ભવનાણી રણવીરસિંહ

May, 2023

ભવનાણી રણવીરસિંહ (જ. 6 જુલાઈ 1985, મુંબઈ) : ફિલ્મ અભિનેતા.

એક સિંધી હિંદુ કુટુંબમાં રણવીર સિંહના દાદા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કરાંચીથી નિર્વાસિત તરીકે આવેલા. અભિનેત્રી સોનમ કપૂર રણવીર સિંહના માતૃ પક્ષે પિતરાઈ થાય.

રણવીરસિંહનો અભ્યાસ મુંબઈની એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં થયો. ત્યાર બાદ અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં આર્ટ્સનો અભ્યાસ કર્યો. સ્કૂલના સમયથી જ રણવીરસિંહને અભિનયમાં રસ હોવાને કારણે નાટકોમાં કામ કરતો હતો. અમેરિકાથી ફરી મુંબઈ પરત આવીને તેણે કોપીરાઇટર તરીકે એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કામ કર્યું. અભિનયની તક મળે તેના માટે તેઓ પ્રયત્નો કરતા હોવા છતાં બહુ સામાન્ય અને નાની ભૂમિકા જ તેને મળતી હતી. એક સમય તો આ બધાથી તેને નિરાશા આવી ગઈ હતી પણ તે છતાં તેણે પ્રયત્ન ચાલુ રાખ્યો. રણબીર અનેક જગ્યાએ અનેક વાર ઓડિશન આપવા જતો હતો પણ ખાસ કામયાબી મળતી નહોતી.

રણવીરસિંહ ભવનાણી

એવામાં એક દિવસ યશરાજ ફિલ્મના શાનુ શર્મા તરફથી ઑડિશન માટે ફોન આવ્યો અને રણવીરસિંહનો ઑડિશન લેવામાં આવ્યો. પછીથી યશરાજ ફિલ્મ્સના વાઇસ પ્રેસિડેન્ટ આદિત્ય ચોપરાએ આ ઑડિશનની ટેપ જોતાં તેના અભિનયથી પ્રભાવિત થયા. એ ઑડિશન તેમની એક રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ માટેનો હતો. પણ ફિલ્મના લેખક દિગ્દર્શક મનીષ શર્મા તે ઑડિશનથી સંતુષ્ટ નહોતા તેથી રણવીરસિંહને ફરી ઑડિશન પર બોલાવવામાં આવ્યો અને ફરી તેના ત્રણેક વખત ઑડિશન લેવાયા બાદ ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’(2010)ની મુખ્ય ભૂમિકા માટે કરારબધ્ધ કરવામાં આવ્યો. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી તરીકે અનુષ્કા શર્મા હતી.

‘બેન્ડ બાજા બારાત’માં બીટ્ટુ શર્માની ભૂમિકા દિલ્હીના એક છોકરાની હતી. એટલે દિલ્હીના છોકરાની ખાસિયતો જાણવા માટે રણવીર કેટલાક દિવસ દિલ્હીની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે રહે છે. આ ફિલ્મની રજૂઆત થયા બાદ ખાસ ચાલેલી નહીં, પણ પછીથી ધીમે ધીમે તે વખાણાવા લાગી અને વ્યવસાયિક રીતે પણ સફળ થઈ. પ્રસિદ્ધ ફિલ્મસમીક્ષક અનૂપમા ચોપરાએ ટેલિવિઝન પર તેની સમીક્ષા કરતાં કહ્યું કે બીટ્ટુ શર્માની ભૂમિકા માટે રણવીર યોગ્ય અદાકાર છે કહી અભિનયની પ્રશંસા કરી. રણવીરને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ ડેબ્યુનો ફિલ્મફેર ઍવૉર્ડ મળે છે.

