મુસ્લિમ લીગ : પાકિસ્તાનની રચના માટે ભારતમાં સ્થપાયેલ મુસ્લિમોની રાજકીય સંસ્થા. ભારતીય રાષ્ટ્રીયતા જેમ અંગ્રેજ શાસનની તેમ ભારતમાં વ્યાપેલ સાંપ્રદાયિકતા પણ અંગ્રેજ શાસકોની દેન છે. 1871 પછી અંગ્રેજ શાસકોની નીતિમાં પરિવર્તન આવ્યું હતું અને ઍંગ્લો-મુસ્લિમ સહયોગનો આરંભ થયો. જોકે સર સૈયદ અહમદ જેવા મુસ્લિમ સુધારકો હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી હતા.

1857ના વિદ્રોહમાં હિંદુ-મુસ્લિમ એકતા હતી. એ પછી 1905ની બંગભંગની લડતે અંગ્રેજોને ભાગલા પાડીને શાસન કરવા (Divide and Rule) પ્રેર્યા હતા. પરિણામે અંગ્રેજ શાસકોએ મુસ્લિમ સમાજને પોતાની તરફ કરવાનાં પગલાં લેવા માંડ્યાં હતાં. અલીગઢ મુસ્લિમ કૉલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ મિ. બૅકે તેમાં સક્રિયતા કેળવી હતી. ઢાકાના મુસ્લિમ નેતા સલીમુલ્લાખાનને અંગ્રેજોની તરફેણમાં કરવા માટે લૉર્ડ કર્ઝને એક લાખ પાઉન્ડની લોન નહિવત્ વ્યાજે આપી હતી. 1906માં અંગ્રેજ ઉચ્ચ અધિકારીના પ્રોત્સાહનથી આગાખાનના નેતૃત્વમાં મુસ્લિમોનું એક પ્રતિનિધિ મંડળ ગવર્નર જનરલ મિન્ટોને મળ્યું અને પ્રથમ વાર કોમી પ્રતિનિધિત્વની માગણી કરી. તેમની આ માંગણીને મિન્ટોએ ટેકો આપ્યો હતો.

આ તમામ પરિબળોને કારણે 30 ડિસેમ્બર, 1906ના રોજ ઢાકા મુકામે અખિલ હિંદ મુસ્લિમ લીગ (ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગ) નામક મુસ્લિમ સંસ્થાની સ્થાપના ઢાકાના નવાબ સલીમુલ્લા અને નવાબ વકારુલ મુલ્કે કરી. આ સંસ્થાના પ્રારંભિક ઉદ્દેશો નીચે મુજબ હતા.

(1) હિંદુસ્તાનના મુસ્લિમોમાં અંગ્રેજ સરકાર તરફ વફાદારીની ભાવના વિકસાવવી અને તેમની વચ્ચે ગેરસમજૂતી થતી અટકાવવી.

(2) મુસ્લિમોના રાજકીય તથા અન્ય અધિકારોનું રક્ષણ કરવું અને તેની જાળવણી માટે અંગ્રેજ સરકાર સમક્ષ નમ્રતાપૂર્વક રજૂઆત કરવી.

(3) આ બંને ધ્યેયોને નુકસાન ન થાય એ રીતે અન્ય કોમો સાથે મુસ્લિમોને દુશ્મનાવટ ન થાય તેનું ધ્યાન રાખવું.

ક્રમશ: મુસ્લિમ લીગના 1908, 1909 અને 1910નાં અધિવેશનોમાં સાંપ્રદાયિકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. મુસ્લિમો માટે અલગ નિર્વાચનની માંગણી દિનપ્રતિદિન વધતી જતી હતી. મુસ્લિમ લીગના નેતાઓ નવાબ સલીમુલ્લાખાન (1871–1915), નવાબ મુહસિનુલ મુલ્ક, મૌલાના મહંમદઅલી અને આગાખાનને કારણે મુસ્લિમ લીગમાં સાંપ્રદાયિક નીતિના પાયા મજબૂત રીતે નંખાયા હતા. સૈયદ હુસેન બીલગામી, મુસ્તુફાહુસેન, સર મહંમદ શફી, જસ્ટિસ મહંમદ શાહદ્દીન, જસ્ટિસ અમીર અલી, સૈયદ જી. એ., શેખ મૂજિબૂર જેવા નેતાઓએ મુસ્લિમ લીગને સાંપ્રદાયિક સંસ્થા બનાવી રાખવાના કરેલા પ્રયાસો સફળ થયા. પરિણામે 1909માં ભારતના મુસ્લિમોને અંગ્રેજ સરકાર તરફથી વિશિષ્ટ અધિકારોની લહાણી કરવામાં આવી હતી. આમ, મુસ્લિમ લીગની અલગતાવાદી નીતિ વધુ મજબૂત બનતી ગઈ.

10 ઑક્ટોબર, 1913ના રોજ મહંમદઅલી ઝીણા મુસ્લિમ લીગમાં જોડાયા. પ્રારંભમાં તેમણે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે એકતા સાધવાના પ્રયાસો કર્યા. પરિણામે ઈ. સ. 1930 સુધીના મુસ્લિમ લીગનાં અધિવેશનોમાં કૉંગ્રેસના નેતાઓ અને કૉંગ્રેસનાં અધિવેશનોમાં મુસ્લિમ લીગના નેતાઓ ઉત્સાહપૂર્વક હાજર રહેતા હતા. 1916માં લખનૌમાં મળેલું મહાસભા(કૉંગ્રેસ)નું અધિવેશન મુસ્લિમ લીગ સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોના આદર્શ ઉદાહરણ સમું હતું. મુસ્લિમોની ખિલાફત ચળવળને કૉંગ્રેસે ટેકો આપ્યો. કાગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેના સહકારભર્યા સંબંધોને પરિણામે રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતાઓનો એક નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. જનાબ અલીભાઈઓ, ડૉ. ઇકબાલ, ડૉ. એમ. એ. અનસારી, હકીમ મહંમદ અજમલખાન, મૌલાના અબુલ કલામ આઝાદ જેવા રાષ્ટ્રવાદી નેતાઓએ પ્રારંભમાં કાગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને વિકસાવ્યા. ગાંધીજીએ પણ મુસ્લિમ લીગનાં કેટલાંક અધિવેશનોમાં ભાગ લીધો હતો.

