ભવનાગ : ભારશિવ વંશનો એક પ્રતાપી રાજા. ભારશિવો નાગકુલના હતા. તેઓ મહાભૈરવના ભક્ત હતા. તેઓ ખભા પર શિવલિંગ ધારણ કરતા. તેમણે પરાક્રમથી ભાગીરથી પ્રદેશ પ્રાપ્ત કર્યો હતો. તેમણે દસ અશ્વમેધ કર્યા હતા. એ પરથી વારાણસીમાં દશાશ્વમેધ ઘાટનું નામ પડ્યું છે એવું જયસ્વાલે કલ્પ્યું છે. મહારાજ ભવનાગના દૌહિત્ર વાકાટક વંશના મહારાજ રુદ્રસેન પહેલાના અભ્યુદયમાં ભારશિવ રાજા ભવનાગનું સક્રિય પ્રદાન રહેલું હતું. રુદ્રસેનના પિતામહ પ્રવરસેન પહેલાએ (ઈ. સ. 275 થી 335) ચાર અશ્વમેધ અને એક વાજપેય યજ્ઞ કરી, ‘સમ્રાટ’ બિરુદ ધારણ કરેલું. એણે ભારશિવ રાજકુલ સાથે વૈવાહિક સંબંધ બાંધી અભ્યુદય સાધ્યો હતો. એનો જ્યેષ્ઠ પુત્ર ગૌતમીપુત્ર પિતાની હયાતી દરમિયાન અકાળ અવસાન પામતાં પ્રવરસેન પછી એનો પૌત્ર રુદ્રસેન ગાદીએ આવેલો. જેમ સમુદ્રગુપ્તના સંબંધમાં લિચ્છવિ-દૌહિત્ર તરીકે ખાસ ઉલ્લેખ આવે છે તેમ રુદ્રસેનના સંબંધમાં ભવનાગ-દૌહિત્ર તરીકેનો ખાસ ઉલ્લેખ આવે છે. આ પરથી રુદ્રસેનના અભ્યુદયમાં ભારશિવકુલના માતામહ ભવનાગનો ગણનાપાત્ર ફાળો રહેલો હોવાનું ફલિત થાય છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી