મોબૂટૂ, જૉસેફ (જનરલ)

February, 2002

મોબૂટૂ, જૉસેફ (જનરલ)  (જ. 14 ઑક્ટોબર 1930, લીસાલા, ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો, ઝાયર; અ. 7 સપ્ટેમ્બર, 1997) : કૉંગોના અગ્રણી રાજકીય નેતા અને પ્રમુખ. તેમણે બ્રસેલ્સમાં અભ્યાસ કર્યો અને બાદમાં કૉંગો પાછા ફર્યા. 1956માં ત્યાંના જાણીતા નેતા પેટ્રિસ લુમુમ્બા સાથે રાષ્ટ્રીય લડતમાં જોડાયા અને તેમના અત્યંત નિકટના રાજકીય કાર્યકર બની રહ્યા. 1960માં કૉંગો સ્વતંત્ર બન્યું

જૉસેફ મોબૂટૂ, (જનરલ)

અને લુમુમ્બા સરકાર પદનશીન થઈ; પરંતુ તે સાથે જ આંતરવિગ્રહ ફાટી નીકળતાં લુમુમ્બાને પદભ્રષ્ટ કરનારા લશ્કરી બળવામાં જોડાયા, લશ્કરના સરસેનાધિપતિ બન્યા અને 1965માં બીજો બળવો થયા બાદ 1966માં તેઓ વડાપ્રધાન બન્યા અને 1967માં પ્રમુખીય પદ્ધતિની સરકાર સ્થાપી, પ્રમુખ બન્યા તથા સર્વોચ્ચ સત્તા હાંસલ કરી. સત્તા પર આવીને આફ્રિકીકરણ–રાષ્ટ્રીય વાંશિકતા–ની નીતિ સ્વીકારી અને 1971માં કૉંગોનું ઝાયર નામાભિધાન કરવામાં આવ્યું અને તેમણે સ્વયં નામ બદલી મોબૂટૂ સેસે સેકો કર્યું. પ્રારંભિક વર્ષોમાં તેમણે રાજકીય સ્થિરતા અને વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી તેમજ પેટ્રિસ લુમુમ્બાના વારસદાર બની ‘મૂવમેન્ટ પૉપ્યુલેઇર દ લા રેવૉલૂશન’ નામનો રાજકીય પક્ષ સ્થાપી, ઉદ્દામવાદ(જે ‘મોબૂટૂવાદ’ તરીકે પણ ઓળખાયેલો)નો પ્રચાર કર્યો. આફ્રિકી વાંશિકતાની તેમની નીતિ પ્રચલિત બની અને સમગ્ર દેશમાં પશ્ચિમ કે યુરોપ સાથે સંકળાયેલ વ્યક્તિ કે વસ્તુનાં નામો બદલવામાં આવ્યાં. 1976માં ગુપ્ત મતદાન રદ કર્યું. દેશમાં ભ્રષ્ટાચાર અને ફુગાવો વધતા જતા હતા, જેને કારણે તેમની લોકપ્રિયતાનો આંક નીચો ઊતરતો ગયો. તેમની વ્યાપક સત્તાઓ સામેના પ્રબળ વિરોધને કારણે ઔપચારિક રીતે તેમણે પોતાની કેટલીક સત્તાઓ છોડી. તેમના ભારે વિરોધ છતાં દેશમાં બંધારણીય  સુધારા કરવામાં આવ્યા. 1994માં સંક્રાંતિકાલીન બંધારણ ઘડાયું, પરંતુ તેમની વિરુદ્ધ લોકોનો પ્રચંડ વિરોધ ચાલુ રહેતાં 1997માં તેઓ દેશ છોડી ચાલ્યા ગયા અને બળવાખોર નેતા લૉરેન કબીલા (Laurent Kabila) પ્રમુખ બનતાં ઝાયર ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો બન્યું.

રક્ષા મ. વ્યાસ