મામલુક : ઇજિપ્ત ઉપર ઈ. સ. 1250થી 1517 સુધી રાજ્ય કરનાર લશ્કરી જૂથ. ‘મામલુક’ અરબી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ ‘ગુલામ’ થાય છે. મૂળમાં તેઓ તુર્કી, મૉંગોલ અને સિરકેશિયન ગુલામો હતા; જેમને બારમી સદીમાં ઇજિપ્ત લઈ જવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ મામલુકોને સૈનિકો તરીકે તાલીમ આપવામાં આવી. એ પછી એમણે સૈન્ય અને સરકારમાં ઊંચા હોદ્દાઓ મેળવ્યા અને અંતે બળવો કરીને ઇજિપ્ત ઉપર પોતાની સત્તા સ્થાપિત કરી. સમય જતાં એમણે પૅલેસ્ટાઇન, સીરિયા અને દક્ષિણ એશિયા માઇનોર (વર્તમાન તુર્કી) ઉપર પણ પોતાનું શાસન સ્થાપ્યું.

ઑટોમન તુર્કોએ મામલુકોને હરાવી ઈ. સ. 1517માં ઇજિપ્ત જીતી લીધું. પરંતુ થોડા સમયમાં જ મામલુકોએ ઑટોમન સત્તા નીચે રહીને પોતાનું ગુમાવેલ મહત્વ પ્રાપ્ત કર્યું. ઈ. સ. 1798માં નેપોલિયને ઇજિપ્ત ઉપર આક્રમણ કર્યું ત્યારે આ મામલુકોની ઘોડેસવાર ટુકડીએ ફ્રેન્ચ દળો પર હુમલો કર્યો હતો. 1811માં ઑટોમન સામ્રાજ્યના ઇજિપ્તના ગવર્નર મુહમ્મદઅલીએ મામલુકોની કતલ કરવા હુકમ કર્યો હતો, તેથી થોડા મામલુકોએ નુબિયા નાસી જઈને સંગઠિત થયા પછી મુહમ્મદઅલીનો સામનો કરવા પ્રયત્ન કર્યો; પરંતુ તેઓ મુહમ્મદઅલીના અદ્યતન તાલીમ પામેલા સૈન્યને હરાવી શક્યા નહિ. તેથી તેઓ એ પ્રયાસને પડતો મૂકી વિખેરાઈ ગયા.

હિંદમાં ઈ. સ. 1206માં દિલ્હીમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરનાર કુત્બુદ્દીન અયબેક એક ગુલામ હતો અને તેનો વંશ પણ ‘ગુલામ વંશ’ તરીકે ઓળખાય છે. હિંદમાં આ મામલુક અથવા ગુલામ વંશનું શાસન 1206થી 1290 સુધી ચાલ્યું હતું, જેમાં કુત્બુદ્દીન અયબેક પછી ઇલ્તુત્મિશ, ગ્યાસુદ્દીન બલ્બન વગેરેએ રાજ્ય કર્યું હતું. તેઓ ગુલામમાંથી સુલતાન બન્યા હતા.

મુગટલાલ પોપટલાલ બાવીસી