બ્રૂનો, ગિયોદાર્નો  (જ. 1548, નોલા નેપલ્સ; અ. 17 ફેબ્રુઆરી 1600 રોમ) : જાણીતા ઇટાલિયન તત્વચિંતક, ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને ગૂઢવાદી ચિંતક. સાચું નામ ફિલિપ્પો બ્રૂનો, ઉપનામ ‘ઈલ નોલાનો’. તેમના સિદ્ધાંતોએ આધુનિક વિજ્ઞાનનો પાયો નાખ્યો. તેઓ માનવીય મૂલ્યોની સરાહના કરનાર અને એ માટે જીવનું જોખમ ઉઠાવનાર ચિંતક હતા.

ગિયોદાર્નો  બ્રૂનો

તેમણે 1562માં નેપલ્સ ખાતે તર્કશાસ્ત્ર સહિત માનવવિદ્યાઓનો અભ્યાસ કર્યો હતો. 1565માં તેઓ નેપલ્સના ડૉમિનિકન સંપ્રદાયમાં જોડાયા અને ગિયોદાર્નો નામ ધારણ કર્યું. 1572માં તેમણે પાદરી તરીકે દીક્ષા લીધી તેમજ ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો સઘન અભ્યાસ શરૂ કર્યો. આ અભ્યાસ દરમિયાન તેમણે ધર્મશાસ્ત્રોની સૂક્ષ્મ તપાસ કરવાનો ઉપક્રમ આરંભ્યો. માનવવિદ્યાઓના અભ્યાસમાં અને ધર્મની સૂક્ષ્મતાઓમાં પરસ્પર કોઈ મેળ તેમને ન જણાયો. તેના પરિણામે વધુ ગહન અભ્યાસ દ્વારા તાર્કિક રીતે આગળ વધવાનો તેમણે પ્રયાસ કર્યો. ચર્ચ સાથે તેમને મતભેદ ઊભા થયા અને તત્કાલીન સમાજ સાથે તેમના દ્વારા લખાયેલાં ઈરસ્મસે વૈચારિક અને સૈદ્ધાંતિક સંઘર્ષ ખેડવો પડ્યો.

તેમણે અભ્યાસ દરમિયાન ઈશુ ખ્રિસ્તના દેવત્વનો ઇન્કાર કર્યો અને બે પ્રતિબંધિત ભાષ્યોનું વાચન કર્યું. તે બદલ સ્થાનિક ચર્ચે તેમના પર કામ ચલાવવાનો પ્રયાસ કરતાં, 1576માં તેઓ રોમ જતા રહ્યા. ત્યાં તેમના પર ખૂનનો ખોટો આરોપ મુકાતાં તેમણે ડોમિનિકન સંપ્રદાયનો ત્યાગ કર્યો અને ત્યારબાદ યુરોપભ્રમણ કર્યું. આ દરમિયાન તેમણે કેલ્વિન સંપ્રદાયનો સ્વીકાર કર્યો હતો; પરંતુ આ સંપ્રદાય પણ તેમને સંકુચિત જણાતાં તેમણે રિફૉર્મ ચર્ચનો સ્વીકાર કર્યો. તેમાંય તેમને અસહિષ્ણુતા લાગ્યા કરી. આમ વિવિધ સંપ્રદાયો સાથેના અને ખાસ તો ખ્રિસ્તી ધર્મ સાથેના તેમના મતભેદો વધી જતાં તેમની ધરપકડ કરવામાં આવી. ત્યાંથી પૅરિસ, વેનિસ જેવા યુરોપનાં વિવિધ સ્થળોમાં તેમને રઝળપાટ કરવી પડી અને પ્રૂફરીડરથી માંડીને પ્રાધ્યાપક સુધીની વિવિધ પ્રકારની કામગીરી પણ કરવાની થઈ.

