મધ્યાંતરી સ્વસ્થતા (lucid interval) : માથાને થયેલી ઈજા પછી ઉદભવતી થોડા સમયની બેભાનાવસ્થા તથા ઈજાને કારણે મગજમાં ખૂબ લોહી વહી ગયું હોય અને તેને કારણે ઉદભવતી બેભાનાવસ્થાની વચ્ચેનો સભાનાવસ્થાનો ટૂંકો સમયગાળો. માથાને જ્યારે જોરદાર હલાવી નાંખતી ઈજા થાય ત્યારે ખોપરીમાંની મગજની મૃદુપેશીનું કાર્ય થોડાક સમય માટે ઘટી જાય છે અને દર્દી બેભાન થઈ જાય છે. આ સ્થિતિને વિકંપન અથવા વિક્ષોભ (concussion) કહે છે. મગજની આસપાસ આવરણો છે. તેનું સૌથી બહારનું આવરણ જાડું છે. તેને ર્દઢતાનિકા (duramater) કહે છે. ર્દઢતાનિકા અને ખોપરીના હાડકા વચ્ચે જ્યારે લોહી ઝમે ત્યારે તે લોહીનો ગઠ્ઠો બનાવે છે. આ લોહીનો ગઠ્ઠો મગજને દબાવે છે અને તેથી દર્દી બેભાન બને છે. વિકંપન કે વિક્ષોભથી થતી બેભાનાવસ્થા કરતાં આ પ્રકારની બેભાનાવસ્થા જુદી છે અને તે જીવનને માટે જોખમી છે. વિકંપન કે વિક્ષોભથી થતી બેભાનાવસ્થા અને લોહીના ગઠ્ઠાથી મગજ દબાય અને તેથી થતી બેભાનાવસ્થા વચ્ચે જો થોડો સમયગાળો રહે કે જેમાં દર્દી પોતાનું ભાન પાછું મેળવે તો તેને મધ્યાંતરી સ્વસ્થતા કહે છે.

સામાન્ય રીતે ઓછા વ્યાસની શિરામાંથી લોહી ઝમે ત્યારે આવું બને છે; પરંતુ જો મોટા પોલાણવાળી નસ કે ધમનીમાંથી લોહી વહે ત્યારે તે ઝડપથી વહેતું હોવાથી ક્યારેક મધ્યાંતરી સ્વસ્થતાનો સમયગાળો પણ મળતો નથી અને તેથી મસ્તિષ્કી વિક્ષોભમાંથી દર્દી સીધો મગજ ઉપરના લોહીના ગઠ્ઠાના દબાણથી  બેભાન બને છે. માથાને થયેલી ઈજા પછી દર્દી જ્યારે પાછો સભાનાવસ્થામાં આવે ત્યારે તેને થોડાક સમય માટે નિરીક્ષણ હેઠળ રખાય છે; જેથી તે મધ્યાંતરી સ્વસ્થતાના સમયગાળામાં છે કે નહિ તેની ખાતરી કરી લઈ શકાય.

દીપક ડી. પટેલ

શિલીન નં. શુક્લ