મૂત્રમાર્ગ-ચિત્રણ : મૂત્રપિંડ અને મૂત્રમાર્ગના અવયવોની વિકૃતિઓ અને વિકારો દર્શાવતી નિદાનપદ્ધતિઓ. મૂત્રમાર્ગના અવયવોનું નિર્દેશન કરવા માટે વિકિરણજન્ય ચિત્રણ (isotope studies), અશ્રાવ્યધ્વનિચિત્રણ (ultrasonography) અથવા ધ્વનિચિત્રણ (sonography), મૂત્રમાર્ગચિત્રણ (urography), કમ્પ્યૂટર-સંલગ્ન આડછેદી ચિત્ર (CAT scan), ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging, MRI), ધમનીચિત્રણ (arteriography) કે શિરાચિત્રણ (venography) જેવાં વાહિનીચિત્રણો (angiography) વગેરે પ્રકારનાં નિદાનીય ચિત્રણોની પદ્ધતિઓ ઉપલબ્ધ છે.

મૂત્રમાર્ગચેપ : (અ) ઉગ્ર સદ્રોણીય (સકુંડીય) મૂત્રપિંડશોથ, મૂત્રપિંડનો ઊભો છેદ, (આ) ઉગ્ર સદ્રોણી (સકુંડ) મૂત્રપિંડશોથ, બહારનો દેખાવ, (ઇ) દીર્ઘકારી સદ્રોણી (સકુંડ) મૂત્રપિંડશોથ તથા, (ઈ) ક્ષયરોગજન્ય સદ્રોણી મૂત્રપિંડશોથ. (1) મૂત્રપિંડ બાહ્યક, (2) મૂત્રપિંડ મધ્યક, (3) દ્રોણી(કુંડ), (4) મૂત્રપિંડ-નલિકા, (5) બાહ્યકમાં પરુ, (6) મધ્યકમાં પરુ, (7) દ્રોણી(કુંડ)માં શોથ, (8) મૂત્રપિંડની સપાટી પર રુઝાયેલા ભાગમાં ઘાવનાં ક્ષતચિહનો, (9) બાહ્યકની ઘટેલી જાડાઈ, (10) જાડું અને ચોંટેલું મૂત્રપિંડનું સંપુટાવરણ (capsule), (11) મધ્યકમાંના ત્રિપાર્શ્વ વિસ્તારમાં અનિયમિતતા, (12) પહોળી અને અનિયમિત દ્રોણી(કુંડ), (13) દ્રોણી અને મૂત્રપિંડ-નલિકાની અંદરની દીવાલ જાડી અને ખરબચડી, (14) બાહ્યકમાં સ્થાપિત થતા ક્ષયરોગના જીવાણુઓ, (15) દધીપૂય (caseous materal) અથવા પરુ, (16) દધીપૂય વિસ્તારો એકબીજા સાથે જોડાઈ મોટા બને, (17) મૂત્રપિંડ મધ્યમાં અને દ્રોણી (કુંડ)માં ફેલાતું પરુ, (18) મૂત્રપિંડમાં અન્યત્ર ફેલાતું પરુ, (19) દ્રોણીને કુરૂપ કરતો વિકાર, (20) ચેપનો મૂત્રપિંડનલિકા અને મૂત્રાશયમાં ફેલાવો.

સમસ્થાની વિકિરણચિત્રણ (isotop scan) : ટેક્નિશિયમ ડાયઇથાયલ એનિટ્રાયામિન પેન્ટાએસેટિક ઍસિડ (99mTc–DTPA) નામનું દ્રવ્ય ગુચ્છી ગલન (glomerular filtration) દ્વારા ગળાય છે અને ખાસ અવશોષિત થતું નથી. તે મૂત્રકનલિકાઓ સાથે જોડાય છે અને તેથી મૂત્રપિંડના સક્રિય પેશીદળનું ચિત્રણ મેળવી શકાય છે. રેડિયોઆયોડિનેટેડ ઑર્થોઆયોડોહિપ્યુરેટ (131I) નામના સમસ્થાનિક (isotope) વડે મૂત્રપિંડમાંના રુધિરપ્રરસના વહન અંગે માહિતી મળે છે. આ પ્રકારનાં મૂત્રપિંડ-ચિત્રણો (renography) વડે મૂત્રપિંડમાંનો સક્રિય ભાગ, કયો મૂત્રપિંડ વધુ ક્રિયાશીલ છે તે, ક્યાં અવરોધ છે, મૂત્રપિંડનું રુધિરાભિસરણ કેવું છે વગેરે જાણી શકાય છે. મૂત્રકનલિકાઓના ઉગ્ર કોષનાશ (acute tubular necrosis) કે મૂત્રપિંડની અંતિમફલકીય નિષ્ફળતા(end stage renal failure)ના રોગોમાં સમસ્થાનિક વિકિરણ ચિત્રણ વડે નિદાન કરી શકાય છે.

