મહારાષ્ટ્ર
દ્વીપકલ્પીય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. તે આશરે 15° 40´ ઉ. થી 22° 0´ ઉ. અક્ષાંશવૃત્તો તથા 72° 44´ પૂ.થી 80° 55´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચેનો લગભગ 3,07,723 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યનો આકાર ત્રિકોણ જેવો છે, અને તેના મોટાભાગના વિસ્તારો દખ્ખણના ઉચ્ચપ્રદેશને આવરે છે. આ રાજ્યની આસપાસ ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગોવા જેવાં રાજ્યો આવેલાં છે; જ્યારે પશ્ચિમમાં અરબી સમુદ્ર વિસ્તરેલો છે. તેની સમુદ્રતટરેખા આશરે 725 કિમી.ની લંબાઈ ધરાવે છે. આ રાજ્ય 31 જેટલા જિલ્લાઓમાં વહેંચાયેલું છે. ભારતનાં બધાં જ રાજ્યોમાં કૃષિ, ઉદ્યોગ, વાણિજ્ય, પરિવહન, શિક્ષણ, રાજકારણ અને બીજાં અનેક ક્ષેત્રોમાં મહારાષ્ટ્ર રાજ્યનું ઘણું મોટું પ્રદાન છે. મુંબઈ એ રાજ્યનું રાજકીય પાટનગર હોવા ઉપરાંત સમગ્ર દેશનું મહત્વનું નાણાકીય અને આર્થિક પાટનગર પણ છે.
પ્રાકૃતિક રચના : આ રાજ્યના પશ્ચિમ કાંઠે ઉત્તર-દક્ષિણ દિશામાં કોંકણનું સાંકડું મેદાન પથરાયેલું છે. આ મેદાન મુંબઈ પાસે મહત્તમ પહોળાઈ ધરાવે છે. આવાં જ બીજાં નીચાં મેદાનો પૈકી ઉત્તરે તાપી નદીની ખીણનાં મેદાનો છે, તે ‘ખાનદેશનાં મેદાનો’ તરીકે ઓળખાય છે, જ્યારે બીજો મેદાની પ્રદેશ રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો છે. આ મેદાનો ‘વર્ધા-વૈનગંગાનાં મેદાનો’ તરીકે ઓળખાય છે. આ રાજ્યની ઉત્તરે આવેલી નર્મદા ખીણથી લઈને દક્ષિણમાં આવેલા કૃષ્ણા નદીના થાળા સુધી તેમજ પશ્ચિમે કોંકણનાં મેદાનોથી લઈને પૂર્વમાં વધુમાં વધુ નાગપુર સુધી ત્રિકોણ આકારનો અસમતળ ઉચ્ચપ્રદેશ પથરાયેલો છે. તે લાવાથી રચાયેલા ટ્રૅપ (trap) ખડકોનો બનેલો છે. જોકે તેના પાયામાં પ્રાચીનતમ સ્ફટિકમય ખડકો આવેલા છે. પૂર્વમાં નાગપુર પાસે આ ઉચ્ચપ્રદેશની ઊંચાઈ 270થી 330 મીટર જેટલી છે. આ ઉચ્ચપ્રદેશની પશ્ચિમ કિનારી પર 600 કિમી.થી પણ વધુ લાંબી અને લગભગ સળંગ એવી પશ્ચિમઘાટ કે સહ્યાદ્રિ નામની પર્વતશ્રેણી ઉત્તર-દક્ષિણ દિશામાં વિસ્તરેલી છે. તેનું કળસુબાઈ નામનું શિખર 1,646 મીટર અને મહાબળેશ્વર શિખર 1,438 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ સિવાય આ ઉચ્ચપ્રદેશ પર અનેક હારમાળાઓ પથરાયેલી છે. તેમાં અજન્તા, મહાદેવ, ગોવિલગઢ, સાતમાલા, હરિશ્ચંદ્ર, બાલાઘાટ, નિર્મલ વગેરે મુખ્ય છે. પશ્ચિમઘાટમાં થોડાક ઘાટ (passes) આવેલા છે. તેમાં થઈને આંતરિક ભાગોને કિનારા સાથે સાંકળતા કેટલાક રેલમાર્ગો અને સડકમાર્ગો પસાર થાય છે. પશ્ચિમઘાટમાંથી ઉદભવ પામીને, પશ્ચિમ દિશામાં વહીને અનેક ઝરણાં અરબી સમુદ્રને મળે છે. તેમાં સૌથી મોટું ઝરણું ઉલ્હાસ છે. તે લગભગ 128 કિમી.ની લંબાઈ ધરાવે છે. પશ્ચિમઘાટનો પૂર્વ તરફનો ઢોળાવ આછો છે. તેમાં કૃષ્ણા, ભીમા અને ગોદાવરી નદીઓએ વિશાળ ખીણપ્રદેશોની રચના કરી છે.
મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં તાપી નદી પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. આ સિવાયની બાકીની બધી નદીઓનાં વહેણ પૂર્વ તથા અગ્નિ તરફનાં છે. તેની અગત્યની નદીઓમાં પૂર્વ ભાગમાં ગોદાવરી તથા તેની ઉપનદીઓ વૈનગંગા અને વર્ધા છે; તો દક્ષિણ ભાગમાં કૃષ્ણા અને તેની ઉપનદીઓ ભીમા, સીના, નીરા, ધોંડ વગેરે છે.