પછીના વર્ષે ‘લેડીઝ વર્સેસ રીકી બહલ’ (2011) આવે છે જે પણ એક રોમૅન્ટિક કૉમેડી છે. આ ફિલ્મ આમ તો પહેલાની ફિલ્મની ટીમ સાથે કેટલાક અન્ય કલાકારોને લઈને સર્જાય છે. આ ફિલ્મ અત્યંત સફળ થતાં રણવીર એક અભિનેતામાંથી સ્ટાર થઈ જાય છે.2010થી 2022 સુધીમાં રણવીરસિંહે 19 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

રણવીરનું લુટેરા (2013) રજૂઆત પામ્યું જે ઓ.હેન્રીની વાર્તા ધ લાસ્ટ લીફ પર આધારિત હતું. ‘લુટેરાં’ વ્યવસાયિક રીતે નિષ્ફળ ગયું પણ સમીક્ષકોએ તેની પ્રશંસા કરેલી. દિગ્દર્શક સંજય લીલા ભણસાલી સાથે કરેલી રણવીરની ફિલ્મોની સૌથી વધુ ચર્ચાઓ થઈ. આ ફિલ્મોમાં સૌથી પ્રથમ આવ્યું ‘ગોલીઓકી રાસલીલા, રામલીલા’ જે શેક્સપિયરના રોમિયો અને જુલિયટ પર આધારિત હતું. આ ફિલ્મે તેને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર ઍવૉર્ડનું નોમીનેશન અપાવે છે. રણવીરની ગણના એક ગંભીર અભિનેતા તરીકે હવે થવા લાગી છે.

સંજય લીલા ભણસાલીદિગ્દર્શિત ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ (2015)માં રજૂઆત પામી. આ ફિલ્મ માટે રણવીરે પોતાના માથે ખાસ મુંડન કરાવ્યું. આ ફિલ્મનો તેનો અભિનય અત્યંત પ્રશંસા પામ્યો અને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ પણ મળ્યો. સંજય લીલા ભણસાલીની ઐતિહાસિક ફિલ્મ ‘પદ્માવત’ (2018)માં રજૂઆત પામી જેમાં રણવીરે અલ્લાઉદ્દીન ખીલજીનો પાઠ ભજવેલો. પદ્માવતના નિર્માણ પાછળ જે ખર્ચ થયો હતો તે ભારતમાં અત્યાર સુધી સર્જાયેલી ફિલ્મોમાં સૌથી વધુ હતો. તે જ રીતે આર્થિક રીતે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ તરીકે પણ ગણવામાં આવે છે. ‘પદ્માવત’ના અભિનય માટે ફિલ્મફેર ક્રિટિક્સ ઍવૉર્ડ મળે છે. રણવીરની આ ત્રણેય મહત્વની ફિલ્મમાં દિપીકા પદુકોણે મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય કરેલો.

2018માં એક પાકિસ્તાની ફિલ્મ ‘તીફા ઇન ટ્રબલ’માં પણ રણવીરે અભિનય કરેલો. તો 2019માં ‘ગુલી બૉય’ની રજૂઆત થઈ. આ ફિલ્મના બધાં સાતે ગીતો રણવીરસિંહે પોતે ગાયાં છે. અને આ ફિલ્મ માટે તેને ફિલ્મફેરના શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ પણ મળે છે. ફિલ્મ ‘83’ (2020)માં રણવીરે ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના કૅપ્ટન કપિલદેવનો રોલ કર્યો છે. આ જ વર્ષમાં રણવીર પોતાની ફિલ્મ નિર્માણ કંપની ‘મા કસમ’ ફિલ્મસની સ્થાપના કરે છે.

2018માં રણવીરસિંહ એની સહ અભિનેત્રી દીપિકા પદુકોણ સાથે કોકણી હિંદુ અને આનંદ કરજ(શીખ વિધિ)થી ઇટાલીના લેઇક કોમોમાં લગ્નગ્રંથિથી જોડાયા.

હાલ રણવીરસિંહની ત્રણેક ફિલ્મો નિર્માણ હેઠળ છે.

અભિજિત વ્યાસ