મામાવાળા, કંચનલાલ (જ. 1902; અ. 23 એપ્રિલ 1970) : ગુજરાતી સંગીતકાર અને સંગીતવિવેચક. પિતાનું નામ હીરાલાલ. પુષ્ટિમાર્ગી સંસ્કારોએ તેમનામાં નાનપણથી કલાસૂઝ આરોપી. દસ વર્ષની વયથી જ પદ્ધતિસર સંગીતપ્રશિક્ષણ લેવા માંડ્યું. આ રીતે હાર્મોનિયમ ઉપર પ્રભુત્વ જમાવ્યું. પંડિત ઓમકારનાથ ઠાકુર તથા પંડિત ડી. વી. પલુસ્કર જેવા મહાન સંગીતકારોની સંગત કરી. અન્ય વાદ્યો પર પણ હાથ અજમાવ્યો. એમ કરતાં વિચિત્રવીણા તેમને ફાવી ગઈ. વિચિત્રવીણા પ્રત્યે તેમને પ્રેમ થઈ ગયો. તેમણે ગુજરાતી કવિઓનાં ગીતો રાગમાં ઢાળ્યાં. ઉદાહરણ, નર્મદનું ‘જય જય ગરવી ગુજરાત’ તથા ન્હાનાલાલનું ‘વિરાટનો હિંડોળો ઝાકમઝોળ’. આ રીતે કંચનલાલે આશરે હજારેક ગીતો સ્વરબદ્ધ કર્યાં.

કંચનલાલ સંગીતકલામાં પૂર્ણતયા નિપુણ હોવા સાથે અન્ય લલિત કલાઓમાં પણ રસરુચિ તથા ઊંડી પરખ ધરાવતા હતા. ઑગસ્ટ 1969માં ગુજરાત રાજ્યની સંગીત-નૃત્ય-નાટક અકાદમીએ તેનો સંગીતનો પ્રથમ ગૌરવ પુરસ્કાર કંચનલાલ મામાવાળાને અર્પણ કર્યો.

કંચનલાલ મામાવાળા

આમ તો તેઓ ગર્ભશ્રીમંત હતા; પણ દુર્ભાગ્ય એવું કે લાખોની સંપત્તિ અને તેમનાં નવ નવ વયસ્ક સંતાનો અકાળે ચાલી નીકળ્યાં. આવી દારુણ પરિસ્થિતિમાં કલાની આરાધનાએ તેમને ટકી રહેવાનું બળ પૂરું પાડ્યું. પત્ની સુંદરમતિબહેને તેમાં સાથ આપ્યો. પતિ કલા-સાધનામાં રચ્યાપચ્યા રહી શકે તે સારુ તેમને ગૃહસ્થીની ચિંતાથી મુક્ત રાખ્યા. સૂરતની કલાપ્રવૃત્તિમાં કંચનલાલની ઉપસ્થિતિ ન હોય એવું બન્યું નથી. સંગીતના પુષ્ટિમાર્ગના વારસાને તેમણે સ્વસંશોધનોથી સંસ્કાર્યો. ગુજરાતી સાહિત્ય પરિષદના 1967ના અધિવેશનનું કલાવિભાગનું પ્રમુખસ્થાન પણ તેમણે શોભાવ્યું. લોકસંગીતની તેમની જાણકારી તેમને જૂનાં ગીતોની સ્વરરચના કરવામાં કામ આવી. કલાકાર ઉપરાંત તેઓ એક સજ્જન હતા. સૂરત પછી થોડો સમય મુંબઈ રહી છેલ્લે તેઓ અમદાવાદ આવી વસ્યા. તેમને કૅન્સરનો રોગ લાગ્યો; પણ તે ગ્રસે તે પહેલાં જ હૃદયરોગે તેમને સદાને માટે પીડામુક્ત કરી દીધા.

બંસીધર શુક્લ