મહારાષ્ટ્ર રાજ્ય
આબોહવા : મહારાષ્ટ્રનું ભૌગોલિક સ્થાન ઉષ્ણ કટિબંધમાં આવેલું છે અને તે મોસમી આબોહવા ધરાવે છે. અહીં સામાન્ય રીતે વર્ષભર અનુક્રમે ચાર ઋતુઓ અનુભવાય છે : (1) ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઠંડી અને શુષ્ક ઋતુ (શિયાળો), (2) માર્ચથી મે સુધી ગરમ અને શુષ્ક ઋતુ (ઉનાળો), (3) જૂનથી સપ્ટેમ્બર સુધી ગરમ અને ભેજવાળી ઋતુ (ચોમાસું) અને (4) ઑક્ટોબરથી નવેમ્બરમાં હૂંફાળી અને શુષ્ક ઋતુ (પાછા ફરતા મોસમી પવનો). કિનારાના પ્રદેશો લગભગ સમાન તાપમાન ધરાવે છે. મુંબઈનું સરેરાશ માસિક તાપમાન 27° સે.થી થોડું ઊંચે કે નીચે રહે છે. પુણે ઉચ્ચપ્રદેશમાં ઊંચાઈ પર આવેલું હોવાને લીધે તેનું તાપમાન વર્ષભર લગભગ સમાન અને નીચું રહે છે. રાજ્યના આંતરિક ભાગમાં આવેલા નાગપુરની આસપાસના પ્રદેશોમાં ઉનાળાનું મહત્તમ દૈનિક તાપમાન 43° સે. જેટલું ઊંચે જાય છે, જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 21° સે. જેટલું રહે છે.
ભારતના નૈર્ઋત્યકોણીય મોસમી પવનોને લીધે મુંબઈકિનારે સામાન્ય રીતે જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થાય છે અને લગભગ સપ્ટેમ્બર માસ સુધી ચાલુ રહે છે. વર્ષનો આશરે 80 % વરસાદ આ સમયગાળામાં પડી જાય છે. પશ્ચિમઘાટ અને ઉત્તરની સીમા પર આવેલી પહાડી ટેકરીઓ રાજ્યની આબોહવા પર ખૂબ અસર કરે છે. તે ભેજવાળા કોંકણ-કિનારાના ભાગોને ઉચ્ચપ્રદેશના આંતરિક શુષ્ક પ્રદેશોથી અલગ કરે છે. કોંકણમાં અતિ ભારે વરસાદ પડે છે. તેનાં કેટલાંક સ્થળોનો વરસાદ 6,350 મિમી. જેટલો નોંધાયો છે. જોકે અહીં વરસાદનું સરેરાશ પ્રમાણ 2,540 મિમી. જેટલું હોય છે. તેનાથી પૂર્વ તરફ જતાં વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય છે. રાજ્યનો મધ્યસ્થ ભાગ વર્ષાછાયામાં આવતો હોઈ તે 500 મિમી. જેટલો ઓછો વરસાદ મેળવે છે, પણ અહીંથી પૂર્વ તરફ જતાં ફરીથી વરસાદનું પ્રમાણ વધવા માંડે છે અને છેક પૂર્વમાં આ પ્રમાણ 1,000થી 2,000 મિમી. જેટલું રહે છે.
કુદરતી વનસ્પતિ અને પ્રાણીજીવન : આબોહવા અને કુદરતી વનસ્પતિ એકબીજી સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે. આમ છતાં ભૂમિ પરની વધતી જતી માનવપ્રવૃત્તિઓને લીધે હકીકતે હવે કુદરતી વનસ્પતિ અને પ્રાણીજીવન તેમના મૂળ સ્વરૂપમાં રહ્યાં નથી. પશ્ચિમઘાટ તથા સાતપુડા પર્વતશ્રેણીઓ પર તેમજ ચંદ્રપુર પ્રદેશમાં જંગલો છવાયેલાં છે. દરિયાકાંઠાના ભાગો તથા તેને અડીને આવેલા પહાડી ઢોળાવો પર વનસ્પતિજીવન સમૃદ્ધ છે. અહીં વૃક્ષો, છોડવા, વેલા, ઘાસ, ઝાડી-ઝાંખરાં જેવાં વનસ્પતિનાં વિવિધ સ્વરૂપો ર્દષ્ટિગોચર થાય છે. આ જંગલો આંબા અને નાળિયેરી જેવાં ફળાઉ વૃક્ષોથી શોભાયમાન છે. વળી આ જંગલો સાગ, વાંસ વગેરેનું લાકડું તથા બીજી અનેક પ્રકારની પેદાશો આપે છે. નીચા તાપમાન અને વધુ વરસાદવાળા ઉચ્ચપ્રદેશનાં ઊંચાં ક્ષેત્રોમાં વાંસ, ચેસ્ટનટ, મૅગ્નોલિયા (magnolia) જેવી વનસ્પતિ સામાન્ય છે; જ્યારે ઓછો વરસાદ મેળવતા શુષ્ક પ્રદેશોમાં કાંટાળી વનસ્પતિ, ઘાસ તેમજ અર્ધશુષ્ક પ્રદેશોમાં છૂટાંછવાયાં જંગલી ખજૂરીનાં વૃક્ષો છવાયેલાં જોવા મળે છે. ખાસ કરીને નદીમુખ ધરાવતા દરિયાકાંઠાના ભાગોમાં ચેર (mangrove) વનસ્પતિ પથરાયેલી છે.

ગૅટ-વૅ ઑવ્ ઇન્ડિયા, મુંબઈ
અહીંનાં ગીચ જંગલોમાં વાઘ, ચિત્તા, જંગલી ભેંસ (bison), ચોશિંગા (antelope), ચટ્ટાપટ્ટાવાળું જરખ (hyena), જંગલી કૂતરા, રીંછ, વાનર વગેરે ચોપગાં પ્રાણીઓ તથા વિવિધ પ્રકારનાં સર્પો, ગરોળી, મગર, કાચબા વગેરે સરીસૃપો તેમજ રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે. નદીઓ, જળાશયો તથા સમુદ્રમાં વિવિધ પ્રકારનાં માછલાં અને જળચર પક્ષીઓ ર્દષ્ટિગોચર થાય છે. દરિયાકાંઠે મત્સ્ય-ઉદ્યોગનો વિકાસ થયો છે. મુંબઈ મુખ્ય મત્સ્યબંદર છે અને અહીંથી વિવિધ પ્રકારનાં માછલાંની નિકાસ કરવામાં આવે છે. વનસ્પતિ તથા વન્ય જીવોનું રક્ષણ થાય તે માટે સરકાર દ્વારા પચ્ચીસ જેટલાં વન્ય જીવ અભયારણ્યો તથા પાંચ રાષ્ટ્રીય ઉદ્યાનોની રચના કરવામાં આવી છે.
