બ્રેઝનેવ સિદ્ધાંત : ‘સમાજવાદ ભયમાં મુકાય ત્યારે સોવિયેત સંઘનો દરમિયાનગીરી કરવાનો અધિકાર’ પ્રસ્થાપિત કરવા રજૂ થયેલ સિદ્ધાંત. રશિયાના અગ્રણીમુત્સદ્દી અને 1964થી 82 સુધી સોવિયેત સામ્યવાદી પક્ષના વડા રહેલા બ્રેઝનેવે આ સિદ્ધાંત પ્રતિપાદિત કરેલો હોવાથી એ ‘બ્રેઝનેવ સિદ્ધાંત’ના નામથી જાણીતો થયો હતો.

વીસમી સદીના સાઠીના દસકા દરમિયાન અમેરિકા અને સોવિયેત સંઘ દુનિયાની પ્રથમ હરોળની સત્તાઓ હતી. આ અરસામાં એશિયા અને આફ્રિકાના ઘણા દેશો સ્વતંત્ર બન્યા ત્યારે આ બંને દેશો તેમને પોતાના પ્રભાવ હેઠળ લાવવા ઉત્સુક હતા. આ બે દેશો વચ્ચે વિશ્વના રાજકારણમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કરવાની જબરદસ્ત સ્પર્ધા ચાલતી હતી અને તેથી દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય રાજકીય તનાવ પ્રવર્તતો હતો, જેને ઘટાડવા માટે આ બે મહાસત્તાઓએ દે’તાં(Detente)-ની નીતિનો સ્વીકાર કર્યો હતો. તદનુસાર જુદાં જુદાં રાષ્ટ્રો વચ્ચે તનાવ-મુક્ત અને મિત્રાચારીભર્યા સંબંધો વિકસાવવા પ્રયાસો ચાલતા હતા.

1968માં ઍલેક્ઝાંડર દુબચેકના શાસન હેઠળ ચેકોસ્લોવાકિયાએ સામ્યવાદી પ્રથાથી મુક્ત બનવા ભારે ઉદારનીતિઓ સ્વીકારવાની શરૂઆત કરી તેમજ પોતાના દેશમાં સામ્યવાદી પક્ષના અંકુશો હળવા કર્યા. સામ્યવાદથી મુક્ત બનવાની આ પ્રવૃત્તિ અટકવી જોઈએ એમ સોવિયેત સંઘ માનતું હતું. આથી 1968માં સોવિયેત સંઘે ચેકોસ્લોવાકિયામાં પોતાનાં લશ્કરી દળો ઉતાર્યાં અને તે દેશની ઉદારીકરણની નીતિઓ કડક હાથે કચડી નાંખવામાં આવી. અન્ય રાજ્યોમાં જ્યારે સમાજવાદ ભયમાં મુકાય ત્યારે ત્યાં દરમિયાનગીરી કરવાનો અધિકાર સોવિયત સંઘને છે અને તે તેની ફરજ પણ છે એવો વિચાર બ્રેઝનેવે પ્રસ્થાપિત કર્યો, જે સમય જતાં ‘બ્રેઝનેવ સિદ્ધાંત’ તરીકે રાજકીય જગતમાં જાણીતો બન્યો. આ શબ્દપ્રયોગ 1968માં પ્રથમ વાર થયો હતો. સામ્યવાદવિરોધી લડતો કચડી નાંખવા માટે એમણે એવો તર્ક આપ્યો કે રાષ્ટ્રીય સાર્વભૌમત્વનો સિદ્ધાંત ‘બુર્ઝવા’ છે અને સામ્યવાદીઓએ આવા સિદ્ધાંતથી ઊંચે રહીને તેમનું ભ્રાતૃભાવભર્યું ઐક્ય ટકાવી રાખવું જોઈએ. અલબત્ત, વિશ્વના સમાજવાદી અને સામ્યવાદી જગતના તમામ દેશો વા પક્ષોને આ સિદ્ધાંત માન્ય ન હતો. ચીન અને જાપાનના સામ્યવાદી પક્ષો સોવિયત સંઘનું આ પ્રકારનું આધિપત્ય સ્વીકારવા તૈયાર ન હતા, કારણ કે તેઓ સામ્યવાદી હોવા ઉપરાંત રાષ્ટ્રવાદી પણ હતા.

રાજકીય ર્દષ્ટિએ આ સિદ્ધાંત રજૂ કરવા પાછળ કેટલાંક કારણો હતાં : (1) સામ્યવાદી દેશોમાં ઉદારમતવાદી લોકશાહી વિચારોનો ફેલાવો અટકાવવો, જેથી ત્યાં પશ્ચિમના પ્રભાવને ખાળી શકાય. (2) આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એશિયા અને આફ્રિકાના નવોદિત દેશોમાં સોવિયેત પ્રભાવનો વિસ્તાર કરવાનું વલણ સહેલાઈથી અખત્યાર કરી શકાય. આમાંના મોટાભાગના દેશોએ બિનજોડાણવાદની નીતિ સ્વીકારી હતી. (3) અમેરિકાની તુલનામાં સોવિયેત સંઘ દુનિયાના વિવિધ વિસ્તારોમાં પોતાની વ્યૂહાત્મક સર્વોચ્ચતા ઊભી કરી શકે.

આ સિદ્ધાંતમાં વ્યક્ત થયેલી નીતિને કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અને વિશેષે કરીને શીતયુદ્ધમાં સંડોવાયેલી મહાસત્તાઓ વચ્ચે તનાવ વધ્યો હતો.

રક્ષા મ. વ્યાસ