મોક્ષ : ભારતીય દર્શનોનો સંસારનાં દુ:ખમાંથી છુટકારા વિશેનો ખ્યાલ. મોક્ષ એટલે મુક્તિ. કોની ? પોતાની (ચેતનની). શેમાંથી ? દુ:ખમાંથી. દુ:ખમુક્તિને મોક્ષ રૂપે સૌ ભારતીય ચિંતકો એકમતે સ્વીકારે છે. પરંતુ મતભેદ એ બાબતે રહ્યો છે કે મોક્ષાવસ્થામાં ચેતનને સુખ હોય છે કે નહિ ? ઉપરાંત, એ પણ વિવાદનો મુદ્દો રહ્યો છે કે મોક્ષાવસ્થામાં તેને જ્ઞાન હોય છે કે નહિ ? આ બે પ્રશ્નોનાં ભિન્ન ભિન્ન દર્શનોએ આપેલા ઉત્તરો તેમની ચેતન વિશેની માન્યતાથી નિયંત્રિત છે.

દુ:ખમુક્તિમાં નીચેની બાબતોનો પૂર્વસ્વીકાર જરૂરી છે : (1) પોતાને (ચેતનને) દુ:ખ છે; (2) દુ:ખનાં કારણો છે; (3) દુ:ખમુક્તિ શક્ય છે; (4) દુ:ખમુક્તિના ઉપાયો છે. આ જ ભગવાન બુદ્ધનાં ચાર આર્યસત્યો છે, આ જ પાતંજલ યોગદર્શનનો ચતુર્વ્યૂહ છે, અને આ જ જૈનોનાં સાત તત્ત્વો છે. જૈન પરિભાષામાં જીવ-અજીવસંયોગ દુ:ખ છે. આસ્રવ અને બંધ દુ:ખકારણ છે. દુ:ખમુક્તિ મોક્ષ છે. મોક્ષનો ઉપાય સંવર અને નિર્જરા છે.

આ દુ:ખમુક્તિ આંશિક કે થોડા વખત પૂરતી નથી, પરંતુ સંપૂર્ણ અને સદાને માટે છે. બધા પ્રકારનાં દુ:ખોમાંથી હંમેશ માટેની મુક્તિને દર્શનશાસ્ત્રમાં મોક્ષ કહેવામાં આવે છે. આત્યંતિક દુ:ખમુક્તિ મોક્ષ છે. પગમાં કાંટો વાગ્યો તેથી પીડા થઈ – દુ:ખ થયું. કાંટો કાઢી નાખવામાં આવ્યો, કાંટાની પીડામાંથી મુક્તિ થઈ. પરંતુ ફરી કાંટો વાગવાનો સંભવ દૂર થયો નથી. વળી, કાંટાની પીડા દૂર થવા છતાં બીજી ગૂમડા વગેરેની પીડાઓ રહી હોવાનો સંભવ છે જ. એટલે કાંટાની પીડામાંથી મુક્તિને આત્યંતિક દુ:ખમુક્તિ ન કહેવાય.

દુ:ખ કોને છે ? ચેતનતત્ત્વને. દુ:ખ શરીર, મન કે ઇન્દ્રિય અનુભવતાં નથી, પણ તેમના દ્વારા બીજું કોઈ અનુભવે છે અને તે છે ચેતન. દર્શનકારોમાં તેના સ્વરૂપ વિશે મતભેદ છે.

દરેકને પોતાને દુ:ખનો અનુભવ છે. દુ:ખ ત્રિવિધ છે – આધ્યાત્મિક (માનસિક), આધિભૌતિક (શરીરની અંદરથી રોગને લીધે ઉદભવતાં દુ:ખો) અને આધિદૈવિક (બીજા જીવો દ્વારા કરાતી પીડા). વિષયોને ભોગવતી વખતે લાગતું સુખ પણ પરિણામે દુ:ખ છે. સુખભોગકાળે વિષયના નાશના ભયે ચિત્તમાં દુ:ખ બીજ રૂપે હોય છે. ‘મારા પ્રિય વિષયો છીનવાઈ જશે, નાશ પામશે’ એવું મનમાં રહ્યા કરે છે. વિષય-ભોગના સુખાનુભવના સંસ્કારો ભવિષ્યમાં નવા ભોગની સ્પૃહા જન્માવી દુ:ખનું વિષચક્ર ચાલુ રાખે છે. આમ વિષયોમાં પરિણામ-દુ:ખતા, તાપદુ:ખતા અને સંસ્કારદુ:ખતા છે. તેથી જ ભગવાન બુદ્ધે કહ્યું કે ‘सर्व दुःखम् ।’ પોતાના સ્વભાવ ઉપર આવરણો આવી જવાં એ પણ દુ:ખ છે. અલ્પતા – અપૂર્ણતા દુ:ખ છે. જન્મમરણ પણ દુ:ખ છે.

