મજમુદાર, મંજુલાલ રણછોડલાલ (જ. 18 સપ્ટેમ્બર 1897, પેટલાદ, જિ. ખેડા; અ. 11 નવેમ્બર 1984, વડોદરા) : ગુજરાતના અગ્રણી સારસ્વત. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું અને તેમનું કાર્યક્ષેત્ર પણ વડોદરા રહ્યું. અભ્યાસ દરમિયાન 1914માં ‘વસન્ત’માં ‘નાનો વિહારી’ નામે બાલવાર્તા તથા 1915માં વડોદરા ‘કૉલેજ મિસેલેની’માં ‘નરસિંહ મહેતાની કવિતા’ પ્રગટ થયાં. કૉલેજના અભ્યાસ દરમિયાન કાવ્યો તથા વિવેચનલેખો લખતા. સંસ્કૃત તથા અંગ્રેજી વિષયો સાથે 1918માં બી.એ. થયા. 1921માં એલએલ.બી થયા તથા ભરૂચમાં રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે જોડાયા. જૂન, 1922માં તેમણે સુદામા-વિષયક આઠ મધ્યકાલીન કાવ્યકૃતિઓનું ‘સુદામાચરિત્ર’ના નામે સંપાદન કરી આપ્યું. તેમણે વકીલાત શરૂ કરી, પરંતુ સાહિત્યના જીવ હોવાથી તે છોડીને મે 1928માં વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં ‘સયાજી સાહિત્યમાલા’ના સંપાદક તરીકે જોડાયા. તેમણે પ્રેમાનદંના ‘રણયજ્ઞ’નું સંપાદન કરી 1923માં પ્રગટ કર્યું. તેમાં પ્રેમાનંદયુગની સાલવારી તથા ગુજરાતી કાવ્યોની સૈકાવાર રચનાઓ પરિશિષ્ટ રૂપે સંપાદિત કરી. તેથી તે રચનાનું મહત્વ વધી ગયું. તે 1924થી મૅટ્રિકની પરીક્ષાના પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારાવાથી તેમની પ્રતિષ્ઠા વધી. તે પછી તેમણે અભિમન્યુવિષયક લોકસાહિત્ય સાથેનું ‘અભિમન્યુ આખ્યાન’ સંપાદિત કરીને પ્રગટ કર્યું. આ દરમિયાન એમણે ‘રાસમાળા’ની ત્રીજી આવૃત્તિ માટે ‘જસમાના રાસડા’ના ખંડોનું સંપાદન કરી તેમાં પ્રકટ કર્યું. મુંબઈ યુનિવર્સિટીએ આપેલી સંશોધન ગ્રાન્ટ લઈને તેમણે ‘નરસિંહ અને મીરાંનાં પદોનો મારવાડમાં પ્રચાર’ નામનો લેખ પ્રગટ કર્યો. એ માટે તેમને ‘નારાયણ મહાદેવ પરમાનંદ પ્રાઇઝ’ મળ્યું (1941). મે 1928માં પ્રાચ્ય વિદ્યા મંદિર, વડોદરામાં તેમને ‘સાહિત્યમાલા’ના સંપાદકની જવાબદારી સોંપવામાં આવી. તે કાર્ય સાથે તેમણે ‘સમાજશાસ્ત્રની ર્દષ્ટિએ બ્રિટિશ યુગ અગાઉનો ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ’ લખ્યો. મુંબઈ યુનિવર્સિટીએ એ નિબંધ માટે તેમને એમ.એ.ની ડિગ્રી આપી (1929). તે ગ્રંથરૂપે અંગ્રેજીમાં એક સો ચિત્રપ્લેટો સાથે 1965માં પ્રકટ થયો. તેનાથી તેમને આંતરરાષ્ટ્રીય વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા મળી. ‘સુદામાચરિત્ર’, ‘અભિમન્યુ આખ્યાન’ વગેરે એમના સંપાદિત ગ્રંથોમાંથી એમનો વિશાળ ર્દષ્ટિકોણ, વિદ્વત્તા અને પ્રાચીન સાહિત્યના ઊંડા અભ્યાસનું માપ કાઢી શકાય છે. આ બધામાં એમણે શાસ્ત્રીય, ઐતિહાસિક અને તુલનાત્મક ધોરણ અપનાવેલું છે.

