બ્રેઝનેવ, લિયોનિદ ઇલીચ

January, 2001

બ્રેઝનેવ, લિયોનિદ ઇલીચ (જ. 19 ડિસેમ્બર 1906, કામેન્સકોય, યુક્રેન; અ. 10 નવેમ્બર 1982, મૉસ્કો) : સોવિયેત રાજપુરુષ, સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રી અને સરકારના વડા. તેઓ 17 વર્ષની વયે સામ્યવાદી યુવક સંઘમાં જોડાયા.

લિયોનિદ ઇલીચ બ્રેઝનેવ

1929માં સામ્યવાદી પક્ષના ઉમેદવાર-સભ્ય અને 1931માં પક્ષના સભ્ય બન્યા. 1935માં મેટાલર્જિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થઈ તેમણે પોલાદના કારખાનામાં ઇજનેર તરીકે કામ કર્યું. દ્વિતીય વિશ્વયુદ્ધમાં તેમણે મેજર જનરલ તરીકે (1943) સેવા આપી હતી. 1939થી સામ્યવાદી પક્ષમાં પ્રાદેશિક મંત્રીનો હોદ્દો તેઓ ધરાવતા હતા. 1950–52માં મોલ્ડાવિયાના સામ્યવાદી પક્ષના પ્રથમ મંત્રી (વડા) તરીકે તેમણે ઉદ્યોગો તથા ખેતીવાડીનો વિકાસ કર્યો. 1952માં સામ્યવાદી પક્ષની 19મી કૉંગ્રેસમાં તેઓ મધ્યસ્થ સમિતિના તથા 1957થી પક્ષના પૉલિટબ્યુરોના સભ્ય બન્યા. 1964માં તેમને સામ્યવાદી પક્ષની મધ્યસ્થ સમિતિના પ્રથમ મંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા. 1966થી એ હોદ્દો મહામંત્રીનો બનાવવામાં આવ્યો.

વડાપ્રધાન ઍલેક્સી કૉસિજિન સાથે ટૂંકા સમય માટે ‘સામૂહિક નેતાગીરી’ બાદ બ્રેઝનેવ સ્પષ્ટપણે સત્તાધીશ બન્યા. તેમણે વિદેશ અને લશ્કરી બાબતો પર વિશેષ ધ્યાન આપ્યું અને દેશમાં વૈચારિક મતભેદો દૂર કર્યા. તેમણે યુરોપ, એશિયા અને આફ્રિકાના અનેક દેશોના પ્રવાસો કર્યા. તેમણે પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોના પ્રવાસો કરીને એકતા મજબૂત કરી. ચેકોસ્લોવાકિયાના વડા ઍલેક્ઝાંડર દુબચેકે પક્ષનો અંકુશ ઘટાડી, સેન્સરશિપ દૂર કરી અને ચર્ચાઓ પ્રોત્સાહિત કરી, ત્યારે બ્રેઝનેવે ઑગસ્ટ, 1968માં ત્યાં લશ્કર મોકલી આક્રમણ કર્યું. આ બનાવથી ‘બ્રેઝનેવ ડૉક્ટ્રિન’ ઉદભવ્યો કે સમાજવાદ ભયમાં મુકાય ત્યારે સોવિયેત સંઘે દરમિયાનગીરી કરવી જોઈએ. ઑગસ્ટ 1971માં ભારત અને સોવિયેત સંઘે મૈત્રી અને સહકારના કરાર કર્યાં. 1973માં બ્રેઝનેવે યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લીધી અને ત્યાંના પ્રમુખ નિક્સનને 1974માં સોવિયેત સંઘની મુલાકાત લેવા નિમંત્રી પરસ્પર સંબંધો સુધાર્યા. ડિસેમ્બર 1979માં સોવિયેત સંઘે અફઘાનિસ્તાનમાં દરમિયાનગીરી કરીને ત્યાં લશ્કર મોકલ્યું. સિત્તેરના દાયકામાં તેમણે સહઅસ્તિત્વની નીતિનો અમલ કરી, પશ્ચિમના દેશો સાથેના સંબંધો સુધાર્યા. વિકસતા દેશોમાં સ્વાતંત્ર્યસંગ્રામોને ટેકો આપવાની નીતિનો તેમણે અમલ કર્યો. તેમણે સોવિયેત લશ્કરી તાકાત વધારી અને લશ્કરને આધુનિક બનાવ્યું. આંતરિક નીતિમાં તેમણે વિરોધ ઘટાડવા સોવિયેત અર્થતંત્રમાં ખાસ કરીને અનાજ અને વપરાશી માલના ઉત્પાદનમાં સુધારો કર્યો. તેમના શાસન દરમિયાન લોકોના જીવનધોરણમાં સુધારો થયો; વેતનો બમણાં થયાં અને ખેડૂતોની આવક પણ વધી. છેલ્લાં વીસ વરસમાં વીસ લાખથી વધારે ફ્લૅટ બંધાયા. મે, 1976માં બ્રેઝનેવને સોવિયેત સંઘના માર્શલ બનાવવામાં આવ્યા. આ લશ્કરી હોદ્દો માત્ર સ્તાલિનને મળ્યો હતો. મે, 1977માં તેમણે પ્રીસિડિયમના અધ્યક્ષ પોદગોર્નીને બરતરફ કર્યા બાદ, સરકાર અને પક્ષના સર્વોચ્ચ વડા તરીકેના બંને હોદ્દા આજીવન ભોગવ્યા.

જયકુમાર ર. શુક્લ