પોતાના ખરા સ્વરૂપનું અજ્ઞાન એ દુ:ખનું મૂળ કારણ છે. આ અજ્ઞાનને કારણે આપણે રાગદ્વેષ કરીએ છીએ અને રાગદ્વેષ દુ:ખ પેદા કરે છે. અજ્ઞાન, રાગ, દ્વેષ આ ક્લેશો છે. રાગદ્વેષપૂર્વક કરાતી પ્રવૃત્તિથી ચેતન કર્મ બાંધે છે. સાંખ્યયોગ, જૈન તો આ કર્મને સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૌતિક દ્રવ્ય ગણે છે, જે ચેતન ઉપર આવરણ રચી તેના જ્ઞાનાદિ ગુણોને ઢાંકી દે છે. બૌદ્ધો પણ કર્મને આવા ભૌતિક દ્રવ્યરૂપ માનતા હોય એવો પ્રબળ સંભવ છે. આ કર્મોનું આવરણ દુ:ખરૂપ છે. ક્લેશોને પણ આવરણ માનવામાં આવ્યા છે. આસક્તિ, કામ, ક્રોધ વગેરે ચેતનસ્વભાવને કેવો ઢાંકી દે છે તેની વાત ‘ध्यायतो विषयान् पुंस: ………’શ્લોકમાં ગીતાએ ક્યાં નથી કરી ?

દુ:ખનાં કારણોને દૂર કરવા માટે સૌપ્રથમ તો પોતાના ખરા સ્વરૂપનું જ્ઞાન મેળવવું જોઈએ, આને માટે ચિત્તશુદ્ધિ જરૂરી છે. ચિત્તમાંથી મળો દૂર કરવા મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા(માધ્યસ્થ્ય)ભાવના કેળવવી જોઈએ. વળી, અહિંસા આદિ પાંચ યમો અને શૌચ આદિ પાંચ નિયમોનું પાલન કરવું જોઈએ. પછી ધ્યાનમાર્ગની સાધના દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ. ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં પોતાના ખરા સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. જેટલા ક્લેશો ઓછા એટલું દુ:ખ ઓછું, આ તો સૌના અનુભવની વાત છે. સંપૂર્ણ ક્લેશમુક્તિ જ સંપૂર્ણ દુ:ખમુક્તિ છે. ક્લેશપૂર્વક કરાતી પ્રવૃત્તિ જ કર્માવરણો રચતી હોઈ ક્લેશો દૂર થતાં કર્માવરણો સંપૂર્ણપણે દૂર થાય છે અને ચેતન પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થાય છે, દુ:ખમાંથી મુક્ત થાય છે.

દુ:ખમુક્તિ શક્ય છે, ક્લેશોનો ઉચ્છેદ શક્ય છે એ સુષુપ્તિના ર્દષ્ટાંતથી સમજાય છે. ક્લેશોપશાંતિની અવસ્થા સુષુપ્તિ એ ક્લેશક્ષયની અવસ્થાની શક્યતાને સૂચવે છે. ક્લેશો સ્વાભાવિક નથી, આગંતુક છે, તેમનું કારણ અજ્ઞાન છે. રાગ વગેરેનો નાશ તેમની પ્રતિપક્ષ એવી મૈત્રી આદિ ભાવનાઓથી થઈ શકે છે. ક્લેશરહિત વ્યક્તિની પ્રવૃત્તિ કર્મબંધનું કારણ નથી. વિક્ષેપો સમાધિનો ભંગ ન કરી શકે તે માટેનો ઉપાય છે અભ્યાસ. મોક્ષ શક્ય હોવા છતાં સંસારોચ્છેદ થવાનો નથી, કારણ કે સંસારી જીવો અનંતાનંત છે.