ધ્વનિચિત્રણ (sonography) : તેને અશ્રાવ્ય ધ્વનિચિત્રણ (ultra- sonography) પણ કહે છે. તેના વડે મૂત્રપિંડના બધા જ ભાગો તથા મૂત્રમાર્ગમાંની પથરી અંગે માહિતી મળે છે. જો મૂત્રપિંડોની લંબાઈ 9 સેમી.થી ઓછી હોય તો તે સારવારથી સારું ન કરી શકાય તેવો મૂત્રપિંડનો રોગ સૂચવે છે. જો એક મૂત્રપિંડ અસરગ્રસ્ત હોય તો તેની અને બીજા મૂત્રપિંડ વચ્ચે 1.5 સેમી. જેટલો કદનો તફાવત હોય છે. મૂત્રપિંડના ધ્વનિચિત્રણ વડે મૂત્રપિંડના વિવિધ રોગોનું નિદાન કરી શકાય છે, જેમ કે, મૂત્રપિંડી સજલશોફ (hydronephrosis), બહુકોષ્ઠીય મૂત્રપિંડિતા (polycystic kidney disease) વગેરે. મૂત્રપિંડની આસપાસના અવયવોનું નિદાન, મૂત્રપિંડમાં ગાંઠ હોય તો સોય દ્વારા પ્રવાહી શોષીને તેનું પેશીપરીક્ષણ (biopsy) કે કોષવિદ્યાલક્ષી પરીક્ષણ (cytology), મૂત્રમાર્ગમાં અવરોધ હોય ત્યારે મૂત્રપિંડના કુંડ અથવા દ્રોણી(renal pelvis)માંથી મૂત્રનું નિષ્કાસન કરતી (સીધેસીધું બહાર કાઢતી) નળી મૂકવાની ક્રિયા જેવી વિવિધ પ્રક્રિયાઓ કરતી વખતે પણ ધ્વનિચિત્રણની મદદ લેવાય છે. પેશાબ પૂરેપૂરો કર્યા પછી મૂત્રાશયમાં અવશિષ્ટ સ્વરૂપે (residual) પેશાબ રહી જતો હોય તો તેને વિશે જાણી શકાય છે. પુર:સ્થગ્રંથિ(prostate gland)ના વિકારો કે રોગો હોય તો તેની પણ પ્રારંભિક જાણકારી મેળવી શકાય છે.

