રત્નેશ્વર (સત્તરમી સદી ઉત્તરાર્ધ) : કવિ અને અનુવાદક. પિતા મેઘજી, માતા સૂરજ. ડભોઈનો. ક. મા. મુનશી પ્રમાણે શ્રીમાળી અથવા અ. મ. રાવળ પ્રમાણે મેવાડા બ્રાહ્મણ. કાશી જઈ સંસ્કૃત શીખી આવ્યા પછી કવિતા રચવાનો આરંભ. આજીવિકાર્થે પુરાણની કથા કરવા જતાં પુરાણીઓ સાથે ઝઘડામાં જાનનું જોખમ લાગતાં ડભોઈ છોડી નર્મદાકિનારે કૈણેદ જઈ ત્યાં દ્વાદશસ્કંધ ભાગવત રચ્યું. પ્રેમાનંદે આ પુસ્તકની ઘણી પ્રશંસા કરી એમ કહેવાય છે. ગ્રંથ લઈ ડભોઈ પાછો ફરી એનાથી જ કથા કરવા માંડી, જેનાથી પ્રભાવિત કોઈ ભૂલાભાઈ કાભાઈ અમીને એને ઘર બંધાવી આપેલું; જે પછી પંડ્યા શેરીમાં ‘રત્નેશ્વરના ઓરડા’ તરીકે ઓળખાતું હતું. વલ્લભાચાર્ય પંથના એક મહારાજે એને ‘કલિયુગના વ્યાસ’નું બિરુદ આપ્યું હતું. ક. મા. મુનશી એને કલાકારનું ભક્તિસાહિત્ય પ્રગટાવનાર કવિઓમાંનો એક ગણે છે. રત્નેશ્વર સહનશીલ અને ધૈર્યવાન તેમજ છંદશાસ્ત્રમાં નિપુણ પુષ્ટિભક્ત હતો. એને બે પુત્રો હતા, જેમણે એના અવસાન પછી એના ગ્રંથો વહેંચી લીધા. ભાગવત કદમાં મોટું હોવાથી બે ભાગમાં વહેંચી લીધું. એકના ભાગમાં 1થી 3 તથા 10થી 12 સ્કંધ આવ્યા અને બીજાના ભાગમાં 4થી 9 સ્કંધ આવ્યા. એથી દુર્ભાગ્યે સળંગ ભાગવત ઉપલબ્ધ નથી.

એ અંગે એમ કહેવાય છે કે એના એક અક્ષરશૂન્ય પુત્રના ભાગમાં જે સ્કંધો આવ્યા તે ગ્રંથ રત્નેશ્વરની ઈર્ષ્યા કરનાર બ્રાહ્મણોએ પિતા પાસે સ્વર્ગે પહોંચાડવા બાળી નાખવા અને પાણીમાં પધરાવવા કહેલું. તે પ્રમાણે તેણે કર્યું. કાલિદાસ નામના સાધુએ એ સ્કંધ ફરીથી લખ્યાનું કહેવાય છે. ભાગવત સ્કંધ 1, 2, 10, 11 મુદ્રિત છે. રચ્યાસંવત અનુક્રમે વિ. સં. 1740, 1749, 1739, 1740 છે. આ ઉપરાંત ભાગવતનો 12મો સ્કંધ (ર. ઈ. 1694) પણ ઉપલબ્ધ છે; વળી ‘કવિચરિત’ તેનો ત્રીજો સ્કંધ હોવાની માહિતી આપે છે.

પ્રેમાનંદના કહેવાતા શિષ્યમંડળ અને તેમાં રત્નેશ્વરના સ્થાન અંગે એટલું જ કહી શકાય કે એને પ્રેમાનંદનો સમકાલીન માની શકાય.

ગુજરાતીમાં સૌપ્રથમ શ્રીધરની ટીકાને અનુસરી ચોપાઈના ઢાળમાં ભાગવત ઉતારનાર એણે પ્રબોધપંચાશિકા, વૈરાગ્યલતા, વૈરાગ્યદીપક, વૈરાગ્યસાગર – એ ચાર ગુચ્છોમાં વહેંચાયેલી શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા જેવા અક્ષરમેળ વૃત્તવાળા કાવ્યબંધમાં, આત્મવિચારચંદ્રોદય/વૈરાગ્યબોધ (મુ. ર. સં. 1748) જેવી મૌલિક કૃતિ રચી છે. રાધાવિરહના બારમાસ (‘રાધાકૃષ્ણના મહિના’) (મુ. ર. સં. 1795) સંસ્કૃત કવિતાની અસર દેખાડતી, છંદની ર્દષ્ટિએ અન્ય સર્વ મહિના કાવ્યોથી જુદી પડતી કૃતિ છે. તેમાં પ્રત્યેક માસના આલેખનને અંતે છેલ્લી ચાર પંક્તિઓ માલિની વૃત્તમાં છે.

રત્નેશ્વરે ‘અશ્વમેધપર્વ’ (મુ. ર. ઈ. 1687), ‘જૈમિનીય સ્વર્ગારોહણ’ (મુ. ર. ઈ. 1692), ‘લંકાકાંડ’, ‘બાળકાંડ’, ‘ઋતુવર્ણન’, ‘કામવિલાસ’ જેવી કૃતિઓ પણ રચી છે. એની ગણાયેલી અન્ય કૃતિઓમાં ‘મૂર્ખલક્ષણાવલિ’ (મુ. ર. ઈ. 1714), ‘સુજ્ઞાવલિ’ (મુ.), ‘કેટલાંક પદો’ (મુ.) તેમજ ‘ભગવદગીતા’, ‘મહિમ્ન:સ્તોત્ર’, ‘ગંગાલહરી’ અને ‘શિશુપાલવધ’ના અનુવાદ વગેરે છે; પણ હસ્તપ્રતોના આધાર ન હોવાને કારણે એનું કર્તૃત્વ શંકાસ્પદ રહે છે. એની એક કૃતિ ‘ગંગાષ્ટક’ છે, પણ તે છંદોભંગદૂષિત હોવાને કારણે એની કૃતિ હોવા વિશે શંકા રહે છે.

દેવદત્ત જોશી