મહીપાલકથા : 1,800 પ્રાકૃત ગાથાઓમાં સંભવત: ઈ.સ.ની બારમી સદીમાં લખાયેલી ચંદ્રગચ્છના મુનિચંદ્રસૂરિના શિષ્ય વીરદેવગણિની રચના. શ્રી હીરાલાલ દ્વારા સંશોધિત આ ગ્રંથ સં. 1998માં અમદાવાદથી પ્રકાશિત થયો છે. બૃહત્ તપાગચ્છના ચારિત્રસુંદરગણિકૃત મહીપાલચરિત્ર આનું સંસ્કૃત રૂપાંતર છે. તેનો રચનાસમય ઈ.સ.ની પંદરમી સદીનો મધ્યભાગ હોવાનો સંભવ છે.

આ કથામાં નવકારમંત્રનો પ્રભાવ, ચંડીપૂજા, શાસનદેવની ભક્તિ, યક્ષ અને કુળદેવીની પૂજા, ભૂતબલિ, જિનભવનનું નિર્માણ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ પર દેવો દ્વારા પુષ્પવૃષ્ટિ આદિ વિષયોનું સુંદર વર્ણન છે. જ્ઞાની અને વિનોદી કથાનાયક મહીપાલ ઉજ્જૈનીમાંથી નિર્વાસિત થયા પછી અનેક દ્વીપ અને નગરોમાં પરિભ્રમણ કરી પોતાનાં કૌશલ, વિજ્ઞાન અને ચાતુર્યથી અનેક રાજાઓ અને શ્રેષ્ઠીઓને પ્રસન્ન કરે છે. તે ખૂબ ધન કમાય છે અને અનેક લગ્નો કરે છે. ઉજ્જૈની પાછો આવી રાજા નરસિંહનો તે કૃપાપાત્ર બને છે. છેવટે બંને મિત્રો મુનિનો ઉપદેશ સાંભળી દીક્ષા લે છે.

મહીપાલના કળા-ચાતુર્યનાં ઉપાખ્યાનોથી ભરપૂર આ સંપૂર્ણ કથા ગાથા છંદમાં છે. કથાપ્રવાહ અસ્ખલિત રૂપે વહે છે. ભાષા સરળ અને પ્રવાહી છે. તેમાં સરળ અલંકારો અને સૂક્તિઓનો સમુચિત પ્રયોગ થયો છે.

કાનજીભાઈ પટેલ