રત્નો (gems, gemstones)

January, 2003

રત્નો (gems, gemstones)

ઝવેરાતના ઉપયોગમાં લઈ શકાય એવા મૂલ્યવાન સુંદર સ્ફટિકો. જે ખનિજ અલંકાર તરીકે ઉપયોગમાં લેવા માટે સુંદર દેખાતું હોય અને સુંદર દેખાતું ટકી રહેવા માટે ટકાઉપણાનો પણ ગુણધર્મ ધરાવતું હોય તે રત્ન કહેવાને પાત્ર ગણાય. ચમક, તેજ, અનેકરંગિતા, રંગદીપ્તિ, રંગવૈવિધ્ય, માર્જાર-ચક્ષુ-ચમક (chatoyancy) અને દ્વિરંગવિકાર (dichroism) એ રત્ન તરીકે ઓળખવા માટેના ખનિજ સ્ફટિકોના વિશિષ્ટ ગુણધર્મો છે. મોતી, અંબર, પ્રવાળ કે જેટ (લિગ્નાઇટનો કાળો ઘનિષ્ઠ પ્રકાર, jet) જેવા કેટલાક કાર્બનિક પદાર્થોને બાદ કરતાં આકર્ષક દેખાતાં કુદરતી ખનિજોને રત્નની કક્ષામાં મૂકી શકાય. આમ રત્ન કે ઉપરત્ન એ આકર્ષક અને ટકાઉ હોય એવા કીમતી કે અર્ધકીમતી ખનિજસ્ફટિક માટે ઉપયોગમાં લેવાતો સામાન્ય શબ્દપ્રયોગ છે; દા.ત., હીરો, માણેક, પન્ના, નીલમ, મોતી એ કીમતી રત્નોનાં અને પોખરાજ, ઍક્વામરીન (બેરિલ), રુબિલાઇટ (ટુર્મેલિન), પેરિડોટ (ઑલિવિન), સ્પાઇનેલ, ઝર્કૉન, ગાર્નેટ, એમિથિસ્ટ, ચંદ્રમણિ વગેરે અર્ધકીમતી રત્નોનાં ઉદાહરણો છે. કુદરતી સ્થિતિમાં મળતાં આવાં ખનિજોને રત્નપાષાણ (gemstones) કહે છે. તેમને જરૂરિયાત મુજબ કાપીને, પહેલ પાડીને, ચમક આપવા માટે ઘસીને આકર્ષક બનાવાય ત્યારે જ તે રત્ન કે ઉપરત્ન તરીકે ઓળખાય છે અને ઉપયોગમાં લઈ શકાય છે. રત્નો કે ઉપરત્નો મુખ્યત્વે આલંકારિક ઉપયોગ માટે વપરાય છે. રત્ન તરીકે ઉપયોગમાં લેવા માટે ખનિજ કઠિન, ર્દઢ, સંભેદરહિત અને પારદર્શક હોવું જરૂરી છે. આવા જ ગુણધર્મો ઓછા પ્રમાણમાં ધરાવતાં બીજાં ઘણાં ખનિજો ઉપરત્નની કક્ષામાં આવે છે; જેમ કે, અકીક, ઓપલ, ફ્લોરાઇટ, જેડ વગેરે. કુદરતી રીતે ઉપલબ્ધ કેટલાંક રત્નો એક જ ખનિજનાં બે જુદાં જુદાં સ્વરૂપોમાં પણ મળે છે; દા.ત., માણેક અને નીલમ એ બંને કૉરંડમનાં જ અલગ અલગ સ્વરૂપો છે. એ જ રીતે પન્ના અને ઍક્વામરીન એ બંને બેરિલનાં જ અલગ અલગ સ્વરૂપો છે. ખનિજ વર્ગ કે ખનિજ-સમૂહ તરીકે મળતાં ગાર્નેટ ઉપરત્નોની ગરજ સારે છે. મોટાભાગનાં રત્નો કુદરતમાં સ્ફટિક-સ્વરૂપે મળે છે; જે અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને લાક્ષણિક ગુણધર્મો ધરાવતાં હોય છે. આ કારણે જ તે સુંદરતા અને ટકાઉપણા સાથે સીધો સંબંધ ધરાવે છે. રત્ન તરીકે ટકી રહેવા માટે ટકાઉપણું હોવું એ તેની પ્રાથમિક જરૂરિયાત બની રહે છે. આમ અત્યંત આકર્ષક, લાક્ષણિક ગુણધર્મધારક હોય અને આલંકારિક હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય એવા ખનિજસ્ફટિકને રત્ન કે ઉપરત્ન તરીકે ઓળખાવી શકાય.

મુખ્ય ગુણધર્મો : (1) ટકાઉપણું (durability) : દરેક ખનિજને પોતાની અલગ કઠિનતા (ઘર્ષણ પ્રતિ પ્રતિકારક્ષમતા – hardness) અને ર્દઢતા (સંભેદ અને પ્રભંગ પ્રતિ પ્રતિકારક્ષમતા – rigidity) હોય છે, બંને મળીને ટકાઉપણાનો ગુણધર્મ વિકસે છે અને રત્ન માટે જરૂરી યોગ્યતાને પાત્ર બને છે. ‘મોઝ’ના કઠિનતાના માપાંક(Mohs scale)ના સંદર્ભમાં 1થી 9 સુધીના પ્રમાણિત પ્રત્યેક ખનિજની કઠિનતાના અંકમાં જે એક એક અંકનો સરખો તફાવત હોય છે તે કૉરંડમ (9) અને હીરા (10) વચ્ચે જળવાતો હોતો નથી, વાસ્તવમાં તે વધારે હોય છે. થોડાક અપવાદોને બાદ કરતાં મોટાભાગનાં રત્નોની કઠિનતા વધુ હોય છે; જેમ કે, હીરા માટે 10, માણેક અને નીલમ માટે 9, ક્રાયસોબેરિલ માટે 8.5, પન્ના અને ઍક્વામરીન માટે તેમજ સ્પાઇનેલ અને ટોપાઝ માટે 8 હોય છે.