જૈન દર્શન અનુસાર સર્વ કર્મોનો ક્ષય થતાં ચેતન મુક્ત થાય છે. મુક્ત થતાં જ તે ઊર્ધ્વ ગતિ કરી એક ક્ષણમાં સીધો લોકના અગ્રભાગે પહોંચી ત્યાં આવેલ સિદ્ધશિલામાં સદા વિરાજે છે. મુક્ત ચેતન અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય ધરાવે છે. મુક્ત ચેતનનું પરિમાણ તેના અંતિમ જન્મના દેહના પરિમાણથી જરાક જ ઓછું હોય છે, જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષ થાય છે એમ જૈનો માને છે.

બૌદ્ધ મતે ચિત્ત જ ચેતન છે. તે સ્વભાવથી પ્રભાસ્વર છે. રાગદ્વેષ વગેરે મળો આગંતુક છે અને અનાદિકાળથી ચિત્તપ્રવાહ સાથે સેળભેળ થઈ ગયા છે. મળો દૂર થતાં ચિત્તનું સ્વસ્વભાવમાં આવવું તે મોક્ષ છે. ‘मुक्तिनिर्मलता धिय:’  બૌદ્ધો મોક્ષ માટે ‘નિર્વાણ’ શબ્દનો પ્રયોગ કરે છે. નિર્વાણ પંચસ્કન્ધાભાવ છે. પાંચ સ્કન્ધો છે – રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન. રૂપસ્કન્ધ દેહવાચી છે. તેનો વ્યાપક અર્થ છે ભૂત-ભૌતિક પદાર્થો. વિજ્ઞાનસ્કન્ધ એ નિર્વિચાર અને પરિણામે અનુભવાત્મક એવું વિષયાકાર જ્ઞાન છે. સંજ્ઞાસ્કન્ધ એ સવિચાર અને સ્મૃતિરૂપ જ્ઞાન છે. વેદનાસ્કન્ધ સુખ-દુ:ખનું વેદન છે. સંસ્કારસ્કન્ધ એ વાસના છે. આ પાંચ સ્કન્ધોનો નિરોધ એ મોક્ષ છે. આનો અર્થ એ થયો કે ચિત્તની વૃત્તિરહિતતા નિર્વાણ છે. નિર્વાણમાં વિષયાકારો કે સુખદુ:ખાકારો ચિત્તમાં ઊઠતા નથી. નિર્વાણમાં ચિત્ત સંસ્કારોથી પણ રહિત હોય છે. નિર્વાણમાં કેવળ શાંતિ હોય છે. તેને સુખ ગણવું હોય તો ગણો. એક વાર ચિત્ત આવી અવસ્થા પામે છે પછી તે તેમાંથી ચ્યુત થતું નથી. આ અર્થમાં નિર્વાણને અચ્યુત અને નિત્ય ગણવામાં આવે છે.

