રામકૃષ્ણમાચાર્યલુ, ધર્માવરમૂ (જ. 1853, ધર્માવરમૂ, જિ. અનંતપુર, આંધ્રપ્રદેશ; અ. 1912) : તેલુગુ નાટ્યકાર. આંધ્રપ્રદેશના તેઓ એક સૌથી જાણીતા અર્વાચીન નાટ્યકાર હતા. ત્રણ વર્ષની વયે તો તેઓ આખો ‘અમરકોશ’ કેવળ યાદશક્તિથી મધુર કંઠે ગાઈ શકતા. નાનપણથી જ તેઓ સંસ્કૃત, તેલુગુ અને અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવતા હતા. વકીલાતની પરીક્ષા પાસ કર્યા પછી, બેલરીમાં વકીલાત શરૂ કરી. શહેરમાંના કન્નડ યક્ષગાનના કાર્યક્રમો જોઈને તેમને નાટ્યલેખનની પ્રેરણા મળી.

તેમણે કન્નડમાં ‘સ્વપ્નાનિરુદ્ધમ્’ (1886) લખ્યું અને તેમની પોતાની મંડળી સરસા વિનોદિની સભાએ તે ભજવ્યું, ત્યારે તેને ભારે સફળતા મળી. આનાથી પ્રેરાઈને તેમણે તેલુગુમાં ‘ચિત્રાનલીયમૂ’ (1887) નાટક લખ્યું અને આ નાટકને તથા તેમની મંડળીને અપાર લોકચાહના મળી. તેમણે નાટક લખવા ઉપરાંત દિગ્દર્શન તથા અભિનયની જવાબદારી પણ સંભાળી હતી. નાટ્યલેખનની આવી સફળતાથી પ્રેરાઈ તેમણે 29 નાટકો લખ્યાં, જેમાંથી 14 પ્રગટ થયાં છે. આમાં 1887ના પ્રથમ નાટક ઉપરાંત ‘સાવિત્રી ચિત્રાસ્વામૂ’ (1889), ‘વિષાદસારંગધરમૂ’ (1889), ‘ચિરકારી’ (1891), ‘બૃહન્નલા’ (1896), ‘વરૂથિની’ (1896), ‘પાદુકાપટ્ટાભિષેકમૂ’ (1905), ‘પ્રમીલાર્જુનીયમૂ’ (1905), ‘પ્રહ્લાદ મુક્તાવલિ’ (1915), ‘અભિજ્ઞાન-મણિમંતનાટકમૂ’ (1916), ‘પાંચાલી-સ્વયંવરમૂ’ (1918), ‘મોહિની રુક્માંગદા’ (1920) અને ‘રોશનઆરા શિવાજી’(1922)નો સમાવેશ થાય છે.

આ તમામ નાટકોમાં તેમણે ભારતીય તથા પશ્ચિમી નાટ્યલેખન- પદ્ધતિઓનો સમન્વય કર્યો છે. તેમણે નાટકનું અંક તથા દૃશ્યમાં વિભાજન કર્યું છે અને નાંદી-પ્રસ્તાવનાની નાટ્યરીતિ યથાવત્ જાળવી રાખી છે. કેટલાંક નાટકોમાં તો પૂર્વરંગ અને ઉત્તરરંગનો પણ સમાવેશ કર્યો છે. ‘વિષાદસારંગધરમૂ’ તેલુગુ ભાષાનું સર્વપ્રથમ કરુણરસિક નાટક છે. ‘અજામિલ’ તથા ‘પાદુકાપટ્ટાભિષેકમૂ’ પણ કરુણરસિક છે. ‘વરૂથિની’ સિવાયનાં તમામ નાટકો પંચાંકી છે.

પોતાનાં નાટ્યનિર્માણોના નિર્દેશક તરીકે તેમણે તેલુગુ રંગભૂમિ પર નવું વલણ પ્રચલિત કર્યું. તેમણે પોતાના નટો પાસે નાટકનાં ગીતો તથા કાવ્યો ગવરાવ્યાં. આ રીતે ‘સંગીતનાટક’ની તેલુગુ રંગભૂમિની સુદૃઢ પરંપરાના તેઓ પ્રણેતા બન્યા.

તેમણે ખાસ પોતાની જ નાટ્યમંડળી માટે એક આગવું થિયેટર બંધાવ્યું. તેમણે આંધ્રપ્રદેશનાં મુખ્ય શહેરોમાં નાટકો ભજવવા ઉપરાંત ચેન્નાઈ, મૈસૂર અને હૈદરાબાદમાં પણ નાટકો ભજવ્યાં. તેલુગુ નાટક વિશેના તેમના વ્યાપક અને ચિરસ્થાયી પ્રભાવને કારણે તેમને ‘આંધ્ર નાટક પિતામહ’નું બિરુદ અપાયું હતું.

મહેશ ચોકસી