મરાઠા વિગ્રહો : અંગ્રેજો અને મરાઠા વચ્ચે થયેલા વિગ્રહો. અંગ્રેજોની કૂટનીતિને કારણે ચારેય અંગ્રેજ-મરાઠા વિગ્રહોમાં અંગ્રેજો વિજયી બન્યા. મરાઠાઓનાં વર્ષોથી ચાલી આવતાં પરસ્પર મતભેદો અને ઈર્ષ્યાને કારણે તેમનો આ વિગ્રહોમાં પરાજય થયો હતો. પ્રથમ અંગ્રેજ-મરાઠા વિગ્રહ(1778)નું મૂળ કારણ તે અંગ્રેજોની મરાઠાઓની ફાટફૂટનો લાભ લઈ કોઈ પણ રીતે મુંબઈ દ્વીપની આસપાસનાં કિલ્લાઓ, બંદરો અને પ્રદેશો મરાઠાઓ પાસેથી જીતી લઈ રાજ્યવિસ્તાર કરવાની બદદાનત હતું. અંગ્રેજોને પોતાની પ્રદેશ-વિસ્તારની મહત્વાકાંક્ષા સંતોષવી હતી. બ્રિટિશ સરકારે નાના ફડનવીસને મુખ્ય વહીવટકર્તાના પદેથી અને સવાઈ માધવરાવને પેશ્વાપદેથી દૂર કરી રાઘોબાને પેશ્વાપદે પુન: સ્થાપિત કરવાનું કાવતરું કર્યું. તેમાં રાઘોબાના પક્ષકાર મરાઠી સરદારોનો સાથ લઈને પુણે પર આક્રમણ કરવાનું નક્કી કરાયું.

9મી સપ્ટેમ્બર 1777ના રોજ છત્રપતિ રાજારામનું અવસાન થતાં તેની જગ્યાએ શાહુ બીજો પુણેની ગાદી ઉપર આવ્યો; પરંતુ રાઘોબાને પેશ્વાપદે નિયુક્ત કરી શકાય તેમ ન લાગતાં વૉરન હેસ્ટિંગ્ઝે ગૉડાર્ડને પુણે મંત્રણા કરવા મોકલ્યો; પરંતુ તે પુણે પહોંચે તે પહેલાં જ મહાદજીના લશ્કરે બ્રિટિશ લશ્કરને વડગાંવ આગળ સખત હાર આપી. ભારે નુકસાન વેઠતું રાઘોબા-અંગ્રેજોનું સંયુક્ત લશ્કર માંડ માંડ તળેગાંવ પહોંચ્યું; પરંતુ અંગ્રેજોએ પીછેહઠ શરૂ કરી કે તુરત જ મરાઠા લશ્કરે તેને ઘેરી લીધું. રાઘોબાએ બિનશરતી શરણાગતિ સ્વીકારી અને પુણે સરકારને પોતાની જાત સોંપી. જાન્યુઆરી, 1777માં અંગ્રેજો-મરાઠા વચ્ચે વડગાંવ મુકામે સંધિ થઈ; જેમાં આષ્ટી, થાણે અને ગુજરાતમાં જીતેલા પ્રદેશો અંગ્રેજોએ પુણે સરકારને પાછા સોંપવા એમ ઠરાવવામાં આવ્યું. રાઘોબાના પેશ્વા તરીકેના બધા જ હક્કો રદ કરવામાં આવ્યા અને ઝાંસીમાં બાર લાખની વાર્ષિક જાગીર આપવાનું સ્વીકાર્યું.

મરાઠા સરદારો પોતાના આંતરિક મતભેદો ભૂલીને, મરાઠી સત્તા બચાવવા અંગ્રેજો સામે સંયુક્ત મોરચો તૈયાર કરવા લાગ્યા. બાજીરાવને પણ લાગ્યું કે અંગ્રેજો સાથે વસઈના કરાર કરી મોટી ભૂલ થઈ છે. આથી બાજીરાવે શિંદે સાથે ગુપ્ત પત્રવ્યવહાર પણ ચલાવ્યો; પરંતુ મરાઠા સરદારો કટોકટીના સમયે પણ આંતરિક મતભેદો ન ભૂલ્યા એ સૌથી મોટું આશ્ચર્ય હતું.

