બોહરિયમ (bohrium) : આવર્તક કોષ્ટકમાંની અનુએક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Bh; પરમાણુક્રમાંક 107. DSI.

ડર્મસ્ટેટ ખાતે શીત-સંગલન (cold fusion) પ્રક્રિયા દ્વારા આ તત્વ મેળવવામાં આવ્યું હતું. 1981માં આ તત્વ (107) માટે 209Bi-ની પાતળી પતરી (વરખ, foil) ઉપર આયનીકૃત 54Cr પરમાણુઓના પ્રવેગિત પુંજ(beam)નો મારો ચલાવીને તે મેળવવામાં આવેલું. અંદર આવતા પુંજમાંથી પ્રક્રિયા-પ્રતિક્ષિપ્તો(reaction recoils)ને ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રોની બનેલી વેગ-ગળણી (velocity filter) દ્વારા અલગ કરવામાં આવેલાં. આ રીતે 262107ના પાંચ પરમાણુઓ પારખવામાં આવ્યા હતા અને તેમનું લક્ષણચિત્રણ (characterization) કરવામાં આવેલું. આ તત્વનું અર્ધઆયુ 102  26 મિ.સેકન્ડ પ્રસ્થાપિત થયું છે. તત્ત્વનો અન્ય સમસ્થાનિક 261107 પણ જોવા મળ્યો છે.

જ. દા. તલાટી