મઝુમદાર, ચિત્રાવનુ (જ. 1956, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. 1975માં કૉલકાતાની ગવર્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં વિદ્યાર્થિની તરીકે જોડાયાં. 1981માં અહીંથી ચિત્રકલાનાં સ્નાતક થયાં. કૉલકાતાની એકૅડમી ઑવ્ ફાઇન આર્ટ્સ (1985), કૉલકાતાની બિરલા એકૅડેમી ઑવ્ આર્ટ એન્ડ કલ્ચર (1987), મુંબઈની જહાંગીર આર્ટ ગૅલેરી (1989) તથા નવી દિલ્હીની લલિત કલા અકાદમી (1994) ખાતે ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. આ ઉપરાંત તેમણે અનેક સમૂહ-પ્રદર્શનોમાં ભાગ લીધો; જેમાંથી પૅરિસના ગ્રાં પાલાઇ (GRAND PALAIS) ખાતેનો સાલોં દોતોમ (SALON D’AUTOMNE) સૌથી વધુ ધ્યાનાકર્ષક રહ્યો. તેમનાં ચિત્રો નવી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ તથા કૉલકાતાની બિરલા એકૅડેમી ઑવ્ આર્ટ અને કલ્ચર ખાતે સંગ્રહ પામ્યાં છે.

અમિતાભ મડિયા