સાંખ્ય-યોગ અનુસાર પુરુષ ચેતન છે, જ્યારે ચિત્ત અચેતન છે. પુરુષ દ્રષ્ટા છે, જ્યારે ચિત્ત જ્ઞાતા છે. પુરુષના દર્શનનો વિષય ચિત્તવૃત્તિઓ છે. જ્ઞાન, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર આ બધા ચિત્તના ધર્મો છે. પુરુષ અપરિણામી છે, ચિત્ત પ્રતિક્ષણપરિણામી છે. ચિત્ત ક્ષુબ્ધ અને મલિન હોવાથી તેમાંથી પુરુષનો સ્પષ્ટ આકાર ઊઠતો નથી. જ્યારે યોગસાધનાથી ચિત્તવૃત્તિઓનો નિરોધ કરી ચિત્ત અક્ષુબ્ધ (પ્રશાંતવાહી) અને શુદ્ધ બને છે ત્યારે તેમાં પુરુષનો વિશદ આકાર ઊઠે છે, પરિણામે તેનામાં પ્રકૃતિપુરુષવિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિ ઉદભવે છે. છેવટે તેને તે વૃત્તિ પ્રતિ પણ વૈરાગ્ય થતાં તેનો નિરોધ થાય છે. તેના નિરોધ સાથે સર્વચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જાય છે, તેને હવે પુરુષ સાથે કોઈ સંબંધ રહેતો નથી, કારણ કે પુરુષ ચિત્તની વૃત્તિઓનો જ દ્રષ્ટા છે. પુરુષ પોતે દ્રષ્ટાસ્વરૂપ હોવા છતાં તેનો ચિત્ત સાથેનો દ્રષ્ટાપણાનો સંબંધ પૂરો થઈ જાય છે. કેવળ ચિત્ત બની જાય છે. ચિત્તનો પ્રકૃતિમાં લય થાય છે. પુરુષ પણ કેવળ બની જાય છે. આ કૈવલ્ય મોક્ષ છે. જેઓ પુરુષમાં ચિત્તવૃત્તિઓનું પ્રતિબિંબ સ્વીકારે છે તેમને મતે તે ચિત્તવૃત્તિઓને પ્રતિબિંબ રૂપે ધારણ કરવી તે પુરુષનું દર્શન છે. જ્યારે સર્વચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે ત્યારે ચિત્તવૃત્તિઓનું પ્રતિબિંબ પડતું અટકી જાય છે. પરિણામે પુરુષ કેવળ બને છે. આ કૈવલ્ય પુરુષનો મોક્ષ છે. જ્ઞાન-સુખ ચિત્તના ધર્મો-વૃત્તિઓ હોઈ મુક્ત પુરુષમાં પ્રતિબિંબ રૂપે પણ તેમનો અભાવ છે.

ન્યાય-વૈશેષિક મતે આત્મા ચેતન છે. બુદ્ધિ (જ્ઞાન), સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર – આ નવ આત્માના વિશેષ ગુણો છે. તેઓ આત્મામાં જ રહે છે, બીજાં દ્રવ્યોમાં રહેતા નથી. તેમ છતાં આત્મદ્રવ્યનું જ્યાં સુધી અસ્તિત્વ છે ત્યાં સુધી તેમનું પણ તેનામાં અસ્તિત્વ છે જ એવું નથી, કારણ કે તેમની ઉત્પત્તિ શરીરસંયોગસાપેક્ષ એવા આત્મમન:સંયોગથી થાય છે. આ સંયોગ કેવળ સંસારી અવસ્થામાં જ સંભવે છે, મુક્તાવસ્થામાં સંભવતો નથી, એટલે મુક્તાવસ્થામાં આત્મામાં આ નવે ગુણોનો અભાવ હોય છે. ખરેખર તો આ નવે ગુણોનો ઉચ્છેદ એ જ મુક્તિ છે. નવ ગુણોમાં દુ:ખ પણ સમાવિષ્ટ છે. કેટલાક સ્પષ્ટ કરે છે કે મુક્તિમાં જ્ઞાન નથી, પણ જ્ઞાનની યોગ્યતા તો છે.

મીમાંસક મતે સુષુપ્તિ અને મોક્ષમાં જ્ઞાન હોતું નથી, કારણ કે જ્ઞાનનાં નિમિત્ત કારણો ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ વગેરે સુષુપ્તિ અને મોક્ષમાં નથી. મોક્ષમાં જ્ઞાન ન હોવા છતાં જ્ઞાનશક્તિ હોય છે. આત્માને મોક્ષમાં જેમ જ્ઞાન નથી તેમ સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર પણ નથી. તેથી શાસ્ત્રદીપિકામાં કહ્યું છે : निरानन्द्श्च मोक्ष: । મીમાંસા કામ્ય કર્મોને અર્થાત્ લિપ્સાપ્રેરિત કર્મોને જ દુ:ખનું અને કર્મબંધનું કારણ માને છે. એટલે લિપ્સા(તૃષ્ણા)ને જીતવી જોઈએ. તૃષ્ણાને જીતવા આત્માને બરાબર જાણવો જોઈએ. અને આત્માને, બ્રહ્મને જાણવા માટે વેદાન્તનો અભ્યાસ કરવો જોઈએ. આત્મજ્ઞાન મોક્ષાભિગામી પ્રવૃત્તિનું કારણ છે, આત્મજ્ઞાન મોક્ષનું સાક્ષાત્ કારણ નથી. મોક્ષનું સાક્ષાત્ કારણ આત્મજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ, કર્મ છે.

