યોગ્યતા : મીમાંસા અને વ્યાકરણશાસ્ત્ર મુજબ વાક્ય થવા માટેના ત્રણ હેતુઓમાંનો એક હેતુ. એ હેતુઓમાં (1) આકાંક્ષા, (2) યોગ્યતા અને (3) સંનિધિનો સમાવેશ થાય છે. સ્વર અને વ્યંજનના સમૂહથી વર્ણ, વર્ણોના સમૂહથી પદ અને પદોના સમૂહથી વાક્ય બને છે; પરંતુ પદોના સમૂહને વાક્ય બનવા માટે તેમાં રહેલાં પદોમાં આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિ  એ ત્રણ ધર્મો હોવા જોઈએ.

પદોમાં આકાંક્ષા એટલે શ્રોતાની જાણવાની ઇચ્છા સંતોષાતી હોય તો જ તે પદોના સમૂહને વાક્ય કહેવાય. શ્રોતા એક પદ સાંભળે ત્યારે તેના વિશે તેને જાણવાની ઇચ્છા ઉત્પન્ન થાય છે. એ આકાંક્ષા એટલે ઇચ્છા પૂરી કરે તેવાં પદો તેમાં રહેલાં હોય તો તે પદોના સમૂહને વાક્ય લેખાય; પરંતુ જો આકાંક્ષા સંતોષે નહિ તેવાં પદો તેની સાથે રહેલાં હોય તો તેને વાક્ય ન કહેવાય; દા.ત., ‘રમેશ નિશાળે જાય છે.’ –  એ ચાર પદોનો સમૂહ છે. તેમાં ‘રમેશ’ પદ બોલીએ તો શ્રોતાના મનમાં જિજ્ઞાસા થાય છે કે રમેશ શું કરે છે ? તેમાં ‘જાય છે’ એ પદ બોલવાથી તે ક્યાં જાય છે ? એવી બીજી જિજ્ઞાસા થાય છે. તેથી ‘નિશાળે’ એ પદ બોલવાથી જિજ્ઞાસા પૂરી થાય છે કે રમેશ નિશાળે જવાની ક્રિયા કરે છે. એ જ રીતે ‘જાય છે’ એ પદ બોલીએ તો કોણ જાય છે અને ક્યાં જાય છે એવી બે જિજ્ઞાસા શ્રોતાના મનમાં ઉત્પન્ન થાય છે તે સંતોષાય છે, તેથી ‘રમેશ નિશાળે જાય છે’ એ વાક્ય બને છે. પરંતુ ‘રમેશ, હાથી, પુસ્તક, વેપાર’ એ પદોનો સમૂહ શ્રોતાની ચાર જિજ્ઞાસાઓમાંથી એક પણ પૂરી કરતો ન હોવાથી તેને વાક્ય કહી ના શકાય. આમ આકાંક્ષા શ્રોતામાં રહેલો આત્માનો ધર્મ હોવા છતાં ગૌણ રીતે તેને પદનો ધર્મ કહે છે.

હવે આકાંક્ષાવાળો પદનો સમૂહ હોય તોપણ તેમાં યોગ્યતા હોય એટલે પદોના અર્થોમાં બાધ અર્થાત્ વિરોધનો અભાવ હોય તો જ તેને વાક્ય કહી શકાય. આકાંક્ષાની જેમ યોગ્યતા ન હોય તો તેને વાક્ય ના કહી શકાય; દા.ત., ‘રમેશ અગ્નિ વડે સીંચે છે.’ અહીં ‘રમેશ’ શબ્દથી શ્રોતાને થતી બંને જિજ્ઞાસાઓ સંતોષાય છે, છતાં અગ્નિ અને સીંચવાની ક્રિયા વિરોધી હોવાથી તેમાં યોગ્યતા નથી એટલે તેને વાક્ય કહી શકાય નહિ. સંક્ષેપમાં, પદોના અર્થો પ્રમાણ વડે બાધક કે વિરોધી અથવા અવાસ્તવિક કે ખોટા ન પડતાં હોય તો જ પદોના સમૂહને વાક્ય કહેવાય. આમ યોગ્યતા એ અર્થોમાં રહેલો ધર્મ હોવા છતાં ગૌણ રીતે તેને પદનો ધર્મ કહેવામાં આવે છે.

આકાંક્ષા અને યોગ્યતાવાળા પદના સમૂહમાં જો પદગત સંનિધિ હોય એટલે દરેક પદના જ્ઞાનમાં વચ્ચે વિક્ષેપ ન પડે અથવા વિચ્છેદ ન ખડો થાય તો જ તેને વાક્ય કહી શકાય. સરળ ભાષામાં કહીએ તો ‘રમેશ નિશાળે જાય છે’ એ આકાંક્ષા અને યોગ્યતા ધરાવતું વાક્ય તેમાંનાં પદોનું વગર વિલંબે ઉચ્ચારણ થાય તો જ, અર્થાત્, ઉચ્ચારણમાં પદો સંનિધિવાળાં એટલે પાસપાસે ઉચ્ચારાય તો જ તે વાક્ય બને. વાક્યમાંનું ‘રમેશ’ પદ અત્યારે, ‘નિશાળે’ પદ ત્રણ કલાક પછી અને ‘જાય છે’ પદ પાંચ કલાક પછી ઉચ્ચારવામાં આવે તો પદોનું વગર વિલંબે ઉચ્ચારણ થતું ન હોવાથી તેને વાક્ય કહી શકાય નહિ. આમ સંનિધિ સાક્ષાત્ પદોમાં રહેલો ધર્મ છે. ફલત: આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિ એ પદોના સમૂહને વાક્ય બનવા માટેની ત્રણ શરતો છે. મીમાંસાશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્ર એ બંને ઉપરાંત તર્કશાસ્ત્ર વગેરેમાં પણ આ ત્રણેય શરતોનો સ્વીકાર છે.

પ્ર. ઉ. શાસ્ત્રી