(2) સુંદરતા (beauty) : રત્નોની સુંદરતાનો મુખ્ય આધાર તેમના પ્રકાશીય ગુણધર્મો પર રહેલો હોય છે; જેમાં રંગ, રંગવૈવિધ્ય, અપકિરણ (dispersion) અથવા ‘પાણી’, વક્રીભવનાંક અને રંગવિકારનો સમાવેશ થાય છે; જેમ કે, ઓપલ તેના રંગવૈવિધ્ય માટે અને નીલમ તેના તારક¹Úશ્ય (asterism) માટે જાણીતાં છે. સુંદરતાનો આધાર તેજસ્વિતા (brilliancy) પર પણ રહેલો હોય છે. વક્રીભવનાંક, પારદર્શકતા, ચમક અને કાપ-પ્રમાણ (પહેલ પાડવાની રીત) પરથી તેજસ્વિતા ઉદભવે છે; દા.ત., બધાં જ રત્નોમાં હીરાની તેજસ્વિતા અનોખી હોય છે. રંગવિકાર દ્વિવક્રીભવનના સિદ્ધાંત પર આધારિત હોઈ કેટલાંક રત્નો જુદી જુદી દિશામાં પ્રકાશનું જુદા જુદા પ્રમાણમાં શોષણ કરતાં હોવાથી રંગવૈવિધ્ય ઉદભવતું હોય છે; જેમ કે, માણેક, નીલમ અને પન્ના દ્વિરંગિતા (dichroism), જ્યારે ઍલેક્ઝાન્ડ્રાઇટ ત્રિરંગિતા (trichroism) દર્શાવે છે. તારકર્દશ્ય ઉત્પન્ન કરતાં રત્નોને તારક-રત્નો પણ કહે છે. ઘૂમટ સ્વરૂપે કાપેલાં (domed style cutting) રત્નોની સપાટી પરથી વિવિધ તારક-કિરણો દેખાય છે. માણેક અને નીલમ તેમની કાપ-પદ્ધતિ પ્રમાણે ષટ્કિરણ-તારકર્દશ્ય બતાવે છે; એવું જ ષટ્કિરણ-ર્દશ્ય ક્વચિત્ ક્વાર્ટ્ઝ અને બેરિલમાં પણ જોવા મળે છે. કેટલાંક ગાર્નેટ અને સ્પાઇનેલમાં ચાર કિરણો દેખાતાં હોય છે. કૉરંડમના પ્રકારોમાં તેમાં રહેલી આગંતુક સોયોની હાજરીને કારણે ષટ્કિરણ-ર્દશ્ય જોવા મળે છે; જે તેનું વિશિષ્ટ લક્ષણ બની રહે છે. કેટલાંક રત્નો માર્જાર-ચક્ષુ-ચમક (chatoyancy – cat’s eye effect) જેવી પ્રકાશીય ઘટના ઉત્પન્ન કરતાં હોય છે, ક્રાયસોબેરિલનું આ પ્રધાન લક્ષણ ગણાય છે, કોઈ પણ અન્ય રત્ન કરતાં તે વધુમાં વધુ રેશમી ચમક બતાવે છે. ક્યારેક ટુર્મેલિન, ક્વાર્ટ્ઝ, બેરિલ, સ્કેપોલાઇટ અને ડાયૉપ્સાઇડ પણ આ અસર બતાવે છે. બિલાડીની આંખ ફરતી હોય ત્યારે બદલાતી જતી ચમક જેવી આ ર્દશ્ય-ઘટના હોય છે. કેટલાંક પારભાસક ઉપરત્નો તેમાં રહેલી સમાંતર રેસાદાર સંરચનાને કારણે પ્રકાશનું વિખેરણ કરવાની ક્ષમતાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવતાં હોય છે. ઓપલ નામનું ઉપરત્ન અનેકરંગિતાનું ર્દશ્ય રજૂ કરતું હોવાથી અત્યંત આકર્ષક બની રહે છે. ઓપલના બંધારણમાં રહેલા સૂક્ષ્મ ગોલકોમાંથી પરિણમતું પ્રકાશીય વ્યતિકરણ અને વક્રીભવન અનેકરંગિતા (play of colours) ઊભી કરે છે. આને જ મળતી આવતી ર્દશ્ય અસર ચંદ્રમણિ (moonstone) અને ઍડ્યુલેરિયા (બંને ઑર્થોક્લેઝના પ્રકારો) પણ દર્શાવે છે.

કીમતીઅર્ધકીમતી રત્નો : કુદરતી રીતે મળી આવતા રત્નપાષાણોને કીમતી-અર્ધકીમતી રત્નપ્રકારો જેવા બે સમૂહોમાં વહેંચેલા છે. વાસ્તવમાં આ વિભાગીકરણનું કોઈ ખાસ મહત્વ જળવાતું હોતું નથી; દા.ત., ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળું ઉપરત્ન જેડાઇટ ક્યારેક પ્રતિ કૅરેટે 1,000 ડૉલરમાં પણ વેચાતું હોય છે, તો વળી હલકી કક્ષાનું માણેક (તારકર્દશ્યવાળું) પ્રતિ કૅરેટે 1 ડૉલરમાં પણ મળી રહે છે. એ જ રીતે સુંદર, કાળું ઓપલ, ક્રાયસોબેરિલ (માર્જારચક્ષુ) અને ઍલેક્ઝાન્ડ્રાઇટ રંગીન નીલમ કરતાં પણ ક્યારેક મોંઘાં બની રહેતાં હોય છે.

રત્નોના મૂલ્ય માટેનો પ્રમાણભૂત આંતરરાષ્ટ્રીય એકમ કૅરેટ (200 મિલિગ્રામ = 4 ગ્રામ) અને મોતી માટેના મૂલ્યનો એકમ ગ્રેન (1 ગ્રેન = 50 મિલિગ્રામ = 3 કૅરેટ) ગણાય છે.

પ્રાપ્તિસ્થિતિઉત્પત્તિસ્થિતિ : રત્નોની પ્રાપ્તિસ્થિતિ માટે વિવિધ સંજોગો જવાબદાર ગણાય છે. ઊંચું મૂલ્ય ધરાવતાં રત્નો મુખ્યત્વે તો અગ્નિકૃત ખડકો કે ભૌતિક સંકેન્દ્રણ પામેલા કાંપમય નિક્ષેપો સાથે સંકળાયેલાં મળે છે. ક્વાર્ટ્ઝના સુંદર સ્ફટિકો શિરાઓમાંથી; ઓપલ, અકીક અને ઝિયોલાઇટ કોટરો કે બખોલોમાંથી; હીરા પેરિડોટાઇટ નળીઓમાંથી મળે છે. મૅગ્માના સ્ફટિકીકરણ દરમિયાન અલ્ટ્રાબેઝિક ખડકો સર્વપ્રથમ અલગ પડતા હોય છે. તેમાં હીરા, પાયરોપ (ગાર્નેટ) અને પેરિડોટ (મૅગ્નેશિયમયુક્ત ઑલિવિન) તૈયાર થતાં હોય છે. અવશિષ્ટ મૅગ્મા લિથિયમ, બેરિલિયમ, બૉરૉન, ફ્લોરિન, ક્લોરીન અને હાઇડ્રૉક્સિલ સહિત સિલિકાથી સમૃદ્ધ હોય છે, તે પેગ્મેટાઇટમાં પરિણમે છે. ઘટકોની હાજરી મુજબ તેમાં ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, ટુર્મેલિન, બેરિલ, ટોપાઝ, સ્પૉડ્યુમિન, કેસિટરાઇટ જેવાં કીમતી–અર્ધકીમતી રત્નો–ઉપરત્નો બને છે. હીરાની પ્રાપ્તિ કિમ્બરલાઇટ તરીકે ઓળખાતા અલ્ટ્રાબેઝિક પ્રકારના પેરિડોટાઇટ સાથે અને પરિણામી પ્રાપ્તિ ભૌતિક સંકેન્દ્રણો સાથે સંકળાયેલી હોય છે. હીરા સિવાયનાં અન્ય રત્નો પેગ્મેટાઇટ ડાઇક-સંસર્ગ-વિકૃતિ-નિક્ષેપોમાંથી મળે છે. કૅલ્સાઇટના સુંદર સ્ફટિકો આરસપહાણ સાથે મળે છે. કૉરંડમ અને સ્પાઇનેલ સંસર્ગ-વિકૃતિ વિભાગોની પેદાશ ગણાય છે. મૂલ્યવાન માણેક અને નીલમ સંસર્ગ-વિકૃતિ-નિક્ષેપોમાંથી અથવા તેમાંથી પરિવહન પામી તૈયાર થતા પરિણામી ગ્રેવલ જથ્થાઓમાંથી મળી રહે છે; દા.ત., મ્યાનમારનો મોગોક વિસ્તાર. અહીંથી જ પેરિડૉટ, ટોપાઝ, ક્વાર્ટ્ઝ, ગાર્નેટ અને કેટલાંક વિરલ રત્નો પણ મળી રહે છે. નેફ્રાઇટ, સ્ટોરોલાઇટ, કાયનાઇટ અને સિલિમેનાઇટ પ્રાદેશિક વિકૃતિને કારણે તૈયાર થાય છે. લૅપિસ લૅઝ્યુલી, સર્પેન્ટાઇન અને ટૉમ્સોનાઇટ અંતર્ભેદકો પર થતી ઉષ્ણતાબાષ્પપ્રક્રિયાની પરિણામી પેદાશો છે. ઉષ્ણજળજન્ય ખનિજકારકો ઓપલ, અકીક બનાવે છે; જ્યારે અધ્યારોપિત પ્રવાહીઓની પ્રક્રિયાઓ (supergene processes) ટર્કવૉઇઝ તૈયાર કરી આપે છે. રત્નધારક પેગ્મેટાઇટ બ્રાઝિલ, માડાગાસ્કર, ભારત અને દક્ષિણ કૅલિફૉર્નિયામાં આવેલા છે. તેમાંથી બેરિલ, પન્ના, કુંઝાઇટ (સ્પૉડ્યુમિન), ટોપાઝ અને ટુર્મેલિન મળી રહે છે. શેલ ખડક સ્થિત કૅલ્સાઇટ શિરાઓમાં રહેલાં સુંદર પન્નાં કોલંબિયાની મુઝો નજીકની ખાણોમાંથી મળેલાં છે. અન્યત્ર પન્ના માઇકા શિસ્ટમાંથી ક્રાયસોબેરિલ સહિત મળે છે. રંગીન ઉપરત્નો અગાઉ ‘રત્નટાપુ’ નામથી ઓળખાતા શ્રીલંકામાંના કાંપમય નિક્ષેપોમાંથી મળેલા છે.