મૂત્રમાર્ગચિત્રણ (urography અથવા pyelography) : નસ વાટે એક્સ-રે-રોધી દ્રવ્યને શરીરમાં પ્રવેશ આપ્યા પછી જ્યારે તે મૂત્રપિંડ દ્વારા ઉત્સર્ગ પામીને મૂત્રમાર્ગે વહે ત્યારે એક્સ-રે-ચિત્રણો મેળવાય છે. તેના દ્વારા મૂત્રપિંડ અને મૂત્રમાર્ગના રોગો વિશે નિદાનલક્ષી માહિતી મળે છે. તેને શિરામાર્ગી મૂત્રમાર્ગચિત્રણ (intravenous pyelography, IVP) કહે છે. તેવી જ રીતે મૂત્રાશયનલિકા(urethra)માર્ગે નળી નાંખીને વિપરીત માર્ગે (અવળે માર્ગે) એક્સ-રે-રોધી દ્રવ્ય નાંખીને પણ નીચલા મૂત્રમાર્ગનાં ચિત્રણો મેળવી શકાય છે. તેને વિપરીતમાર્ગી મૂત્રમાર્ગચિત્રણ (retrograde pyelography) કહે છે. ક્યારેક જો મૂત્રાશયમાં એક્સ-રે-રોધી દ્રવ્ય નાંખેલું હોય તો પેશાબ કરતી વખતે ચિત્રણો લેવાય છે. તેને મૂત્રલક્ષી નલિકાસહ મૂત્રાશયચિત્રણ (micturating cysto-urethro graphy) કહે છે. ઘણાં વર્ષોથી IVP એ મહત્વની અને આધારભૂત નિદાન પ્રક્રિયા ગણાતી રહી છે. IVP વડે મૂત્રપિંડ, મૂત્રપિંડનલિકાઓ તથા મૂત્રાશય વિશે વિશદ માહિતી મળે છે. IVP માટેનું એક્સ-રે-રોધી દ્રવ્ય મૂત્રકગુચ્છમાં ગળાય છે અને મૂત્રકનલિકાઓમાંથી વિસ્રવણ પામે છે; તેથી તે મૂત્રપિંડની ક્રિયાક્ષમતા વિશે મહત્વની માહિતી આપે છે. આ સમયે લેવાતા ચિત્રણમાં મૂત્રપિંડના સક્રિય ભાગને દર્શાવી શકાય છે. તેને મૂત્રપિંડચિત્ર (nephrogram) કહે છે. તેથી જમણા અને ડાબા મૂત્રપિંડની ક્રિયાક્ષમતામાં વધ-ઘટ હોય તો તે પણ દર્શાવી શકાય છે. ત્યારબાદ એક્સ-રે-રોધી દ્રવ્ય મૂત્રપિંડકુંડ(renal pelvis)માં ઠલવાય છે અને મૂત્રપિંડ-નલિકાઓ (ureters) દ્વારા મૂત્રાશય તરફ વહે છે. આ સમયે લેવાયેલાં ચિત્રોને મૂત્રમાર્ગચિત્રણ અથવા મૂત્રપિંડી કુંડ-નલિકા-ચિત્રણ (pyelography) કહે છે. IVPમાં વપરાતું દ્રવ્ય આયોડિન-સંયોજનો કે તે દ્રવ્ય સામેની વિષમોર્જા (allergy) હોય, ઉગ્ર મૂત્રપિંડી નિષ્ફળતા (acute renal failure) હોય, ઉગ્ર મૂત્રપિંડી નિષ્ફળતા થઈ જવાની સંભાવના હોય, દીર્ઘકાલી મૂત્રપિંડી નિષ્ફળતા(chronic renal failure)ના દર્દીમાં ક્રિયેટિનિનની રુધિરરસીય સપાટી વધુ હોય (દા.ત., 5 મિગ્રા./ડેસિલિટર) કે દર્દીને બહુમજ્જાર્બુદ (multiple myeloma) જેવો કૅન્સરનો રોગ થયો હોય તો IVPનું પરીક્ષણ કરી શકાતું નથી. IVP વડે મૂત્રપિંડની ક્રિયાક્ષમતા, તેનું કદ, તેમાં ઉદભવેલી ગાંઠ, મૂત્રમાર્ગમાં અવરોધ, મૂત્રપિંડ કે મૂત્રમાર્ગમાં પથરી વગેરે વિવિધ બાબતો વિશે નિદાન કરી શકાય છે. જોકે આમાંની ઘણી બાબતો વિશે ધ્વનિચિત્રણ વડે માહિતી મળી શકે છે અને તેમાં વિષમોર્જા (ઍલર્જી) કે મૂત્રપિંડી ક્રિયાનિષ્ફળતાનું જોખમ હોતું નથી. IVPમાં મૂત્રાશય જ્યારે સંપૂર્ણપણે ભરાય ત્યારે મૂત્રાશયનું જે એક્સ-રે ચિત્ર લેવાય છે તેને મૂત્રાશયચિત્ર (cystogran) કહે છે. ત્યારબાદ દર્દી પેશાબ કરે અને તેના પછી મૂત્રાશયમાં જેટલું મૂત્ર રહી જાય તેને અવશિષ્ટ મૂત્ર (residual urine) કહે છે. IVPમાં મૂત્રણક્રિયા પછીના મૂત્રાશયના એક્સ-રે-ચિત્રણથી તેનું કદ મળી શકે છે. સામાન્ય અવશિષ્ટ મૂત્રવાળા મૂત્રાશયનું કદ પૂર્ણભારિત મૂત્રાશય (full bladder) કરતાં 10 %થી વધુ હોતું નથી.

