મામલતદાર : તાલુકા કક્ષાએ વહીવટ કરનાર રાજ્ય નાગરિક સેવાના રાજ્યપત્રિત અધિકારી. સમાહર્તા (ક્લેક્ટર) અને પ્રાંત અધિકારીની જેમ તે પ્રાદેશિક અધિકારી હોય છે જેની સત્તા તાલુકાના વિસ્તાર સુધી મર્યાદિત હોય છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન તેના હસ્તકના વહીવટી એકમને નિયમબદ્ધ બનાવવામાં આવ્યો. હવે દરેક તાલુકામાં જાહેર વહીવટનાં જુદાં જુદાં પાસાંનો સમાવેશ થાય છે, જેમાં જમીન મહેસૂલની ઉઘરાણી, જમીનને લગતા દસ્તાવેજોની જાળવણી, તિજોરી પર દેખરેખ, તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવી વગેરે ફરજો મામલતદારની સત્તા હેઠળ આવરી લેવાઈ છે. અલગ અલગ રાજ્યોમાં તે અલગ અલગ નામથી ઓળખાય છે; દા.ત., ગુજરાતમાં મામલતદાર, મહારાષ્ટ્રમાં મહાલ અધિકારી (માલકારી), ઉત્તરપ્રદેશ જેવાં ભારતનાં રાજ્યોમાં તહેસીલદાર વગેરે.

સ્વતંત્ર ભારતના રાજ્યબંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી થયેલી છે. તે અનુસાર જિલ્લા તથા તાલુકાના વહીવટી તંત્રને પ્રાદેશિક વહીવટને અનુરૂપ ચલાવવાની કામગીરી રાજ્ય સરકારોએ સંભાળવાની હોય છે. ભારતનાં મોટાભાગનાં રાજ્યોમાં તાલુકા-કક્ષાએ મામલતદારનું સ્થાન અને મોભો મહત્વનાં ગણાય છે. તે તાલુકા-સ્તરે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે અને મુખ્ય વહીવટી અધિકારી તરીકે સરકારનાં વિવિધ ખાતાંઓના સંપર્કમાં રહે છે અને તે ખાતાંઓનાં કાર્યોનું સંકલન કરે છે. તેની પાસે ત્રણ પ્રકારની સત્તા હોય છે; મહેસૂલ અંગેની, ન્યાયવિષયક અને કારોબારીવિષયક. તલાટીની મદદથી તે જમીન-મહેસૂલ એકત્ર કરે છે તથા મહેસૂલ અંગે નીચલા સ્તરના અધિકારીઓની વિરુદ્ધની અપીલોની સુનાવણી કરે છે, જમીન મહેસૂલનું મૂલ્યાંકન કરે છે, જમીન અંગેના દસ્તાવેજોની જાળવણી કરે છે, જમીન-સુધારણાના કાયદાઓ અને કાર્યક્રમોનું નિરીક્ષણ કરે છે, પોતાના હસ્તકના વિસ્તારના ખેતી-ઉત્પાદનના આંકડા મેળવે છે, તિજોરી પર નિયંત્રણ રાખે છે તથા સરકારી મિલકતોની જાળવણી કરે છે. તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ફોજદારી વહીવટ વિષયક કાર્ય અને ન્યાયવિષયક કાર્ય પણ કરે છે. જાહેર સલામતી જોખમાય તેવો ભય હોય ત્યારે ભારતીય દંડસંહિતા(IPC)ની કલમ 144 જાહેર કરી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પોલીસને મદદ કરે છે. આ ઉપરાંત, ચૂંટણી સમયે, વસ્તીગણતરી સમયે તથા કુદરતી આપત્તિઓના સમયમાં વિશિષ્ટ કામગીરી બજાવે છે. લોકશાહી હેઠળ કલ્યાણ-રાજ્યની વિભાવનાના અમલની પ્રક્રિયામાં તાલુકા કક્ષાએ તેનું સ્થાન મહત્વનું ગણાય છે. આમ મામલતદાર તેના હસ્તકના વિસ્તારમાં પ્રજાકલ્યાણ અને વિકાસનાં કાર્યોમાં પ્રજાના સેવક તરીકે કામગીરી કરે છે.

પ્રાચીન સમયમાં ભારતમાં રાજ્યવહીવટનું માળખું બધા પ્રદેશોમાં એકસરખું ન હતું. જુદા જુદા સમયમાં તેમાં પરિવર્તન દાખલ થયા કર્યું. કેન્દ્ર, પ્રદેશ અને સ્થાનિક વહીવટમાં સમય, સ્થિતિ અને રાજવંશ પ્રમાણે તે બદલાતું અને વિકસતું રહ્યું છે. મહાભારત, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, મનુસ્મૃતિ, સમ્રાટ અશોકના શિલાલેખો, ગુપ્તયુગનાં તામ્રપત્રો, રાષ્ટ્રકૂટના લેખો, મેગૅસ્થિનીસ, ફાહિયાન અને યુ આન શ્વાંગની નોંધોમાં 10, 20, 100, 200 અને 500 ગામડાંના ઘટકોનો ઉલ્લેખ છે. આ વહીવટી એકમને ત્યારે પથક, સ્થલી, આધર કે આધરણી તથા દક્ષિણ ભારતમાં નાડુ કહેવાતો. આ બધા શબ્દો તાલુકા ઘટકના અર્થમાં વપરાતા હતા. જિલ્લા માટે તે સમયે વપરાતો ‘વિષય’ શબ્દ ક્યારેક તાલુકા માટે પણ વપરાતો. આ વહીવટી એકમના મુખ્ય અધિકારી ‘ગોધ’, ‘પ્રજાપતિ’ કે ‘નાડુગવાન્ડ’ તરીકે ઓળખાતો, જેને હવે આપણે મામલતદાર કહીએ છીએ. ‘મામલતદાર’ શબ્દ અરબી ભાષાનો છે, જે એક બાજુ વ્યવસ્થા તથા સલામતી અને બીજી બાજુ મહેસૂલ ઉઘરાવનાર અધિકારીનો અર્થ ધરાવે છે. ભારતમાં મુસ્લિમ શાસન દરમિયાન ‘મામલતદાર’ શબ્દ પ્રચલિત થયો છે.

ગજેન્દ્ર શુક્લ