ઈ. સ. 1930માં મુસ્લિમ લીગના અગ્રનેતા ડૉ. ઇકબાલે મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રના વિચારને પ્રથમ વાર જાહેરમાં વ્યક્ત કર્યો. ગોળમેજી પરિષદમાં પણ અલગ મુસ્લિમ મતાધિકારના પ્રશ્ર્ને મહંમદઅલી ઝીણાએ મુસ્લિમ રૂઢિચુસ્ત વર્ગમાં પોતાની લોકપ્રિયતા વધારી. 1935ના હિંદ સરકારના ધારા પછી પ્રાંતોમાં યોજાયેલ ચૂંટણીઓમાં મુસ્લિમ લીગે કાગ્રેસ સાથે મળીને સરકાર રચવાના મુદ્દાનો વિરોધ કર્યો અને આમ મુસ્લિમ લીગ એક સાંપ્રદાયિક સંસ્થા તરીકે વિકસતી ગઈ. ઈ. સ. 1940માં તો મુસ્લિમ લીગના મંચ પરથી ઝીણાએ જાહેર કર્યું કે, ‘રાષ્ટ્રવાદ એક દંભ છે. કાગ્રેસ હિંદુસ્તાનના નવ કરોડ મુસલમાનોને કચડી નાંખી તેમને માનસિક રીતે ગુલામ બનાવી હિંદુ રાજ્ય સ્થાપવા માંગે છે.’’

22થી 24 માર્ચ, 1940 દરમિયાન લાહોર મુકામે મળેલ મુસ્લિમ લીગના 27મા અધિવેશનમાં સૌપ્રથમ વાર મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની માગણી કરતો ઠરાવ પસાર થયો. એ ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું :

જ્યાં સુધી નીચે જણાવેલ મૂળભૂત સિદ્ધાંતોના ધોરણે બંધારણીય આયોજન નહિ કરવામાં આવે, ત્યાં સુધી આ દેશની અંદર કોઈ પણ યોજના કશી ગરજ સારશે નહિ તથા તે મુસ્લિમોને સ્વીકાર્ય થશે નહિ.

ભૌગોલિક રીતે નિકટ આવેલા પ્રદેશોનું એ પ્રકારે સંયોજન કરવું રહે કે જેમાં મુસ્લિમોની બહુમતી સંખ્યાવાળા પ્રદેશો, દા.ત., ઉત્તર પશ્ચિમી તેમજ પૂર્વના પ્રદેશોની જૂથરચના એ રીતે થાય કે તેઓ સ્વતંત્ર રાજ્યો તરીકે આકાર લઈ શકે અને આ પ્રકારનાં જૂથોમાંના ઘટકો સ્વાયત્ત અને સાર્વભૌમ હોય !

1942ની ‘હિંદ છોડો’ લડત પછી આવેલ કૅબિનેટ મિશન યોજનાનો પ્રારંભે મુસ્લિમ લીગે અસ્વીકાર કર્યો પરંતુ ભારે ચર્ચાવિચારણાને અંતે કેટલાક મતભેદો સાથે મુસ્લિમ લીગે તેનો સ્વીકાર કર્યો; પણ વચગાળાની સરકારમાં કૉંગ્રેસે રહેવાનું ન સ્વીકાર્યું. આ જ અરસામાં બંગાળમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં. એ સમયે બંગાળમાં પ્રાંતિક સરકાર મુસ્લિમ લીગની હતી. 16 ઑગસ્ટ, 1946ના રોજ મુસ્લિમ લીગે સીધાં પગલાં દિનની હાકલ (Direct Action Day) કરી. પરિણામે તોફાનો થયાં. 1946ના ડિસેમ્બરમાં બંધારણ સભાની બેઠકનો પણ મુસ્લિમ લીગે બહિષ્કાર કર્યો. 20 ફેબ્રુઆરી, 1947ના રોજ બ્રિટિશ વડાપ્રધાન એટલીએ ભારતની જવાબદારી ભારતીઓને સોંપવાની જાહેરાત કરી. પરિણામે મુસ્લિમ લીગે વધુમાં વધુ વિસ્તાર પાકિસ્તાનમાં સામેલ થાય તેવા પ્રયાસો આરંભ્યા. એ માટે આસામ અને પંજાબમાં કોમી તંગદિલી વ્યાપી. અંતે 10 જૂન, 1947ના રોજ લાંબી ચર્ચાવિચારણાને અંતે ભારતના ભાગલાનો ઠરાવ મુસ્લિમ લીગની કારોબારીમાં સ્વીકારાયો.

આમ ભારતના ભાગલામાં મુસ્લિમ લીગે નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો. આજે પણ પાકિસ્તાનના રાજકારણમાં મુસ્લિમ લીગ એક રાજકીય પક્ષ તરીકે સક્રિય છે.

મહેબૂબ દેસાઈ