વર્ગીકરણ અને રત્નપરખ : રંગ, પારદર્શકતા, રાસાયણિક બંધારણ, વિશિષ્ટ ઘનતા અને રત્નધારક યજમાન ખડકને આધારે રત્નોનું વર્ગીકરણ થઈ શકે. કુદરતી રત્નો એ ખનિજોના જ પ્રકારો હોવાથી ખનિજપરખ માટે ઉપયોગમાં લેવાતી કસોટીઓ પૈકીના કેટલાક લાક્ષણિક ગુણધર્મો અહીં પણ ઉપયોગમાં લેવાય છે. કઠિનતા, વિશિષ્ટ ઘનતા, આગંતુક દ્રવ્યપ્રકાર, વક્રીભવનાંક વગેરે જેવા ભૌતિક અને પ્રકાશીય ગુણધર્મો રત્નપરખ માટે ધ્યાનમાં લેવાય છે. જે તે રત્નની પરખ સામાન્ય રીતે તો તેની વિશિષ્ટ ઘનતા માપીને કરી શકાય છે. મોટા કદનાં રત્નો માટે વૉકરની સ્ટીલયાર્ડ તુલા, નાનાં રત્નો માટે વિશિષ્ટ ઘનતા માપક શીશી તેમજ ભારે પ્રવાહીઓની શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ કઠિનતા-કસોટી (પરીક્ષણ) પણ થાય છે, જેમાં ચિરોડી (2), તાંબાનો સિક્કો કે પતરું (3), ચપ્પુ (5.5), ક્વાર્ટ્ઝ (7), ટોપાઝ (8) અને કૉરંડમનો ઉપયોગ કરી શકાય. રત્નપરખ માટે વક્રીભવનાંક-કસોટી વધુ ભરોસાપાત્ર ગણાય છે, કારણ કે પ્રત્યેક રત્નનો વક્રીભવનાંક ચોક્કસ હોય છે. દ્વિરંગવિકાર અને પારજાંબલી પ્રકાશીય કસોટી પણ ક્યારેક ઉપયોગી થઈ પડે છે. એપેટાઇટ, ઝર્કૉન, સ્પૉડ્યુમિન અને ટોપાઝ પ્રસ્ફુરણ(fluorescence)નો ગુણધર્મ દર્શાવે છે; જ્યારે ટુર્મેલિન, આલ્બાઇટ, બેરિલ, ઑર્થોક્લેઝ, ગાર્નેટ અને કૅસિટરાઇટ પ્રસ્ફુરણ દર્શાવતાં નથી.

કૃત્રિમ રત્નપરખ : કૃત્રિમ અને કુદરતી રત્નોના ગુણધર્મોમાં કોઈ ખાસ ફરક પડતો નથી, તેથી શંકાસ્પદ લાગતાં રત્નોને આવર્ધક(magnifier)ની મદદથી તેમનાં વિકાસ-લક્ષણોને ચકાસવામાં આવે છે. કુદરતી નીલમમાં રંગપટ્ટાના સ્વરૂપની રેખાઓ ષટ્કોણીય પદ્ધતિમાં ગોઠવાયેલી હોય છે, જ્યારે એવા જ કૃત્રિમ રત્નમાં તે વક્રાકાર હોય છે; કુદરતી નીલમમાંનાં આગંતુક દ્રવ્યો કોણાકાર સ્વરૂપમાં, જ્યારે કૃત્રિમ નીલમમાં વાયુ-પરપોટાના ગોલકો દેખાય છે. આ જ પ્રમાણે કુદરતી-કૃત્રિમ માણેક માટે પણ નિર્ધારણ થઈ શકે છે. આ નિર્ધારણ માટે નીચેની આકૃતિમાં બતાવેલું આવર્ધક ઉપયોગમાં લેવાય છે.

આકૃતિ 1 : જેમોલાઇટ

(1) રંગ : રંગ એ વર્ગીકરણ અને પરખ માટેનું ભરોસાપાત્ર લક્ષણ ન ગણાય. એક જ ખનિજસ્ફટિક જુદા જુદા રંગમાં અથવા જુદા જુદા ખનિજસ્ફટિકો એક જ રંગમાં મળી શકે. જુદી જુદી રંગઝાંય તેમાં રહેલી અશુદ્ધિઓની ઓછીવત્તી માત્રાને કારણે તૈયાર થતી હોય છે. એક કરતાં વધુ અશુદ્ધિઓ (કે આગંતુકો) હોય તો રત્ન પારભાસક (transluscent) કે અપારદર્શક બની શકે છે.

(2) પારદર્શકતા : આ ગુણધર્મને આધારે રત્નોને બે સમૂહોમાં વહેંચી શકાય : (i) રંગવાળાં, રંગઝાંયવાળાં કે રંગવિહીન પારદર્શક રત્નો; (ii) પારભાસક કે અપારદર્શક રત્નો. પ્રથમ સમૂહ પૈકીનાં રત્નો મોંઘાં હોય છે, પરંતુ પસંદગીપાત્ર ગણાય છે.

(3) રાસાયણિક બંધારણ : કુદરતી સ્થિતિમાં મળતાં રત્નોને શુદ્ધ તત્વ (હીરો), ઑક્સાઇડ (માણેક, નીલમ, એમિથિસ્ટ), સિલિકેટ (પન્ના, ગાર્નેટ, ટુર્મેલિન), સલ્ફાઇડ (પાયરાઇટ, સ્ફેલેરાઇટ), કાર્બોનેટ (કૅલ્સાઇટ, મૅલેકાઇટ, મોતી), ફૉસ્ફેટ (એપેટાઇટ) અને ફ્લોરાઇટ (ફ્લોરસ્પાર) જેવા સમૂહોમાં વર્ગીકૃત કરેલાં છે. મોટાભાગનાં રત્નોનો સિલિકેટ સમૂહમાં સમાવેશ થાય છે.

(4) વિશિષ્ટ ઘનતા : વિશિષ્ટ ઘનતા મુજબનું રત્નોનું વર્ગીકરણ ભરોસાપાત્ર ગણાય છે. સરખા કદના પાણીની અપેક્ષાએ રત્નોની વિશિષ્ટ ઘનતા માપવા માટે ભારે પ્રવાહીઓની શ્રેણીનો ઉપયોગ થાય છે અથવા આ હેતુ માટે વપરાતી સંવેદનશીલ તુલાનો ઉપયોગ કરવામાં આવે છે. રત્નોની વિશિષ્ટ ઘનતા 1.05થી 5.20 સુધીની હોય છે (જુઓ સારણી 1). અર્ધકીમતી રત્નપ્રકારો તરીકે વેચાતી કૃત્રિમ પેદાશોની વિશિષ્ટ ઘનતા 1 અને 2 વચ્ચેની હોય છે. કુદરતી પન્નાની વિશિષ્ટ ઘનતા 2.71 અને કૃત્રિમ પન્નાની વિશિષ્ટ ઘનતા 2.65 હોય છે.