મંજુલાલ રણછોડલાલ મજમુદાર

ગીત-સાહિત્યના અનુસંધાનમાં ‘રાસ, ગરબો અને ગરબીનું અંત:-સ્વરૂપ’ તથા નવાં શાસ્ત્રીય ગીતોના પ્રસ્થાનની તેમણે વિશદ ચર્ચા કરી છે. 1933માં વડોદરામાં મળેલી સાતમી ઑલ ઇન્ડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સમાં મંજુલાલે ‘બાલગોપાલસ્તુતિ’ તથા ‘ભાગવત દશમ સ્કંધ’માંનાં વૈષ્ણવ ચિત્રોની નવી શોધ જાહેર કરી. 1938માં બરોડા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેઓ નિમાયા અને 1952માં તેઓ નિવૃત્ત થયા. ઈ.સ. 1943માં ‘કલ્ચરલ બૅકગ્રાઉન્ડ ઑવ્ ગુજરાત આર્ટ : એસ્પેશિયલી મિનિયેચર્સ’ વિષે મહાનિબંધ લખી તેઓ મુંબઈ યુનિવર્સિટીના પીએચ.ડી. થયા. તે પછી 1947માં ત્રણ વરસ માટે એ યુનિવર્સિટીની ‘સ્પ્રિન્ગર રિસર્ચ સ્કૉલરશિપ’ ગુજરાતનાં તળપદાં ચિત્ર, શિલ્પ તથા સ્થાપત્યના સંશોધન માટે તેમને મળી. મુખ્ય સંપાદક તરીકે તૈયાર કરેલો ‘ક્રોનૉલોજી ઑવ્ ગુજરાત’ – પ્રાક્સોલંકી યુગ સુધીનો પ્રથમ ગ્રંથ 1960માં મ. સ. યુનિવર્સિટીએ પ્રસિદ્ધ કર્યો. ‘કલ્ચરલ હિસ્ટરી ઑવ્ ગુજરાત’ (1965) નામના ગ્રંથમાં એમણે ગુજરાતનાં સંસ્કાર તથા સંસ્કૃતિનું સુગ્રથિત આધારભૂત ચિત્ર નિરૂપ્યું છે. મુંબઈ યુનિવર્સિટીમાં 1953માં તેમણે ઠક્કર વસનજી વ્યાખ્યાનો આપ્યાં. તેનું 80 આર્ટપ્લેટો સહિતનું પ્રકાશન ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ આર્ટ હેરિટેજ’ નામથી પ્રગટ થયું છે.

મ. સ. યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ પણ તેમની સંશોધન અને લેખન-પ્રવૃત્તિ વિકસતી રહી. ‘ગુજરાતી પદ્યસાહિત્યનાં સ્વરૂપો’ (1954), ‘રેવાને તીરે તીરે’ (1956), ‘મીરાંબાઈ : એક મનન’ અને ‘ક્રોનૉલોજી ઑવ્ ગુજરાત’ (1960), ‘વલ્લભ ભટ્ટની વાણી’ (1962), ભીમનો ‘સદયવત્સ વીરપ્રબંધ’ અને ‘બ્રેહેદેવની ભ્રમરગીતા’ (1963), ‘ગનીમની લડાઈનો પવાડો’ (1964), ‘સાહિત્યકાર પ્રેમાનંદ-નવું સંપાદન’ (1966), ‘દસે આંગળીએ વેઢ’ (1967) વગેરે ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. આમોદના કવિ ગણપતિના સંવત 1574ના ‘માધવાનલકામ-કંદલાપ્રબંધ’ના 2,500 દુહાનું તેમનું સંપાદન ગાયકવાડ ઑરિયેન્ટલ સિરીઝમાં પ્રગટ થયું છે. તેમણે ભારતીય સંસ્કૃતિ તથા ગુજરાતી ભાષા-સાહિત્યના 400થી વધુ લેખો વિવિધ સામયિકોમાં લખ્યા છે. ‘ગુજરાતી પદ્યસાહિત્યનાં સ્વરૂપો–મધ્યકાલીન તથા અર્વાચીન’નો દળદાર ગ્રંથ તેમનું મહત્વનું પ્રદાન છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી 1938ની ગ્રંથસ્થ વાઙમયની સમીક્ષા તેમણે કરી હતી. વડોદરાના દૈનિક ‘લોકસત્તા’માં તેમણે ‘યશગાથા ગુજરાતની’ નામથી 3 વર્ષ સાપ્તાહિક લેખમાળા લખી હતી. તેમને 1968ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો હતો.

જયકુમાર ર. શુક્લ