તેમના રઝળપાટ પાછળ તેમની મુક્ત વિચારધારા જવાબદાર હતી. માનવ નિરીક્ષણ દ્વારા જ સત્ય અને જ્ઞાનની પ્રાપ્તિ શક્ય છે એમ સ્થાપિત કરનાર ગૅલિલીઓના વિચારોને તેમણે સમર્થન આપ્યું. કોપરનિકસના ખગોળવિદ્યાના સિદ્ધાંતો દ્વારા સ્થપાયેલું વૈયક્તિક નિરીક્ષણનું મહત્વ અને સત્યની ક્ષિતિજોનો વિસ્તાર તેમણે માન્ય રાખીને દર્શાવ્યું કે વિશ્વ અનંત છે અને સૂર્યમાળા જેવી અસંખ્ય દુનિયાઓ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. ખગોળશાસ્ત્રના પારંપારિક ભૂકેન્દ્રિત સિદ્ધાંતને બદલે તેમણે કૉપરનિકસના સૂર્યકેન્દ્રીય (heliocentric) સિદ્ધાંત અને પરિમિત વિશ્વનો સિદ્ધાંત સ્વીકાર્યો અને તેનાથી પણ આગળ જઈને વિશ્વની બહુવિધતા અને અનંતતાનો સિદ્ધાંત રજૂ કર્યો. એરિસ્ટોટલના ભૌતિકશાસ્ત્રના પરંપરાગત દ્વન્દ્વ(traditional dualism)ની તેમણે તાર્કિક અને પદ્ધતિસરની ટીકા કરી અને તેને સ્થાને વિશ્વનાં તમામ તત્ત્વોના મૂળભૂત ઐક્યની વાત રજૂ કરી, સમગ્ર વિશ્વના અદ્વૈતાત્મક ખ્યાલની તેમણે વિસ્તારથી અભિવ્યક્તિ કરી. તેમણે રજૂ થયેલા ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનો વિસ્તાર કર્યો અને તેની સાથે એક જ વિશ્વની વિભાવના વ્યક્ત કરી. તદનુસાર ‘સ્વરૂપ’ અને ‘દ્રવ્ય’ (form and matter) ગાઢ રીતે સંકળાયેલાં છે અને તે ‘એક’ વિશ્વ રચે છે એવું તેમણે પ્રતિપાદિત કર્યું.

