મલ્લિનાથ (2) : જૈન ધર્મના 24 તીર્થંકરોમાં 19મા તીર્થંકર. તેઓ વર્તમાન અવસપ્પિણી કાળના 19મા તીર્થંકર છે. એમના પિતાનું નામ રાજા કુંભ અને માતાનું નામ પ્રભાવતી હતું. એમનાં માતાપિતા મિથિલાનાં રાજારાણી હતાં. તેથી તેમની જન્મભૂમિ મિથિલાનગરી હતી. તેઓ સમેતશિખરમાં નિર્વાણ પામેલા. મંગળ કળશ એ તેમનું ચિહ્ન છે. તેમના ગર્ભવાસ દરમિયાન તેમની માતાને મલ્લિકાનાં ફૂલોની વાસ આવી તેથી તેમનું નામ મલ્લિનાથ રાખવામાં આવ્યું એવી એક અનુશ્રુતિ છે. જ્યારે બીજી અનુશ્રુતિ મુજબ તેમની માતાને છયે ઋતુઓનાં ફૂલોની શય્યામાં સૂવાનો દોહદ જાગ્યો, જે દેવોએ પૂર્ણ કરેલો; આથી તેમનું નામ ‘મલ્લિનાથ’ પાડવામાં આવેલું.

દિગંબર જૈનો એમ માને છે કે તેમણે પોતાના આગલા જન્મમાં પોતાના 6 મિત્રો સાથે તપમાં કપટ કર્યું તેથી તેઓ સ્ત્રીના કપટવેશે તીર્થંકર થયેલા.

શ્વેતાંબર જૈનો તેમને પુરુષને બદલે સ્ત્રી તરીકે એટલે મલ્લિકુમારી તરીકે અવતરેલાં માને છે. પિતા રાજા કુંભે જુદા જુદા છ રાજાઓએ મલ્લિકુમારી માટે લગ્નના પ્રસ્તાવ મૂકેલા તે ન સ્વીકાર્યા આથી તે છ રાજાઓએ રાજા કુંભ પર આક્રમણ કર્યું. અંતે, મલ્લિકુમારીએ તેમને ધર્મ, ધ્યાન વગેરેમાં લગની બતાવી આક્રમણમાંથી પાછા વાળ્યા. એ રાજાઓ તેમને પૂજ્યભાવથી વંદન કરી ઘેરો ઉઠાવી પાછા ફર્યા. એ પછી બીજા ભવે તેઓ મલ્લિનાથના પુરુષાવતારે જન્મ્યા અને ધર્મપ્રવર્તન કરી અંતે સમેતશિખરમાં નિર્વાણ પામ્યા એવી શ્વેતાંબરોની પરંપરા છે. આ મલ્લિનાથની મૂર્તિ ધ્યાનસ્થ પુરુષની જ છે એ નોંધવું ઘટે.

ઈન્દુભાઈ દોશી