(5) વક્રીભવનાંક : રિફ્રેક્ટોમિટર (વક્રીભવનાંકમાપક) નામના સાધનની મદદથી રત્ન અને સાધનસ્થિત પ્રકાશીય અર્ધગોલક વચ્ચેનો ક્રાંતિકોણ જાણી શકાય છે. આ સાધનમાં વક્રીભવનાંક-માપ અંકિત કરેલું હોય છે. દ્વિવક્રીભવનવાળાં રત્નોનો વક્રીભવનાંક-તફાવત મળી રહે છે; જેમ કે, ટુર્મેલિન બે વક્રીભવનાંક 1.624 અને 1.644 આપે છે, જે રત્નપરખ માટે પર્યાપ્ત બની રહે છે. આ પ્રમાણેના બે અંક મેળવ્યા પછી પોલૅરિસ્કોપ(એકબીજાથી 90°ને ખૂણે ગોઠવેલા બે ધ્રુવકો polarised platesવાળું સાધન)ની મદદથી રત્નની સામાન્ય વક્રીભવન કે દ્વિવક્રીભવન સ્થિતિનો તાગ મેળવી શકાય છે. હીરો, ગાર્નેટ અને કાચ પૂર્ણ ભ્રમણ દરમિયાન કાળા રહે છે, જ્યારે ટુર્મેલિન, ટોપાઝ, પન્ના, માણેક, ઝર્કૉન વારાફરતી આછો અને ઘેરો રંગ બતાવે છે.

આકૃતિ 2 : પોલૅરિસ્કોપ : સામાન્ય વક્રીભવન અને દ્વિવક્રીભવન વચ્ચેનો તફાવત દર્શાવતું સાધન

(6) યજમાન ખડક : કેટલાક રત્નપ્રકારો અમુક ચોક્કસ ખડકો સાથે જ સંકળાયેલા મળે છે; દા.ત., હીરો અને પાયરોપ હમેશાં પેરિડોટાઇટ (કિમ્બરલાઇટ) સાથે; ટુર્મેલિન, સ્પૉડ્યુમિન, પન્ના, ઍક્વામરીન, ઍમેઝોનસ્ટોન વગેરે ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટ સાથે; કૉરંડમ (માણેક, નીલમ), કેંક્રિનાઇટ વગેરે સાયનાઇટ સાથે; ક્વાર્ટ્ઝ, ઓપલ, ઝિયોલાઇટ, ચર્ટ વગેરે જ્વાળામુખી ખડકો સાથે જ મળતાં હોય છે.

આ ઉપરાંત, પારજાંબલી પ્રકાશમાં પ્રસ્ફુરણ લાક્ષણિકતા, સ્પેક્ટ્રોસ્કોપી, ક્ષ-કિરણ-વિવર્તન, રાસાયણિક કસોટીઓ, કઠિનતા વગેરે રત્નપરખ માટે ઉપયોગી નીવડી શકે. કઠિનતા, વિશિષ્ટ ઘનતા અને વક્રીભવનાંકનો કોઠો આ પ્રમાણે છે :

વિવિધ રત્નો : કુદરતમાં મળતાં 100થી વધુ ખનિજો (કે દ્રવ્યો) આલંકારિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતાં રહ્યાં છે. તે પૈકીના અગત્યના પ્રકારો નીચે મુજબ છે :

અકીક : વ્યવસ્થિત-અવ્યવસ્થિત રંગપટ્ટાઓ ધરાવતો કૅલ્સિડોનીનો પ્રકાર. કુદરતમાં મળતા અકીકના ઉપલોને જરૂરિયાત મુજબ કાપીને, ચમક આપીને અર્ધકીમતી રત્ન (ખનિજ) તરીકે વેચવામાં આવે છે. ભારતમાં ભરૂચ અને ખંભાતમાં તેનો ધીકતો ઉદ્યોગ ચાલે છે. બટન, બુટ્ટી, મણકા, વિવિધ આકારવાળી તેમજ કલાકારીગરીવાળી અનેક ચીજો તેમાંથી બને છે. પ્રયોગશાળાઓ માટેના ખલદસ્તા અકીકમાંથી બનાવાય છે. સુશોભન હેતુલક્ષી ચીજવસ્તુઓ પણ તેમાંથી તૈયાર કરવામાં આવે છે. પરદેશમાં તેનું સારું બજાર મળી રહે છે. કુદરતી સ્થિતિમાં મળતા અકીકના ઉપલોમાંથી તૈયાર કરેલા ગોળા ફેલ્સ્પાર, કૅલ્સાઇટ અને બેરાઇટને કચરવા તેમજ દળવાના ઉપયોગમાં લેવાય છે.

ડેક્કન ટ્રૅપ ખડકનાં પોલાણોમાં તે પૂરણી-સ્વરૂપે મળે છે. ગુજરાતમાં અકીકની મુખ્ય પ્રાપ્તિ રાજપીપળાની ટેકરીઓમાંથી અને નર્મદા-તાપીનાં નદીમુખ વચ્ચેના વિસ્તારમાંથી પૂરથી ખેંચાઈ આવેલા ઉપલોના રૂપમાં મળે છે. આ ઉપરાંત તે મહારાષ્ટ્રના અમરાવતી, ઔરંગાબાદ, બુલઢાણા, ચંદ્રપુર, જાલના, નાસિક અને પુણે જિલ્લાઓમાંથી; આંધ્રપ્રદેશની કૃષ્ણા-ગોદાવરી નદીઓના પટમાંથી; બિહારમાં રાજમહાલ અને સાહેબગંજ જિલ્લાઓમાંથી તથા મધ્યપ્રદેશના ધાર, મંદસૌર, સિહોર અને શાહડોલ જિલ્લાઓમાંથી પણ મળી રહે છે.

અંબર : અંબર એ પીળાથી માંડીને કથ્થાઈરંગી અશ્મીભૂત રાળ છે; જે મોટેભાગે મણકા, નલિકા, સિગારેટ-હોલ્ડર વગેરે માટે ઉપયોગમાં લેવાય છે. પ્રાગ્-ઐતિહાસિક કાળથી તે વપરાતું આવ્યું છે. સૈકાઓથી તે બાલ્ટિક સમુદ્રના દક્ષિણ કિનારેથી  પોલૅન્ડમાંથી મેળવાય છે. અન્ય પ્રાપ્તિસ્થાનો મ્યાનમાર, સિસિલી અને રુમાનિયા છે. તે અસ્ફટિકમય, આશરે 1.54 વક્રીભવનાંકવાળું, 1.05થી 1.10 વિશિષ્ટ ઘનતાવાળું અને 2થી 2.5 કઠિનતાવાળું દ્રવ્ય છે. ધ્રુવીભૂત પ્રકાશમાં તે અનિયમિત વ્યતિકરણ રંગો દર્શાવે છે.

ઍમિથિસ્ટ : ક્વાર્ટ્ઝનો સમકક્ષ આ અર્ધકીમતી ઉપરત્ન પ્રકાર આકર્ષક ચીજો બનાવવામાં વપરાય છે. તામિલનાડુના મદુરાઈ જિલ્લામાં પેનીમલાઈના અનામત વનવિસ્તાર(reserve forest)માંથી તે મળે છે.