1582માં બ્રૂનોએ ત્રણ સ્મૃતિવર્ધી (mnemotechnical) ગ્રંથો પ્રસિદ્ધ કર્યા. સ્થાનિક ભાષામાં ‘કૅન્ડલમેકર’ નામના પ્રહસનમાં નિયોપૉલિટન સમાજનો હૂબહૂ ચિતાર હતો અને તત્કાલીન નૈતિક અને સામાજિક ભ્રષ્ટાચાર પ્રત્યે નફરત વ્યક્ત કરી હતી. 1583માં હેન્રી ત્રીજાએ તેમના એલચી પર લખેલો ભલામણપત્ર લઈને બ્રૂનો ઇંગ્લૅન્ડ પહોંચ્યા, પૃથ્વીની ગતિ અંગે કોપરનિકસના સિદ્ધાંત અંગે શ્રેણીબદ્ધ વ્યાખ્યાનો આપી તે પ્રગટ કર્યાં. આથી ઑક્સફર્ડવાસીઓમાં તેમના પ્રત્યે પૂર્વગ્રહ બંધાયો અને તેમને લંડન પાછા ફરવું પડ્યું. ત્યાં ફ્રેન્ચ એલચીના મહેમાન તરીકે રોકાયા. 1584ના ફેબ્રુઆરીમાં ઑક્સફર્ડના કેટલાક વિદ્વાનો સાથે પૃથ્વીની ગતિ વિશે ચર્ચા કરી, પરંતુ તેમાંથી મોટો વિવાદ ઊભો થયો. ત્યારબાદ તેમણે ઇટાલિયન ભાષામાં ફિલસૂફી પર ચર્ચા કરતા છ સંવાદો રચ્યા. આમાંથી ત્રણ સંવાદો બ્રહ્માંડદર્શનના અને ત્રણ નીતિબોધ અને ફિલસૂફી અંગેના હતા. ‘અસીમ બ્રહ્માંડ અને વિશ્વો’ (Infinite Universe and Worlds) નામના સંવાદમાં તેમણે ઍરિસ્ટૉટેલિયન ભૌતિકશાસ્ત્ર પરની ટીકાથી શરૂ કરી, ક્રમશ: બ્રહ્માંડના સિદ્ધાંતો વિકસાવ્યા. બાઇબલને નીતિશાસ્ત્રના શિક્ષણ માટે આધારભૂત માનવું જોઈએ, ખગોળશાસ્ત્રની ઘટનાઓ માટે નહિ એમ એક સંવાદમાં રજૂઆત કરી. ધર્મ અને ફિલસૂફી વચ્ચેના સંબંધ અંગે તેમણે જણાવ્યું કે ધર્મનું કામ અજ્ઞાન લોકોને શિક્ષણ આપવાનું અને તેમને નિયંત્રણમાં રાખવાનું છે. કેથલિક પક્ષના રક્ષિત એવા ગણિતશાસ્ત્રી ફેબ્રિમિયો મોરદંત સાથે બ્રૂનો વિવાદમાં ઊતર્યા અને ચાર ભાષ્યોમાં તેમના પર ટીકાટિપ્પણ કર્યાં. 1588માં તેમણે જાહેરમાં ઍરિસ્ટૉટલ પર ટીકા કરી. રાજકારણમાં આનો ભારે ઊહાપોહ થયો અને બ્રૂનોએ 1586માં પૅરિસ છોડ્યું. 1587માં તેઓ જર્મની ગયા.

તેમણે વિવિધ ધર્મોના સહઅસ્તિત્વ દ્વારા પારસ્પરિક સમજદારી કેળવવાના અભિગમ પર ભાર મૂક્યો. ‘ધર્મ’ અંગે પણ તેમણે વિચારસ્વાતંત્ર્યની હિમાયત કરી. માનવીને વાસ્તવિક રીતે જોવાની, સ્વીકારવાની અને પ્રતિષ્ઠા આપવાની ર્દષ્ટિ કેળવી તેમણે ‘માનવી જ દૈવી છે’ એવા વિચારો રજૂ કર્યા. આમ કહીને એક તરફ આ વિચારોથી તેમણે ઉદારમતવાદી વિચારધારાનો પિંડ બાંધ્યો, તો બીજી તરફ ખ્રિસ્તી ધર્મના વિવિધ સંપ્રદાયોની ખફગી વહોરી. આથી 1589માં સ્થાનિક ચર્ચે તેમનો બહિષ્કાર કર્યો. ખ્રિસ્તી નીતિશાસ્ત્ર સામેની તેમની ટીકાઓ ચાલુ જ રહી. 1591ના ઑગસ્ટમાં મોસેનિગોના આમંત્રણથી બ્રૂનોએ ઈટાલી પાછા કરવાનો નિર્ણય લીધો જે આત્મઘાતી નીવડ્યો. અલબત્ત, તે સમયે આ પગલું દુ:સાહસ નહોતું લાગતું. ઈટાલીમાં વેનિસનું રાજ્ય સૌથી વધુ ઉદારમતવાદી ગણાતું હતું. પોતાના વિચારોની અભિવ્યક્તિ માટે બ્રૂનો યોગ્ય વ્યાસપીઠની તલાશમાં હતા. પણ મે, 1592માં વેનિસ ખ્રિસ્તી ધાર્મિક ન્યાયસભા (Venetian Inquisition) એ, આવી પાખંડી પ્રવૃત્તિઓ બદલ તેમની ધરપકડ કરી તેમના પર કામ ચલાવ્યું. રોમન કૅથલિક સંપ્રદાયની ધાર્મિક ન્યાયસભા પણ વેનિસના ચર્ચની સાથે તેમની સામે જોડાઈ ગઈ. અંતે તેમને આ મુકદ્દમામાં તકસીરવાર ઠેરવી 27 જાન્યુઆરી, 1593ના રોજ સાત વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી. ત્યારબાદ તેમણે ધાર્મિક ન્યાયસભાના સભ્યોને સત્ય સમજાવવા સતત પ્રયાસ કર્યો. જેમાં તેમણે ધાર્મિક નહિ પરંતુ ફિલસૂફી પર માન્યતાઓ રજૂ કરી હતી તેમ દર્શાવવા પ્રયત્ન કર્યો. તેમના સિદ્ધાંતો બિનશરતી રીતે પાછા ખેંચી લેવા આ ન્યાયસભાના સભ્યોએ આગ્રહ રાખ્યો, જેનો ઇન્કાર કરતાં જ 8 ફેબ્રુઆરી, 1600ના રોજ મોતની સજા માટે તેમની સામે કામ ચલાવવામાં  આવ્યું અને છેવટે 17 ફેબ્રુઆરીના રોજ આ મહાન વિચારકને મોઢે ડૂચા દઈ જીવતા જલાવી દેવામાં આવ્યા.

