બ્રૂનેલેસ્કી, ફિલિપ્પો

January, 2001

બ્રૂનેલેસ્કી, ફિલિપ્પો (જ. 1377, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 1446) : સ્થાપત્યમાં રેનેસાં શૈલીનો પ્રારંભ કરનાર ઇટાલિયન સ્થપતિ. પોતાની કારકિર્દી તેમણે શિલ્પી તરીકે શરૂ કરી હતી, પરંતુ તેમાં સફળતા ન મળતાં તેઓ દોનતેલ્લો સાથે 1402માં રોમ ગયા. અહીં તેમણે પ્રાચીન રોમન સ્થાપત્યનો અભ્યાસ કર્યો. રેનેસાં દરમિયાન પ્રાચીન સ્થાપત્યના ચોક્કસ પ્રમાણમાપ લેનાર તેઓ પ્રથમ હતા. ત્રિપરિમાણી સૃષ્ટિને કાગળ પર ઉતારવાની તેમની નેમ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યની શોધમાં પરિણમી.

ચોક્કસ પ્રમાણ-માપના સમન્વય સાથેનું ફિલિપ્પો બ્રૂનેલેસ્કીનું એક ઉત્કૃષ્ટ સ્થાપત્ય સર્જન

1417થી 1419 સુધી તેમણે ‘ફ્લોરેન્સ કેથિડ્રલ’ના ઘુમ્મટનાં ડિઝાઇન અને નિર્માણનું યશસ્વી કાર્ય પાર પાડ્યું. તેમાં બ્રૂનેલેસ્કીની ઇજનેરી વિદ્યાને લગતી પ્રતિભા પણ ઝળકી ઊઠી. ઘુમ્મટનું વિરાટ કદ બાંધકામ માટે એક વિઘ્ન હતું. આ વિઘ્નને બ્રૂનેલેસ્કીએ બધી જ પ્રણાલીઓ ફગાવી દઈને પોતાની આગવી સૂઝ મુજબ દૂર કર્યું. આ માટે તેમણે ઘુમ્મટનું નિર્માણ અંદરના તથા બહારના એમ બે વિશાળ કોચલારૂપે કર્યું. (આંતરિક ઘુમ્મટ બાહ્ય ઘુમ્મટને આધાર આપવાનું કાર્ય કરે છે.) તત્કાલીન ગૉથિક પ્રણાલીના સ્થાપત્ય મુજબ આને સ્થાને જો એક જાડો નક્કર ઘુમ્મટ બનાવ્યો હોત તો તેથી ઘુમ્મટનું વજન ખૂબ વધી જાત.

1419માં ફ્લૉરેન્સ નગરના ધનાઢ્ય મેડિચી કુટુંબે ‘સેન્ટ લૉરેન્ઝો’ ચર્ચમાં નવું ‘મેડિચી ચૅપલ’ (સેક્રિસ્ટી – પવિત્ર ચીજવસ્તુઓનો કોઠાર) ઉમેરવા માટે બ્રૂનેલેસ્કીને સ્થપતિ તરીકે નિયુક્ત કર્યા. આ ‘મેડિચી ચૅપલ’ની ડિઝાઇનથી મૅડિચી કુટુંબ એટલું બધું પ્રભાવિત થઈ ગયું કે તેમણે બ્રૂનેલેસ્કીને સમગ્ર ‘સૅન્ટ લૉરન્ઝો’ ચર્ચ નવેસરથી ડિઝાઇન કરવાનું કાર્ય સોંપ્યું. બાંધકામ 1421માં શરૂ થયું, પણ તેનું આંતરિક બાંધકામ બ્રૂનેલેસ્કીના મૃત્યુ પછી 20 વરસ બાદ 1469માં પૂરું થયું. બહારનું બાંધકામ તો હજી આજે પણ અપૂર્ણ છે. આમ છતાં, બ્રૂનેલેસ્કીના સ્થાપત્યલક્ષી આદર્શોને ક્લારસિકો સમક્ષ મૂકવામાં સેન્ટ લૉરેન્ઝો સફળ થયું છે. સેન્ટ લૉરેન્ઝોના બાંધકામના આયોજનમાં આખી ડિઝાઇન ચોરસ એકમો વડે થઈ છે, જે તેની નવીનતા છે. આ ચર્ચમાં પેસતાં જ ગૉથિક ચર્ચના લાગણીભર્યા ઉમળકાને સ્થાને રેનેસાંના કડક શિસ્તના વાતાવરણનો અનુભવ થાય છે. બ્રૂનેલેસ્કીની આ ડિઝાઇન અગિયારમી અને બારમી સદીમાં બંધાયેલ પિઝા કેથિડ્રલને મળતી આવે છે, કારણ કે બ્રૂનેલેસ્કીને ગોળાકાર કમાન અને સ્તંભ પસંદ હતા તેમાં જ તેમને પ્રાચીન પ્રશિષ્ટતા(classical antiquity)નાં દર્શન થતાં હતાં. આમ છતાં બ્રૂનેલેસ્કીની સેન્ટ લૉરેન્ઝોની ડિઝાઇન રોમનસ્ક શૈલીમાં બંધાયેલ મધ્યકાલીન પિઝા કેથિડ્રલ કરતાં વધુ ઉત્કૃષ્ટ એ અર્થમાં કહી શકાય કે તેની એ ડિઝાઇનમાં રહેલ પારદર્શક સરળતા અને ચોકસાઈનો પિઝા કેથીડ્રલમાં  અભાવ છે. પિઝા કેથિડ્રલમાં જાડા અને એકબીજાની નજીક ગોઠવેલ સ્તંભ ચર્ચના એક ભાગમાંથી બીજા ભાગમાં જોતી વેળાએ વિઘ્નરૂપ બને છે. આ ખામીનું બ્રૂનેલેસ્કીએ સેન્ટ લૉરેન્ઝોમાં નિવારણ કર્યું છે.

પ્રાચીન સ્થાપત્ય પ્રત્યેનો બ્રૂનેલેસ્કીનો આ લગાવ માત્ર પ્રાચીનતા પ્રત્યેના પ્રેમમાંથી જન્મ્યો નહોતો. પ્રાચીન સ્થાપત્યનું પ્રત્યેક અંગ એકબીજાનું પ્રમાણ નક્કી કરવામાં ઘટકરૂપ હતું. વર્તુળ દ્વિપરિમાણ માટે અને દડો ત્રિપરિમાણ માટે આદર્શ સ્વરૂપ છે એમ સ્વીકારીને પ્રાચીન સ્થાપત્યનો વિકાસ થયો હતો. રેનેસાંકાળમાં આ આદર્શોનો પુનરુદ્ધાર કરી બ્રૂનેલેસ્કીએ જે શૈલી વિકસાવી તે રેનેસાં શૈલીના સ્થાપત્ય તરીકે ઓળખાઈ. સ્થાપત્યને તેઓ સાંગીતિક સંવાદિતા(musical harmony)નું ચાક્ષુષરૂપ ગણતા હતા.

અમિતાભ મડિયા