સિંચાઈ અને ખેતી : આ રાજ્યોના ખેડૂતો ખેતી માટે મુખ્યત્વે વરસાદ પર આધાર રાખે છે. આમ છતાં વરસાદની અનિશ્ચિતતાઓને અનુલક્ષીને તેમજ રવી પાકોની ખેતી કરવા માટે કૂવા, પાતાળકૂવા, તળાવો તથા નહેરો જેવાં સિંચાઈનાં સાધનોનો વિકાસ કરવામાં આવ્યો છે. જૂન 1999ના અંત સુધીમાં આ રાજ્યમાં 33 મોટી, 177 મધ્યમ કક્ષાની તથા 1,835 જેટલી નાની સિંચાઈ-યોજનાઓ પૂર્ણ થઈ ગઈ હતી. આ ઉપરાંત બીજી 27 મોટી, 86 મધ્યમ કક્ષાની અને 263 નાની સિંચાઈ-યોજનાઓનું બાંધકામ ચાલુ છે. જૂન 1998 સુધી આ રાજ્યના કુલ સિંચિત વિસ્તારનું પ્રમાણ આશરે 33.5 લાખ હેક્ટર જેટલું હતું.
રાજ્યની કુલ કાર્યશીલ વસ્તીના લગભગ 60 % લોકો ખેતી અને તેને આનુષંગિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા રહે છે. અહીં ડાંગર, જુવાર, બાજરી, ઘઉં વગેરે ધાન્ય પાકો ઉપરાંત તુવેર, મગ, અડદ, ચણા અને બીજાં કઠોળો તેમજ શેરડી તથા તેલીબિયાં વગેરે મુખ્ય પાકો છે. વળી અહીં મગફળી, સૂર્યમુખી, સૉયાબીન, ડુંગળી વગેરે પાકોની ખેતીનો પ્રસાર ઉત્તરોત્તર વધતો જાય છે. કપાસ, શેરડી, તમાકુ, હળદર, શાકભાજી અને ફળફળાદિ અગત્યના રોકડિયા પાકો છે. આશરે 8.5 લાખ હેક્ટર ભૂમિમાં ફળોની ખેતી થાય છે. કેરી, કેળાં, નારંગી, દ્રાક્ષ, કાજુ વગેરે મુખ્ય ફળો છે.
ખનિજસંપત્તિ અને ઉદ્યોગો : આ રાજ્યમાંથી પાયાના ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી એવાં લોહખનિજો (પીપળગાઁવ, સૂરજગઢ વગેરે), મૅંગેનીઝ ખનિજો (નાગપુર, ભંડારા વગેરે), બિટ્યુમિનસ કોલસો (ભંડારા, નાગપુર અને ચંદ્રપુર જિલ્લાઓ) તથા ચૂનાખડક અને બૅસાલ્ટ જેવા પથ્થરો ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત અહીંથી ક્રોમાઇટ, તાંબું, ઝિયોલાઇટ, બૉક્સાઇટ (થાણે અને કોલ્હાપુર), સિલિકા રેતી, મીઠું વગેરે ખનિજો પણ પ્રાપ્ત થાય છે. વળી મુંબઈ નજીકના અરબી સાગરની ખંડીય છાજલીવાળા ભાગોમાં શારકામ કરીને ખનિજતેલ અને કુદરતી વાયુ મેળવવામાં આવે છે. વસઈ નૉર્થ, અલીબાગ અને બૉમ્બે હાઇનાં તેલક્ષેત્રો પ્રખ્યાત છે. આ સિવાય ગોદાવરી ખીણમાંથી પણ કુદરતી વાયુ મેળવાય છે.
ખાસ કરીને રાજ્યના પૂર્વ ભાગમાં નાગપુર, ચંદ્રપુર અને અન્યત્ર કોલસા દ્વારા તાપવિદ્યુતનું ઉત્પાદન થાય છે. વળી તારાપુર એ ભારતનું સૌપ્રથમ અણુવિદ્યુતમથક છે; જ્યારે ખોપોલી, ભીરા, ભીવપુરા, કોયના, વૈતરણા વગેરે અગત્યનાં જળવિદ્યુતમથકો છે. રાજ્યમાં વિદ્યુતની કુલ સ્થાપિત ક્ષમતા (installed capacity) 12,238 મેવૉ.ની છે. તેમાં MSEBનો ફાળો 8,231 મેવૉ.; તાતાનો ફાળો 1,774 મેવૉ.; BSESનો ફાળો 500 મેવૉ.; તારાપુર અણુવિદ્યુતમથકનો ફાળો 190 મેવૉ. તેમજ NTPCનો ફાળો 1,543 મેવૉ.નો છે. નવમી પંચવર્ષીય યોજના અન્વયે ઘાસ તથા કચરા આધારિત પરિયોજના દ્વારા આશરે 400 મેવૉ. તેમજ પવન દ્વારા આશરે 5.5 મેવૉ. વિદ્યુતનું ઉત્પાદન કરવામાં આવશે. એવી આશા રખાય છે કે નવમી પંચવર્ષીય યોજના પૂર્ણ થતાં રાજ્યની વિદ્યુતની કુલ સ્થાપિત ક્ષમતા(installed capacity)નું પ્રમાણ 2,000 મેવૉ.થી વધુ થશે.

સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન રાષ્ટ્રપિતા ગાંધીજી, લોકમાન્ય ટિળક વગેરે નેતાઓએ જ્યાં કારાવાસ ભોગવ્યો હતો તે યરવડા જેલ, પુણે
આ રાજ્યનું ભૌગોલિક સ્થાન ઉત્તર અને દક્ષિણ ભારતને જોડતી કડીરૂપનું હોવાથી અહીં ભારતના સૌથી વધુ ઉદ્યોગો સ્થપાયેલા છે. દેશના ‘શક્તિગૃહ’ (powerhouse) તરીકે મહારાષ્ટ્રની ગણના થાય છે. તેમાં આવેલું મુંબઈ એ સમગ્ર દેશનું નાણાકીય અને વાણિજ્ય બજારનું મુખ્ય કેન્દ્ર છે.