સત્તરમી સદીના વૈજ્ઞાનિક વિચારો અને ચિંતન પર તેમનો ભારે પ્રભાવ રહ્યો. અઢારમી સદીથી તેમના વિચારોને ઘણા આધુનિક ચિંતકો દ્વારા સમર્થન અપાયું. વિચારસ્વાતંત્ર્યની હિમાયત કરનાર આ ચિંતકે યુરોપમાં ઓગણીસમી સદીમાં ઉદારમતવાદી આંદોલનને સમર્થન પૂરું પાડ્યું અને ઇટાલીના રાષ્ટ્રીય ઐક્યના આંદોલનને પણ તેનાથી વેગ મળ્યો. તેઓ ઇતિહાસની મહાન પ્રતિભા અને આધુનિક સંસ્કૃતિના માનવકેંદ્રી અગ્રદૂત બની રહ્યા. સ્પિનોઝા અને લિબનીઝ જેવા ચિંતકો પર તેમનો ઘેરો પ્રભાવ રહ્યો.

‘ધી એરા વેડ્નસ્ડે’ (1584)ની ગ્રંથાવલિ તેમનું મહાન પ્રદાન છે. એના છ ગ્રંથોમાંના ત્રણ ગ્રંથો વિશ્વવિદ્યા (cosmology) અને ત્રણ ગ્રંથો વિશ્વના સિદ્ધાંતો અંગે છે. ‘કન્સર્નિંગ ધ કૉઝ પ્રિન્સિપલ ઍન્ડ વન’(1584)માં તેમણે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોની વિશદ છણાવટ કરી છે. ‘ઑન ધ ઇન્ફિનિટ યુનિવર્સ ઍન્ડ વર્લ્ડ્ઝ’માં તેમણે વિશ્વવિદ્યા વિષયક વિચારો સ્પષ્ટતાથી વ્યક્ત કર્યા છે. ‘ધ એક્સપ્લોઝન ઑવ્ ધ ટ્રાઇફન્ડ બીસ્ટ’ (1584), ‘કેબલ ઑવ્ ધ હૉર્સ પૅગસસ’ (1585), અને ‘ધ હિરોઇક ફેન્ઝાઇસ’ (1585)માં ધર્મ અને નીતિ અંગેનું ચિંતન છે. આ મૂળભૂત ગ્રંથો ઉપરાંત તેમણે ‘લેક્ચર્સ ઑન જ્યૉમેટ્રી’, ‘આર્ટ ઑવ્ ડિફૉર્મેશન’ જેવા અન્ય ઘણા ગ્રંથો પણ રચ્યા છે.

શિવપ્રસાદ મ. જાની

રક્ષા મ. વ્યાસ