યાજ્ઞિક, અમૃતલાલ ભગવાનજી (જ. 8 ઑગસ્ટ 1913, ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર; અ. 3 જાન્યુઆરી 1991) : ગુજરાતના સાહિત્યકાર અને શિક્ષણકાર. મૅટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રામાં. શામળદાસ કૉલેજ ભાવનગરમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે 1936માં બી.એ. અને 1939માં એમ.એ. મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત. તે પછી રૂઇયા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક, 1940માં મુખ્ય અધ્યાપક. 1948માં પુણેના શિક્ષણ-પ્રસારક મંડળમાં આજીવન સભ્ય તરીકે જોડાયા. આ મંડળ ત્યાંની અનેક સંસ્થાઓનું સંચાલન કરતું હતું. એની કેન્દ્રીય કચેરી પુણેમાં હતી. 1952થી 1960 દરમિયાન રૂઇયા કૉલેજની હૉસ્ટેલમાં રેક્ટર. સોમૈયા કૉલેજની સ્થાપના થતાં એક વર્ષ માટે ત્યાં આચાર્ય. 1961માં વિલે પાર્લેમાં મીઠીબાઈ કૉલેજની સ્થાપના થતાં ત્યાં આચાર્ય તરીકે જોડાયા અને 1982માં ત્યાંથી તેઓ નિવૃત્ત થયા. આચાર્યના હોદ્દાની રૂએ વિવિધ યુનિવર્સિટીઓનાં અનેક સત્તામંડળોમાં રહી તેમણે સુંદર કામગીરી કરેલી. તેઓ પ્રાથમિકથી માંડી એમ.એ. અને પીએચ.ડી. સુધીના શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા રહ્યા હતા.
એક મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર તરીકે વિવેચન અને નિબંધક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. તેમની પાસેથી વિવિધ સ્વરૂપનાં 20 ઉપરાંત પુસ્તકો મળ્યાં છે. ‘ચિદઘોષ’(1971)માં પરિપક્વ વિવેચક તરીકે તેઓ પ્રગટ થાય છે. ભાષામાંના જીવંત રસે તેમની પાસે વ્યાકરણલેખન પણ કરાવેલું. ‘જગગંગાનાં વહેતાં નીર’ (1970), ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા પારિતોષિક’ અને ગુજરાત સરકારનું પારિતોષિક પ્રાપ્ત કરનાર ‘આત્મગંગોત્રીનાં પુનિત જળ’ (1974), ‘જાગીને જોઉં તો’ (1976), ‘મુખડા ક્યા દેખો દરપન મેં’ (1979) વગેરે તેમના સમાજ-વિષયક લેખોના સંગ્રહો છે. ‘કિશોરલાલ મશરૂવાળા’ (1980) અને ‘ગુલાબદાસ બ્રોકર’ (1983) એ તે મહાનુભાવોના જીવનકવનનું સર્વાંગી મૂલ્યાંકન રજૂ કરતાં તેમનાં ગ્રંથકારશ્રેણીનાં પુસ્તકો છે. ‘સમાજગંગાનાં વહેણો’ (1981), ‘કુટુંબજીવનનાં રેખાચિત્રો’, ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં’ (1987) જેવા ચિંતનાત્મક નિબંધોનું સરળ ગદ્ય ધ્યાનાર્હ છે. ‘લોકસાહિત્યનું સમાલોચન’ (1946), ‘ગુજરાતમાં ગાંધીયુગ : ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકન’ (1968) એ એમનાં સંપાદનો છે. વળી ‘મનસુખલાલ ઝવેરીની કાવ્યસુષમા’ (1960), ‘કરસનદાસ માણેકની અક્ષર-આરાધના’ (1962), ‘જ્યોતીન્દ્ર દવે : વાઙમયવિહાર’ (1963) જેવાં અનેક સંપાદનો અન્ય સાથે રહીને તેમણે કર્યાં છે. તેમનું સહસંપાદનનું પુસ્તક ‘સાહિત્યિક વાદ’ (1980) સાહિત્યના અભ્યાસીઓને અનેક વાદો–વિચારધારાઓના અભ્યાસ માટે ઉપયોગી છે.
વળી અન્ય ભાષાઓનું કેટલુંક ઉપયોગી સત્વશીલ સાહિત્ય તેમણે અનુવાદ દ્વારા ગુજરાતીમાં આપ્યું છે; જેમ કે ‘ભગવાન મહાવીર’ (1956), ‘ધૈર્યશીલોની વીરકથાઓ’ (1959), ‘શિક્ષણ અને લોકશાહી’ (1964), ‘અમેરિકાની સંસ્કૃતિની રૂપરેખા’ (1964), ‘કુમારન્ આશાન્’ (1979) વગેરે.
આમ, સાહિત્યકાર, વિવેચક, નિબંધકાર, સંપાદક અને અનુવાદક તરીકે ઉલ્લેખનીય કાર્ય કરનારા અમૃતલાલ એક વ્યવહારદક્ષ અને ભાવનાશીલ આચાર્ય તરીકે સવિશેષ પ્રતિષ્ઠા પામ્યા છે. સામાને ખરાબ ના લાગે એ રીતે તેના હિતની વાત કહેનાર અમૃતલાલ તેમના વહાલસોયા સ્વભાવને કારણે અનેકોને માટે ‘યાજ્ઞિકસાહેબ’ બની રહ્યા હતા.
શ્રદ્ધા ત્રિવેદી