ભવની ભવાઈ : નોંધપાત્ર ગુજરાતી ચલચિત્ર. સાડા છ દાયકાના ગુજરાતી ચલચિત્રના ઇતિહાસમાં ‘ભવની ભવાઈ’ વાસ્તવદર્શી અને કલાત્મક ચલચિત્ર તરીકે વિશિષ્ટ કક્ષાનું બની રહે છે. પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયેલા યુવાનોએ ‘સંચાર ફિલ્મ કો-ઑ. સોસાયટી લિ.’ બનાવીને, લોન મેળવી, આ ફિલ્મ બનાવી. નિર્માતા પરેશ મહેતા અને દિગ્દર્શક કેતન મહેતાની આ ફિલ્મમાં પટકથા, સંવાદ અને ગીતો ધીરુબહેન પટેલનાં છે. સંગીત-નિર્દેશન ગૌરાંગ વ્યાસનું છે. ફિલ્મની પટકથાથી આકર્ષાઈને હિન્દી ફિલ્મનાં ખ્યાતનામ કલાકારો નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, મોહન ગોખલે, ઓમપુરી, સુહાસિની મૂલે વગેરેએ આમાં ભૂમિકા કરી છે. ફિલ્મનાં પાંચ ગીતોને મન્ના ડે, પ્રીતિ સાગર, ભૂપિન્દર, ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે વગેરેએ કંઠ આપ્યો છે. સમગ્ર ચલચિત્ર બાહ્ય ચિત્રાંકનમાં જ પૂર્ણ થયું છે. મોટાભાગનું ચિત્રાંકન ખેડા જિલ્લાના વસો ગામે દરબાર ગોપાલદાસની હવેલી ખાતે થયું હતું. 9 એપ્રિલ, 1982ના રોજ અમદાવાદના એડવાન્સ થિયેટરમાં પ્રથમ વાર તે રજૂઆત પામ્યું. ‘ભવની ભવાઈ’ની પટકથાનું મૂળ ભવાઈવેશ-સંગ્રહમાં આવતા ‘અછૂતવેશ’માં છે. આંગ્લ નાટ્યકાર બ્રેખ્તની એલિયેનશન નાટ્યશૈલી તથા ગુજરાતના પરંપરિત લોકનાટ્ય ભવાઈની શૈલીનો ઉપયોગ કરીને દિગ્દર્શકે આ ફિલ્મની રજૂઆત કરી છે. ફિલ્મમાં હરિજન યુવક અને વણજારણ યુવતીની પ્રણયકથા નિમિત્તે દિગ્દર્શકે આઝાદી પહેલાં અને પછી પણ હરિજનો પર થતા અત્યાચારને આલેખીને માનવીય સંવેદનાને જાગ્રત કરવાનો પ્રયત્ન કર્યો છે. હરિજનો પર વર્ષોથી થતા અન્યાય-અત્યાચારને આલેખવા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ગ્રંથાલયના ગ્રંથોમાંથી સંશોધન કરી, માહિતી પ્રાપ્ત કરીને ફિલ્મની ઘટનાઓને વાસ્તવદર્શી સ્વરૂપ અપાયેલું છે. ફિલ્મની પટકથામાં આલેખાયેલી ઘટનાઓ અને માનવીય સંવેદનાથી પ્રભાવિત થઈને ફિલ્મનાં મુખ્ય કલાકારોએ નિ:શુલ્ક કામ કર્યું, તેથી 14 રીલની આ ફિલ્મ ખૂબ નજીવા ખર્ચે માત્ર તેર લાખ રૂપિયામાં જ તૈયાર થઈ. ઓછા ખર્ચે છતાં ઉત્કૃષ્ટ કલાત્મક રીતે તૈયાર થયેલ આ ફિલ્મમાં માનવીય સંવેદનોનો જે રીતે પડઘો ઝિલાયો તેને કારણે ‘ભવની ભવાઈ’ને 1981માં રાષ્ટ્રીય એકતા અને શ્રેષ્ઠ કલાનિર્દેશનનો ભારતનો રાષ્ટ્રીય એવૉર્ડ મળ્યો તેમજ વર્ષના શ્રેષ્ઠ ચિત્ર તરીકે ‘યુનેસ્કો ક્લબ’નો ‘માનવહક્કોના રક્ષણ’ માટેનો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો. ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શન (કેતન મહેતા), શ્રેષ્ઠ છબીકલા (કે. કે. પમ્મી), શ્રેષ્ઠ અભિનેતા (નસીરુદ્દીન શાહ), ચિત્રનું શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણ (કૃષ્ણ ઉન્ની), ગીતનું શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણ (દમન સૂદ). શ્રેષ્ઠ પાર્શ્વગાયન (પ્રીતિ સાગર) તથા શ્રેષ્ઠ સંવાદ-લેખન (ધીરુબહેન પટેલ) માટેના કુલ આઠ પુરસ્કારો આ ફિલ્મને પ્રાપ્ત થયા. આ ચિત્ર દિલ્હી ખાતે આઠમા ફિલ્મ મહોત્સવમાં, અમેરિકા, કૅનેડા, ફ્રાંસ, જર્મની, હોલૅન્ડ, ચેકોસ્લોવાકિયા તથા ઇંગ્લૅન્ડમાં રજૂ થઈ પ્રશંસા મેળવી ગયું. ‘ભવની ભવાઈ’ને ‘અંધેર નગરી’ નામે હિન્દીમાં ‘ડબ’ કરવામાં આવ્યું છે.

હરીશ રઘુવંશી