રામકૃષ્ણ પિલ્લઈ, કે. (જ. 1870; અ. 1916) : મલયાળમ પત્રકાર. કેરળના પત્રકારત્વક્ષેત્રે તેમનું નામ અવિસ્મરણીય છે. તેઓ ‘સ્વદેશાભિમાની’ના કારણે વિશેષ જાણીતા હતા. એ નામ તેમના અખબારનું હતું. મલયાળમ પત્રકારત્વના ક્ષેત્રે તેમણે નિષ્ઠા, ત્યાગભાવના તથા નિર્ભીક સંપાદનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વિદ્યાર્થીકાળથી જ તેમના બળવાખોર મિજાજના પરિણામે તેમણે વહીવટી ભ્રષ્ટાચાર તેમજ સમાજમાંનાં અન્યાય અને અસમાનતા સામે વિદ્રોહ કર્યો હતો અને તે વખતનાં કેટલાંક દૈનિકોમાં ‘લેટર્સ ફ્રૉમ નેપ્યટ્ટીંકર’ નામે કૉલમ લખવા માંડી હતી. દૃઢ માન્યતા, આદર્શ- પરાયણતા તથા પ્રામાણિકતા – એ આ લખાણોની મુખ્ય લાક્ષણિકતા હતી.

વિદ્યાર્થી-અવસ્થામાં જ તેમણે (1900) ‘કેરળદર્પણમ્’ પત્રિકાનું તંત્રીપદ સંભાળ્યું અને એ બદલ તેમના કાકાએ તેમને ઘર બહાર તગેડી મૂક્યા. ત્યારબાદ તેમણે ‘મલયાળી’નું સંપાદન પણ સંભાળ્યું. પછી એક નવા સામયિક ‘કેરળપંચિકા’નું તંત્રીપદ સ્વીકારવાની વિનંતીથી એ જવાબદારી 1903 સુધી સંભાળી.

તેમણે પત્રકાર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે ભારતીય અખબારી જગત પરિવર્તનને આરે આવીને ઊભું હતું. સ્વાતંત્ર્ય-આંદોલનના પ્રભાવ હેઠળ ભારતીય અખબારી જગત આક્રમક બનીને કડકાઈભર્યા પ્રેસવિષયક કાયદાનો વ્યાપક વિરોધ કરવા લાગ્યું હતું. રામકૃષ્ણે ત્રાવણકોરમાં આવા દેશભક્તોની આગેવાની સંભાળી. તેમણે ‘કેરલમ્’ નામે પોતાનું પ્રકાશન આરંભ્યું.

1905માં અતિપ્રસિદ્ધ ‘સ્વદેશાભિમાની’ અસ્તિત્વમાં આવ્યું. વક્કોમથી પ્રકાશનનો આરંભ કર્યા બાદ તેને ત્રિવેન્દ્રમ લઈ જવાયું. નામીચા અખબારી કાયદાનો ઉગ્ર વિરોધ કરવામાં તે રાજ્યનું અગ્રણી પત્ર બની રહ્યું. એની મારફત તેમણે રાજમહેલોના રાજકારણમાં તેમજ સત્તાની પરસાળોમાં બેફામ વકરેલા ભ્રષ્ટાચાર તથા સગાવાદનો નગ્ન ચિતાર આપ્યો.

આ ગાળા દરમિયાન તેમણે કાયદાકીય અભ્યાસ ચાલુ રાખ્યો અને ‘વિદ્યાર્થી’ તથા તે વખતના એકમાત્ર મહિલા સામયિક ‘શારદા’નું પણ સંપાદન કર્યું. તત્કાલીન રાજ્યના દીવાન પી. રાજગોપાલાચારી વિરુદ્ધના એક તંત્રીલેખ બદલ તેમને ત્રાવણકોરમાંથી હદપાર કરી તેમનાં પ્રેસ તથા દૈનિકને જપ્ત કરવામાં આવ્યાં.

સરકારના આ પગલાની રાષ્ટ્રવાદી અખબારોએ ઉગ્ર ટીકા કરી હતી અને મલેશિયાના મલયાળી એસોસિયેશને તેમને ‘સ્વદેશાભિમાની’ શબ્દોથી અંકિત સુવર્ણચંદ્રક આપ્યો હતો.

લેખક, વિવેચક અને સમાજસુધારક તરીકે પણ તેમનું જીવન-કવન યાદગાર બન્યું છે. મલયાળમ ભાષાસાહિત્યમાં તેમણે જીવનકથા, ઇતિહાસ, સાહિત્યિક વિવેચન વગેરે ક્ષેત્રોને સમૃદ્ધ કર્યાં છે. તેમણે લખેલી કાર્લ માર્કસની સંક્ષિપ્ત જીવનકથા મલયાળમમાં થયેલું માર્કસવિષયક પ્રથમ પ્રકાશન છે. તેમણે સૉક્રેટિસ, કોલંબસ, ફ્રૅન્કલિન અને મહાત્મા ગાંધી વિશે પણ પુસ્તકો લખ્યાં છે. ગાંધીજી વિશેનું પુસ્તક સર્વ ભારતીય ભાષાઓમાં ગાંધીજી વિશેનું સૌપ્રથમ જીવનચરિત્ર હતું. તેમનું સૌથી મહત્વનું પ્રકાશન તે ‘વૃત્તાંતપત્ર પ્રવર્તનમ્’ (1912) છે. તેમાં પત્રકારત્વની કામગીરી તથા શૈલી વિશે અનુભવના તારણરૂપે આપેલું વિવરણ છે.

મહેશ ચોકસી