મૉમ, વિલિયમ સમરસેટ

February, 2002

મૉમ, વિલિયમ સમરસેટ (જ. 25 જાન્યુઆરી 1874, પૅરિસ, ફ્રાન્સ; અ. 16 ડિસેમ્બર 1965) : ખ્યાતનામ ફ્રેન્ચ સર્જક. ફ્રાન્સમાંના બ્રિટનના દૂતાવાસના કાનૂની સલાહકાર. પિતાના છ પૈકીના ચોથા પુત્ર. માત્ર 8 વર્ષની વયે માતાનું પ્રસૂતિ દરમિયાન અવસાન. માતાના આ અવસાનની ઘેરી અસર કદાચ લેખકના મન ઉપર કાયમ રહી અને તેથી જ તેમની કેટલીક નવલકથાઓમાં પ્રસવવેળાનાં મૃત્યુ અવારનવાર જોવા મળે છે. માતાના અવસાન પછી માત્ર 2 વર્ષ બાદ પિતાનું કૅન્સરથી અવસાન. તેથી તેમને નિ:સંતાન કાકા અને મધ્યમવયસ્ક કાકી પાસે મોકલવામાં આવ્યા. પ્રારંભનો અભ્યાસ કૅન્ટરબરીની કિન્ડર સ્કૂલમાં અને ત્યારબાદ 1891માં હાઈડલબર્ગ યુનિવર્સિટીમાં. 1892માં લંડનની સેન્ટ ટૉમસ હૉસ્પિટલમાં તબીબી અભ્યાસ કર્યો; પરંતુ ક્યારેય તેમણે તબીબી સેવા આપવાનું કાર્ય કર્યું ન હતું. પરંતુ લૅમ્બેથના ઝૂંપડપટ્ટી–વિસ્તારમાંનો તેમનો બાળપ્રસૂતિના અનુભવનો ઉપયોગ તેમણે તેમની ‘લિઝા ઑવ્ લૅમ્બેથ’ (1897) નામની પ્રથમ નવલકથા લખવામાં કર્યો. જી. એ. મરેના ‘નવવાસ્તવવાદી’ પ્રકારની આ નવલકથામાં મિલમાં નોકરી કરતી એક શહેરી છોકરીનાં પ્રણય અને મહત્વાકાંક્ષાઓ નિરૂપાયાં છે. ઉંમરલાયક પરિણીત વ્યક્તિ સાથેના તેના નિરર્થક પ્રેમ-સંબંધો કથાનું હાર્દ છે.

1907માં લગ્ન અને સંપત્તિને જોડતા સંબંધો ઉપર પ્રકાશ ફેંકતું તેમનું ‘લેડી ફ્રેડરિક’ નામનું હાસ્યરસપ્રધાન નાટક રૉયલ કૉર્ટ નાટ્યગૃહમાં ભજવાયું. આમ તો અન્ય એક નાટકના સ્થાને તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા આ નાટક રજૂ કરવાની લેખકને તક મળી ગઈ હતી; પરંતુ નાટકને મળેલી અણધારી અપ્રતિમ સફળતાથી મૉમને નોંધપાત્ર પ્રસિદ્ધિ મળી. ત્યારબાદ 1908ના એક જ વર્ષના ગાળામાં લેખકે અન્ય 3 નાટકો, ‘જૅક સ્ટ્રૉ’, ‘મિસિઝ ડોર’ અને ‘ધી એક્સ્પ્લૉરર’ લખ્યાં, રજૂ કર્યાં. ત્યારબાદ 30 વર્ષ સુધી મૉમે હળવાં કટાક્ષ વેરતાં હાસ્યરસપ્રધાન નાટકો લખ્યાં, જે પૈકી ‘ધ સર્કલ’ (1921) નાટકમાં એક યુવાન પરિણીતા રબરના ખેતરમાં કામ કરતા એક મલાયાવાસી મજૂરના પ્રેમમાં પડે છે અને પરિણામે તેની સાથે નાસી જાય છે. ‘ધ કૉન્સ્ટન્ટ વાઇફ’ (1926) નાટકમાં એક સ્ત્રી તેના બેવફા પતિ સામે બદલો લેવા નાણાકીય અને ભાવનાત્મક સ્વતંત્રતા પ્રાપ્ત કરીને તેના પ્રશંસક સાથે ઇટાલી જવા નીકળી જાય છે. ‘ફૉર સર્વિસિઝ રેન્ડર્ડ’ (1932) નાટકમાં મૉમ પ્રથમ વિશ્વયુદ્ધ પછીના જગતની આકરી ટીકા કરે છે.