સુતરાઉ કાપડ-ઉદ્યોગ આ રાજ્યનો સૌથી વધુ જૂનો અને મોટો ઉદ્યોગ છે. મુંબઈ, નાગપુર, પુણે, શોલાપુર, જલગાઁવ, અકોલા, વર્ધા, અમરાવતી, કોલ્હાપુર, સાંગલી વગેરે તેનાં મુખ્ય કેન્દ્રો છે. વળી નાગપુર અને શોલાપુરમાં તેમજ તેમની આસપાસના વિસ્તારોમાં હાથવણાટના કાપડનું પણ ઉત્પાદન થાય છે. આ સિવાય આ રાજ્યમાં ગરમ, રેશમી, રેયૉન તથા કૃત્રિમ રેસાનાં કાપડ પણ બને છે. મુંબઈ ગરમ કાપડ-ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. આ સિવાય મુંબઈ, પુણે, થાણે, કલ્યાણ, મોદીનગર, નાગપુર વગેરેમાં કૃત્રિમ રેસાનું કાપડ તૈયાર થાય છે. વળી કપડાં તૈયાર કરવાનો નિકાસલક્ષી ઉદ્યોગ પણ મહત્વનો છે. આ ઉપરાંત જલગાઁવ અને ધુલે ખાદ્યતેલ-ઉદ્યોગનાં તેમજ કોલ્હાપુર, અહમદનગર, સાંગલી, મિરાજ, બેલાપુર, વાલચંદનગર, રાવલગાઁવ વગેરે ખાંડ-ઉદ્યોગનાં કેન્દ્રો છે. કોલ્હાપુર તેના ગોળ માટે દેશભરમાં પ્રખ્યાત છે. નાગપુર, ભુસાવળ, રત્નાગિરિ, મુંબઈ વગેરે ફળોને પૅક કરવાના તથા જાળવણી કરવાના ઉદ્યોગો ધરાવે છે. વાંસ, ઇમારતી લાકડાં, સુખડનું લાકડું, ટીમરુનાં પાન (બીડી બનાવવા માટેનાં) અને બીજી અનેક વનપેદાશો પર આધારિત વિવિધ પ્રકારના ઉદ્યોગોનો પણ વિકાસ થયેલો છે.

છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ), મુંબઈ
મુખ્યત્વે મુંબઈ-પુણે સંકુલમાં ઉચ્ચ તકનીકીવાળા ભારે ઉદ્યોગોનું કેન્દ્રીકરણ થયેલું છે. રસાયણો, કાગળ અને પૂઠાં, છાપકામ અને પ્રકાશન, રાસાયણિક ખાતર, કૃષિ-ઓજારો, વિદ્યુત અને તેલ-પમ્પ, રબર તથા પ્લાસ્ટિકની પેદાશો, દવા, ખાદ્ય-પેદાશો, પીણાં, તમાકુ અને તેની સાથે સંબંધિત પેદાશો, ધાતુ-પેદાશો, મશીન-ટૂલ્સ, સંઘાડા (lathes), સંપીડક-યંત્રો (compressors), ખાંડની મિલની યંત્રસામગ્રી, ટાઇપરાઇટર, રેફ્રિજરેટર, રેડિયો અને ટેલિવિઝન સેટો, કમ્પ્યૂટર અને બીજાં વીજાણુ સાધનો તથા ઉપકરણો, ઑટોમોબાઇલ ઉદ્યોગ અને બીજા અનેકવિધ ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. આ ઉપરાંત મુંબઈ ચલચિત્ર-ઉદ્યોગનું રાષ્ટ્રીય કેન્દ્ર છે, જે ‘બોલીવુડ’ તરીકે જાણીતું છે. મુંબઈ પાસેના છીછરા સમુદ્રમાંથી મળતા ખનિજતેલ-આધારિત પેટ્રોરસાયણ-ઉદ્યોગો પ્રસ્થાપિત થવાની તૈયારીમાં છે.
પૂર્વમાં નાગપુર, ચંદ્રપુર અને ભંડારાની આસપાસના પ્રદેશોમાં મુખ્યત્વે કોલસા-આધારિત લોહ તથા લોહમિશ્રધાતુ-ઉદ્યોગ, મગેનીઝ અને સિમેન્ટ-ઉદ્યોગનો વિકાસ થયેલો છે. આ સિવાય ઔરંગાબાદ, થાણે, કિર્લોસ્કરવાડી, અંબરનાથ, ખડકી, અમરાવતી, નાસિક વગેરે આ રાજ્યનાં બીજાં ઔદ્યોગિક કેન્દ્રો છે.
