બ્રૂન્સ્ટેડ, જૉહાન્સ નિકોલસ

January, 2001

બ્રૂન્સ્ટેડ, જૉહાન્સ નિકોલસ (જ. 22 ફેબ્રુઆરી 1879, વાર્ડે, ડેન્માર્ક; અ. 17 ડિસેમ્બર 1947, કોપનહેગન) : રસાયણશાસ્ત્રમાં અત્યંત ઉપયોગી એવો ઍસિડ-બેઝ ખ્યાલ વિકસાવનાર ડેનિશ રસાયણજ્ઞ. સિવિલ એન્જિનયરના પુત્ર જૉહાન્સ નિકોલસે 1899માં રાસાયણિક ઇજનેરીની પદવી મેળવી અને કોપનહેગન યુનિવર્સિટીમાંથી 1908માં રસાયણની ડૉક્ટરેટ મેળવી. તે અરસામાં જ તેઓ ભૌતિક અને અકાર્બનિક રસાયણના પ્રાધ્યાપક બન્યા. તેમના સંશોધનમાં વિદ્યુત-રસાયણ તથા પ્રક્રિયાગતિકીમાં ઉષ્માગતિકીના ઉપયોગની બાબત મુખ્ય હતી.

1923માં ઍસિડ અને બેઝની વ્યાખ્યા રજૂ કરનાર તરીકે તેઓ ખૂબ જાણીતા થયા. આ જ વ્યાખ્યા કેમ્બ્રિજમાં ટી. એન. લૉરીએ પણ સ્વતંત્ર રીતે રજૂ કરી હતી. આથી આને બ્રૂન્સ્ટેડ-લૉરી વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા અનુસાર જે સંયોજન પ્રોટોન ગુમાવવાની ક્ષમતા ધરાવે તેને ઍસિડ તથા પ્રોટોન સ્વીકારવાની ક્ષમતા ધરાવે તેને બેઝ કહે છે.

બ્રુન્સ્ટેડ 1929માં યેલ (Yale) ખાતે મુલાકાતી પ્રાધ્યાપક રહ્યા હતા. 1935માં તેઓ રોયલ સોસાયટીના ફેલો પણ બન્યા હતા.

જ. પો. ત્રિવેદી