બ્રિટિશ હિંદસેના : ભારતમાં બ્રિટિશ સરકારનું લશ્કર. ઈ. સ. 1858માં ભારતની સરકારનો વહીવટ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તાજને સોંપી દીધો. તે પછી લશ્કરની પુનર્રચનાનો પ્રશ્ન સૌથી વધુ મહત્વનો હતો. બળવાના બનાવમાંથી અંગ્રેજોએ ત્રણ સિદ્ધાંતો ઘડ્યા હતા : (1) બ્રિટિશ સૈનિકોની સંખ્યા વધારવી અને ભારતીય સૈનિકો ઘટાડવા; (2) કોઈ એક કોમના સૈનિકો એકતા ન કરે તે માટે ભારતીય ટુકડીઓમાં બધી જ્ઞાતિઓ અને વર્ગોના લોકોની મિશ્ર ટુકડીઓ રચવી; (3) તોપખાનામાંથી શક્ય હોય ત્યાં સુધી ભારતીયોને દૂર કરવા. 1857ના વિપ્લવ પછીનાં પચાસ વર્ષ સુધી લશ્કરની નીતિમાં આ વિચારોનું પ્રભુત્વ રહ્યું હતું. બ્રિટિશ સૈનિકોમાં સ્થાનિક યુરોપીય લોકો નહિ, પરંતુ યુરોપમાંથી ભરતી કરેલા સૈનિકો રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તે વખતે આશરે 16,000 યુરોપીય સૈનિકો તાજની સેવામાં મૂકીને તેમને સેવા માટે કોઈ પણ સ્થળે મોકલવાની નીતિને અધીન બનાવવામાં આવ્યા. આ વ્યવસ્થાનો સ્થાનિક યુરોપીય સૈનિકોએ વિરોધ કર્યો. તેને White Mutiny કહે છે. તેમણે ઘણો અસંતોષ વ્યક્ત કર્યો, આજ્ઞાભંગ કર્યો અને બેવફાદારી દાખવી. તેમનામાંથી 10,000 સૈનિકો છૂટા થઈ ગયા. બંગાળ, મદ્રાસ (ચેન્નઈ) અને મુંબઈનું તોપખાનું અને ભારતીય ઇજનેરી શાખાને રૉયલ આર્ટિલરી અને રૉયલ એન્જિનિયર્સ સાથે જોડી દેવામાં આવ્યાં. 1860ના કાયદા દ્વારા ભારતમાં સ્થાનિક સેવા માટે અલગ દળ તરીકે યુરોપીય સૈનિકોની વ્યવસ્થા દૂર કરવામાં આવી. 1863માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નૌકાદળની કામગીરી રૉયલ નેવીને સોંપવામાં આવી.

લશ્કરની પુનર્રચનાની સલાહ આપવા માટે નીમવામાં આવેલા રૉયલ કમિશને ભલામણ કરી કે બ્રિટિશ સેના 80,000ની હોવી જોઈએ અને દેશી સૈનિકોનું પ્રમાણ બંગાળના લશ્કરમાં 2 : 1નું તથા મદ્રાસ તેમ જ મુંબઈના લશ્કરમાં 3 : 1નું રાખવું. બીજી ભલામણ દેશી ટુકડીઓની રચના બધી જ્ઞાતિઓ અને બધા વર્ગોને આવરી લેતી મિશ્ર રૂપની રાખવા અંગેની હતી. પુનર્રચના કર્યા બાદ દેશી સૈન્યો નીચે મુજબ હતાં :

ઘોડેસવાર ટુકડીઓ તોપખાનાની ટુકડીઓ પાયદળની ટુકડીઓ
બંગાળની સેના 19 49
મદ્રાસની સેના 4 40
મુંબઈની સેના 7 2 30
પંજાબ સરહદ દળ 6 5 12
સ્થાનિક દળ 2 5
હૈદરાબાદની ટુકડીઓ 4 4 6