પરિવહન અને પ્રવાસન : આ રાજ્યનું પાટનગર મુંબઈ એ દેશનું મુખ્ય વાણિજ્યમથક હોવાથી તે દેશનાં મુખ્ય મથકોને જળમાર્ગે, ભૂમિમાર્ગે તથા હવાઈ માર્ગે સાંકળે છે. તે અગત્યના રેલ અને રાષ્ટ્રીય ધોરી માર્ગોથી દેશ અને રાજ્યના બીજા ભાગો સાથે સંકળાયેલું છે. તે કેન્દ્રમાં રહે તે રીતે તેની આસપાસ રેલમાર્ગોની જાળ ગૂંથાઈ છે. આ રાજ્ય આશરે 5,465 કિમી.ની લંબાઈના રેલમાર્ગો ધરાવે છે. દેશના પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લંબાયેલા મુખ્ય રેલમાર્ગો આ રાજ્યના નાગપુર અને વર્ધા પર થઈને પસાર થાય છે. મુંબઈ–વડોદરા–દિલ્હી, મુંબઈ–જમ્મુ, મુંબઈ–ભોપાલ–દિલ્હી, મુંબઈ–અલ્લાહાબાદ–હાવરા તથા મુંબઈ–ચેન્નઈ મુખ્ય રેલમાર્ગો છે. આ રાજ્ય કુલ 1,91,053 કિમી. લંબાઈના સડકમાર્ગો ધરાવે છે. તેમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબાઈ 2,972 કિમી. જેટલી છે. મુંબઈ–ધુલે–ઇન્દોર (નં. 3), મુંબઈ–પુણે–બૅંગ્લોર–ચેન્નઈ (નં. 4), ધુલે–નાગપુર–કોલકાતા (નં. 6), નાગપુર–હૈદરાબાદ–વારાણસી (નં. 7), મુંબઈ–અમદાવાદ–દિલ્હી (નં. 8), પુણે–શોલાપુર–હૈદરાબાદ (નં. 9), મુંબઈ–પણજી–મૅંગ્લોર (નં. 17) તથા નાસિક–પુણે (નં. 50) – એમ આઠ જેટલા રાષ્ટ્રીય ધોરી માર્ગો આ રાજ્યમાંથી પસાર થાય છે. આ ઉપરાંત આ રાજ્યમાં 32,380 કિમી. લાંબા રાજ્ય ધોરી માર્ગો, 41,166 કિમી. લાંબા જિલ્લા-માર્ગો, 41,701 કિમી. લાંબા અન્ય માર્ગો તથા 72,834 કિમી. લાંબા ગ્રામમાર્ગો છે.
આ રાજ્ય કુલ 24 જેટલાં હવાઈ મથકો/હવાઈ ક્ષેત્ર (airfield) ધરાવે છે. તે પૈકીનાં 17 રાજ્યહસ્તક તથા 4 આંતરરાષ્ટ્રીય એરપૉર્ટ ઑથોરિટીહસ્તક છે; જ્યારે બાકીનાં ત્રણ સંરક્ષણ મંત્રાલયના નિયંત્રણ હેઠળ છે. મુંબઈ એ આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગો પરનું મથક છે. મુંબઈ સાથે પુણે, નાગપુર, ઔરંગાબાદ અને નાસિકને જોડતી દૈનિક હવાઈ સેવાઓ ચાલે છે; જ્યારે નાગપુર એ ભારતની આંતરિક હવાઈ સેવાનું કેન્દ્ર છે. આ સિવાય અમરાવતી, બારામતી, ચંદ્રપુર, ધુલે, ગોંદિયા, જલગાઁવ, કરાડ, કોલ્હાપુર, લાતુર, નાન્દેદ, સાંગલી, ઓસ્માનાબાદ, રત્નાગિરિ, શોલાપુર અને યવતમાળ – એ બધાં રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ છે. હવાઈ ક્ષેત્ર (airfield) પર હાલમાં વ્યાપારી ધોરણે કોઈ સગવડો નથી. મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યનું મુખ્ય બંદર છે અને તે આયાત-નિકાસવ્યાપારની સુવિધાઓ ધરાવે છે. તેનો પીઠપ્રદેશ ઘણો જ વિસ્તૃત છે. આ સિવાય આ રાજ્યમાં બીજાં 54 જેટલાં નાનાં બંદરો પણ છે.
આ રાજ્યમાં સમુદ્રકાંઠો, પહાડી ક્ષેત્રો અને ગિરિમથકો, નદીનાળાં, જંગલો, ગરમ પાણીના ઝરા જેવાં કુદરતી સૌંદર્ય ધરાવતાં અનેક સ્થળો આવેલાં છે. આ ઉપરાંત આ રાજ્ય તેના ભવ્ય ભૂતકાળનો ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો પણ ધરાવે છે. રાજ્ય સરકારે પર્યટકો માટે વિવિધ પ્રકારની સુવિધાઓનું આયોજન કર્યું છે. આ ઉપરાંત મહાનગર મુંબઈમાં તથા તેની આસપાસનાં ક્ષેત્રોમાં પર્યટકોને રહેવા-જમવાની ઉત્તમ સેવાઓ પૂરી પાડતી અગણિત હોટેલો અને રેસ્ટોરાંનો વિકાસ થતાં દર વર્ષે દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ આ રાજ્યની મુલાકાતે આવે છે. આમ આ ઉદ્યોગ દ્વારા રાજ્યને ઘણી મોટી આવક પ્રાપ્ત થાય છે.
અગત્યનાં પ્રવાસધામોમાં અજંતા, ઇલોરા, એલિફન્ટા, કાન્હેરી, કાર્લા વગેરે ગુફાઓ તેમજ મહાબળેશ્વર, માથેરાન, પંચગની, જાવર (Jawhar), માલશેજઘાટ (Malshejghat), અમ્બોલી, ચિકલદારા (Chikaldara), પન્હાલા (Panhala) વગેરે ગિરિમથકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ રાજ્ય અસંખ્ય ધાર્મિક સ્થળો ધરાવે છે. તે પૈકી પંઢરપુર, નાસિક, શિરડી, સિંગણાપુર, નાન્દેદ, ઔઢાનાગનાથ, ત્ર્યંબકેશ્વર, તુલજાપુર, ગણપતિપુલે, ભીમાશંકર, હરિહરેશ્વર, શેગાઁવ, અમરાવતી વગેરે મુખ્ય છે. વળી દર બાર વર્ષે નાસિકમાં ગોદાવરી નદીકાંઠે કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય અહીં ઐતિહાસિક કિલ્લાઓ તેમજ અનેક વન્યજીવ-અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો પણ જોવાલાયક છે. વધુમાં પર્યટકો માટે મુંબઈ નગરી સ્વર્ગ સમાન છે. મુંબઈ તથા તેની આસપાસના ભાગોમાં અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. નાસિક, પુણે, નાગપુર, શોલાપુર, કોલ્હાપુર, ઔરંગાબાદ વગેરે નગરોનું પણ પ્રવાસીઓને આકર્ષણ છે. આ ઉપરાંત વર્ધાથી આશરે 8 કિમી. દૂર સેવાગ્રામ ખાતે ગાંધીજીનો આશ્રમ તથા વર્ધાથી આશરે 13 કિમી. દૂર પવનાર ખાતે વિનોબા ભાવેનો આશ્રમ તેમજ પુણે ખાતે રજનીશજીનો આશ્રમ આવેલા છે, જ્યાં વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે.