આ વિગ્રહનું તાત્કાલિક કારણ એ હતું કે આર્થર વેલેસ્લીની ઇચ્છા મહારાષ્ટ્રમાં પણ અંગ્રેજી રાજ્ય સ્થાપવાની હતી. આથી વેલેસ્લીએ અંગ્રેજ પ્રતિનિધિ કર્નલ કૉલિન્સને શિંદે પાસે સહાયકારી યોજના સ્વીકારવા માટે મોકલ્યો; પરંતુ શિંદેએ એવી કોઈ પણ યોજના સ્વીકારી, અંગ્રેજોની ગુલામી સ્વીકારવાનો સાફ ઇનકાર કર્યો; જેમાંથી આ વિગ્રહની શરૂઆત થઈ. આ યુદ્ધ મરાઠી રાજ્યમાં અને ઉત્તર ભારતમાં લડાયું હતું, જેમાં શિંદેનો પરાજય થયો. પોતાના હાથમાંથી ઉત્તર હિંદનું સામ્રાજ્ય ઝડપથી સરકતું જોઈને તે વ્યગ્ર બન્યો અને તેણે દક્ષિણનું અજેય ગણાતું લશ્કર મોકલી દીધું. કર્નલ મેરેએ શિંદેનાં ગુજરાત, બુંદેલખંડ, ચાંપાનેર અને પાવાગઢ જીતી લીધાં. ઓરિસાનું જગન્નાથપુરી, બાલેશ્વર અને કટક અંગ્રેજોએ જીતી લઈ, તેનું સામ્રાજ્ય ખતમ કરી નાંખ્યું. શિંદેને અંગ્રેજો સાથે સંધિ કરવી પડી. અંગ્રેજોએ ભોંસલે અને સિંધિયાનાં સંયુક્ત લશ્કરોને ઔરંગાબાદના અસાઈ મુકામે હરાવ્યાં. અંગ્રેજોએ રઘુજી ભોંસલેની રાજધાની નાગપુર પર આક્રમણ કરવાની તૈયારી કરી, પરંતુ ભોંસલેને લાગ્યું કે પોતે એકલો પડી ગયો છે, તેથી તેણે અંગ્રેજો સાથે કરાર કર્યા. બંને વચ્ચે 17 ડિસેમ્બર 1803ના રોજ દેવગાંવની સંધિ થઈ. આ સંધિએ ભોંસલે અને શિંદેને અલગ કરી દીધા. શિંદેને પણ નાછૂટકે 30 ડિસેમ્બરે સુરજી અંજનગાંવની સંધિ સ્વીકારવી પડી.

યશવંતરાવ હોળકરે ઔરંગાબાદમાંથી ચોથ ઉઘરાવી, પરંતુ વેલેસ્લીએ તેને ન રોકતાં, તે ઉત્સાહિત થઈ ઉજ્જૈન શહેર લૂંટી જયપુર તરફ આગળ વધ્યો. જયપુર, જોધપુર અને ભરતપુરના રાજાઓએ અંગ્રેજો સાથે પહેલેથી સંધિઓ કરેલી. એટલે જયપુરનું આક્રમણ અંગ્રેજો માટે સીધો જ પડકાર હતો; પરંતુ હોળકરે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા જોધપુરના રાજા અબુજી, માછેરીના રાજારાવ વગેરે ઘણાને પત્રો લખ્યા; પરંતુ રાજારાવે હોળકરનો પત્ર લૉર્ડ લેઇકને આપી દીધો. આથી હોળકરની બેવડી ચાલ ખુલ્લી પડી ગઈ. હોળકરે દોઆબ તથા બુંદેલખંડનાં કેટલાંક પરગણાં પોતાને સોંપી દેવા જણાવ્યું; પરંતુ માંગણી વધુપડતી હોવાથી મંજૂર કરી શકાય તેવી રજૂ કરવા લેઇકે જણાવ્યું; પરંતુ હોળકરે તેમને ધમકી આપી કે હું તમારા પ્રદેશો લૂંટીને, બાળીને ખાક કરી નાંખીશ. હોળકરે લશ્કરોની મદદથી અજમેર-પુષ્કર લૂંટ્યાં અને જયપુર પર તૂટી પડ્યો. છેવટે લેઈકે ભરતપુરને ઘેરો ઘાલ્યો. રણજિતસિંહે ગઢની અંદરથી પ્રતિકાર કરવા માંડ્યો અને હોળકરનાં લશ્કરોએ કર્નલ લેઇકને ઘેરો ઉઠાવી લેવાની ફરજ પાડી. અજેય ભરતપુર સાથે સંધિ કરવાની સંયુક્ત લશ્કરોએ અંગ્રેજોને ફરજ પાડી. પરંતુ તે પછી બાજી પલટાઈ ગઈ. રણજિતસિંહે અંગ્રેજો સાથે પોતાની તરફેણમાં સંધિ કર્યા બાદ, હોળકરનો સાથ છોડ્યો. યશવંતરાવ એકલો પડી જતાં તેણે ઈ. સ. 1805માં અંગ્રેજો સાથે રાજઘાટ મુકામે સંધિ કરી, જે અનુસાર હોળકરના બધા પ્રદેશો જપ્ત કરાયા.

ઈ.સ. 1802માં પેશ્વા બાજીરાવે વસઈની સંધિ કરી. તદનુસાર તેને સહાયકારી યોજના સ્વીકારવી પડી હતી; પરંતુ ગુમાવેલા રાજ્ય પરનું અંગ્રેજ સાર્વભૌમત્વ તેને ખૂંચતું હતું. પેશ્વાની બેદરકારીને લીધે સમગ્ર રાજ્યમાં અંધાધૂંધી અને અવ્યવસ્થા ફેલાઈ હતી. પેશ્વાએ એક યા બીજા કારણસર વિભિન્ન શાસકો પાસેથી જાગીરો જપ્ત કરી. સહાયકારી યોજના સ્વીકારનાર તમામ મરાઠા સરદારોને થોડા સમયમાં જ અંગ્રેજોની બદદાનતભરી નીતિનાં ફળ ભોગવવાં પડ્યાં હતાં. પરસ્પરની ઈર્ષ્યા અને સ્પર્ધાએ જ ગુલામ બનાવી આપત્તિમાં મૂક્યા હોવાનું તેમને લાગ્યું.

