મઠ : સાધુ, સંન્યાસીઓ અને વૈરાગીઓનું ધાર્મિક નિયમાનુસારનું નિવાસસ્થાન. સાધુ-સંતોનાં રહેઠાણ તથા વિદ્યાર્થીઓના અભ્યાસ દરમિયાન રહેવા માટે વિભિન્ન સંપ્રદાયોના મઠ પ્રાચીન સમયથી બનાવવામાં આવે છે. આવા મઠોમાં કોઈ સંપ્રદાયનું મંદિર, દેવની મૂર્તિ, ધાર્મિક ગ્રંથાગાર વગેરે હોય છે તથા મહન્ત અને શિષ્યો ત્યાં રહેતા હોય છે. મઠની માલિકીની જમીન, સંપત્તિ, મકાનો વગેરે પણ હોય છે. તેની આવકમાંથી મઠનો નિભાવ થયા કરે છે. કેટલાક રાજાઓ અને શ્રીમંતો પ્રતિવર્ષ મઠને ઉદારતાપૂર્વક દાન આપતા હોય અથવા જમીન આપતા હોય એવા પણ અનેક દાખલાઓ મળે છે.

બોધિગયા (બિહાર) ખાતેનો બૌદ્ધ મઠ

બૌદ્ધ ધર્મમાં મઠને વિહાર કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં બૌદ્ધ ધર્મ પ્રચલિત હતો ત્યારે ભારતમાં અનેક વિહારો બાંધવામાં આવ્યા હતા. ત્યાં હજારો ભિક્ષુઓ રહેતા હતા તથા વિદ્યાભ્યાસ કરતા હતા. મ્યાનમાર (બર્મા) અને થાઇલૅન્ડમાં શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓ આજેય મઠોમાં રહે છે. તિબેટમાં કેટલાક ઘણા મોટા મઠો આવેલા હોય છે.

આદિ શંકરાચાર્યે ભારતમાં ચાર દિશામાં ચાર મઠ સ્થાપી તે પોતાના શિષ્યોને ધર્મપ્રચારાર્થે સોંપ્યા હતા. શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયના અનેક આચાર્યોએ મઠ સ્થાપ્યા હતા. જૈન ધર્મના મઠ પણ સ્થાપવામાં આવતા હતા.

જૂના સમયમાં ધર્મશાળાની જેમ મઠ પણ પ્રવાસીઓનું આશ્રયસ્થાન હતું. કેટલાક મઠમાં અન્નક્ષેત્રો ચલાવવામાં આવતાં. પ્રાચીન ગુરુકુળ મુજબ આ મઠોની વ્યવસ્થા ચાલતી હતી. આધુનિક સમયમાં હરદ્વાર જેવાં ધાર્મિક સ્થળોએ વિવિધ સંપ્રદાયોના મઠ આવેલા છે.

ઈ. સ. 320માં પેકોમિયસે પ્રથમ ખ્રિસ્તી મઠ સ્થાપ્યો. તેમાં પાદરીઓ અલગ ઓરડીમાં રહેતા, પરંતુ સૌ સાથે જમતા અને પ્રાર્થના કરતા. મધ્યયુગમાં યુરોપના મઠો શિક્ષણનાં મોટાં કેન્દ્રો બન્યાં હતાં. આ સમયે યુરોપમાં અનેક સ્થળે મઠનાં સેંકડો મકાનો બાંધવામાં આવ્યાં હતાં. મઠને અનેક લોકો તરફથી આર્થિક સહાય મળતી હતી. બ્રિટન અને આયર્લૅન્ડના બધા મઠ ખ્રિસ્તીઓના સ્થાપેલા હતા. તેમાંના મોટા ભાગના હવે અવશેષરૂપે રહ્યા છે. આયર્લૅન્ડમાં હજી રોમન કૅથલિકોના ઘણા મઠ છે. મઠમાં અલગ અલગ પ્રવૃત્તિઓ માટે અલગ (ઉ. ત., ધ્યાન માટે, ભોજન માટે, સૂવા માટે, માંદાની માવજત માટે) ઓરડાઓ રાખવામાં આવે છે.

જયકુમાર ર. શુકલ