મલ્લિકા સારાભાઈ

January, 2002

મલ્લિકા સારાભાઈ (જ. 9 મે 1953, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતનાં નૃત્યાંગના અને અભિનેત્રી. જન્મ અમદાવાદના જાણીતા સારાભાઈ પરિવારમાં મેધાવી માતાપિતા મૃણાલિનીબહેન અને વિક્રમભાઈને ત્યાં થયો. અમદાવાદમાં બી.એ. તથા ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટમાંથી એમ.બી.એ. પદવીઓ મેળવી. માનસશાસ્ત્રમાં સંશોધનમહાનિબંધ લખી ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી. બીજી બાજુ માતાની ‘દર્પણ’ સંસ્થામાં પ્રશિક્ષણ લઈ ભરતનાટ્યમ્ અને કુચિપૂડી નૃત્યોમાં પ્રવીણતા મેળવી.

પ્રારંભે તેમણે ગુજરાતી તથા હિંદી ચલચિત્રના ક્ષેત્રે અભિનય આપી તેમની કલાની પ્રતીતિ કરાવી. ‘મેના ગુર્જરી’, ‘અષાઢી બીજ’, ‘પીઠીનો રંગ’, ‘સોનબા અને રૂપબા’, ‘ભાથીજી મહારાજ’, ‘અજવાળી રાત અમાસની’, ‘નાગપાંચમ’, ‘હરસિદ્ધિ માતા’, ‘મા કાળી પાવાવાળી અને બળિયાદેવ’ જેવાં ધાર્મિક, સામાજિક અને લોકકથા-આધારિત ચિત્રોમાં મુખ્ય પાત્રમાં અભિનય કર્યો. ‘સોનલ’, ‘મુઠ્ઠીભર ચાવલ’, ‘હિમાલય સે ઊંચા’, ‘શીશા’, ‘કથા’ તથા ‘અમ્મા’ જેવાં અન્યભાષી ચિત્રોમાં પણ કામ કર્યું. શ્રેષ્ઠ કલાકાર તરીકે તેમને સંખ્યાબંધ માનસન્માન મળ્યાં. ગુજરાત સરકારનો કલાક્ષેત્રનો ગૌરવ પુરસ્કાર પણ તેમને અપાયો.

મલ્લિકા સારાભાઈ

ચલચિત્ર સાથે ટીવીના નાના પડદા માટે પણ તેમણે વિવિધ કાર્યક્રમો કર્યા. ‘ટર્નિંગ પોઇન્ટ’, ‘આઇ વિટનેસ’, ‘ઑન એર વિથ મલ્લિકા’, ‘સ્ટોરી ટેલર’ આદિ સંખ્યાબંધ શ્રેણીઓ માટે પ્રસ્તુતકર્તાની ભૂમિકા કરી. પર્યાવરણના વિષયની તથા અન્ય શૈક્ષણિક શ્રેણીઓમાં અભિનય તથા નિર્દેશન જેવી કામગીરી પણ કરી.

આ સંદર્ભે મલ્લિકા સારાભાઈને અભિનયના અનેકવિધ પુરસ્કારો પણ પ્રાપ્ત થયા. ‘મુઠ્ઠીભર ચાવલ’ તથા ‘શીશા’ માટે ક્રિટિક્સ ઍવૉર્ડ, ‘મેનાગુર્જરી’માં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર, પૅરિસની નૃત્યસંસ્થા તરફથી નૃત્યસૉલો માટેનો ગોલ્ડન સ્ટાર ઍવૉર્ડ, ‘કથા’ ચલચિત્રમાં સહાયક અભિનેત્રીનો પુરસ્કાર, મહારાષ્ટ્ર સરકારનો ભારતીય નૃત્યશૈલી માટેનો પુરસ્કાર, દસ્તાવેજી ચલચિત્રો માટેનો ગુજરાત સરકારનો પુરસ્કાર તથા ગુજરાત સરકારનો કલા માટેનો અપાતો ‘ગૌરવ પુરસ્કાર’ તેમને પ્રાપ્ત થયા છે.