ઓપલ : શ્વેત કે લગભગ કાળી પશ્ચાદભૂમાં રાખતાં દેખાતા ઘટ્ટ રંગના વિભાગો તેના પર થતા પ્રકાશ-અવરોધને કારણે ઉત્પન્ન થતા હોય છે, જે તેને અત્યંત આકર્ષક સ્વરૂપ અર્પે છે. તેનો એક પ્રકાર પારદર્શક કેસરીથી લાલ રંગમાં પણ મળે છે, જે ફાયર ઓપલ તરીકે જાણીતો છે. તે ચૂર્ણશીલ દ્રવ્ય હોવાથી તેને કાળજીપૂર્વક વાપરવું પડે છે.

ક્વાર્ટ્ઝ : તેના મુખ્ય બે પ્રકારો છે : છૂટા ક્વાર્ટ્ઝ સ્ફટિકો અને સૂક્ષ્મ સ્ફટિકમય કૅલ્સિડોની પ્રકાર. કુદરતમાં સર્વસામાન્ય રીતે મળી રહેતા આ ખનિજની અન્ય કોઈ પણ ખનિજ કરતાં ઘણી જાતો ઉપલબ્ધ છે. ક્વાર્ટ્ઝ સ્ફટિકની મુખ્ય જાતોમાં ઍમિથિસ્ટ, સિટ્રીન, ઍવેન્ચ્યુરાઇન અને વ્યાઘ્રચક્ષુ(ટાઇગર્સ આઇ)નો સમાવેશ થાય છે. સૂક્ષ્મ સ્ફટિકમય ક્વાર્ટ્ઝમાં કાર્નેલિયન, સાર્ડ, ક્રાયસોફ્રેજ, બ્લડસ્ટોન, અકીક અને ઓનિક્સનો સમાવેશ થાય છે. ઍમિથિસ્ટ પારદર્શક રતાશ પડતા જાંબલીથી ગાઢ જાંબલી હોય છે. સિટ્રીન પીળાથી કથ્થાઈરંગી પારદર્શક પ્રકાર છે. વેપારી આલમમાં તે ટોપાઝ-ક્વાર્ટ્ઝ કહેવાય છે અને ક્યારેક ટોપાઝ તરીકે પણ ખપી જાય છે. એવેન્ચ્યુરાઇન મોટેભાગે પારભાસક લીલું હોય છે, જેમાં ચમકવાળાં કે રંગીન છાંટણાં (spangles) હોય છે. કાર્નેલિયન લાલથી કેસરી-લાલ, સાર્ડ ઘેરા કથ્થાઈ-લાલથી લાલ-કથ્થાઈ હોય છે. બંને પારભાસક પ્રકારો છે. ક્રાઇસોફ્રેજ આછા પીળાશ પડતા લીલા રંગનું હોય છે. બ્લડસ્ટોન લાલ ટપકાં સહિત ઘેરા લીલા રંગનું હોય છે. અકીક વિવિધ રંગોમાં વક્રાકાર પટ્ટાઓમાં મળે છે. ઓનિક્સ અકીક જેવું જ, પણ સીધા પટ્ટાઓવાળું હોય છે.

કૉરંડમ : ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ – Al2O3 . પારદર્શકથી પારભાસક. કેસરી-લાલથી જાંબલી-લાલ પ્રકાર માણેક તરીકે, જ્યારે અન્ય બધા રંગોવાળાં નીલમ કહેવાય છે. નીલમનો જાણીતો મુખ્ય રંગ ભૂરો હોય છે, પરંતુ રંગવિહીન, પીળા, કેસરી, ગુલાબી, પર્પલ (ઍમિથિસ્ટાઇન) અને લીલા રંગમાં પણ તે મળે છે. માણેક અને નીલમ બંને પ્રકારો સુંદર તારકર્દશ્ય અસર માટે જાણીતાં છે.

ક્રાયસોબેરિલ : બેરિલિયમ ઍલ્યુમિનેટ. પારદર્શકથી પારભાસક. કૅટ્સ આઇ અને ઍલેક્ઝાન્ડ્રાઇટ તેની જાતો છે. કૅટ્સ આઇનો રંગ લીલા-પીળાથી પીળો-લીલો હોય છે. ઍલેક્ઝાન્ડ્રાઇટનો રંગ દિવસના પ્રકાશમાં લીલો અને મીણબત્તીના પ્રકાશમાં ગાર્નેટ જેવો લાલ બની રહે છે.

ગાર્નેટ : ગાર્નેટ સમૂહમાં  છ ખનિજો છે, તેમની સ્ફટિક-રચના સરખી છે; પણ રાસાયણિક બંધારણ અને ભૌતિક ગુણધર્મો જુદાં હોય છે. તે બધાં જ ઍલ્યુમિનિયમ સિલિકેટ છે, જ્યારે તેમાંનાં બીજાં બે તત્ત્વો ચલિત રહે છે. આલ્મેન્ડાઇટ અને પાયરોપ 3 : 1 ના બંધારણ-ગુણોત્તરમાં ભળેલું હોય તો વિશિષ્ટ જાંબલી-લાલ રંગવાળું રહોડોલાઇટ બની રહે છે, જે ઉપર્યુક્ત બંનેથી આછા રંગવાળું, વધુ પારદર્શક રત્ન બની રહે છે. અન્ય ગાર્નેટ ઍન્ડ્રેડાઇટ સુંદર લીલી જાત ડિમેન્ટૉઇડ તરીકે પણ મળે છે. ગ્રોસ્યુલેરાઇટની કેસરી-કથ્થાઈ જાત હેસ્સોનાઇટ છે; સ્પેસરટાઇટની જાતો હેસ્સોનાઇટને લગભગ મળતી આવે છે.

જાસ્પર : ઘેરો રાતો અને કથ્થાઈ-રાતો કૅલ્સિડોનીનો પ્રકાર. સુશોભિત હેતુઓ માટે તે વપરાય છે. ભારતમાં તે રાજસ્થાનના જોધપુર જિલ્લામાંથી મળે છે.

જેડ : જેડ તરીકે ઓળખાતું, ખૂબ જાણીતું બનેલું રત્ન મોટેભાગે જેડાઇટ કે નેફ્રાઇટનો જ પ્રકાર હોય છે. અત્યંત ર્દઢતા, આકર્ષક રંગ અને પારદર્શકતા તેની લાક્ષણિકતાઓ છે. ર્દઢતાને કારણે જ તો તેના પર કરવામાં આવતી નાજુક કોતરણી ટકી રહે છે. જેડાઇટ અતિ સુંદર અને મૂલ્યવાન ગણાય છે. તે અર્ધપારદર્શકથી અર્ધપારભાસક હોય છે; તે ઘેરા લીલા, લીલી રેખાઓ કે ડાઘસહિત શ્વેત, કથ્થાઈ, પીળા, કેસરી, જાંબલી કે ગુલાબી રંગોમાં પણ મળે છે. નેફ્રાઇટ પારભાસકથી અપારદર્શક હોય છે, રંગમાં જેડાઇટ કરતાં ઘેરું પણ લીલાશમાં આછું હોય છે. તે શ્વેત, રાખોડી કે કાળા રંગમાં પણ મળે છે.

ઝર્કૉન : જાણીતો પારદર્શક, રંગવિહીન કે વાદળી રત્નપ્રકાર. રંગવિહીન પ્રકાર હીરાની અવેજીમાં વપરાય છે, કારણ કે તે સસ્તું પડે છે. તે લીલા, પીળા, કથ્થાઈ, લાલ અને જ્યોત જેવા રંગમાં મળે છે. ઝર્કૉન તેના ગુણધર્મોમાં ચલિત રહે છે.