વિલિયમ સમરસેટ મૉમ

1911માં મૉમે ‘ઑવ્ હ્યૂમન બૉન્ડેજ’ નામની આત્મકથાત્મક નવલકથા લખવા માટે નાટ્યલેખનનો કામચલાઉ ત્યાગ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ ફ્રાન્સમાં ઍમ્બુલન્સ વાનના ડ્રાઇવર તરીકે જોડાયા. આ દિવસો દરમિયાન સમય કાઢીને તેઓ નવલકથાના પ્રૂફવાચનનું કામ પણ કરી લેતા. 1915માં લશ્કરની બૌદ્ધિક પાંખમાં લેખકના નાતે તેમનો સમાવેશ કરી તેમને જિનીવા મોકલવામાં આવ્યા. 1914માં મૉમની મુલાકાત ફ્લૅન્ડર્સમાંના ઍમ્બુલન્સ એકમમાં તેમની સાથે કામ કરતી અને તેમનાથી 18 વર્ષ નાની જેરાલ્ડ હૅક્સટન સાથે થઈ. 1914થી તેમની સાથી અને મંત્રી તરીકે રહેલી જેરાલ્ડ હૅક્સટનને લઈને 1916માં મૉમ યુ. એસ., ચીન, અગ્નિ એશિયા તથા મેક્સિકોની સફરે જઈ આવ્યા. પાછા ફર્યા બાદ હૅક્સટન સાથેની મૈત્રી ખૂબ વિકસી ચૂકી હતી છતાંય લેખકે તેમની સાથે ઉપ-પત્ની તરીકે રહેતી સીરી વેલ્કમ સાથે 1917માં લગ્ન કર્યાં. ત્યારબાદ પુન: ગુપ્તચર સંસ્થામાં નોકરી મળતાં તેઓ રશિયા ગયા. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થતાં મૉમે પુન: મુસાફરી અને લેખન શરૂ કર્યાં. ‘ધ મૂન ઍન્ડ સિક્સ પેન્સ’ (1919) લેખકની સર્જનશક્તિનો સુંદર ખ્યાલ આપે છે, તેના પરિણામે લેખકની પ્રતિષ્ઠા શ્રેષ્ઠ નવલકથાકારોમાં થવા લાગી. આ નવલકથામાં લેખકે તાહિતી ઉપરના 1917ના વિજયનો પ્રાથમિક, સાધારણ ઉપયોગ કર્યો છે. ઉપરાંત તેમાં તેમણે કલાને ખાતર ફરજો પ્રત્યે બેધ્યાન રહેતા પાત્ર દ્વારા ચાર્લ્સ સ્ટ્રિક્લૅન્ડના જીવનને સ્પર્શતી બાબતનો સુંદર રીતે પરિચય કરાવ્યો છે.

આ પછીની કેટલીક રચનાઓમાં લેખકે તેમની દક્ષિણ તરફની સમુદ્રયાત્રાના અનુભવોનો ઉપયોગ કર્યો છે. ‘ધ ટ્રેમ્બલિંગ ઑવ્ એ લીફ’ (1921) દૂર પૂર્વની મુસાફરીના અનુભવોના આધારે લખાયેલ તેમનો અત્યંત સુપ્રસિદ્ધ નવલિકાસંગ્રહ હતો. આ નવલિકાસંગ્રહમાંની ‘રેન’ નામની નવલિકા વાસ્તવિક મુલાકાતને આધારે લખવામાં આવી છે. તેમાં ર્દઢતાથી અને ગૌરવથી ગણિકાનું જીવન જીવતી એક યુવતી સૅડી ટૉમ્પસન અને તેને રોકવા મથતા સ્કૉટિશ મિશનરી ડેવિડસન વચ્ચેના સંઘર્ષનું સુંદર આલેખન છે. અંતે ડેવિડસન આત્મહત્યા કરે છે. મૉમની અન્ય ઘણી કૃતિઓની જેમ આ નવલિકા પણ નાટક તરીકે ખૂબ જ સફળ નીવડી અને તેની કથા ઉપરથી 3 વખત ચલચિત્ર બનાવવામાં આવ્યાં. ‘ધ પેન્ટેડ વેલ’ (1925) નામની વાર્તા વ્યભિચાર અને વિમોચનની કથા રજૂ કરે છે. ‘સિક્સ્ સ્ટૉરિઝ ઇન્ ધ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર’ (1931) નામના નવલિકાસંગ્રહમાંની ‘ધી એલાયન કૉર્ન’ નામની નવલિકામાં ઉત્સાહી પિયાનોવાદકની કથા છે. તેની ટીકા રૂપે એમ કહેવામાં આવે છે કે તે દ્વિતીય કક્ષાના કલાકાર કરતાં વધુ સારો ક્યારેય બની શકશે નહિ, ત્યારે તે આપઘાત કરે છે.

1927માં પત્નીથી છૂટાછેડા લીધા પછી તેઓ મૉન્ટે કાર્લો અને નાઇસ વચ્ચેના કેપ ફેરાટ મુકામે ‘વિલા મોરેસ્ક’ ખરીદીને ત્યાં રહેવા ગયા. અનેક કલાકૃતિઓથી સજાવેલું આ સુંદર અને વૈભવશાળી સ્થળ ફ્રેન્ચ રિવેરા વિસ્તારનું મહત્વનું યાત્રા અને મુલાકાતનું સ્થળ બની રહેવાનું હતું. વિન્સ્ટન ચર્ચિલ અને બીવરબ્રુક સહિત અનેક પ્રતિષ્ઠિત લેખકો અને રાજનીતિજ્ઞો આ સ્થાનની મુલાકાતે આવી ગયા હતા.