વસ્તી અને વસાહતો : પશ્ચિમઘાટ અને સાતપુડાના ડુંગરાળ ઢોળાવો પર ભીલ, વરલી, ગોંડ, કોરકુ (Korku), ગોવરી (Gowari) વગેરે આદિવાસીઓ વસવાટ કરે છે. આ રાજ્યમાં વિવિધ જાતિના, વિવિધ ભાષા બોલતા અને વિવિધ ધર્મો પાળતા આશરે 7,89,37,189 (ઈ. સ. 1991) લોકો વસે છે. આશરે પહેલી સદીમાં ઉત્તર તરફથી આવીને અહીં વસેલા વસાહતીઓમાંથી કુણબી મરાઠા ઊતરી આવ્યા હોવાનું મનાય છે. તે પછી હજારો વર્ષો સુધી જાતિમિશ્રણની ક્રિયા ચાલુ રહી અને અનેક જ્ઞાતિઓનો ઉદભવ થયો. આ સિવાય સાતમી સદી પછી ઈરાનમાંથી પારસી લોકોએ તેમજ ઈ. સ. 1947 અને તે પછીથી પાકિસ્તાનમાંથી સ્થળાંતર થઈને અહીં સિંધી નિર્વાસિતોએ વસવાટ કર્યો છે. ખાસ કરીને શહેરી કેન્દ્રોમાં તેમનો વધુ પ્રસાર થયેલો જોવા મળે છે.
આ રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ 63 % જેટલું નોંધાયું છે. આ રાજ્ય બે યુનિવર્સિટીઓ ધરાવે છે. તે પૈકીની એક મહિલાઓ માટેની છે. તેમની સાથે મુંબઈ, નાગપુર, પુણે, ઔરંગાબાદ, અહમદનગર, અકોલા, અમરાવતી, કોલ્હાપુર વગેરેની કૉલેજો સંલગ્ન છે. તેમાં કેટલીક ઇજનેરી તથા તબીબી કૉલેજો પણ છે. વધુમાં આ રાજ્યમાં ત્રણ કૃષિ યુનિવર્સિટીઓ પણ આવેલી છે. આ રાજ્યની સત્તાવાર ભાષા મરાઠી છે અને તે રાજ્યના 90 % લોકો બોલે છે. જોકે બોલવામાં પ્રાદેશિક વિભિન્નતાઓ વર્તાય છે; તેમ છતાં લખવાની પદ્ધતિ સમાન છે. મરાઠી ઉપરાંત અન્ય અગત્યની ભાષાઓમાં ગુજરાતી, હિન્દી, તેલુગુ, કન્નડ, સિંધી, ઉર્દૂ, બંગાળી, મલયાળમ, અંગ્રેજી વગેરેનો સમાવેશ થાય છે. શહેરોમાં, યુનિવર્સિટીઓમાં, વહીવટી અને અન્ય ક્ષેત્રે અંગ્રેજી ભાષા(મરાઠી ભાષા સાથે)નો વપરાશ થતો જોવા મળે છે. સામાન્ય રીતે મુસ્લિમો ઉર્દૂ ભાષા બોલે છે. વળી પશ્ચિમના દરિયાકાંઠે કોંકણી, પૂર્વ અને ઉત્તરનાં જંગલોમાં ગોંડી, વરહાડી (Varhadi), મુંદારી (Mundari) વગેરે સ્થાનિક ભાષાઓ બોલાય છે.
મહારાષ્ટ્રમાં હિંદુ ધર્મ આગળપડતું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત અહીં ઇસ્લામધર્મીઓ પણ વસે છે. શહેરોમાં ઘણા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. મુંબઈ અને તેની આસપાસના ભાગોમાં જરથુષ્ટ્ર ધર્મ પાળતા લોકોનું પ્રમાણ વધારે છે; જ્યારે બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ અલ્પ છે.
મહારાષ્ટ્ર, વિશિષ્ટ સાંસ્કૃતિક પરંપરાઓ ધરાવતું રાજ્ય છે. તેનો ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યકલાઓનો વારસો અત્યંત પ્રાચીન છે; જે અજન્તા, ઇલોરા તથા અન્યત્ર આવેલી ગુફાઓ, સ્તંભો, દેવાલયો, સ્મારકો વગેરેમાં જોઈ શકાય છે. આ ઉપરાંત આ રાજ્યે સંગીત, નૃત્ય, નાટક અને ફિલ્મક્ષેત્રે પણ ઘણી પ્રગતિ સાધેલી છે. અહીંના ગ્રામવિસ્તારોમાં સંગીત, નાટક, નૃત્ય વગેરેનો સંકલિત ‘તમાશા’ નામનો કાર્યક્રમ ઘણો જ પ્રચલિત છે. તેમાં સાત કલાકારો હોય છે અને પરંપરાગત રીતે મહિલા-નૃત્યકારની ભૂમિકા અગત્યની હોય છે. શહેરોમાં નાટક અને સિનેમા લોકપ્રિય છે.
રાજ્યમાં વર્ષભર ઘણા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. તેમાં સમૂહગીતો તથા પરંપરાગત નૃત્યોનો સમાવેશ થાય છે. હોળી, રંગપંચમી, દશેરા, દિવાળી એ મહત્વના તહેવારો છે. વળી મુંબઈમાં નવરાત્રિ દરમિયાન ગરબા-ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. પોલા તહેવાર દરમિયાન બળદોને હરીફાઈ માટે શણગારવામાં આવે છે. ગણેશોત્સવ અને મકરસંક્રાન્તિ મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઊજવાય છે.

