મહીસાગર (જિલ્લો) : મહીનદી ઉપરથી આ જિલ્લાને મહીસાગર નામ મળ્યું છે.

ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 23 9´ ઉ. અ. અને 73 29´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વે દાહોદ, દક્ષિણે પંચમહાલ, નૈર્ઋત્યે ખેડા અને પશ્ચિમે અરવલ્લી જિલ્લાની સીમાઓ પ્રાપ્ત થઈ છે.

સમુદ્રથી દૂર આ જિલ્લો આવેલો હોવાથી ઉનાળાના મે માસમાં 44 સે. જેટલું તાપમાન રહે છે. સરેરાશ મહત્તમ તાપમાન 40 સે. જ્યારે લઘુતમ તાપમાન 25 સે. જેટલું રહે છે. જાન્યુઆરી માસમાં દિવસ દરમિયાન સરેરાશ તાપમાન 29 સે. જ્યારે રાત્રિના સમયગાળામાં 14 સે. અનુભવાય છે. વરસાદ સરેરાશ 88 મિમી. પડે છે.

આ જિલ્લાની મુખ્ય નદી મહી છે. પાનમ નદી તેની શાખા નદી છે, જે હેઠવાસ તરફ જતાં મહી નદીને મળી જાય છે. આ નદી આણંદ જિલ્લામાંથી વહીને સમુદ્રને મળે છે. ત્યાં તેનો પટ ખૂબ પહોળો થઈ જાય છે. આથી તે સાગરના ભાગ રૂપે જોવા મળતી હોવાથી તેને ‘મહીસાગર’ કહે છે. રાજસ્થાન અને ગુજરાતની સીમા પાસે કડાણા ખાતે એક વિશાળ ડૅમ બાંધવામાં આવ્યો છે. જ્યારે વણાકબોરી પાસે એક બૅરેજની રચના કરવામાં આવી છે. આ બૅરેજમાંથી નહેરો દ્વારા હેઠવાસમાં ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે.

આ નદીએ માર્ગમાં અનેક કોતરો નિર્માણ કર્યાં છે. આ જિલ્લામાં ઘઉં, બાજરી, જુવાર, તુવેર અને થોડા ઘણા રોકડિયા પાક લેવામાં આવે છે.

વસ્તી–પરિવહન–પ્રવાસન : પંચમહાલ અને ખેડા જિલ્લામાંથી આ નવા જિલ્લાની રચના 26 જાન્યુઆરી, 2013ના રોજ 28મા જિલ્લા તરીકે થઈ. આ જિલ્લાનો વિસ્તાર 2,269 ચો. કિમી. જ્યારે વસ્તી 9,94,624 (2011) જેટલી હતી. આ જિલ્લાને છ તાલુકામાં વિભાજિત કરેલ છે. લુણાવાડા (લુણેશ્વરી) જે જિલ્લા મથક છે. અહીં પછાત જાતિ અને આદિવાસી લોકોનું પ્રમાણ અધિક છે. મોટે ભાગે લોકો હિન્દુધર્મી છે. સાક્ષરતાનું પ્રમાણ 73 %  છે. કુલ વસ્તીના 10 % વસ્તી શહેરોમાં વસે છે. 98 % લોકો ગુજરાતી ભાષા બોલે છે.

આ જિલ્લાને રાજ્યના ધોરી માર્ગો અને જિલ્લા માર્ગોની સગવડતા ઉપલબ્ધ છે.

જિલ્લામાં આવેલ બાલાસિનોર બાબરી વંશનું રજવાડું હતું. અહીંના નવાબના મહેલ ‘ગાર્ડન પૅલેસ’ને આજે હોટલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. મહી નદી ઉપર આવેલ કડાણા ડેમ અને વણાકબોરી ડૅમ જાણીતાં પર્યટનમથકો છે. વીરપુર યાત્રાધામ પણ છે. બાલાસિનોર પાસે રાયોલી (Rayioli) ગામ આવેલું છે. અહીં પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરતાં ડાયનોસૉરનાં ઈંડાં અને કંકાલ મળી આવેલ છે. આ અવશેષો રાયોલી ખાતે સંગ્રહસ્થાનમાં રાખવામાં આવ્યા છે.

પુરાતત્વવિદોનું માનવું છે કે આ ડાયનોસૉરના અશ્મિઓ આશરે 650 લાખ વર્ષો પહેલાંના છે. અહીં 13 જાતિના ડાયનોસૉર વસતા હશે. આ સંગ્રહસ્થાન 25,000 ચો. ફૂટ વિસ્તારમાં ઊભું કરાયું છે. અહીં ઈંડાંના અશ્મિઓની સંભાળ રાખવી જરૂરી છે.

નીતિન કોઠારી