પેશ્વા બાજીરાવ–અંગ્રેજો વચ્ચે થયેલી વસઈની સંધિ પછી અંગ્રેજોનો બાજીરાવ પરનો વિશ્વાસ ઊઠી ગયો. પેશ્વા વડોદરાના ગાયકવાડ પાસે ખંડણીની રકમ માંગતો હતો. પેશ્વાએ આ રકમ ફતેહસિંહ પાસે માંગી. ફતેહસિંહે પોતાના પ્રતિનિધિ ગંગાધર શાસ્ત્રીને હિસાબ સમજવા પુણે મોકલ્યો; પરંતુ પેશ્વાની ઇચ્છા પોતાના વિશ્વાસુ ત્ર્યંબકજી ડિંગલેને ગુજરાતનો વહીવટ સોંપવાની હતી. પરંતુ પેશ્વાએ વાટાઘાટોમાં સમય પસાર કર્યો. છેવટે શાસ્ત્રીએ નવો માર્ગ કાઢ્યો કે ગાયકવાડ લ્હેણી રકમના બદલામાં વાર્ષિક 7 લાખની ઊપજવાળો પ્રદેશ પેશ્વાને આપે અને એ રીતે બધું દેવું માંડી વાળે. પેશ્વાએ તે સૂચનને માન્ય રાખ્યું. શાસ્ત્રી અને પેશ્વા વચ્ચેના સંબંધો બગડ્યા. બીજી બાજુ ત્ર્યંબકજી ડિંગલે પેશ્વાની પ્રેરણાથી વેર લેવા અધીરો બન્યો. એલ્ફિન્સ્ટને ત્ર્યંબકજી ડિંગલેને સોંપી દેવા પેશ્વાને કડક સૂચના આપી; પરંતુ ત્ર્યંબકજી ડિંગલે અંગ્રેજોની નજરકેદમાંથી નાસી છૂટ્યો. આથી એલ્ફિન્સ્ટન વધુ રોષે ભરાયો. તેણે કર્નલ સ્મિથને પુણે પર આક્રમણ કરવા આદેશ આપ્યો. બાજીરાવે ડરીને ત્ર્યંબકજીના તમામ કિલ્લાઓ સોંપી દીધા. તેમ છતાં શંકાથી પ્રેરાઈને અંગ્રેજોએ પેશ્વા પર કડક જાપતો મૂક્યો. આથી બાજીરાવે કંટાળીને અંગ્રેજો વિરુદ્ધ મરાઠી સરદારોનો એક પ્રબળ સંઘ રચવાનો પ્રયત્ન કર્યો, જેમાંથી આ વિગ્રહની શરૂઆત થઈ.

નાગપુરના મુધોજી ભોંસલેને પણ પેશ્વાની જેમ અંગ્રેજોના અંકુશો ખૂંચવા લાગ્યા હતા. તેણે અને પેશ્વાએ મળીને અંગ્રેજોને દૂર કરવાનો નિર્ણય કર્યો. એલ્ફિન્સ્ટને પેશ્વાને પુણે કરાર કરવાની ફરજ પાડી; પરંતુ પેશ્વાએ પુણેની અંગ્રેજ કચેરીના કારકુનોને લાંચ આપી ફોડ્યા અને તે કચેરી પર હુમલો કરી બાળી નાંખી. બીજી બાજુ પેશ્વાના સેનાપતિ બાપુ ગોખલેને ખડકી ખાતેની છાવણી પર કરેલા હુમલામાં પરાજય સાંપડ્યો; પરંતુ પેશ્વાએ મુક્તિ માટેનો અંતિમ પ્રયાસ કર્યો. પેશ્વા અને અંગ્રેજો વચ્ચે આષ્ટીનું યુદ્ધ લડાયું, જેમાં પેશ્વાનો વીર સેનાપતિ બાપુ ગોખલે મરણ પામ્યો. આષ્ટીના યુદ્ધમાં હારેલા પેશ્વા માટે હવે અંગ્રેજોને શરણે ગયા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પહેલી જૂન, 1818ના રોજ પેશ્વા માલ્કમને શરણે આવ્યો અને અસીરગઢની સંધિ સ્વીકારી. પેશ્વાને પોતાની સત્તા, હોદ્દો અને હક્ક જતાં કરવાં પડ્યાં. હવે તે માત્ર આશ્રિત બની ગયો. આમ લાંબા સમયથી ચાલ્યા આવતા દુ:ખદ નાટકનો અંત આવ્યો.

ચંદ્રબાળા દુદકિયા