બંગાળની સેનાના એક ભાગ તરીકે ગુરખાઓની ચાર ટુકડીઓ અને પાંચમી પંજાબ સરહદ દળના એકમ તરીકે હતી. દેશી સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરી બ્રિટિશ સૈનિકો વધારવામાં આવ્યા હતા. પુનર્રચના કર્યા બાદ 1864માં સમગ્ર લશ્કરમાં કુલ 2,05,000 સૈનિકોની સંખ્યામાં 65,000 બ્રિટિશ અને 1,40,000 ભારતીય સૈનિકો હતા. એડિસકોમ્બી ખાતે આવેલ કંપનીની લશ્કરી કૉલેજ બંધ કરવામાં આવી. સ્ટાફ કોરની બધી નવી નિમણૂકો બ્રિટિશ સેનામાંથી કરવામાં આવતી. બાર વર્ષની નોકરી પછી અફસરો કૅપ્ટન, વીસ વર્ષ પછી મેજર, છવ્વીસ વર્ષ પછી લેફ્ટનન્ટ-કર્નલ અને એકત્રીસ વર્ષ બાદ કર્નલ બનતા. પાછળથી આ સમયમર્યાદા ઘટાડવામાં આવી. ઉપર્યુક્ત પુનર્રચનામાં ઘણાં વર્ષો સુધી ફેરફાર થયો નહોતો. આમ છતાં લૉર્ડ લિટનના સમયમાં દ્વિતીય અફઘાન યુદ્ધ (1878–80) થયું ત્યારે લશ્કરમાં સુધારા કરવાની આવશ્યકતા જણાઈ. લિટને નીમેલા કમિશને કરેલ ભલામણો અનુસાર 1881માં દેશી ઘોડેસવારની તથા દેશી પાયદળની ટુકડીઓ ઘટાડીને દરેક ટુકડીની સંખ્યા વધારવામાં આવી. રશિયા સાથે યુદ્ધનો ભય અને બર્મા (મ્યાનમાર) સાથેની લડાઈને કારણે બ્રિટિશ અને દેશી સૈનિકોની સંખ્યા વધારીને અનુક્રમે 73,500 અને 1,54,000ની કરવામાં આવી. બહારના દેશોના ભયને લીધે ભારતમાંના બ્રિટિશ લશ્કરને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવ્યું. 1873થી જૂના હિન્દુસ્તાની (રજપૂત, બ્રાહ્મણ વગેરે) અને દક્ષિણવાસીઓને બદલે શીખ, પઠાણ અને ગુરખા જેવી લડાયક જાતિઓના સૈનિકોની ભરતી કરવામાં આવી. 1891માં ત્રણ ઇલાકાની સેનાના સ્ટાફકોરને એક ઇન્ડિયન સ્ટાફકોરમાં ભેગું કરવામાં આવ્યું. 1893ના મદ્રાસ ઍન્ડ બૉમ્બે આર્મીઝ ઍક્ટ દ્વારા મદ્રાસ અને મુંબઈના કમાન્ડર-ઇન-ચીફના હોદ્દા નાબૂદ કરવામાં આવ્યા. સ્થાનિક સરકારોનો લશ્કર ઉપરનો અંકુશ ખેંચી લેવામાં આવ્યો. આ કાયદાનો અમલ એપ્રિલ 1895થી કરવામાં આવ્યો.

તાજના નિયમિત સૈન્ય ઉપરાંત લશ્કરી હેતુ માટે સરકાર દ્વારા ઇમ્પીરિયલ સર્વિસ ટ્રુપ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. બીજા અફઘાન વિગ્રહ દરમિયાન પંજાબનાં કેટલાંક રાજ્યોએ આપેલી ટુકડીઓએ નોંધપાત્ર સેવાઓ બજાવી હતી. તેથી 1889માં ઇમ્પીરિયલ સર્વિસ ટ્રુપ્સની રચના કરવામાં આવી. શાંતિના સમયમાં તે સેના રાજ્યોના અંકુશમાં રહેતી. દેશી રાજ્યો તે માટે ખર્ચ કરતા. ગવર્નર જનરલ લૉર્ડ કર્ઝનને સરસેનાપતિ લૉર્ડ કિચનર સાથે ભારતમાં લશ્કરી તંત્રને લગતા સુધારાની બાબતમાં મહત્વનો વિવાદ પેદા થયો હતો અને આખરે કમાન્ડર-ઇન-ચીફને ભારત સરકાર હેઠળ, લશ્કરી તંત્ર માટે જવાબદાર ગણવામાં આવ્યો હતો.

બ્રિટિશ સામ્રાજ્યનાં હિતો સાચવવા માટે, ભારતમાં વિશાળ લશ્કરનો ખર્ચ આ દેશનાં આર્થિક સાધનોમાંથી કરવામાં આવતો હતો. ભારતમાંના બ્રિટિશ સૈનિકોનો બધો ખર્ચ ભારતની આવકમાંથી થતો હતો. 1876થી ભારતમાંના લશ્કર માટે ઘણો વધારે ખર્ચ થતો હતો. 1904–05માં ભારત સરકારની કુલ આવકના 46 % ખર્ચ લશ્કર માટે થતો હતો.

યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે 1914માં ભારતના લશ્કરની ટુકડીઓ ફ્રાંસ અને તે પછી પૂર્વ આફ્રિકા, ઇજિપ્ત મેસોપૉટેમિયા, પેલેસ્ટાઇન, એડન અને ઈરાની અખાત વિસ્તારમાં મોકલવામાં આવી હતી. યુદ્ધ અગાઉ ભારતીય લશ્કરમાં પ્રતિવર્ષ આશરે 15,000 સૈનિકોની ભરતી થતી હતી, પરંતુ વિશ્વયુદ્ધને કારણે તેમાં નોંધપાત્ર વધારો થયો. વર્ષના અંતે મે 1917 સુધીમાં 1,21,000 અને મે 1918 સુધીમાં વર્ષ દરમિયાન 3,00,000 માણસોની ભરતી કરવામાં આવી હતી. સૈનિકો અને બિન-સૈનિકોની કુલ ભરતી પાંચ લાખ સુધી પહોંચી. ગવર્નર જનરલ લૉર્ડ હાર્ડિંજના જણાવ્યા મુજબ બ્રિટિશ અને ભારતીય બંનેની ઘોડેસવાર, પાયદળ અને તોપખાનાની ટુકડીઓ વિદેશોમાં લડવા માટે મોકલવામાં આવી હતી.

છેલ્લી અડધી સદી કરતાં વધુ વર્ષોથી ભારતીયોમાં એવી લાગણી પ્રવર્તતી હતી કે લશ્કરમાં ભારતીયોને અફસર બનાવવામાં આવતા નથી. લશ્કરી અફસરની આવશ્યક યોગ્યતાઓમાં ભારતીયો કરતાં અંગ્રેજો ચઢિયાતા છે એવી માન્યતાને લીધે આમ બનતું હતું. 1857ના મહાન વિપ્લવ બાદ આ જાતીય પૂર્વગ્રહમાં ભય અને અવિશ્ર્વાસની લાગણીનો ઉમેરો થયો. તેથી ભારતીયોને અફસરોના હોદ્દાથી બાકાત રાખવાની સરકારની ઇરાદાપૂર્વકની નીતિ બની ગઈ. 1918 સુધી ભારતીયોને વાઇસરૉયના કમિશન સુધીનો હોદ્દો આપવામાં આવતો. ભારતીય સૈનિકોને વર્ષોના અનુભવ બાદ બઢતી દ્વારા મળતો આ હોદ્દો નવા જોડાતા બ્રિટિશ લશ્કરી અફસરથી નીચો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ બતાવેલ બહાદુરી, વીરતા અને બલિદાનની ભાવનાને લીધે સરકારે આ નીતિ બદલવી પડી. 1918માં ભારતીયોને કિંગ્સ કમિશન માટે લાયક ગણવામાં આવ્યા. સરકારે લશ્કરના ભારતીયકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો. 1921માં નીમવામાં આવેલી શિયા સમિતિએ 30 વર્ષમાં અફસરોના હોદ્દાનું સંપૂર્ણ ભારતીયકરણ કરવાની યોજના ઘડી. અફસરોને તાલીમ આપવાના હેતુથી 1932માં દહેરાદૂનમાં મિલિટરી એકૅડેમી સ્થાપવામાં આવી. તેનાથી કમિશન્ડ અફસરોની સંખ્યા બમણી થવા છતાં, સમિતિની ભલામણ કરતાં તે સંખ્યા ઘણી ઓછી હતી. સપ્ટેમ્બર 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે ભારતીય સેનામાં કિંગ્સ કમિશન ધરાવતા માત્ર 500 ભારતીયો હતા; પરંતુ વિશ્વયુદ્ધને લીધે એ નીતિમાં નોંધપાત્ર પરિવર્તન કરવું પડ્યું. યુદ્ધની તાતી જરૂરિયાત સમક્ષ જાતીય પૂર્વગ્રંથિ અને કાર્યક્ષમતા વિશેની દલીલો ભુલાઈ ગઈ. તાત્કાલિક કમિશન આપીને ભારતીય કમિશન્ડ અફસરોની સંખ્યા 8,000ની કરવામાં આવી. લડાયક અને બિન-લડાયક જાતિઓના કૃત્રિમ ભેદભાવ દૂર કરીને સમગ્ર દેશના બધા લોકોમાંથી ભરતી કરવામાં આવી. વિશ્વનાં વિવિધ યુદ્ધક્ષેત્રોમાં ભારતીય સૈનિકો અને અફસરોએ દર્શાવેલ બહાદુરી અને યુદ્ધકૌશલ્યની અંગ્રેજોએ ભારે પ્રશંસા કરી અને લશ્કરના ભારતીયકરણની નીતિને વધાવી લીધી. ભારતીય સેનાએ મધ્યપૂર્વ, યુરોપ, ઇજિપ્ત, ઇરાક અને અગ્નિ એશિયામાં મલાયા, સિંગાપુર, બર્મા (મ્યાનમાર) વગેરે દેશોમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. ઑગસ્ટ 1947માં દેશનું વિભાજન થયું અને  સ્વતંત્રતા મળી. ત્યારે ભારતીય સેનાનું પણ વિભાજન કરવામાં આવ્યું હતું.

જયકુમાર ર. શુક્લ