મલ્લિનાથ (1) : પંદરમી સદીમાં થયેલા સંસ્કૃત ભાષાના લેખક અને ટીકાઓના રચયિતા. તેમના પુત્રનું નામ કુમારસ્વામી હતું. સંસ્કૃત સાહિત્યનાં પંચમહાકાવ્યોની ટીકા(વ્યાખ્યા)ના લેખક તરીકે તેમનું નામ વિદ્વાનોમાં અત્યંત જાણીતું છે. મલ્લિનાથ ‘કોલાચલ’ એવું ઉપનામ ધરાવતા તેલુગુ બ્રાહ્મણ હતા. ‘કોલાચલ’ પદનો નિર્દેશ કાલિદાસના ‘કુમારસંભવમ્’ની પુષ્પિકાઓમાં મળે છે. એ પણ શક્ય છે કે દક્ષિણ ભારતમાં આવેલ ‘કોલાચલ’ કે ‘કોલગિરિ’ નામના સ્થળના નિવાસી હોવાને કારણે આ ઉપનામ તેમણે રાખ્યું હોય. વિજયનગરના રાજા પ્રતાપપ્રૌઢદેવ રાયના તેઓ ન્યાયાધિકારી હતા અને રાજાના કહેવાથી ‘વૈશ્યવંશસુધાર્ણવ’ નામનો ગ્રંથ રચેલો. તેમના પુત્રે વિદ્યાનાથના ‘પ્રતાપરુદ્રીય’ નામના અલંકારગ્રંથ પર ‘રત્નાયણ’ નામની ટીકા લખી છે. તેથી પુત્ર પણ તેમના જેવો જ વિદ્વાન હતો.

મલ્લિનાથ ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય આદિ શાસ્ત્રોના પારંગત હતા. તેમણે પંચમહાકાવ્યોમાંથી કાલિદાસનાં બે મહાકાવ્ય ‘કુમારસંભવમ્’ અને ‘રઘુવંશમ્’ તથા એક ખંડકાવ્ય ‘મેઘદૂતમ્’ ઉપર ‘સંજીવની’ નામે રમણીય અને સરલ ટીકા લખેલી છે. વળી, મહાકવિ ભારવિના ‘કિરાતાર્જુનીયમ્’ મહાકાવ્ય ઉપર ‘ઘંટાપથ’ નામની ટીકા, માઘ કવિ વિરચિત ‘શિશુપાલવધમ્’ મહાકાવ્ય ઉપર ‘સર્વંકષા’ ટીકા અને શ્રીહર્ષરચિત ‘નૈષધીયચરિતમ્’ મહાકાવ્ય ઉપર ‘જીવાતુ’ નામની ટીકા લખી છે. આ ઉપરાંત ભટ્ટિકવિ રચિત ‘ભટ્ટિકાવ્યમ્’ કે ‘રાવણવધમ્’ મહાકાવ્ય ઉપર પણ તેમણે ટીકા લખી છે.

વળી  ઑફ્રેટ’ (Aufretcht) નામના વિદ્વાન દ્વારા સંપાદિત ‘કૅટેલૉગસ કૅટેલેગોરમ’ (Catalogus Catalagorum) નામના બૃહત-ગ્રંથ-ગ્રંથકાર સૂચિપત્રમાં દર્શાવ્યા પ્રમાણે, મલ્લિનાથે ‘રઘુવીર ચરિતમ્’ નામના 17 સર્ગના મહાકાવ્ય (જેમાં શ્રી રામના વનવાસથી માંડીને તેમના રાજ્યાભિષેક સુધીનું કથાનક આવરી લેવામાં આવ્યું છે)ની રચના કરી છે. આ ઉપરાંત ‘ઉદારકાવ્યમ્’ અને ‘નલોદયમ્’ કાવ્ય પણ મલ્લિનાથનાં હોવાનું મનાય છે.

મલ્લિનાથે અલંકારશાસ્ત્રના વિદ્યાધર વિરચિત ‘એકાવલી’ ગ્રંથ ઉપર ‘તરલા’ નામની, તો સંસ્કૃતના શબ્દકોશ ‘અમરકોશ’ના ‘નામલિંગાનુશાસન’ પ્રકરણ ઉપર અને વરદરાજ-કૃત ‘તાર્કિક’ રક્ષા નામની કૃતિ ઉપર ટીકા લખી છે. તેમણે ‘પ્રાયશ્ચિત્ત’ નામનો ધર્મશાસ્ત્રનો ગ્રંથ પણ રચ્યો છે.

તેમની વિવિધ ગ્રંથો ઉપરની સરલ છતાં પાંડિત્યપૂર્ણ ટીકાઓ સંસ્કૃતના અભ્યાસીઓને બહુ જ ઉપકારક નીવડી છે. ‘રઘુવંશમ્’ મહાકાવ્ય ઉપરની પોતાની ટીકામાં મૂળ કવિને કયો પાઠ અભિપ્રેત હતો તેની પણ તેમણે વિચારણા કરી છે.

મલ્લિનાથે જે કાંઈ લખ્યું છે અને કહ્યું છે તે અંગે તેમણે પોતે જ બતાવ્યું છે કે ‘મેં જે કંઈ લખ્યું છે તે મૂલ (આધાર કે પ્રમાણ) વગર લખ્યું નથી, અને જે કાંઈ કહ્યું છે તે અનપેક્ષિત રીતે કે બિનજરૂરી રીતે કહ્યું નથી. મલ્લિનાથે પ્રસંગોપાત્ત, જણાવેલું કે ‘‘કાલિદાસની વાણી અવ્યવસ્થિત વ્યાખ્યાઓના વિષ(ઝેર)ને લીધે જે મૂર્ચ્છિત થઈ ગઈ હતી, તેને જિવાડવા માટે આ ‘સંજીવની’ વ્યાખ્યા લખાઈ છે.’’

સંસ્કૃત કાવ્ય-નાટ્ય-સાહિત્યના વિદ્વાન ટીકાકારોમાં મલ્લિનાથનું નામ મોખરે છે.

ભગવતીપ્રસાદ પંડ્યા