અજંતાની ગુફા–19 : એક દર્શન
મહારાષ્ટ્રની આશરે 3⁄5 ભાગની વસ્તી ગ્રામીણ છે, જે અનેક ગ્રામવસાહતોમાં વહેંચાયેલી છે. અતિવસ્તી ધરાવતું બૃહદ્ મુંબઈ, એ ઔદ્યોગિક વિકાસની ચરમ સીમાનો અને વાણિજ્યની સફળતાનો નિર્દેશ કરે છે. મુંબઈ ભારતનું સૌથી વધુ સુવિધાઓ ધરાવતું સર્વોત્તમ બંદર છે, જે વિદેશ-વ્યાપારનું સંચાલન કરે છે. મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર ઉપરાંત તે રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક, ધંધાકીય, નાણાકીય, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તેની વસ્તી 99,08,547 (1991) જેટલી છે. વળી નાગપુર (16,57,135), પુણે (24,44,020) અને શોલાપુર (6,20,499) – એ બીજાં મુખ્ય નગરો છે. પુણે, એ મુંબઈ નજીક આવેલું હોવાથી, ત્યાં પણ અનેક ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. પુણેમાં દેશની મુખ્ય હવામાન કચેરી આવેલી છે. તેની નજીકમાં વિશ્વનું સૌથી મોટું રેડિયો-દૂરબીન કામ કરતું થઈ ગયું છે. નાગપુર એક વખત મધ્યપ્રદેશના ભોંસલે શાસનનું પાટનગર હતું, જેથી તે હજુ પણ રાજ્યમાં દ્વિતીય પાટનગર તરીકેનું સ્થાન ભોગવે છે. વધુમાં પુણે અને નાગપુર ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રોની લાક્ષણિકતાઓને લીધે વધુ અગત્યનાં બન્યાં છે. ઐતિહાસિક ર્દષ્ટિએ જોતાં, ઔરંગાબાદ (5,91,968) મોગલ યુગના અવશેષો ધરાવે છે. વળી તેની નજીકમાં ઇલોરાની ગુફાઓ આવેલી છે. આ ઉપરાંત કોલ્હાપુર, નાસિક (7,23,669), ઉલ્હાસનગર, થાણે વગેરે બીજી અગત્યની શહેરી વસાહતો છે.
ઐતિહાસિક ભૂમિકા : ‘મહારાષ્ટ્ર’ શબ્દની વ્યુત્પત્તિ માટે વિદ્વાનો ભિન્ન ભિન્ન અભિપ્રાયો ધરાવે છે. એક મત એવો છે કે મહારાષ્ટ્ર મલ્લ જાતિના લોકોનો દેશ હતો. ‘મલ્લ’નું ‘મહર’ કે ‘મહાર’ થયું અને તેથી મહારોનું રાષ્ટ્ર એટલે મહારાષ્ટ્ર. વળી કેટલાક વિદ્વાનોના મતે ‘રાષ્ટ્રિક’ જાતિના લોકો અહીં વસેલા તેના પરથી આ પ્રદેશ ‘મહારાષ્ટ્ર’ તરીકે ઓળખાયો. ત્રીજો મત એવો છે કે આર્યો જ્યારે વિંધ્યાચળ પર્વત ઓળંગીને દક્ષિણ તરફ આગળ વધ્યા ત્યારે આ વિસ્તારમાં મોટું અરણ્ય (જંગલ) હતું. તે જોઈ તેમણે ત્યાં મોટી વસાહત પ્રસ્થાપિત કરી અને તેનું નામ ‘મહારાષ્ટ્ર’ રાખવામાં આવ્યું. આ વિસ્તારમાં દંડકારણ્યનો એક ભાગ આવતો હતો અને ‘મહારાષ્ટ્રી’ નામની પ્રાકૃત ભાષા અસ્તિત્વમાં હતી કે જેમાંથી મરાઠી ભાષા ઊતરી આવેલી છે, તે પરથી ‘મહારાષ્ટ્ર’ નામ પડ્યું હોવાનું અનુમાન યોગ્ય જણાતું નથી; કારણ કે લોકોનાં નામ પરથી ભાષાનું નામ પડે છે, પરંતુ તેનાથી ઊલટું હોતું નથી. સાતમી સદીમાં કોતરાયેલા શિલાલેખમાં ‘મહારાષ્ટ્ર’ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. વળી ભારતના પ્રાચીન ગ્રંથોમાં નાસિક, પ્રતિષ્ઠાન (પૈઠણ) અને શૂર્પારક (સોપારા) તેમજ વિદર્ભપ્રદેશનો ઉલ્લેખ થયેલો છે. મૌર્યો અને શુંગ વંશના રાજાઓના સામ્રાજ્યમાં આ પ્રદેશનો સમાવેશ થતો હતો. આ પછીથી શાતવાહન (શાલિવાહન) રાજાઓએ લગભગ છ સદીઓ સુધી ભારતના આ વિશાળ પ્રદેશ પર સ્થાયી રાજ્યસત્તા પ્રસ્થાપિત કરી હતી.
