બ્રિયાંડ, એરિસ્ટાઇડ

January, 2001

બ્રિયાંડ, એરિસ્ટાઇડ (જ. 28 માર્ચ 1862, નાન્ટેસ, ફ્રાન્સ; અ. 7 માર્ચ 1932, પૅરિસ) : ફ્રાન્સના અગ્રણી મુત્સદ્દી તથા 1926ના શાંતિ નોબેલ પારિતોષિકના સહવિજેતા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) પછીના ગાળામાં વિશ્વશાંતિ માટે તેમણે કરેલા સઘન પ્રયાસોને લીધે તેઓ વિશ્વભરમાં અને ખાસ કરીને યુરોપનાં રાજકીય વર્તુળોમાં ખૂબ જાણીતા બન્યા હતા.  ફ્રાન્સમાં તેઓ અગિયાર વાર પ્રધાનમંત્રી તથા 1925–32ના ગાળામાં લગભગ સળંગ ફ્રાન્સના વિદેશપ્રધાન રહ્યા હતા. 1906–32ના ગાળામાં તેમણે ફ્રાન્સની સરકારમાં છવ્વીસ જેટલાં મંત્રીપદ ભોગવ્યાં હતાં.

એરિસ્ટાઇડ બ્રિયાંડ

કાયદાશાસ્ત્રના અભ્યાસ દરમિયાન તેઓ ડાબેરી વિચારસરણીના સંપર્કમાં આવ્યા હતા તથા તે વિચારસરણીના ત્રણ વૃત્તપત્રો અને સામયિકોના તંત્રી રહ્યા. 1904માં જિન જૉર્સ સાથે મળીને બંનેએ ‘લા હ્યુમાનિટી’ નામના વૃત્તપત્રની શરૂઆત કરી હતી. તે પૂર્વે 1894માં દેશના સમાજવાદીઓને એક સૂત્રમાં બાંધી તેમણે સમગ્ર દેશના કામદારોની હડતાળનું નેતૃત્વ કર્યું હતું. દેશની સંસદમાં દાખલ થવા માટેના ત્રણ સળંગ નિષ્ફળ પ્રયાસો પછી 1902માં તેઓ ચૂંટાઈ આવ્યા અને અવસાન સુધી સંસદના ઉપલા ગૃહના સભ્ય રહ્યા. સમાજવાદી પક્ષના મહામંત્રી-પદે તેમણે કામ કર્યું હતું. ચર્ચ અને રાજ્યતંત્ર એકબીજાંથી અલાયદાં રહે તે માટે 1905માં જે ખરડો પસાર કરવામાં આવ્યો તેના ઘડતરમાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી. તેમની આ સફળતાને કારણે જ તેમને દેશની સરકારમાં પ્રધાનપદ આપવામાં આવ્યું હતું અને એ રીતે તેઓ 1906થી 1932ના ગાળામાં અગિયાર વાર પ્રધાનમંત્રી બન્યા હતા. વિશ્વશાંતિની તરફેણમાં તેમણે ઉપાડેલ ઝુંબેશના ભાગ રૂપે તેમણે લીગ ઑવ્ નૅશન્સની સ્થાપનાને સક્રિય ટેકો આપ્યો. ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ અને જર્મનીના નેતાઓ સાથેની મંત્રણાઓના પરિણામ રૂપે તેમણે જર્મની અને તેના ભૂતપૂર્વ શત્રુઓ વચ્ચે ‘લોકાર્નો સંધિ’ (1925) હેઠળ સુલેહશાંતિ પ્રસ્થાપિત કરી તથા ‘કેલૉગ-બ્રિયાંડ સમજૂતી’ દ્વારા 60 જેટલા દેશો પાસેથી યુદ્ધને બહિષ્કૃત કરવાના ઘોષણાપત્ર પર સ્વીકૃતિ મેળવી (1928). 1929–30 દરમિયાન તેમણે યુરોપીય દેશોના સંઘની સ્થાપનાનો ખ્યાલ રજૂ કર્યો. 1932માં યોજાયેલ દેશના પ્રમુખપદની ચૂંટણીમાં તેમનો પરાજય થતાં તેમણે રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી.

1926ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના તેમના સહવિજેતા જર્મનીના ગુસ્તાવ સ્ટ્રેસમન (1878–1929) હતા.

પુષ્કર ગોકાણી