પોતાના યુદ્ધકાળના અનુભવોને આલેખતી નવલિકાઓના સંગ્રહ ‘ઍશેન્ડન’(1926)માં શહેરનિવાસી વિલી ઍશેન્ડન પોતાના યુદ્ધકાળના અનુભવોનું બયાન કરે છે. 1930માં તેમણે ‘કેક્સ ઍન્ડ એલ’ નામની માર્મિક અને હૃદયસ્પર્શી નવલકથા લખી, જેમાં રોઝી ડ્રિફિલ્ડ નામની એક મળતાવડી, સાલસ સ્વભાવની સન્નારીને એક વયસ્ક અને વિદ્વાન સાહિત્યકારની પત્ની તરીકે દર્શાવી છે. નવલકથાના આ સાક્ષરને ઘણા વાચકોએ ટૉમસ હાર્ડીની પ્રતિકૃતિ તરીકે સ્વીકારેલ. તેમની આ જ નવલકથાનું બીજું એક મહત્વનું પાત્ર આલ્રોય કીયર એક એવો લેખક છે, જે સતત પોતાની સિદ્ધિઓની પ્રશંસા થતી રહે એવું લખાણ લખાવરાવી પ્રસિદ્ધ કરાવવા પ્રયત્નશીલ છે. વાચકોએ આ પાત્ર દ્વારા મૉમે હ્યૂ વૉલપૉલનું ચરિત્રચિત્રણ કર્યું હોવાનું માન્યું હતું. આ હૃદયસ્પર્શી નવલકથા પછીનાં લેખકનાં સર્જનો લોકભોગ્ય અને સામાન્ય જનતા માટે રસપ્રદ હતાં, પરંતુ વિવેચકોની નજરે તે પૂરતાં સંતોષકારક ન હતાં.

બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થતાં જ મૉમ ફ્રાંસ છોડીને અમેરિકા ચાલ્યા ગયા. આ સમયગાળા દરમિયાન તેમણે તેમની છેલ્લી મહત્વની નવલકથા ‘ધ રેઝર્સ એજ’ (1944) પ્રસિદ્ધ કરી, જેનું શીર્ષક ઉપનિષદની કથા ઉપર આધારિત છે. નવલકથાનો અમેરિકન નાયક લૅરી ડેરેલ ભારતની મુલાકાતે જાય છે, આશ્રમમાં રહે છે અને એકાંતનું મૂલ્ય સમજે છે. બીજા જ વર્ષે 1945માં આ નવલકથા ઉપર આધારિત ચલચિત્ર તૈયાર થયું. 1944માં જેરાલ્ડ હૅક્સટનનું અવસાન થયેથી, તેનું સ્થાન ઍલન સર્લેએ લીધું અને મૉમના અવસાન (1965) સુધી સાથ આપ્યો. લેખકનું પાછલું જીવન લેખકે પોતાની જ કેટલીક અત્યંત લોકપ્રિય ટૂંકી વાર્તાઓનું ચલચિત્રકથામાં રૂપાંતર કરવામાં ગાળ્યું. પોતાના ભૂતકાળમાં ડોકિયું કરાવતા પ્રસંગોનું નિરૂપણ કરતા પુસ્તક ‘લુકિંગ બૅક’(1962)માં તેમણે તેમની અગાઉની સ્વર્ગસ્થ પત્નીના સ્વભાવ અને વ્યક્તિત્વ ઉપર પ્રહારો કર્યા છે. તેને પરિણામે તેમણે અનેક મિત્રોની મૈત્રી ગુમાવી.

મૉમની અન્ય કૃતિઓમાં ‘હોમ ઍન્ડ બ્યૂટી’ (નાટક, 1919); ‘ધ સેક્રેડ ફ્લેમ’ (નાટક, 1928) અને ‘ધ નૅરો કૉર્નર’ (નવલકથા, 1932)નો સમાવેશ થાય છે. મૉમની લેખક તરીકે વિશાળ વાચકવર્ગ સમક્ષની સફળતા છતાં, તે તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન પોતે અતિ-પ્રતિષ્ઠિત ન હોવાના ખ્યાલથી પીડાતા રહેલા. તેમણે પોતાની ‘ધ સમિંગ અપ’ (1938) શીર્ષક ધરાવતી આત્મકથામાં આ સ્પષ્ટ કર્યું છે. ટેડ મૉર્ગન લિખિત મૉમની જીવનકથા ‘મૉમ’ શીર્ષકથી 1980માં પ્રકાશિત થયેલ છે.

અનંત ર. શુક્લ