બ્રહ્મને સત્ય અને જગતને મિથ્યા માનનાર શાંકર વેદાન્તીને મતે જગતની બધી વસ્તુઓની જેમ ચિત્ત પણ મિથ્યા છે, માયાજનિત છે. તેમનું અસ્તિત્વ વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. જ્યાં સુધી જીવને અજ્ઞાન છે ત્યાં સુધી તેને માટે તેમનું અસ્તિત્વ છે. જ્ઞાન થતાં તેમનું અસ્તિત્વ નથી. પરંતુ જીવ શું છે ? તે છે માયિક ચિત્તમાં પડતું બ્રહ્મનું (=પુરુષનું) પ્રતિબિંબ. સાંખ્યથી વિરુદ્ધ અહીં પુરુષો અનેક નથી, પણ એક છે. એ એક પુરુષનું પ્રતિબિંબ અનેક ચિત્તો ઝીલે છે. ચિત્તોનો ભેદ સંસ્કારભેદે અને ક્લેશભેદે છે. આવાં ભિન્ન સંસ્કાર અને ભિન્ન ક્લેશો ધરાવતાં ચિત્તોમાં પડતું પ્રતિબિંબ ચિત્તમાધ્યમભેદે ભિન્ન ભિન્ન હોય છે. આ પ્રતિબિંબો (જીવો) એમ માને છે કે તેઓ બધાં પુરુષથી ભિન્ન છે અને તેમનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પ્રતિબિંબનું અસ્તિત્વ કદી બિંબનિરપેક્ષ સ્વતંત્ર હોઈ શકે ? ના. પરંતુ તેઓ તો પોતાને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતાં માને છે. આ તેમનું અજ્ઞાન છે. ‘તું બ્રહ્મ જ છે’ એ મહાવાક્યનું શ્રવણ, આચાર્યોપદેશ વગેરેથી તેને ઝાંખી થવા લાગે છે કે હું બ્રહ્મ છું. ત્યારબાદ તે ‘હું બ્રહ્મ છું’ એવી અખંડાકાર ચિત્તવૃત્તિના પ્રવાહ દ્વારા (અર્થાત્ ધ્યાન દ્વારા) ભેદવિષયક અજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો નાશ કરે છે. અજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો નાશ થતાં અજ્ઞાનના વૈશ્વિક રૂપ માયામાંથી પેદા થયેલું ચિત્ત લોપ પામી જાય છે. ચિત્તનો લોપ થતાં ચિત્તમાં પડતું બ્રહ્મનું પ્રતિબિંબ પોતાના બિંબમાં (બ્રહ્મમાં) સમાઈ જાય છે. આમ જીવ-બ્રહ્મનું ઐક્ય થાય છે. આ જ બ્રહ્મસાક્ષાત્કાર છે. આ જ વેદાન્તની મુક્તિ છે. હવે પ્રશ્ન થાય કે આમાં દુ:ખમુક્તિની વાત ક્યાં આવી ?  એક જીવ પોતાને બીજા જીવોથી અને બ્રહ્મથી જુદો માને છે એટલે મોહ, શોક, ભય વગેરે જન્મે છે, જે દુ:ખનાં કારણ છે. એટલે જીવે બધે એકત્વ જ જોવું જોઈએ અને બધાને બ્રહ્મરૂપ જ સમજવા જોઈએ, જેથી દુ:ખનો સંભવ જ ના રહે. तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः द्वितीयाद् वै भयं भवति ।  એટલે અદ્વૈત સાક્ષાત્કાર જ દુ:ખમુક્તિ છે. બ્રહ્મને આનંદસ્વરૂપ વર્ણવ્યું છે. મુક્તિમાં જીવ બ્રહ્મમાં સમાઈ જાય છે, બ્રહ્મરૂપ બની જાય છે, તેનું અલગ અસ્તિત્વ કે વ્યક્તિત્વ (વ્યાવહારિક પણ) રહેતું નથી. તે બ્રહ્મત્વ પ્રાપ્ત કરે છે. પરિણામે તે સ્વયં આનંદસ્વરૂપ બની જાય છે. તે આનંદનો અનુભવ કરનારો ભોક્તા નથી, પણ સ્વયં આનંદ જ છે. મુક્તિમાં ચિત્તનું અસ્તિત્વ ન હોઈ, ચિત્તની કોઈ વૃત્તિ હોતી નથી. નથી હોતું સુખ, નથી હોતું દુ:ખ, નથી હોતું જ્ઞાન. અહીં પ્રશ્ન થાય કે આનંદ એ સુખ નથી તો શું છે ? તે સુખ નથી. તે સુખ, દુ:ખ, શોક, ભય, કામ વગેરેના અભાવને કારણે વ્યક્ત થતી પરમ શાંતિ છે. અધ્યાત્મશાસ્ત્રમાં આ શાંતિ જ ઇષ્ટ છે. બ્રહ્મને જ્ઞાનરૂપ વર્ણવવામાં આવ્યું છે, પરંતુ ત્યાં જ્ઞાનનો અર્થ દ્રષ્ટૃત્વ યા સાક્ષિત્વ છે. જ્ઞાન તો ચિત્તની (અંત:કરણની) વૃત્તિ છે. મુક્તિમાં ઐક્યજ્ઞાન પણ નથી. જેમ સાંખ્યમાં મુક્તિમાં ભેદજ્ઞાન (=વિવેકજ્ઞાન) નથી, તેમ વેદાન્તમાં મુક્તિમાં ઐક્યજ્ઞાન પણ નથી. બ્રહ્મ પરમ સત્ છે. આમ મુક્ત થયેલ જીવ સત્, ચિત્ અને આનંદસ્વરૂપ બ્રહ્મમાં સમાઈ જાય છે, તદ્રૂપ થઈ જાય છે. બ્રહ્મભાવની પ્રાપ્તિ માટે યોગસાધના કરવી જરૂરી છે.