મલ્લિકા સારાભાઈએ આ ઉપરાંત કલાવિષયક વિવિધ પુસ્તકોનાં સંપાદનો કર્યાં છે. ‘શૅડો પપેટ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ભવાઈ ઍન્ડ ઇટ્સ ટિપિકલ આહાર્ય’, ‘ક્રિષ્ના ઍન્ડ શ્રીનાથજી’, ‘અન્ડરસ્ટેન્ડિંગ કુચીપુડી’, ‘પરફૉર્મિંગ આર્ટ્સ ઑવ્ કેરાલા’, ‘ડૉક્યુમેન્ટિંગ ચંડીગઢ ગ્રંથ 1’, ‘પાર્વતી-ગૉડેસ ઑવ્ લવ’, ‘ફ્રૉમ મસ્ટર્ડ ફિલ્ડ્ઝ ઑવ્ ગોવલકોંડા ડાયમન્ડ’ જેવાં કલાવિષયક પુસ્તકોનાં સંપાદનો કર્યાં છે. આ ઉપરાંત વિવિધ સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સાથે રહીને તેઓ અનેકવિધ કામગીરી કરતાં રહ્યાં છે; જેમ કે વિવિધ શૈક્ષણિક પ્રકલ્પોમાં તેમણે ‘જાગૃતિ’ અંતર્ગત કામ કર્યું છે. વળી ‘પરિવર્તન’ અંતર્ગત સ્ત્રીજાગૃતિ માટેની કામગીરી કરી છે. યુનેસ્કોના ‘હેરિટેઝ પ્રૉજેક્ટ’માં તથા યુનિસેફના ‘ગ્રામસ્વાસ્થ્ય’ અને ‘એઇડ્ઝ જાગૃતિ’ માટેની યોજનાઓમાં પણ તેમનો સહકાર સાંપડતો રહ્યો છે.

મલ્લિકાની એક નોંધપાત્ર સિદ્ધિ ભારતીય કળાને પરદેશોમાં લોકપ્રિય બનાવી તે ગણાવી શકાય. તેમણે યુરોપીય દેશો, અમેરિકી દેશો, અગ્નિ એશિયાઈ દેશો, ચીન, પશ્ચિમએશિયાઈ દેશો, આફ્રિકી દેશો અને ઑસ્ટ્રેલિયાનાં મોટાં નગરોમાં નૃત્યપ્રદર્શનો પ્રયોજ્યાં. પરદેશોની અગ્રગણ્ય નૃત્યનાટિકાઓમાં ભૂમિકાઓ ભજવી. પીટર બ્રુકના ‘મહાભારત’માં દ્રૌપદીની ભૂમિકા સરસ રીતે ભજવી. જૉન માર્ટિન સાથે ‘શક્તિ’માં ભારતીય નારીની ભૂમિકા પ્રસ્તુત કરી. ‘સીતાની પુત્રી’, ‘ઇટાન કહાની’, ‘કલિયુગ’ અને ‘વી ફોર’માં અભિનય આપ્યો. ‘દર્પણ’નાં ‘સિટી સ્ક્રૅપ્સ’, ‘કૉન્ફરન્સ ઑવ્ ધ બર્ડ્ઝ’ આદિમાં ભૂમિકા ઉપરાંત નૃત્યનિર્દેશનનું કામ પણ કર્યું.

મલ્લિકાબહેનની બહુમુખી પ્રતિભામાં નૃત્યનિર્દેશન અને નૃત્ય-સંગીતાલેખન (choreography) શિરમોર સમાન છે. ઉપર નોંધી તેમાંની કેટલીક ઉપરાંત ‘ચેઇન્જિંગ પ્લેન્સ’, ‘ટ્રાન્સપોઝ્ડ હીડ્ઝ’ આદિ ઘણી અંગ્રેજી નૃત્ય-નાટિકાઓ પરદેશોમાં પ્રસ્તુત કરાઈ તે તથા દેશમાં પ્રસ્તુત કરાયેલી ‘શકુંતલા’, ‘યાત્રાગુર્જરી’, ‘કૃષ્ણ’, ‘અશ્વમેધ’ આદિમાં તેમણે નૃત્યસંગીતાલેખિકા (choreographer) તરીકે તેમની કુશળતા સિદ્ધ કરી બતાવી છે. વળી તેઓ ટીવીવાહિની માટે ‘તારા’ શ્રેણીના નિર્માણમાં વ્યસ્ત રહે છે.

હરીશ રઘુવંશી