શાતવાહનોનો અસ્ત થયા પછી થોડોક સમય અહીંની પરિસ્થિતિ અસ્તવ્યસ્ત બની, પણ તે પછીથી રાષ્ટ્રકૂટોનો વંશ સ્થપાયો. તેમને હરાવી અહીં ચાલુક્ય રાજાઓએ પોતાની સત્તા જમાવી. આ વંશનો સાતમી સદીમાં થયેલો પરાક્રમી રાજા પુલકેશી બીજો હતો, જેણે ચારે દિશાઓમાં તેની સત્તા પ્રસ્થાપિત કરી હતી, તેમજ ઉત્તર ભારતમાંથી ચડી આવેલા સમ્રાટ હર્ષવર્ધનના સૈન્યને હાંકી કાઢ્યું હતું. સમય પલટાયો અને ફરીથી રાષ્ટ્રકૂટોએ ચાલુક્યોને હરાવ્યા તેમજ અહીં પોતાની સત્તા પ્રસ્થાપિત કરી. આ પછી તેરમી સદીના અંતમાં તેમજ ચૌદમી સદીના પ્રારંભમાં અહીંના યાદવ રાજાઓને હરાવીને અલાઉદ્દીન ખલજીએ મુસ્લિમ સત્તાનો પાયો નાખ્યો. દિલ્હીની મધ્યસ્થ સરકારનું છત્ર ફગાવી દઈ, કર્ણાટક અને આંધ્રના વિસ્તારોમાં જુદાં જુદાં પાંચ મુસલમાન રાજ્યો સ્થપાયાં. શાહજી ભોંસલે અહમદનગરના સુલતાનનો ખંડિયો સરદાર હતો અને પુણે પાસે તેની પોતાની નાનકડી જાગીર હતી. શાહજીના પુત્ર શિવાજીએ યુવાવસ્થામાં જ મહારાષ્ટ્રમાં નવું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું, તેમજ દક્ષિણના સુલતાનોને વશ કર્યા. તેમણે મોગલ સલ્તનતને હચમચાવી મરાઠા રાજ્યનો પાયો નાખ્યો અને સુંદર રાજ્યવ્યવસ્થા પ્રસ્થાપિત કરી.
શિવાજીના મૃત્યુ પછી થોડાક સમયમાં પરિસ્થિતિ વણસી, આમ છતાં મરાઠા સત્તા ટકી રહી. શિવાજીના વંશજો હવે નામના રાજા રહ્યા, પણ તેમના વડાપ્રધાન કે જે ‘પેશવા’ તરીકે ઓળખાતા હતા, તેઓ સાચા સત્તાધીશ બન્યા. બાલાજી વિશ્વનાથ ભટ્ટ એ સૌપ્રથમ પેશવા હતા. આ પછી વારસાગત ચાલેલી પેશવાઈમાં બાજીરાવ અને બાલાજી બાજીરાવ નામના બે મહાન પેશવા થઈ ગયા. આ બ્રાહ્મણોએ યુદ્ધભૂમિ તથા રાજનીતિ આ બંને બાબતોમાં નેતાગીરી પૂરી પાડી. પેશવા મધ્યસ્થ મરાઠા સત્તાનો વડો હતો અને મહારાષ્ટ્રની તળભૂમિમાં એનો સીધો વહીવટ ચાલતો હતો. વળી દૂરનાં ગ્વાલિયર, ઇન્દોર, નાગપુર અને વડોદરાનાં મોટાં રાજ્યો પણ મરાઠા સરદારોના શાસન તળે હતાં. તેઓ પેશવાની આણ માનતાં હતાં. આ રીતે મરાઠા સમવાયતંત્ર ઊભું થયું, પણ સમય જતાં મરાઠા સરદારો કેન્દ્રથી અલગ થતા ગયા. જિતાયેલા પ્રદેશો પરની શાસનવ્યવસ્થા નબળી પડતાં તેમજ પેશવા-કુટુંબમાં આંતરિક કલહનું વાતાવરણ સર્જાતાં મરાઠા શક્તિ ક્ષીણ થતી ગઈ અને બીજી બાજુએ અંગ્રેજોએ ધીમે ધીમે ભારતના ઘણા ભાગો પર પોતાનો કબજો મેળવ્યો.
ઓગણીસમી સદીમાં સમાજસુધારો તથા પશ્ચિમના નવા શિક્ષણના ક્ષેત્રમાં મહારાષ્ટ્રે આગળપડતો ભાગ લીધો. એ સમયે લોકમાન્ય ટિળક, ગોખલે તેમજ મહાદેવ ગોવિન્દ રાનડે જેવા સમાજસુધારકો તથા રાજકીય નેતાઓએ મહારાષ્ટ્ર તથા સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો. સ્વાતંત્ર્યની લડતમાં પણ આ રાજ્યે આગળપડતો ભાગ ભજવ્યો. અહીં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનો જન્મ થયો. મુંબઈ અને મહારાષ્ટ્રનાં અન્ય નગરોના સંખ્યાબંધ નેતાઓએ ટિળક તથા મહાત્મા ગાંધીજીની નેતાગીરી નીચે કાગ્રેસની ચળવળને આગળ વધારી. ગાંધીયુગ દરમિયાન સેવાગ્રામ, એ રાષ્ટ્રવાદી ભારતનું મુખ્ય મથક બન્યું હતું. સ્વાતંત્ર્ય-સંગ્રામના અગ્રસેનાની લોકમાન્ય ટિળક બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમણે દેશને ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે’ – એ મહામંત્ર આપ્યો. તેમણે લાંબો જેલવાસ પણ ભોગવ્યો. આ સિવાય સ્વતંત્ર ભારતના બંધારણના સૌપ્રથમ ઘડવૈયા અને દલિતનેતા ડૉ. ભીમરાવ આંબેડકર પણ આ મહારાષ્ટ્રનું સંતાન હતા.
બ્રિટિશ શાસન દરમિયાન મરાઠી ભાષા બોલનારા વિસ્તારો જુદી જુદી રાજ્યવ્યવસ્થા હેઠળ હતા. આ પૈકી વિદર્ભનો વિસ્તાર મધ્યપ્રાંતમાં હતો. વળી નિઝામના હૈદરાબાદમાં થોડોક ભાગ મરાઠી ભાષા બોલનાર હતો, જે ‘મરાઠાવાડ’ તરીકે ઓળખાય છે. તળ મહારાષ્ટ્ર મુંબઈ ઇલાકામાં હતું. આ ઉપરાંત સાંગલી તથા કોલ્હાપુર જેવાં રજવાડાં પણ હતાં. દેશ સ્વતંત્ર થયા પછી આ બધા વિસ્તારોનું ક્રમશ: એકીકરણ થતું આવ્યું છે. ઈ. સ. 1960ના મે માસની પહેલી તારીખે તેમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું તે જ દિવસે બધા જ મરાઠી ભાષા બોલતા પ્રદેશોને ‘મહારાષ્ટ્ર રાજ્ય’ નામ અપાયું.
બીજલ પરમાર