મોક્ષ અભીષ્ટ અને પરમ ચોથો પુરુષાર્થ છે. એ અચરજની વાત છે કે ચાર્વાકો મરણને મોક્ષ માને છે. અજ્ઞાનની નિવૃત્તિ થઈ બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય તેનું નામ મોક્ષ. મોક્ષમાં આત્મતત્ત્વનું સર્વત્ર દર્શન થાય છે. પોતાનું કાર્ય બરાબર રીતે કરનારને જ મોક્ષ મળી શકે. યજ્ઞયાગાદિથી મળતું સ્વર્ગસુખ અનિત્ય હોવાથી આત્મજ્ઞાનથી મળતો મોક્ષ એનાથી જુદો છે. શ્રમ, વિચાર, સંતોષ અને સત્સંગ એ ચાર મોક્ષના ચાર દ્વારપાળો ગણવામાં આવ્યા છે.

મોક્ષના ચાર પ્રકારો આપવામાં આવ્યા છે : (1) સાલોક્ય; (2) સામીપ્ય; (3) સારૂપ્ય અને (4) સાયુજ્ય. તેમાં આત્મા અને પરમાત્માની સ્થિતિને લક્ષમાં રાખવામાં આવી છે. તદુપરાંત, સંયોગમોક્ષ, ક્રમમોક્ષ, મંદમોક્ષ, ઉપમોક્ષ વગેરે મોક્ષના પ્રકારો પણ કેટલાક માને છે. કૈવલ્ય મુક્તિ પણ એક પ્રકાર છે. એ બધા પ્રકારોમાં મોક્ષનો ખ્યાલ એવો છે કે અજ્ઞાનમાં રહેલો જીવ પોતાના આત્માનું જ્ઞાન મેળવી, શુદ્ધ બની પરમાત્માના શુદ્ધ અને વિજ્ઞાનસ્વરૂપમાં કાયમ આનંદપૂર્વક રહેવાની દશા પ્રાપ્ત કરે છે અને સંસારનાં દુ:ખોમાંથી તેનો છુટકારો થાય છે, એટલે કે જન્મમરણની ઘટમાળમાંથી તે મુક્ત થાય છે. જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે અને તે બાકીના ત્રણ પુરુષાર્થો ધર્મ, અર્થ અને કામના યોગ્ય વિનિયોગથી મેળવવા પ્રયત્ન કરવો જોઈએ.

નગીનભાઈ જીવણલાલ શાહ