મગધ : આજના બિહાર પ્રદેશમાં પ્રાચીન કાલમાં પાંગરેલું જનપદ. ઋગ્વેદ, અથર્વવેદ અને બ્રાહ્મણગ્રંથોમાં તેનો ઉલ્લેખ પ્રદેશ તરીકે નહિ, પણ જાતિ તરીકે થયો છે. આ વિસ્તારમાં આર્યેતર જાતિઓની વસ્તી વિશેષ હતી. આ જનપદની રાજધાની ગિરિવ્રજ કે રાજગૃહ હતી અને તે એના વૈભવ માટે પ્રસિદ્ધ હતી. મહાભારતના સમયમાં અહીં બાર્હદ્રથ વંશનું રાજ્ય હતું. તેમાં બૃહદ્રથ અને તેનો પુત્ર જરાસંધ બંને પ્રસિદ્ધ રાજાઓ થયા. જરાસંધે મથુરા પર વારંવાર આક્રમણ કરેલું. અંતે તે ભીમને હાથે માર્યો ગયો હતો. મહાભારતના યુદ્ધમાં મગધની સેના પાંડવપક્ષે લડી હતી. બાર્હદ્રથો પછી મગધમાં પ્રદ્યોત વંશ અને ત્યારપછી હર્યંક કે નાગ વંશની સત્તા પ્રવર્તતી હતી.

બુદ્ધના સમયમાં મગધનું જનપદ બળવાન થતાં તે સોળ મહાજનપદોમાં મહત્વનું સ્થાન પામ્યું હતું. પૂર્વમાં ચમ્પા નદી, પશ્ચિમે શોણ, ઉત્તરે ગંગા અને દક્ષિણે વિન્ધ્યની પર્વતમાળા વચ્ચેના આજના પટણા અને ગયા જિલ્લાઓના પ્રદેશને આવરી લેતા આ મહાજનપદની રાજધાની રાજગૃહની સમીપમાં જ પાટલિપુત્ર નામે નવા નગરરૂપે વિકાસ પામી હતી. ગંગાની ઉત્તરે આવેલા લિચ્છવી ગણરાજ્ય સાથે મગધને સતત સંઘર્ષ થયા કરતો. બુદ્ધના સમયમાં રાજા બિંબિસાર અને તેના પ્રતાપી પુત્ર અજાતશત્રુના અમલથી મગધની ઉત્તર હિંદમાં સર્વોપરિતા સ્થપાવા લાગી હતી અને પછીના સમયમાં અહીં પ્રવર્તેલી નંદો, મૌર્યો, શુંગો અને ગુપ્તોની સત્તા દરમિયાન તે ચરમ સીમાએ પહોંચી હતી. આ લગભગ હજાર વર્ષના સમયગાળા દરમિયાન મગધમાં વેપાર, ધર્મ, વિદ્યા, સાહિત્ય અને કલાનું કેન્દ્ર બન્યું હતું. ધીકતો વેપાર, ફળદ્રૂપ જમીન, સુર્દઢ રાજ્યતંત્ર અને ઉદ્યમને કારણે મગધના લોકો સુખી અને સંપન્ન હતા. બૌદ્ધ ધર્મનો ઉદભવ અને વિકાસ તેમજ જૈન ધર્મનો ફેલાવો અહીંથી આરંભાયો હતો. શુંગકાલ અને ગુપ્તકાલ દરમિયાન બ્રાહ્મણધર્મનું પુનરુત્થાન અને તેનો ઉત્કર્ષ પણ અહીં થયાં હતાં. માગધી ભાષા ઘણે અંશે જૈન અને બૌદ્ધ શાસ્ત્રગ્રંથોની ભાષા બની હતી. અહીંના નાલંદા વિદ્યાપીઠમાં દેશવિદેશથી વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓ જ્ઞાનપ્રાપ્તિ અર્થે આવતા હતા. સાહિત્ય અને કલાને ધર્મ તેમજ રાજ્યનો આશ્રય પ્રાપ્ત થતાં તેમનો અપૂર્વ વિકાસ થયો હતો. બૌદ્ધ ધર્મના પ્રભાવથી મગધમાં ઠેરઠેર વિહારો બંધાયા હતા, જેને લઈને સમગ્ર પ્રદેશ વિહાર-બિહારના નામે ઓળખાતાં ધીમે ધીમે તેનું મૂળ નામ વીસરાઈ ગયું હતું.

પ્રવીણચંદ્ર પરીખ