કમ્પ્યૂટરસંલગ્ન અક્ષીય અનુપ્રસ્થચિત્રણ (compute axial tomography, CAT scan) : તેને કમ્પ્યૂટર-સંલગ્ન આડછેદી ચિત્રણ (CT scan) પણ કહે છે. IVP કે ધ્વનિચિત્રણમાં મળતી માહિતી કરતાં વધુ માહિતી મેળવવા માટે તેનો ઉપયોગ કરાય છે. મૂત્રપિંડમાં કૅલ્શિયમ જમા થયું છે કે નહિ અથવા તેમાં લોહી વધુ છે કે નહિ તે જાણવું હોય તો સાદું પરીક્ષણ કરાય છે. પરંતુ અન્ય માહિતી મેળવવી હોય તો એક્સ-રે-રોધી દ્રવ્ય (contrast medium) વાપરવું પડે છે. તેવે સમયે IVPની માફક મૂત્રપિંડના સક્રિય ભાગમાં ગળાતું કે વિસ્રવણ પામતું એક્સ-રે-રોધી દ્રવ્ય મૂત્રપિંડનાં કદ, આકાર અને ક્રિયાક્ષમતા વિષયક માહિતી આપે છે. તેને કારણે મૂત્રપિંડમાં ગાંઠ હોય કે કોષ્ઠ (cyst) થઈ હોય તો તેને તથા મૂત્રપિંડની નસો અને તેમાંથી નીકળતી નળીઓને પણ તે સુસ્પષ્ટ રીતે દર્શાવે છે. ધ્વનિચિત્રણ વડે સુસ્પષ્ટ ન થઈ શકતી આવી માહિતી તથા મૂત્રપિંડની આસપાસ પેશી અંગે પણ જાણકારી મેળવી શકાય છે.

ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging, MRI) : તેની મદદથી મૂત્રપિંડના બાહ્યક (cortex) અને મધ્યપેશી(medulla)ને સુસ્પષ્ટ રીતે અલગતાથી દર્શાવી શકાય છે. તેથી સગુચ્છી મૂત્રપિંડશોથ (glomerulonephritis), મૂત્રપિંડી સજલશોફ (hydronephrosis), મૂત્રપિંડી નિષ્ફળતા (અનુપાત, failure) કે મૂત્રપિંડી વાહિની-અંત:રોધ (renal vascular occlusion) જેવા રોગોના નિદાનમાં MRI ખૂબ ઉપયોગી નીવડે છે. CT scanમાં દર્શાવી શકાતી વિકૃતિઓ પણ અહીં સુસ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘનસ્વરૂપ ગાંઠોના નિદાનમાં તે CT scanથી વધુ ઉપયોગી છે. જો દર્દીને એક્સ-રે-રોધી દ્રવ્ય આપી શકાય તેમ ન હોય તો MRI વડે મૂત્રપિંડની ગાંઠ, તેનો તબક્કો તથા અધિવૃક્કગ્રંથિ (adrenal gland) વિશેની માહિતી વધુ સારી રીતે મેળવી શકાય છે.

વાહિનીચિત્રણો (angiographies) : મૂત્રપિંડની ધમનીના રોગો, જેવા કે મેદચકતીકાઠિન્ય (atherosclerosis) કે તંતુમય-દુર્વિકસિત સંકીર્ણકારી દોષવિસ્તારો (fibrodysplastic stenotic lesion), વાહિનીપેટુ (aneurysm), વાહિનીશોથ (vasculitis) જેવા વિવિધ નસોના રોગો તથા મૂત્રપિંડમાંની ગાંઠના નિદાનમાં ધમનીચિત્રણ (arteriography) ઉપયોગી રહે છે. મૂત્રપિંડની શિરામાં રુધિરગુલ્મ (લોહીનો ગઠ્ઠો, thrombus), જામ્યો હોય તો તેના નિદાનમાં શિરાચિત્રણ (venography) ઉપયોગી નિદાનપદ્ધતિ છે.

શિલીન નં. શુક્લ

સંદીપ ઝાલા