રામકૃષ્ણ પરમહંસ (જ. 18 ફેબ્રુઆરી 1836, કામારપુકુર; અ. 15 ઑગસ્ટ 1886) : અર્વાચીન ભારતના મહાન સંત. મૂળ નામ ગદાધર. પિતા ખુદીરામ ચૅટરજી.

નાનપણથી જ તેઓ રહસ્યવાદી દર્શનોની અનુભૂતિ કરતા હતા. માટીની મૂર્તિઓ બનાવવામાં તેમને ઘણો રસ હતો. શાળાના શિક્ષણ પ્રત્યે તેમને રુચિ ન હતી. પિતાનું અવસાન થતાં 17 વર્ષની ઉંમરે તેઓ મોટાભાઈ રામકુમારની સાથે કોલકાતા આવ્યા. દક્ષિણેશ્વરના કાલીમંદિરના પૂજારીનું કામ મળ્યું. કાલીની પૂજા કરતાં તેઓ ભાવવિભોર બની જતા, ક્યારેક તો બેહોશ પણ થઈ જતા. આમાંથી ઉગારવા 25 વર્ષની વયે તેમને શારદામણિ સાથે પરણાવવામાં આવ્યા.

રામકૃષ્ણ પરમહંસ

સંસારમાં પડ્યા છતાં તેઓ જલકમલવત્ સંસારથી પર રહ્યા. સત્યની શોધ માટે માનવઆત્માઓ વડે ખેડાઈ ચૂકેલા તમામ માર્ગોનું તેમણે ખેડાણ કર્યું. આધ્યાત્મિક જીવનની શરૂઆતમાં તેઓ કાલીની ઉપાસનામાં જ ઓતપ્રોત રહેતા. ભગવદ્દર્શનની તેમને ઉત્કટ ઝંખના હતી. ભૈરવી બ્રાહ્મણી નામની એક સ્ત્રી દ્વારા દીક્ષા લઈને તેમણે તંત્રમાર્ગની ઉપાસનાપદ્ધતિ અપનાવી. તે પછી વૈષ્ણવ ઉપાસનાના કાળ દરમિયાન દાસ્યભાવ, સખ્યભાવ, વાત્સલ્યભાવ, કાન્તભાવ અને મધુરભાવને પોતાની સાધનામાં અપનાવ્યા. ત્યારબાદ નિર્ગુણ સાધના તરફ વળ્યા. તોતાપુરી નામના પ્રખર જ્ઞાનમાર્ગીએ તેમને અદ્વૈત વેદાન્તમાં દીક્ષિત કર્યા. ટૂંકસમયમાં તેઓ નિર્વિકલ્પ સમાધિની અવસ્થાએ પહોંચ્યા. પોતાની સાધનાની ક્ષિતિજો વધારવા તેઓ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ તરફ પણ વળ્યા હતા. ઇસ્લામી સાધનાનો ગાળો ટૂંકો હતો. આ ગાળા દરમિયાન સૂફી વિચારધારાની ઘણી અસર તેમના પર પડી. શંભુચરણ મલ્લિક અને અન્ય ખ્રિસ્તીઓ પાસેથી તેમણે બાઇબલનું શ્રવણ કર્યું. આ ગાળાની સાધનામાં તેમને ઈસુનાં દર્શન થતાં હતાં. સંસ્થાકીય ધર્મો પૈકી માત્ર બૌદ્ધ ધર્મની નજીક તેઓ આવી શક્યા ન હતા. આમ છતાં તેમના પર તે ધર્મની અસર ઓછી ન હતી. આમ પોતાની સાધના માટે તેમણે બધા જ ધર્મોને સ્થાન આપ્યું. પરિણામે પોતે રહસ્યદર્શી બન્યા. આ અનુભવ પછી તેમને પ્રતીતિ થઈ કે દુનિયાના બધા જ ધર્મો સમાન છે. તેઓ ઈશ્વરના નિરાકાર તેમજ સાકાર બંને સ્વરૂપમાં માનતા હતા. એકેશ્વરવાદ અથવા અનેકેશ્વરવાદ જેવા ભેદ તેમને ન હતા કે મૂર્તિપૂજાનો વિરોધ પણ કરતા ન હતા. તે નિરક્ષર હોવા છતાં તેમની બૌદ્ધિક ક્ષમતા ધ્યાન ખેંચે તેવી હતી. તેમનામાં વિરોધાભાસી ગુણો અને રુચિઓનો સમન્વય જોવા મળે છે. ધર્મપાલન અને નૈતિક આચરણની બાબતમાં તેમણે ઘણી જ સહિષ્ણુતા દાખવી