રત્નાવલી (ઈ. સ. 650 આશરે) : નાટ્યકાર હર્ષે સંસ્કૃત ભાષામાં રચેલી નાટિકા. ચાર અંકની બનેલી આ નાટિકામાં રાજા ઉદયન અને સિંહલદેશની રાજકુમારી રત્નાવલીની પ્રણયકથા રજૂ થઈ છે. પ્રથમ અંકમાં ‘સિંહલદેશની રાજકુમારી રત્નાવલી જેને પરણશે તે ચક્રવર્તી રાજા બનશે’ એવી ભવિષ્યવાણી પર આધાર રાખી યૌગંધરાયણ નામનો પ્રધાન રાજા ઉદયન સાથે રાજકુમારી રત્નાવલીને પરણાવવાનું આયોજન કરે છે. સિંહલદેશના પ્રધાન વસુભૂતિ અને કંચુકી બાભ્રવ્ય સાથે રાજકુમારી રત્નાવલી ઉદયનને પરણવા પિતાની આજ્ઞાથી વત્સદેશમાં જવા નીકળે છે, પરંતુ સમુદ્રમાં તોફાન થતાં તેમને લઈને આવતું વહાણ ડૂબે છે. એમાંથી બચેલી રત્નાવલીને તેણે પહેરેલી રત્નમાળા પરથી ઓળખી તેને કૌશાંબીનો એક વેપારી પ્રધાન યૌગંધરાયણને સોંપે છે. તેને ‘સાગરિકા’ એવું નામ આપી પ્રધાન યૌગંધરાયણ ઉદયનની રાણી વાસવદત્તા પાસે દાસી તરીકે અંત:પુરમાં મોકલી આપે છે. વસંતઋતુમાં કામદેવની પૂજાના પ્રસંગે રત્નાવલી રાજા ઉદયનને જોઈ તેના પ્રેમમાં પડે છે.

બીજા અંકમાં રાજાના એકતરફી પ્રેમમાં પડેલી રત્નાવલી પ્રમદવનમાં રાજાનું ચિત્ર દોરે છે તેમાં રાજાનું ચિત્ર રત્નાવલીની સખી દાસી સુસંગતા દોરે છે. રત્નાવલી પોતાના પ્રણયનો એકરાર કરે છે. એમનો સંવાદ સાંભળી ગયેલી મેધાવિની નામની મેના (સારિકા), વાંદરો આવવાથી રત્નાવલી નાસી છૂટ્યા પછી ત્યાં આવી પહોંચેલા રાજા અને વિદૂષકને પોતે સાંભળેલો સંવાદ સંભળાવે છે. રાજા પણ ચિત્ર જોઈને રત્નાવલીના પ્રેમમાં પડે છે, પરંતુ ત્યાં આવી પહોંચેલી રાણી વાસવદત્તા એ ચિત્ર જોઈને રાજા પર ગુસ્સે થાય છે.

ત્રીજા અંકમાં રાણીનો વેશ પહેરી રત્નાવલી રાજાને પ્રદોષસમયે માધવીલતામંડપમાં મળે તેવી યોજના સુસંગતા અને વિદૂષક ઘડે છે, પરંતુ રાણી વાસવદત્તાને તેની ખબર પડતાં રાજા રાણીને હાથે રંગેહાથ પકડાય છે અને આત્મહત્યા કરવા જતી રત્નાવલીને બચાવવા જતાં ફરી વાર પકડાઈ જતાં રાણી ગુસ્સે થઈ રત્નાવલી અને વિદૂષકને કેદ કરે છે.

ચોથા અંકમાં રાણીએ છોડી મૂકેલો વિદૂષક રાજા પાસે આવે છે. સર્વાર્થસિદ્ધિ નામનો જાદુગર જાદુથી રાજમહેલમાં આગ લગાડે છે. આથી રાણી વાસવદત્તા રાજાને કેદમાં પૂરેલી રત્નાવલીને બચાવવા કહે છે. રાજા તેને બચાવી લાવે છે. ત્યાં પ્રધાન વસુભૂતિ અને કંચુકી બાભ્રવ્ય ત્યાં આવી પહોંચી રત્નાવલીની ઓળખાણ આપે છે. આથી પોતાના મામાની દીકરી રત્નાવલીને રાણી વાસવદત્તા ઉદયન સાથે પરણાવી આપે છે, જ્યાં આ નાટિકા સુખાન્ત પામે છે.

આ નાટિકા નાટ્યશાસ્ત્રનાં લક્ષણોની ર્દષ્ટિએ સર્વાંગસંપૂર્ણ ગણાઈ છે. હર્ષની બીજી નાટિકા ‘પ્રિયદર્શિકા’ જેવાં જ પાત્રો અને પ્રસંગો અહીં જોવા મળે છે. આચાર્ય વિશ્વનાથે તેનો નાટિકાના ઉત્તમ ઉદાહરણ તરીકે પોતાના ‘સાહિત્યદર્પણ’માં ઉલ્લેખ કર્યો છે.

પ્ર. ઉ. શાસ્ત્રી