ટર્કવૉઇઝ : અપારદર્શક, આછો વાદળી રત્નપ્રકાર. પ્રાચીન કાળથી તેના રંગને કારણે તે આકર્ષક બની રહેલ છે.

ટુર્મેલિન : કુદરતમાં મળતાં અન્ય રત્નોની અપેક્ષાએ તે ઘણા જુદા જુદા રંગોમાં મળી રહે છે. લાલ રંગી ટુર્મેલિન રૂબિલાઇટ કહેવાય છે. ઘેરા લીલા રંગમાં પણ તે મળે છે. રંગવિહીન, પીળું, વાદળી, કથ્થાઈ કે કાળું પણ હોય છે.

ટોપાઝ : ઘણો જાણીતો, પીળાથી માંડીને કથ્થાઈ રંગી રત્નપ્રકાર. લાલ, ગુલાબી, વાદળી પ્રકારો પણ આકર્ષક હોય છે.

પરવાળું : રત્નપ્રકારનું પરવાળું એટલે સૂક્ષ્મ દરિયાઈ પ્રાણી પરવાળાનું સ્વરૂપ. તે કેસરીથી માંસ જેવા રંગનું અને આછા પારભાસકથી અપારદર્શક હોય છે.

પેરિડોટ : મૅગ્નેશિયમયુક્ત ઑલિવિન. પીળા-લીલાથી લીલા રંગનું ખનિજ. લોહ-મૅગ્નેશિયમ-ઍલ્યુમિનિયમ સિલિકેટ. પારદર્શક, ઑલિવ-લીલો પ્રકાર રત્ન તરીકે ખપે છે. કુદરતી સ્થિતિમાં મળતા પેરિડોટને કાપીને, શક્ય હોય એટલા પહેલ પાડીને ઝવેરાતના ઉપયોગ માટે ઊંચી ગુણવત્તાવાળું રત્ન બનાવવામાં આવે છે. પ્રમાણમાં હલકી કક્ષાના પેરિડોટને ગોળાકારમાં કાપીને તૈયાર કરવામાં આવતા પ્રકારને કાર્બોકોન કહે છે. તે પહેરવેશમાં તેમજ સુશોભન માટેની ચીજોમાં ઉપયોગમાં લેવાય છે. ઑગસ્ટ માસનાં ગણાતાં બે રત્નો પૈકી પેરિડોટ એક છે. બાઇબલના સમયથી તે જાણીતાં છે. રાતા સમુદ્ર પરના ઇજિપ્તના કિનારાથી થોડે દૂર આવેલો ટાપુ જઝીરાત ઝાબરજદ (23° 37´ ઉ. અ. અને 36° 12´ પૂ. રે.) એક વખતે આ રત્ન માટેનું પ્રાપ્તિસ્થાન ગણાતો હતો. મ્યાનમાર હવે મોટા કદના પેરિડોટ માટે જાણીતું બનેલું છે.

ફુસ્ચાઇટ ક્વાર્ટ્ઝાઇટ : લીલા રંગનો ક્વાટર્ઝાઇટ. તે આકર્ષક ચીજો (ક્યુરિયોઝ), પેપર-વેઇટ, કફલિંગ, મણકા આકર્ષક ચીજો તેમજ અન્ય હસ્તકૌશલ્યની કલાત્મક ચીજો બનાવવામાં વપરાય છે. તે કર્ણાટકના ચિત્રદુર્ગ અને આંધ્રપ્રદેશના આનંદપુર જિલ્લામાંથી મેળવવામાં આવે છે.

ફેલ્સ્પાર : આ સમૂહ પૈકી ચંદ્રકાન્તમણિ મહત્વનો ગણાય છે. તે અર્ધપારદર્શક હોય છે અને ફરતી પ્રકાશીય ર્દશ્ય અસર (floating light effect) દર્શાવે છે. માઇક્રોક્લિનની ઓછી મહત્વની એક જાત ઍમેઝોનાઇટ તરીકે ઓળખાય છે. એ જ રીતે અનેકરંગિતાવાળું પારભાસક રાખોડી લૅબ્રેડોરાઇટ પણ મળે છે. ફેલ્સ્પાર-વર્ગમાં ઘણાં ખનિજોનો સમાવેશ થતો હોવાથી ગુણધર્મો ચલિત રહે છે.

બેરિલ : તેનો પારદર્શક પ્રકાર રત્ન તરીકે વાપરી શકાય. લીલું હોય ત્યારે પન્ના, આછા ભૂરા રંગનું હોય ત્યારે ઍક્વામરીન અને ગુલાબીથી લાલ હોય ત્યારે મૉર્ગેનાઇટ કહેવાય છે. પીળા, આછા લીલા, કથ્થાઈ, કેસરી કે રંગવિહીન સ્વરૂપો પણ મળી રહે છે.

મૅલેકાઇટ : માત્ર લીલા રંગમાં મળતું તાંબાનું અપારદર્શક ખનિજ. તે ક્યારેક જુદી જુદી લીલા રંગની ઝાંયવાળા પટ્ટાઓ રચે છે, તેમજ વિકેન્દ્રિત રેસાદાર સંરચના પણ દર્શાવે છે. ક્યારેક તે જાંબલી-ભૂરા રંગવાળા ઍઝ્યુરાઇટ સાથે પણ મળે છે. તેમાં કોતરણી થઈ શકે છે, ઓછા ખર્ચાળ બ્રેસલેટ માટે પણ વપરાય છે.

મોતી : મોલુસ્કા સમુદાયની ખારા જળની પિન્ક્ટાડા (pinctada) પ્રજાતિની ત્રણ ઉપજાતિઓ પૈકીની એક ઉપજાતિમાં ચમકવાળાં ગોલક સ્વરૂપે મોતી (ઑરિયેન્ટલ મોતી) પ્રાપ્ત થતાં હોય છે. સ્વચ્છ જળની પ્રજાતિઓમાં પણ મોતી મળે છે ખરાં, જે ઑરિયેન્ટલ મોતીથી જુદાં પડે છે. મોતી શ્વેત, ક્રીમ કે પીળા રંગોમાં, ગુલાબી કે અન્ય રંગોની ઝાંય સહિત મળે છે, જોકે કાળાં અને રાખોડી રંગનાં મોતીની માંગ પણ રહે છે.

લૅપિસ લૅઝ્યુલી : સોનેરી પાયરાઇટની રેખાઓ સહિત ઘેરો વાદળી રત્નપ્રકાર. અપારદર્શક. તે સૈકાઓથી વપરાશમાં રહેલું છે. આ જ રત્ન જૂના વખતમાં નીલમ તરીકે જાણીતું બનેલું, કારણ કે પ્લાઇનીએ નીલમનું વર્ણન સુવર્ણરેખાઓ સહિતના ઊંડા ઘેરા વાદળી રત્નપ્રકાર માટે કરેલું, જે લૅપિસ લૅઝ્યુલીને જ લાગુ પડે છે.

સ્પાઇનેલ : અગત્યનો રત્નપ્રકાર. કૉરંડમને લગભગ બધી રીતે મળતું આવતું ખનિજ. લાલ સ્પાઇનેલ માણેક કરતાં આછું લાલ; એ જ રીતે વાદળી સ્પાઇનેલ નીલમ કરતાં આછું વાદળી હોય છે. સ્પાઇનેલના કેટલાક પ્રકારો અતિસુંદર દેખાવવાળા હોય છે. ફ્લેઇમ-સ્પાઇનેલ ઘટ્ટ કેસરી-લાલ હોય છે, તેથી આકર્ષક રત્ન બની રહે છે. સ્પાઇનેલ લીલા અને ઍમિથિસ્ટાઇન રંગમાં પણ મળે છે. સ્પાઇનેલના બધા જ પ્રકારો પારદર્શક હોય છે, સિવાય કે જવલ્લે જ મળતું કાળું તારકર્દશ્યવાળું સ્પાઇનેલ.