હતી. આથી જ રૂઢિચુસ્તો અને ક્રાંતિકારીઓ બંને તેમની પર વિશ્વાસ મૂકતા. તેમના વિચારોને ક્રમબદ્ધ મૂકી શકાય તેમ નથી. તેમણે કોઈ ગ્રંથો લખ્યા નથી કે પ્રવચનો કર્યાં નથી. તેમના વાર્તાલાપની નોંધોમાંથી જ તેમના વિચારો જાણી શકાય છે. સ્વામી વિવેકાનંદનાં લખાણો અને મહેન્દ્રનાથ ગુપ્તા દ્વારા બંગાળીમાં લિખિત ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ (અંગ્રેજી અનુવાદ ‘ધ ગૉસ્પેલ ઑવ્ શ્રી રામકૃષ્ણ’) આધારભૂત છે. ‘ધ ગૉસ્પેલ ઑવ્ શ્રી રામકૃષ્ણ’ પુસ્તક ઊંચે ઊર્ધ્વ ચેતનામાં લઈ જનારું નીવડે છે, તેટલું જ હૃદયસ્પર્શી અને ઉદાત્ત પણ છે. રામકૃષ્ણના ઉપદેશ વિશે રોમાં રોલાં જણાવે છે કે ‘તેમના ઉપદેશો તો તેમની જીવનકિતાબનાં પાનાં છે.’ તેમના ઉપદેશોમાંથી કોઈ ચોક્કસ તત્વમીમાંસાકીય સિદ્ધાંત તારવી શકાય નહિ. કોઈ સર્વાંગસંપૂર્ણ સિદ્ધાંતોની રચનામાં તેમને રસ ન હતો. સત્યને કોઈ ચોક્કસ સિદ્ધાંતના માળખામાં ગોઠવી દેવાનો તેમનો સ્વભાવ જ ન હતો. તેથી તેઓ કહેતા કે ‘જો એક લોટો ભરેલું પાણી મારી તરસ છિપાવી શકતું હોય તો મારે તળાવ માપવા શા માટે જવું ?’ સત્યની પ્રતીતિ વિવિધ રૂપે થતી હોય છે એમ તેઓ માનતા. બધા જ ધર્મોની ખોજ ઈશ્વરની જ છે, માત્ર દરેકના અભિગમ જુદા જુદા છે. તેમણે અનેક ઘરગથ્થુ દૃષ્ટાંતકથાઓ દ્વારા ઈશ્વરની શક્તિ અને તેની પરાત્પર સત્તા વિશે સમજાવ્યું છે. તેમનું ચિંતન શાશ્વત દર્શન સાથે સુસંગત છે. તેઓ કહેતા, ‘જગતમાં રહો, પણ તેનાથી પર એવા પરમ તત્વનું ચિંતન કરો. પાણીમાં રહેલા કાચબાને જુઓ. તે પાણીમાં રહે છે, પણ તેનું લક્ષ કિનારા પરનાં તેણે મૂકેલાં ઈંડાંમાં જ હોય છે.’ આધ્યાત્મિક શિસ્તથી જ જ્ઞાન આવી શકે. આમ તેમનાં અવલોકનો અને કથનો જોતાં તેઓ રહસ્યવાદી સંત તરીકે છતા થાય છે. વિવિધ રૂપકો અને દૃષ્ટાંતો દ્વારા તેમણે રહસ્યવાદને સમજાવ્યો છે. રામકૃષ્ણની ભારતને સૌથી મોટી ભેટ તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદની છે. વિવેકાનંદે રામકૃષ્ણના આદર્શોને વ્યાવહારિક સ્વરૂપ આપી સમગ્ર વિશ્વમાં તેનો પ્રસાર કર્યો. ગળાના સખત ચેપી રોગના કારણે 1886ની 15મી ઑગસ્ટે હંસ સમા આ મહાન પરમહંસ હિમાલયની ગોદમાં ચિરનિદ્રામાં પોઢી ગયા. સુપ્રસિદ્ધ તત્વજ્ઞાની વિશ્વનાથ એસ. નરવણેના શબ્દોમાં રામકૃષ્ણનું મૂલ્યાંકન કરતાં કહી શકાય કે ‘ગ્રીક ચેતનાના વિકાસમાં પચીસ સો વર્ષ અગાઉ જે સ્થાન સૉક્રેટિસનું હતું તે જ સ્થાન આધુનિક ભારતીય ચિંતનવિકાસમાં રામકૃષ્ણ પરમહંસ ધરાવે છે.’

થૉમસ પરમાર