધચંદ્રોદય’ની સીધી અસર છે. એ પછી ગુજરાતીમાં જે અનેક રૂપકાત્મક કાવ્યરચનાઓ થઈ તેમાં ભીમનો ‘પ્રબોધપ્રકાશ’, 16મી સદીનો ‘આત્મરાજરાસ’ અને 17મી સદીનો ‘પ્રબોધચિંતામણિ’ કે ‘લોકવિવેકનો રાસ’, પ્રેમાનંદનું વાણિજ્યમૂલક રૂપકગ્રંથિનો વિનિયોગ કરતું કાવ્ય ‘વિવેકવણજારો’, જૈન કવિ ઉદયરત્નનું ‘વણજારા’ કાવ્ય, જીવરામ ભટ્ટનું ‘જીવરાજ શેઠની મુસાફરી’ કાવ્ય પણ પરંપરાગત આધ્યાત્મિક તેમ જ ધાર્મિક ખ્યાલોની વિવેકપૂર્વક રૂપકગૂંથણી કરીને કાવ્યરસ સાથે અધ્યાત્મરસનો અનુભવ પણ કરાવી રહે છે. પદ–કાફી–વિવાહલઉ, માસ, તિથિ, વાર, કક્કો, છપ્પા, કુંડલિયા, દુહા જેવી વિવિધ રચનાઓમાં પણ રૂપકગ્રંથિના સફળ વિનિયોગ થયાનાં અનેક ઉદાહરણો છે. આ રીતે જૈન તેમજ જૈનેતર કાવ્યરચનાઓમાં રૂપકગ્રંથિમાં ધર્મવિષયક બાબતો વિશેષભાવે ગૂંથાઈને આવી છે. એ પછી હાસ્ય–કટાક્ષ–વ્યંગ મૂલક તથા સુધારાલક્ષી રચનાઓ વગેરેમાં પણ પોતપોતાની રીતે રૂપકગ્રંથિનો વિનિયોગ કરાયાનાં ધ્યાનાર્હ દૃષ્ટાંતો મળે છે. ‘સરસ્વતીચંદ્ર’ જેવી નવલકથામાં મહાભારતનો રૂપકગ્રંથિના – રૂપકસૃષ્ટિના નિર્માણમાં જે વિનિયોગ થયો છે એ અનન્ય છે. આજે પણ આ રૂપકગ્રંથિમૂલક રચનારીતિ કોઈ ને કોઈ રૂપમાં સાહિત્યના વિવિધ પ્રકારોમાં ક્રિયાન્વિત હોવાની પ્રતીતિ થાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી

વિ. પ્ર. ત્રિવેદી

ચન્દ્રકાન્ત શેઠ