સ્પૉડ્યુમિન : પાયરૉક્સિન વર્ગનું ખનિજ. જેડાઇટની સરખામણીમાં તે ચૂર્ણશીલ (fragile) હોય છે. કુંઝાઇટ તેનો અગત્યનો રત્નપ્રકાર છે, તે આછા લાલથી આછું પર્પલ પારદર્શક હોય છે.

હીરો : કાર્બનનું શુદ્ધ પારદર્શક સ્વરૂપ. ઘણું જ મૂલ્યવાન રત્ન. રંગવિહીન ઉપરાંત તે પીળા, ગુલાબી, લીલા, ભૂરા અને કથ્થાઈ રંગમાં પણ મળે છે (માહિતી માટે જુઓ, હીરો).

હેમેટાઇટ : લોહધાતુખનિજ. જ્યારે ઘટ્ટ, સખત સ્વરૂપે મળે ત્યારે સુંદર ચમક મેળવી શકે છે, ધાત્વિક રાખોડી-કાળા રંગમાં ચમકે છે.

ઉપયોગો : રત્નોનો મુખ્ય ઉપયોગ ઝવેરાતમાં થાય છે. અર્ધકીમતી રત્નો અલંકારો ઉપરાંત ભીંતો, ફર્શ, ફૂલદાનીઓ, બાવલાં, મૂર્તિઓ, વગેરેની સજાવટ માટે – સુશોભન માટે ઉપયોગમાં લેવાય છે. કઠિનતા અને ટકાઉપણાના ગુણધર્મને કારણે કેટલાક પ્રકારો ઘર્ષકો તરીકે વપરાય છે. હીરા, નીલમ, માણેક, પન્ના જેવાં રત્નો સંપત્તિ તરીકે પણ રાખવામાં આવે છે. અમુક પ્રકારના હીરા ઔદ્યોગિક વપરાશમાં લેવાય છે. માણેક અને નીલમ ઘડિયાળમાં વપરાય છે. અકીક તુલાઓમાં કીલક (fulcrum) તરીકે, પ્રયોગશાળામાં ખાંડણી-દસ્તા તરીકે વપરાય છે. કેટલાંક કુદરતી રત્નોનું સ્થાન હવે કૃત્રિમ રત્નોએ લીધું છે, મોટેભાગે તો તે શુદ્ધ ઍલ્યુમિનામાંથી બનાવાય છે. ધાત્વિક ઑક્સાઇડ ભેળવીને રંગીન રત્નો બનાવી શકાય છે.

સારણી 2 : કેટલાંક રત્નોનું ભારતીય ઉત્પાદન

રત્નો 1990–91 1991–92 1992–93 અનામત
કીમતી/અર્ધકીમતી (ટન) (ટન) (ટન) જથ્થો (ટન)
અકીક 589 648 601
ગાર્નેટ 1,640 1,000 540 1,40,000
જાસ્પર 5,000 4,700 4,300
ફુસ્ચાઇટ 951 2,110

નીલમ : જમ્મુ-કાશ્મીરમાં પડાર ખાતે એકમાત્ર ખાણ; 1973થી બંધ છે.

માણેક : આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી કૉરંડમની સાથે સાથે ક્યારેક મળી રહે છે.

સારણી 3 : કેટલાંક રત્નોનું ભારતીય વિતરણ

રત્ન   રાજ્ય       જિલ્લો
પન્ના રાજસ્થાન       ઉદેપુર
ઍક્વામરીન તામિલનાડુ       કૉઇમ્બતુર
નીલમ જમ્મુ-કાશ્મીર       ડોડા
માણેક આંધ્રપ્રદેશ      ખમ્મામ
માણેક કર્ણાટક     બૅંગલોર, મૈસૂર, કોલાર,
    ચિકમંગલુર
માણેક મધ્યપ્રદેશ     બસ્તર
તામિલનાડુ     સેલમ, ધરમપુરી
ગાર્નેટ આંધ્રપ્રદેશ     ખમ્મામ, નેલોર
બિહાર     હઝારીબાગ
કર્ણાટક    બૅંગલોર, હસન, મૈસૂર
રાજસ્થાન    ભીલવાડા, અજમેર,
   જોધપુર, ટોંક
ક્વાર્ટ્ઝ અને ગુજરાત, મહારાષ્ટ્ર,    ડેક્કન ટ્રૅપ વિસ્તાર
તેની જાતો આંધ્રપ્રદેશ
ઍમિથિસ્ટ, બિહાર, રાજસ્થાન   અબરખ-પેગ્મેટાઇટ
સિટ્રીન, રૉક ક્રિસ્ટલ, આંધ્રપ્રદેશ   પટ્ટાઓનો વિસ્તાર
કૅલ્સિડોની, જાસ્પર, મધ્યપ્રદેશ   બસ્તર
ચર્ટ, ઓપલ આંધ્રપ્રદેશ   રાજમહેન્દ્રી, કુર્નૂલ
ટોપાઝ બિહાર   સિંગભૂમ
ટુર્મેલિન બિહાર   હઝારીબાગ, સિંગભૂમ
એપેટાઇટ રાજસ્થાન   અજમેર
તામિલનાડુ   દેવડા
કાયનાઇટ કાશ્મીર
આંધ્રપ્રદેશ  નેલોર અબરખ-પટ્ટો
કર્ણાટક  ચિકમંગલુર
કૉર્ડિરાઇટ કર્ણાટક  બૅંગલોર
ઍમેઝોનસ્ટોન આંધ્રપ્રદેશ  નેલોર અબરખ-પટ્ટો
લૅપિડોલાઇટ મધ્યપ્રદેશ  બસ્તર

ભારત : જથ્થો અને ઉત્પાદન : ભારતમાં અબરખ-પેગ્મેટાઇટ ખડકો અને કાયનાઇટ, સિલિમેનાઇટ, કૉરંડમ, ગાર્નેટ જેવા ખનિજ-ધારક શિસ્ટ, ખોન્ડેલાઇટ અને સમકક્ષ ખડકો રત્નપાષાણો માટેના મુખ્ય સ્રોત બની રહેલા છે. કેટલાંક અર્ધકીમતી રત્નો ટ્રૅપ ખડકોમાંથી પણ મળે છે, પરંતુ આ પ્રકારના ખડકોની હજી સુધી પદ્ધતિસરના સર્વેક્ષણ દ્વારા આકારણી કરવામાં આવેલી નથી. હીરા, પન્ના અને નીલમ સિવાય અન્ય રત્નપાષાણો માટે વ્યવસ્થિત ખોજ માટેના પ્રયાસો આદરવામાં આવેલા નથી. પેગ્મેટાઇટ સહિતના ગ્રૅનાઇટ જથ્થાઓ અને વિકૃતીકરણ પામેલા નિક્ષેપો જ્યાં જ્યાં છે ત્યાંથી નીકળતી નદીઓ અને ઝરણાંઓના પટમાં તૈયાર થયેલાં ભૌતિક સંકેન્દ્રણો અમુક પ્રમાણની નીપજ આપનારાં પ્રાપ્તિસ્થાનો બની રહેલાં છે.

