મૉમસેન, ક્રિશ્ચિયન મૅથિયાસ થિયૉડૉર

February, 2002

મૉમસેન, ક્રિશ્ચિયન મૅથિયાસ થિયૉડૉર (જ. 30 નવેમ્બર 1817, ગાર્ડિંગ, જર્મની; અ. 1 નવેમ્બર 1903, શારૉલેટનબર્ગ, જર્મની) : જર્મનીના નામાંકિત ઇતિહાસકાર અને લેખક. તેમણે કીલ ખાતે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રૉટેસ્ટન્ટ સમુદાયના એક પાદરી સમા પોતાના પિતાના પ્રભાવ હેઠળ તેઓ ભાષાવિજ્ઞાની બન્યા અને ગ્રીક, લૅટિન, ફ્રેન્ચ, ઇંગ્લિશ, સ્વીડિશ તથા ઇટાલિયન જેવી ઘણી ભાષાઓ અને પોતાની માતૃભાષા જર્મનીનો ઊંડો અભ્યાસ કર્યો. બર્લિન એકૅડેમી માટે ફ્રાન્સ અને ઇટાલીમાંના શિલાલેખોનો વાચન-અભ્યાસ કર્યો (1848–50). 1852માં તેઓ ઝૂરિક ખાતે રોમન કાયદાના પ્રાધ્યાપક બન્યા; 1854માં વૉર્સો, પોલૅન્ડ ખાતે અને 1858માં બર્લિન ખાતે પ્રાચીન ઇતિહાસના પ્રાધ્યાપક બન્યા. તેમણે ‘કૉર્પ્સ ઇન્સ્ક્રિપ્શનમ લૅટિનૅરમ’ જેવા મહાગ્રંથનું સંપાદન કર્યું, તેમજ ‘મૉન્યુમેન્ટા જર્મેની હિસ્ટોરિકા’ લખવામાં સહાય કરી. 1873થી 1895 સુધી તેઓ બર્લિન એકૅડેમીના કાયમી સેક્રેટરી રહ્યા. 1882માં એક ચૂંટણી-પ્રવચનમાં બિસ્માર્કની બદનક્ષી કરવાના આરોપસર તેમની સામે કામ ચલાવાયું હતું, પણ તેઓ નિર્દોષ જાહેર થયા હતા.

ક્રિશ્ચિયન મૅથિયાસ થિયૉડૉર મૉમસેન

તેમના પ્રચંડ પુરુષાર્થના ફળસ્વરૂપ તેમનું ચિરસ્મરણીય પ્રદાન તે તેમના પ્રશિષ્ટ ઇતિહાસ-ગ્રંથ ‘હિસ્ટ્રી ઑવ્ રોમ’ (3 ગ્રંથ, 1854–56) અને ‘ધ રોમન પ્રૉવિન્સ’ (1885). ઇતિહાસકાર તરીકે તેઓ ઉત્તમ ભાષાવિદ તરીકે ઊભરી આવ્યા છે. અગાઉ ક્યારેય ન આલેખાયું હોય એ રીતે તેમણે એ રોમન યુગનું અત્યંત રસપ્રદ અને વાસ્તવલક્ષી ચિત્ર ઉપસાવ્યું છે. તેમના અન્ય ગ્રંથોમાં ‘હિસ્ટ્રી ઑવ્ ધ રોમન કૉઇનેજ’ (1860), ‘રોમન પબ્લિક લૉ’ (1876) તથા ભાષાવિજ્ઞાનને લગતા ‘ધ ડાયલેક્ટ્સ ઑવ્ સધર્ન ઇટાલી’(1850)નો સમાવેશ થાય છે.

1902માં તેમને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક અપાયું હતું, જર્મનીના વિદ્વત્જગતમાં તેમણે ગઈ સદીનાં લગભગ પચાસેક વર્ષ એકચક્રી શાસન ભોગવ્યું.

નોબેલ પારિતોષિકના અર્પણપત્રમાં ‘હિસ્ટ્રી ઑવ્ રોમ’ના ખાસ ઉલ્લેખ સાથે તેમને ઐતિહાસિક લેખનશૈલીના કલાકાર અને મહાન સર્જક તરીકે બિરદાવ્યા હતા.

મહેશ ચોકસી