બ્રૅડલી, ફ્રાંસિસ હ્યુબર્ટ

January, 2001

બ્રૅડલી, ફ્રાંસિસ હ્યુબર્ટ (જ. 1846, ઇંગ્લૅન્ડ; અ. 1924, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ચિંતક અને વિવેચક. તેમણે ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો હતો. 1870(?)માં તેઓ મર્ટન કૉલેજમાં ફેલો નિમાયા, અને જીવનપર્યંત આ જ સ્થાને કામગીરી બજાવી. તેઓ યુવાનવયમાં કિડનીના રોગનો ભોગ બન્યા હતા અને તેથી શેષ આયુષ્ય અર્ધઅપંગ અવસ્થામાં તેમને ગુજારવું પડ્યું હતું. શેક્સપિયરના અભ્યાસી અને વિવેચક એ. સી. બ્રૅડલી તેમના ભાઈ હતા. ઇંગ્લૅન્ડમાં આદર્શવાદી આંદોલનને વેગ આપવામાં તેમનો ફાળો નોંધપાત્ર હતો.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં કાન્ટ અને હેગલના પ્રભાવ નીચે બ્રિટિશ આદર્શવાદનો વિકાસ થયો હતો. બ્રિટિશ આદર્શવાદ ઉપયોગિતાલક્ષી નૈતિકતા અને પરંપરાગત ઉદારમતવાદનો વિરોધ કરતો હતો, જેને બ્રૅડલી જેવા વિચારકોનું સમર્થન મળ્યું હતું. તેઓ જીવન અને શરીરના અવયવો કે ઇન્દ્રિયો દ્વારા મળતા સહજ અને ઉત્કટ આનંદના ભારે સમર્થક હતા. તેમણે આદર્શવાદમાં સંવેદનશીલ અનુભવોને કેન્દ્રીય સ્થાન આપ્યું હતું. સમગ્ર વિશ્વસૃષ્ટિના એક ઘટક તરીકે વ્યક્તિ નોંધપાત્ર અને મહત્વનું સ્થાન ધરાવે છે એવું તેમનું મંતવ્ય હતું. આથી અંગ્રેજ ચિંતક જ્હૉન સ્ટુઅર્ટ મિલે તેમને ‘દેહના પયગંબર’ તરીકે ઓળખાવ્યા હતા. તત્વચિંતનના ક્ષેત્રે અધ્યાત્મમાં તેમનું પ્રદાન મૌલિક અને ઉચ્ચ કોટિનું હતું. ધર્મ માટે તેમને અગાધ આસ્થા હોવા છતાં ચર્ચ એ એક સ્થાપિત હિતોની સંસ્થા છે એવું તેમનું મંતવ્ય હતું. આવાં જ કારણોસર તેમણે પરંપરાગત ઉદારમતવાદ અને હર્બર્ટ સ્પેન્સરના વહીવટી શૂન્યવાદનો વિરોધ કર્યો હતો. તેમના બે પૂર્વકાલીનો ફ્રેડરિક હેરિસન અને આર્નોલ્ડ ટોયન્બીના ‘સંસ્કૃતિ’ના ખ્યાલની આકરી ટીકા કરવા પાછળ પણ સ્થાપિત હિતો અંગેની તેમની માન્યતાઓ કારણભૂત હતી. નૈતિક અભ્યાસો દ્વારા જીવનઘડતર કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. તર્કશાસ્ત્ર અને મનોવિજ્ઞાન અંગેના તેમના વિચારો પણ તેમના મૌલિક ચિંતનને પ્રગટ કરે છે.

‘એથિકલ સ્ટડીઝ’ (1876), ‘પ્રિન્સિપલ્સ ઑવ્ લૉજિક’ (1883), ‘અપિયરન્સ ઍન્ડ રિયાલિટી’ (1893), ‘ક્રિટિકલ એસેઝ ઑન મેટાફિઝિક્સ’ – આ તેમના ઉલ્લેખનીય ગ્રંથો છે.

રક્ષા મ. વ્યાસ