રત્ન ધારણ કરવા માટે આંગળીઓની પસંદગી : પ્રત્યેક આંગળીને ચેતાતંત્ર મારફતે શરીરનાં જુદાં જુદાં અંગો સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. શારીરિક સંદેશાવ્યવહાર દૂરભાષની જેમ ચેતાતંત્ર દ્વારા થતો રહે છે. પ્રત્યેક આંગળી શરીરનાં અમુક વિશિષ્ટ અંગો સાથે સંપર્કમાં હોય છે; દા.ત., ટચલી આંગળી(કનિષ્ઠિકા)ને જનનેન્દ્રિયો, પ્રજનનતંત્ર, ઢીંચણ, પગ અને પગના પંજા સાથે સીધો સંબંધ હોય છે. આથી જે તે અંગોના રોગનિવારણમાં સહાયક બની રહે એવાં રત્ન તેની સૂચક આંગળી પર ધારણ કરવા માટે તેના ચિકિત્સકો (નિષ્ણાતો, જ્યોતિષીઓ) ભલામણ કરતા હોય છે. વળી પ્રત્યેક આંગળી અમુક ચોક્કસ ગ્રહના પ્રભાવ હેઠળ રહેલી હોવાનું પણ મનાય છે. રત્ન પહેરવા માટે અંગૂઠાને કોઈ મહત્વ અપાતું નથી.

પહેલી આંગળી (તર્જની) : નિર્દેશન માટે ઉપયોગમાં લેવાતી આ આંગળી પર ગુરુના ગ્રહનો પ્રભાવ હોય છે. તબીબી ર્દષ્ટિએ (medically) તે શ્વસનતંત્ર અને જઠર સંબંધિત આંગળી ગણાય છે. શ્વાસોચ્છવાસ, ફેફસાંને લગતા રોગોના નિવારણમાં આ આંગળી પર તેને લગતું નંગ ધારણ કરવું જોઈએ. ચંદ્ર, મંગળ અને ગુરુનાં નંગ – ચંદ્રમણિ, શ્વેત મોતી, પીળું નીલમ જેવાં નંગ-આ આંગળી પર પહેરાય છે. ઘસઘસાટ ઊંઘ મળી રહે તે માટે પણ શ્વેત મોતી કે ચંદ્રમણિ આ આંગળી પર પહેરવાની સલાહ અપાય છે.

બીજી આંગળી (મધ્યમા) : આ આંગળી પર શનિના ગ્રહની વિશેષ અસર હોય છે. તે આંતરડાં, મગજ, મન, યકૃત અને મનોદૈહિક માળખા સાથે સંપર્ક ધરાવે છે. શનિના નંગ ઉપરાંત શનિના મિત્રો ગણાતા બુધ, રાહુ અને શુક્રનાં નંગ પણ આ આંગળી પર પહેરી શકાય છે. પન્ના, ગોમેદ, ચંદ્રમણિ, ભૂરું નીલમ, સફેદ પરવાળું, શ્વેત મોતી, હીરો અને સફેદ ઝર્કૉન પણ મધ્યમા પર ધારણ કરી શકાય છે.

ત્રીજી આંગળી (અનામિકા) : આ આંગળી પર સૂર્યની વિશેષ અસર હોય છે. જીવનના સમગ્ર સુખનો આધાર તેના પર રહેલો હોય છે. તે મૂત્રપિંડ, જઠર, સર્જનાત્મક બાબતો અને રક્તાભિસરણ સાથે સંબંધ ધરાવે છે. સૂર્ય, ગુરુ, મંગળ, કેતુનાં નંગ આ આંગળી પર ધારણ કરી શકાય. માણેક, રાતું પરવાળું, માર્જાર-ચક્ષુ, સફેદ મોતી, ચંદ્રમણિ, પીળું નીલમ અને પોખરાજ આ આંગળી પર પહેરી શકાય.

ચોથી આંગળી (કનિષ્ઠિકા) : આ આંગળી પર બુધના ગ્રહનો પ્રભાવ વિશેષ હોય છે. તે જનનેન્દ્રિયો, ઢીંચણ, પગ અને પગના પંજા સાથે સંપર્ક ધરાવે છે. શરીરના નીચલા અર્ધા ભાગોના રોગનિવારણ માટે આ આંગળી પર બુધનું કે બુધના મિત્રો ગણાતા શનિ અને રાહુનાં નંગ પહેરી શકાય. ભૂરું નીલમ, ગોમેદ અથવા લૅપિસ લૅઝ્યુલી ટચલી આંગળી પર પહેરી શકાય છે.

રત્નો અને રોગનિવારણ : માનવશરીર પર સૌર વર્ણપટના જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો  એ મુખ્ય સાત રંગોની કે તેમની ઓછીવત્તી ઝાંયની અસર રહેતી હોય છે. આ રંગો પૈકી કોઈ પણ એકની ઊણપ કે અભાવ વરતાય ત્યારે તેની અસરથી થતો રોગ શરીરમાં ઉત્પન્ન થાય છે; દા. ત., શરીરમાં રાતા રંગની ઊણપ (કે અભાવ) હોય તો ફીકાશ, તાવ, સોજા, થાક, નબળાઈ, સ્ફૂર્તિનો અભાવ જણાય છે. તેના નિવારણ માટે સૂર્ય અને મંગળ જેવા ગ્રહોને લગતાં માણેક કે લાલ પરવાળું નંગ તરીકે ધારણ કરવાથી શરીરમાં લાલ કિરણોનો પ્રવેશ કરાવી શકાય છે. આ રીતે તે ઊણપને ભરપાઈ કરીને રોગ નિવારી શકાય છે. આથી ઊલટું, શરીરમાં રાતાં કિરણોનો અતિરેક થયેલો હોય તો ચાંદાં, ગાંઠો, આંખના રોગ, લૂ, ગાંડપણ, અનિદ્રા, માથાનો દુખાવો જેવા રોગ થતા હોય છે; તે માટે બુધ, ચંદ્ર અને શનિનાં રત્ન, ચંદ્રમણિ, પીળું નીલમ, સફેદ મોતી અને પન્નાનો ઉપયોગ કરવાથી ઠંડાં કિરણોનો શરીરમાં પ્રવેશ કરાવી શકાય છે.

રોગમુક્ત શારીરિક સ્વસ્થતા જાળવી રાખવા માટે શરીરમાં રંગકિરણોનું સંતુલન રહે તે ખૂબ જરૂરી છે. ગરમ કે ઠંડાં કિરણોનો અતિરેક કે તેમની ઊણપ ન થાય તે માટે તેમને લગતાં રત્નો ધારણ કરી શકાય. પ્રત્યેક રત્ન કોઈ એક વિશિષ્ટ કિરણ માટેનો વિપુલ સ્રોત બની રહેતું હોય છે. વર્ષો સુધીના સતત ઉપયોગ પછી પણ તે સ્રોતમાં ફરક પડતો નથી. આથી જ રત્નોને રોગમુક્તિ માટેનું અતિ મહત્વનું પરિબળ ગણવામાં આવે છે. રત્નોમાં જે તે રોગનિવારણ માટે સહાયક બની રહેવાની અજબ ક્ષમતા હોય છે, એવાં રત્નોમાં રાતું પરવાળું, સફેદ મોતી, ચંદ્રમણિ, પન્ના અને પીળા નીલમનો સમાવેશ થાય છે. કેટલાંક રત્નો – માણેક, માર્જાર-ચક્ષુ અને ભૂરું નીલમ ક્યારેક ખતરનાક કે નુકસાનકારક પણ નીવડી શકે છે. 4 રતીથી વધુ વજનદાર માર્જાર-ચક્ષુના સતત ઉપયોગથી આંખો, શિરાઓ, કાન, નાકમાંથી રક્તસ્રાવ થઈ શકે છે. ભૂરું નીલમ વધારે પડતું ઠંડું હોવાથી જરૂરિયાત ન હોય તો તે ધારણ કરવાથી પણ નુકસાન થવાની શક્યતા રહે છે. માણેક રાત્રે અને ઉનાળામાં પહેરવાનું ટાળવું જોઈએ. આથી આવાં રત્નોને ધારણ કરતાં અગાઉ નિષ્ણાતની સલાહ અને દોરવણી અનિવાર્ય છે.

ગિરીશભાઈ પંડ્યા